‘હર ઘર કુછ કહતા હૈ’, ‘સસુરાલ ગેંદા ફૂલ’, ‘ક્રાઇમ પૅટ્રોલ’, દો દિલ એક જાન’ જેવા અનેક ટીવી-શો કરી ચૂકેલી ટીવી સ્ટાર રિધિમા તિવારી આ વાતને દૃઢપણે માને છે
રિધિમા તિવારી
રિધિમા કહે છે કે જો વ્યક્તિ પોતાની ડાયટ સિસ્ટમમાં બૅલૅન્સ લાવે તો એ પચાસ ટકા હેલ્ધી બની જાય. રિધિમાની ખાસિયત એ છે કે તે ફિટનેસ કરતાં વેલનેસને વધુ મહત્ત્વ આપે છે અને એવું જ કરવાનું પોતાના ફૅન્સને પણ કહે છે
હું એ બાબતમાં બહુ લકી છું કે મારી આસપાસ સતત એવા લોકો રહ્યા જેઓ પોતાની હેલ્થને લઈને સભાન હતા. મારા પેરન્ટ્સથી માંડીને મારા હસબન્ડ સુધીના સૌ આવી જાય. મારા પેરન્ટ્સ ફિટનેસ અને વેલનેસને બહુ મહત્ત્વ આપે તો મારા હસબન્ડ પણ ઍક્ટિંગ સેક્ટરમાં હોવાથી ફિટનેસની બાબતમાં બહુ અલર્ટ છે. મે બી, એનું જ પરિણામ છે કે નાનપણથી લઈને આજ સુધી ફિટનેસની બાબતમાં હું ક્યારેય પાછળ નથી પડી. જ્યારે પણ હું વર્કઆઉટની બાબતમાં ડિમોટિવેટ થાઉં ત્યારે મારો મોટિવેશનનો ડોઝ મારી જ આજુબાજુ હોય. તેમને જોઈને હું ફરીથી એ જ મૂડમાં આવી જાઉં કે ચાલો, આ બધું તો કરવાનું જ હોય. ફિટનેસની બાબતમાં હું એક વાત ખાસ કહીશ.
ADVERTISEMENT
ફિટનેસ કરતાં વેલનેસને મહત્ત્વ આપજો, એ તમારા માટે બહુ જરૂરી છે.
વાત બહુ સિમ્પલ છે | માઇન્ડ, બૉડી અને સોલથી તમે હેલ્ધી હો એ જ ફિટનેસની સાચી વ્યાખ્યા છે. તમે માત્ર ફોર અને સિક્સ-પૅક ઍબ્સ રાખીને બેસો પણ તમને પોતાને ઇન્ટરનલ સારી ફીલિંગ્સ ન આવતી હોય તો એનાથી કશું વળવાનું નથી. તમને સારું ફીલ થવું બહુ જ જરૂરી છે.
મારી વાત કરું તો હું સ્ટ્રેચિંગ, સાઇક્લિંગ, રનિંગ જેવી ઍક્ટિવિટી કરું છું. મારા હસબન્ડ માર્શલ આર્ટમાં એક્સપર્ટ છે તો સમય મળે તેમની પાસે એના પણ જુદા-જુદા ફૉર્મ શીખતી રહું. વેઇટલિફ્ટિંગને બદલે હું બૉડી વેઇટ-ટ્રેઇનિંગને વધુ મહત્ત્વપૂર્ણ માનું છું. ઇન ફૅક્ટ, નિયમિત બૉડી વેઇટ-ટ્રેઇનિંગ માટે પણ સમય આપતી રહું. શૂટ હોય ત્યારે વર્કઆઉટ માટે સમય કાઢવો બહુ અઘરો હોય, કારણ કે ટીવી સિરિયલના શૂટિંગનાં કોઈ ફિક્સ ટાઇમટેબલ નથી હોતાં અને એ પછી પણ હું દરરોજ મારી જાતને મિનિમમ પંદર મિનિટ તો આપું જ આપું. સવારે જાગીને પંદર મિનિટ જાતને આપવાની એ મારો પર્સનલ નિયમ છે, જે હું કોઈ કાળે તોડતી નથી. આ પંદર મિનિટમાં ડીપ બ્રીધિંગ અને મેડિટેશન હોય. મેડિટેશન પછી હું દિવસના ખાસ કામ પર ફોકસ કરવાનું શરૂ કરું.
