જ્યાં સુધી રૅશન કાર્ડની ખરાઈ નથી થઈ રહી ત્યાં સુધી કેવી રીતે અનાજ-વિતરણ શક્ય બનશે અને એમાં પણ પારદર્શિતા રહેશે એ વિશે કોઈ કશું કહી શકે એમ નથી.
મિડ-ડે લોગો
ભારત સરકારને એવો આદેશ આપવામાં આવ્યો છે કે દેશનાં તમામ રાજ્ય ‘વન નેશન, વન રૅશન’ના ફૉર્મેટનો અમલ કરીને જ્યાં પણ જે કામદાર છે એ કામદારોને રૅશન આપે અને તેના જીવનનિર્વાહને આગળ વધારવાનું કામ કરે. વાત ખરેખર સરસ છે, સાચી છે અને અમલ કરવાયોગ્ય છે; પરંતુ એક હકીકત એ પણ છે કે આની અમલવારી અઘરી અને આકરી છે. કહો તમે કે આ પ્રકારના આદેશના પાલનનો સીધો અર્થ એક જ થાય છે કે ભ્રષ્ટાચારને આગળ ધપાવો.
સુપ્રીમ કોર્ટે જેકોઈ આદેશ આપ્યો છે એની જો અમલવારી કરવામાં આવે તો એ પુરવાર થવાનું નથી કે વ્યક્તિ ક્યાં છે અને એ વ્યક્તિ ત્યાં કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહી છે. તમે માનશો નહીં, આજે પણ દેશમાં ૨૦ ટકા રૅશન કાર્ડ એવાં છે જેમાંથી નામ કમી નથી થયાં કે પછી બીજું રૅશન કાર્ડ બની ગયું હોય તો પણ આગળના રૅશન કાર્ડમાંથી નામ કાઢવામાં નથી આવ્યાં. આવું ન થવું જોઈએ, કાયદાની વિરુદ્ધ છે આ પ્રક્રિયા, પણ એ થઈ રહી છે અને એ કરવામાં સરકારના જ અધિકારીઓની સામેલગીરી છે. આવા સમયે જ્યાં સુધી રૅશન કાર્ડની ખરાઈ નથી થઈ રહી ત્યાં સુધી કેવી રીતે અનાજ-વિતરણ શક્ય બનશે અને એમાં પણ પારદર્શિતા રહેશે એ વિશે કોઈ કશું કહી શકે એમ નથી.
વન નેશન, વન રૅશનનો વિચાર ઉમદા છે, પણ એ કટોકટીના સમયમાં લાગુ કરવો અઘરો જ નહીં, કપરો પણ છે. એક તો દેશનાં રાજ્યો આર્થિક કટોકટી ભોગવી રહ્યાં છે. પગાર કરવાના પૈસા રાજ્યો પાસે નથી ત્યારે કેવી રીતે રાજ્યો આ વધારાનો ભાર સહન કરશે અને એ ભાર સહન કરવા રાજી હશે તો પણ એનો હિસાબ કોણ, ક્યાં અને કેવી રીતે રાખશે, એના વિશે પણ હજી ખાસ સ્પષ્ટતા થઈ નથી.
રાજ્ય સરકારને આ કાર્ય કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતી સહાય કરવાની રહેશે એવી વાત પણ કહેવામાં આવી છે, પણ એ કરવાની કામગીરીની સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે આપી નથી. એ આપવાની જવાબદારી પણ સુપ્રીમ કોર્ટની નથી એ પણ કબૂલ; પણ સાહેબ, જરા વિચાર તો કરો મિઝોરમનું રૅશન કાર્ડ ધરાવતા પણ નાશિકમાં રહેતા ભારતીયને રૅશન આપી દીધા પછી તેના હિસ્સામાં ઉધારવામાં આવેલું રૅશન કેવી રીતે કેન્દ્ર પાસે ક્લેમ કરવાનું રહેશે અને ક્લેમ થશે એ સાચો જ થઈ રહ્યો છે કે નહીં એની ખરાઈ કઈ રીતે થઈ શકશે? અસંભવ છે આ પ્રક્રિયા અને એની અમલવારી.
વન નેશન, વન રૅશન એ વિચારને વહેલો અમલમાં મૂકવાની જરૂર હતી, પણ ચાલો માન્યું, જરૂરિયાત સમયે જ આ પ્રકારના વિચારોની આવશ્યકતા સમજાય એટલે મોડું થઈ ગયું છે એવું ધારવાને બદલે એવું ધારીએ કે આ વાત હવે મનમાં આવી છે તો એની અમલવારી માટે સમય આપવામાં આવે અને રાજ્ય સરકારને એક ડેડલાઇન આપીને કહેવામાં આવે કે એ સમયમર્યાદા સુધીમાં આ કામગીરી પૂરી કરવામાં આવે. આ કામગીરીને હવે કાયમી પણ બનાવવામાં અને દેશભરના નાગરિકોનું એક જ રૅશન કાર્ડ કરીને એને આધાર કાર્ડ સાથે જોડી દેવામાં આવે એ જરૂરી છે. અલબત્ત, આધાર કાર્ડ વ્યક્તિગત છે એટલે એમાં પણ ઘણા ફેરફારની આવશ્યકતા રહેશે.

