રામલલ્લાની ત્રણ ટનની ૫૧ ઇંચની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે માત્ર અયોધ્યા જ નહીં; આખા દેશના ઘર-ઘરમાં દીવા પ્રગટાવવા, ઠેર-ઠેરથી સ્પેશ્યલ ટ્રેનમાં દર્શનાર્થીઓને લાવવાની જોગવાઈ, સામૂહિક આરતી જેવાં એકથી એક ચડિયાતાં આયોજનો પ્રાણપ્રતિષ્ઠાના દિવસે
સુરતના ધર્મપ્રેમી દીપક ચોકસીએ સાત કિલો ૩૧ ગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરીને બનાવી રામમંદિરની પ્રતિકૃતિ
અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ પર હરખભેર પ્રભુ શ્રીરામની ત્રણ ટનની બાળસ્વરૂપની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરી ૨૦૨૪માં યોજાવા જઈ રહ્યો છે ત્યારે દેશ રામમય બની રહ્યો છે. પ્રાણપ્રતિષ્ઠાના દિવસે એકસાથે સમગ્ર વિશ્વમાં ધર્મપ્રિયજનો આરતી ઉતારીને પ્રભુનાં ઓવારણાં લેશે. અયોધ્યાની સાથે દેશભરમાં રાત્રે ઘરે-ઘરે દીવા પ્રગટાવીને દીપોત્સવ ઊજવાશે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત હજારો સાધુસંતો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપરાંત ૧૦૦ જેટલા દેશના પ્રતિનિધિઓને હરખનાં તેડાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા મોકલાયાં છે. શ્રી રામજન્મભૂમિ મંદિરના પરિસરમાં પ્રભુ શ્રીરામના મંદિર ઉપરાંત મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વસિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહિલ્યાનાં પણ મંદિરો બનશે. શિવમંદિરનો જીર્ણોદ્ધાર થશે તો રામભક્ત જટાયુરાજની પ્રતિમાની પણ સ્થાપના થશે. આ રૂડા અવસરે ગુજરાતમાં ૧૮ હજારથી વધુ ગામોમાં અક્ષત સાથે આમંત્રણ આપવામાં આવશે અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ૧૦ દિવસ અગાઉથી ગામેગામ આનંદ ઉત્સવ ઊજવાશે. મહોત્સવ પછી અયોધ્યામાં સતત ૪૪ દિવસ દર્શન કાર્યક્રમ ચાલશે જેમાં ભારતના ૪૪ પ્રાંતમાંથી રોજના અંદાજે પાંચ હજાર જેટલા દર્શનાર્થીઓ પ્રભુ શ્રીરામનાં દર્શન માટે આવશે જેના માટે અત્યારથી જ ટાઇમ-સ્લૉટ ફાળવી દીધા છે. ગુજરાતમાંથી સ્પેશ્યલ ટ્રેન દ્વારા ભક્તજનોને અયોધ્યા લઈ જવાશે. રામમંદિરમાં પ્રભુશ્રીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સાથે ૧૯૮૪માં રામજન્મભૂમિ આંદોલન શરૂ થયું હતું એ પૂરું થશે.
અયોધ્યાના રામમંદિરમાં પ્રભુ શ્રી રામલલ્લાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપતાં વિશ્વ હિન્દુ પરિષદ, ગુજરાતના મંત્રી અશોક રાવલ કહે છે, ‘જાન્યુઆરી ૨૦૨૪માં ૨૦, ૨૧ અને ૨૨ તારીખ એમ ત્રણ દિવસ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. ૧૯૮૪થી રામમંદિર જન્મભૂમિ આંદોલન શરૂ થયું હતું. આ આંદોલનમાં જેમણે-જેમણે સહયોગ કર્યો હતો તે સંતો, મહંતો, મહાનુભાવોને યાદ કરીને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં યોજાનારા આ મહોત્સવમાં અંદાજે સાત હજારથી વધુ સાધુસંતો, સમાજના શ્રેષ્ઠીઓ, કારસેવકોના પરિવારજનોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. મંદિરમાં જે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે એ મૂર્તિ માટે રાજસ્થાનથી પથ્થર મગાવીને ત્રણ શિલ્પીઓએ પ્રભુશ્રીની મૂર્તિ બનાવી છે. સમિતિને જે મૂર્તિ એકદમ પર્ફેક્ટ લાગશે એ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપની મૂર્તિની ગર્ભગૃહમાં વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા થશે. જોકે રામમંદિરને બનતાં હજી બે-પાંચ વર્ષનો સમય લાગશે. મંદિરનું કામ ચાલુ રહેશે. આ ઉપરાંત સરયુ નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે અને અયોધ્યાની થીમ પર રેલવે સ્ટેશન બનશે. પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અયોધ્યાનગરીને રોશનીથી શણગારાશે તેમ જ સાંજે સૂર્યાસ્ત બાદ સરયુ નદીના કિનારા સહિત સમગ્ર અયોધ્યાનગરી ઉપરાંત ભારતમાં ઘરે-ઘરે પાંચ-પાંચ દીવા પ્રગટાવવામાં આવશે અને દીપોત્સવ ઊજવાશે. પ્રાણપ્રતિષ્ઠા સમયે પ્રભુ શ્રીરામની આરતી થશે ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પણ ભક્તજનો આરતી ઉતારશે.’