ડાયટ વિના છૂટકો નથી | માત્ર ફિઝિકલ બૉડી નહીં, પણ તમારી મેન્ટલ હેલ્થ માટે પણ ડાયટ મહત્ત્વની છે. ખોટી ડાયટને કારણે તમે માત્ર બૉડીથી નબળા નથી પડતા પણ તમે ઍન્ગ્ઝાયટી, પૅનિક અટૅક કે ડિપ્રેશનનો ભોગ પણ બની શકો છો. જે વેજિટેરિયન છે તેમને હું ખાસ ઍડ્વાઇઝ કરીશ કે તેમણે મલ્ટિ-વિટામિન્સની ટૅબ્લેટ્સ લઈને જે ન્યુટ્રિઅન્ટ્સ તેમને રેગ્યુલર ફૂડમાં નથી મળતાં એ મેળવવાનું કામ કરવું જોઈએ. મલ્ટિ-વિટામિન્સની ટૅબ્લેટ્સની બાબતમાં આપણે ત્યાં જેટલી નીરસતા છે એટલી દુનિયાના વેલ ડેવલપ્ડ કન્ટ્રીમાં જોવા નથી મળતી. હું પોતે પણ અમુક સબ્સ્ટિટ્યુટ લઉં છું.
ડાયટમાં બૅલૅન્સ મારી દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું છે. અમુક લોકો એવી પણ ડાયટ કરતા હોય છે જે શરીરને લાંબા ગાળે નુકસાનકારક હોય. નુકસાન ન જોઈતું હોય તો તમારા આહારમાં બહુ જ સભાનતા રાખો. અમુક લોકોની ડાયટમાં કાર્બ્સ નથી હોતા, કાર્બ્સનું પણ મહત્ત્વ તો છે જ. તમારી ઊંઘ અને એનર્જી કાર્બ્સ સાથે સંકળાયેલાં છે. અમુક લોકો માત્ર પ્રોટીનના રવાડે ચડેલા હોય. જોકે મારી દૃષ્ટિએ દરેક એલિમેન્ટ સંતુલિત રીતે તમારી ડાયટ સિસ્ટમમાં સંમિલિત હોય એ જરૂરી છે. હું પણ ખાવાની શોખીન છું અને ભાવતું ભોજન લઉં પણ છું. જોકે હું અકરાંતિયાની જેમ નથી ખાતી. અફકોર્સ, અમુક ફૂડ પણ એટલાં હેલ્ધી હોય છે કે તમે વધારે પણ ખાઈ લો તો વાંધો નથી આવતો. આ કૅટેગરીમાં જૅપનીઝ ફૂડ સૌથી બેસ્ટ છે. બહુ જ લિમિટેડ મસાલા એમાં હોય છે અને એ ફૂડમાં જે મસાલા હોય એ પણ ઓવરઑલ તો હેલ્ધી કહેવાય એવા હોય છે.
તમે જ તમારું મોટિવેશન
બહાર મોટિવેશન શોધવાની ઍડ્વાઇઝ હું ક્યારેય નહીં આપું. કોઈની સાથે જાતને કમ્પેર કરી તમે ક્યારેય વેલનેસને વધારી નહીં શકો. ઊલટું એનાથી સ્ટ્રેસ આવશે અને સ્ટ્રેસથી તમારી ફિટનેસ પર સીધી અસર દેખાડશે. તમારા ગોલ્સ જ તમારું બેસ્ટ મોટિવેશન બની શકે. તમે વેઇટ રિડ્યુસ કરશો તો ફલાણો ડ્રેસ પહેરી શકશો કે ફલાણી ઍક્ટિવિટી કરી શકશો એ વાત તમને વધુ મોટિવેટ કરશે. હું હંમેશાં મારી જાતને આ જ રીતે મોટિવેટેડ રાખું છું.
ગોલ્ડન વર્ડ્સ
મોટિવેટિંગ મ્યુઝિકને હેલ્થ ગોલ્સનો હિસ્સો બનાવો. સારું અને એનર્જેટિક સંગીત સાંભળો ત્યારે તમે ઑટોમૅટિકલી ચાર્જ થઈ જશો