ADVERTISEMENT
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ શરૂ થનારા દર્શન કાર્યક્રમ વિશે વાત કરતાં અશોકભાઈ કહે છે, ‘મહોત્સવ સંપન્ન થયા બાદ સળંગ ૪૪ દિવસ સુધી ભારતના ૪૪ પ્રાંતના લોકો દર્શન કરવા આવશે. દરેક પ્રાંતને એક-એક દિવસ ફાળવવામાં આવ્યો છે. આગલા દિવસે રાત્રે દર્શનાર્થીઓ આવશે, રાત્રિરોકાણ કરશે, સવારે સરયુ નદીમાં સ્નાન કરશે, ત્યાર બાદ પ્રભુ શ્રીરામનાં દર્શન કરશે, પ્રસાદ ભોજન કરશે અને સાંજે આરતી કરીને પરત રવાના થશે. ગુજરાતને દર્શન કરવા માટે ૧૨ ફેબ્રુઆરી ફાળવવામાં આવી છે. ગુજરાતમાંથી સ્પેશ્યલ ટ્રેન દ્વારા સાધુસંતો, કારસેવકો, તેમના પરિવારજનો, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, કાર્યકરો, મહાનુભાવોને યાદ કરીને તેમને લઈ જવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.’
અયોધ્યામાં રામમંદિરમાં સ્થપાનારી પ્રભુ શ્રીરામની મૂર્તિની વિગતો વિશે માહિતી આપતાં વિશ્વ હિન્દુ પરિષદ, ગુજરાતના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ ધીરુભાઈ કપૂરિયા કહે છે, ‘૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાની બાળસ્વરૂપ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થશે. આ મૂર્તિ ત્રણ ટનની હશે અને એની ઊંચાઈ ૫૧ ઇંચની હશે. પ્રભુ શ્રીરામચંદ્રજીની મૂર્તિ ઉપરાંત મંદિર પરિસરમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વસિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહિલ્યાનાં પણ મંદિરો બનશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૩૭ સંપ્રદાયના સાધુસંતો તેમ જ ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ પણ આવશે. સંતોની સેવા માટે ગુજરાતમાંથી ૧૯ લોકો ૧૩ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી જશે. ગુજરાતના ત્રણ પ્રાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી વિશ્વ હિન્દુ પરિષદના ત્રણ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષોને આમંત્રણ મોકલ્યાં છે. ગુજરાતના સંતો-મહંતો ઉપરાંત દ્વારકાના શંકરાચાર્યજી મહારાજ તેમ જ સોમનાથ મંદિર, પાવાગઢ મંદિર, ચોટીલા મંદિર, દ્વારકા મંદિર સહિતનાં મંદિરોના પૂજારીઓને પણ આમંત્રણ મોકલ્યું છે.’
પ્રાણપ્રતિષ્ઠાના શુભ અવસરે ગુજરાતમાં પણ રામઉત્સવ ઊજવાશે એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘૧થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન ગુજરાતમાં મહોત્સવના આમંત્રણ માટે સંપર્ક અભિયાન શરૂ થશે. ગુજરાતમાં એક કરોડ ઘર અને લોકો સુધી અમે પહોંચીશું અને એક કરોડ લોકોને અક્ષત સાથે આમંત્રણ આપીશું કે તેમના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સાથે પ્રભુ શ્રીરામનાં દર્શન માટે પધારજો. અમે ગુજરાતનાં ૧૮,૨૬૦ ગામોમાં સંપર્ક કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત ભારતનાં પાંચ લાખ ગામોમાં સંપર્ક કરીને આમંત્રણ અપાશે. પ્રાણપ્રતિષ્ઠાના ૧૦ દિવસ પહેલાંથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આનંદ ઉત્સવ ઊજવાશે. દરેક ગામમાં રામજી મંદિર, શિવ મંદિર સહિતનાં મંદિરોમાં ઉત્સવ ઊજવાશે. પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ગામ, મહોલ્લા, કૉલોનીમાં આવેલાં મંદિરોમાં રામભક્તો એકઠા થશે અને પ્રાણપ્રતિષ્ઠાનો લાઇવ કાર્યક્રમ સ્ક્રીન પર નિહાળશે. ભક્તજનો ભજન-કીર્તન કરશે, ઘંટનાદ કરશે અને આરતી ઉતારશે. આ દિવસો દરમ્યાન ‘શ્રીરામ જય રામ જય જય રામ’ મહામંત્રનો જાપ થશે. હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામરક્ષા સ્તોત્રના સામૂહિક પાઠ પણ થશે.’
સુરતના ધર્મપ્રેમી દીપક ચોકસીએ સાત કિલો ૩૧ ગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરીને બનાવી રામમંદિરની પ્રતિકૃતિ
અયોધ્યામાં રામમંદિર બની રહ્યું છે, પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાના અવસરે ચોમેર હર્ષ છવાયો છે અને ભક્તજનો કંઈક ને કંઈક યોગદાન આપી રહ્યા છે ત્યારે સુરતના ધર્મપ્રેમી દીપક ચોકસીએ સાત કિલો ૩૧ ગ્રામ ચાંદીનો ઉપયોગ કરીને રામમંદિરની પ્રતિકૃતિ બનાવી છે. આ રામમંદિર યોગી આદિત્યનાથને અર્પણ કરવાની તેમની ઇચ્છા છે.
ચાંદીના પતરાથી રામમંદિર બનાવવા પાછળનો હેતુ જણાવતાં સુરતના જ્વેલર દીપક ચોકસી કહે છે, ‘ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા રામમંદિરનું નિર્માણ આપણા જીવનકાળ દરમ્યાન થઈ રહ્યું છે એ આપણા માટે બહુ મોટી વાત કહેવાય. હજારો વર્ષની તપશ્ચર્યા પછી ભગવાન રામચંદ્રજીનું મંદિર બની રહ્યું છે એ આધ્યાત્મિક, ધાર્મિક અને સંસ્કારની દૃષ્ટિએ મહત્ત્વનું છે અને એની કિંમત અનેકગણી છે. પહેલાં હું ચાંદીમાંથી એક ફુટનું રામમંદિર બનવીને યોગી આદિત્યનાથજીને મળવા ગયો હતો. આ મંદિર જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. મંદિર જોતાં જ યોગીજીએ કહ્યું હતું કે આ મંદિરમાં મેરા રામલલ્લા ક્યાં છે? એમ કહીને તેમણે મંદિરની ધજા તેમ જ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ મૂકવા સહિત કેટલાક સુધારા સૂચવ્યા હતા. આ સુધારા પર ધ્યાન આપીને ફરી વાર લાકડાનું મોટું રામમંદિર બનાવી એને શુદ્ધ ચાંદીના પતરાથી મઢ્યું છે. આ મંદિર યોગી આદિત્યનાથજીને મોકલવાની ઇચ્છા છે. ચાંદીનું આ રામમંદિર અયોધ્યામાં રામમંદિર પરિસરમાં સચવાય એવી ઇચ્છા છે અને એ માટે તેમનો સંપર્ક કરી રહ્યો છું.’
ચાંદીના પતરાથી મઢીને બનાવેલા મંદિરની વિગતો જણાવતાં તેઓ કહે છે, ‘મંદિરની લંબાઈ ત્રણ ફુટની છે તથા પહોળાઈ અને ઊંચાઈ અઢી
ફુટની છે. મંદિરની આસપાસનો
ઢાંચો પાંચ ફુટ બાય ચાર ફુટનો છે. આ મંદિર બનાવતાં પહેલાં લાકડાનું મંદિર બનાવ્યું અને એના પર કુલ સાત કિલો ૩૧ ગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરીને ચાંદીના પતરાથી મંદિરને મઢ્યું છે. આ મંદિર બનાવતાં રાજસ્થાનના કારીગરોને ચાર મહિના લાગ્યા હતો. અમે રામમંદિરની પ્રતિકૃતિ બનાવવા પ્રયાસ કર્યો છે.’
અયોધ્યામાં ફ્લૅટ બુક કરાવો અને વર્ષના ૩૦ દિવસ રહો
અયોધ્યામાં પોતાનો ફ્લૅટ બનાવવો હશે તો એ થઈ શકશે અને વર્ષમાં ૩૦ દિવસ ત્યાં રહેવા પણ જઈ શકાશે એવી યોજના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બનવવામાં આવી છે. આ અંગે માહિતી આપતાં વિશ્વ હિન્દુ પરિષદ, ગુજરાતના મંત્રી અશોક રાવલ કહે છે, ‘અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યાત્રી ભવન બની રહ્યું છે. એમાં એવી યોજના બનાવી છે કે તમે એક ફ્લૅટ બુક કરાવો એટલે તમને ૩૦ વર્ષ સુધી દર વર્ષે વર્ષમાં ૩૦ દિવસ એ ફ્લૅટ ઉપયોગ કરવા માટે મળશે. તમે ૨૧ લાખ કે ૩૧ લાખ રૂપિયાનું દાન આપીને એક કે બે બેડરૂમનો ફ્લૅટ બુક કરાવી શકો છો. ફ્લૅટ બુક કરાવનાર વ્યક્તિને વર્ષમાં ૩૦ દિવસ આ ફ્લૅટનો ઉપયોગ કરવા મળશે. જેમણે ફ્લૅટ બુક કરાવ્યો હશે તેમને તેમ જ તેમનાં સગાંસ્નેહીજનોને આ ફ્લૅટનો ઉપયોગ કરવા મળશે. આ યોજના ૩૦ વર્ષ સુધીની છે.’

