દર વર્ષે ભારતમાં નવરાત્રિ ઊજવતાં શિવાની મહેતા આ વર્ષે પોતાના દીકરા પાસે ન્યુ ઝીલૅન્ડ છે. નવરાત્રિને ભરપૂર મિસ કરી રહેલાં શિવાનીબહેને ત્યાં રહીને ગરબો લખ્યો. તેઓ છેલ્લાં કેટલાંક વર્ષથી સ્ફુરણા થાય ત્યારે ગરબા લખે છે અને માતાજીની ભક્તિ કરે છે
શિવાની મહેતા
વિલે-પાર્લે ઈસ્ટમાં રહેતાં ૬૫ વર્ષનાં શિવાની મહેતા માટે નવરાત્રિ તેમનો મનપસંદ તહેવાર છે. હાલમાં તેઓ તેમના ૮ મહિનાના પૌત્રની સંભાળ ખાતર પોતાનાં દીકરા અને વહુ પાસે ન્યુ ઝીલૅન્ડ ગયાં છે. નવરાત્રિને પૂરા મનથી ઊજવતાં શિવાનીબહેન આ વર્ષે નવરાત્રિને ભરપૂર મિસ કરી રહ્યાં હતાં પરંતુ તેમને થયું કે અહીં બેઠાં-બેઠાં પણ હું નવરાત્રિ કઈ રીતે ઊજવું? એટલે તેમણે ગરબો લખ્યો. મુંબઈમાં પણ તેઓ જ્યારે સ્ફુરણા થાય ત્યારે ગરબો લખતાં. માતાજીની સ્તુતિઓ પણ તેઓ લખે છે. એ લેખન પાછળ ફક્ત તેમનો રસ જવાબદાર છે એવું તે કહે છે.
શિવાનીબહેને કથક શીખ્યું છે પરંતુ સમય જતાં પ્રૅક્ટિસ છૂટતી ગઈ. એક વખત તેમના કથકના ગ્રુપમાં પોતે કંઈ ફાળો આપવા માગતાં હતાં એના વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને એક વાર થયું હતું કે કથકમાં અમે જે તોડા કરીએ છીએ એમાં માતાજી ઉપર ક્યારેય કોઈ પર્ફોર્મન્સ તૈયાર કર્યો નથી. એવું લખાણ પણ મળતું નથી. એટલે મેં એક સ્તુતિ લખી. મેં જ્યારે ગ્રુપમાં શૅર કરી ત્યારે મારા એક ગુરુ ભાઈ છે તેમને એ ગમી અને તેમણે થાઇલૅન્ડમાં તેમના વિદ્યાર્થીઓ પાસે એ તૈયાર કરાવી પર્ફોર્મ કરાવડાવ્યું હતું. એ પછી બૅન્ગલોર ખાતે પણ પર્ફોર્મ થયું. એ સમયે મને લાગ્યું કે મેં તો ફક્ત એક વિચારને આકાર આપેલો. માતાજી પર એક સ્તુતિ લખવી એ વિચાર હતો જે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ગયો. એ બાબતે મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો. હું ગરબા એટલે નથી લખતી કે એ કશે કામ લાગે; મને સૂઝે છે, મને ગમે છે એટલે ગરબા લખું છું.’
શિવાનીબહેન ધાર્મિક છે એવું તો ન કહી શકાય પરંતુ માતાજીની આરાધનામાં પૂરી શ્રદ્ધા ધરાવે છે. તેમના પિયરે ગરબો લેવાતો. સાસરે એ પરંપરા નથી પણ તેમનાં સાસુ, જે ૯૮ વર્ષનાં છે તેમને ગરબાનો ભારે શોખ છે એ વિશે વાત કરતાં શિવાનીબહેન કહે છે, ‘સંસ્કૃતિ અને તહેવારો દરેક પેઢીને જોડે છે. મારાં સાસુનાં મમ્મી આઠમનો ઉપવાસ રાખતાં એટલે મારાં સાસુ પણ એ રાખતાં. મારા પતિ પણ એ ઉપવાસ રાખે છે અને મારી USમાં રહેતી દીકરી પણ એ ઉપવાસ રાખે છે. સંસ્કૃતિ અને સંસ્કારની આ તાકાત છે. હું નવો ગરબો લખું એટલે મારાં સાસુને ચોક્કસ સંભળાવું. તેમને ખૂબ ગમે.’
ADVERTISEMENT
આ વાતમાં બીજી મહત્ત્વની વાત ઉમેરતાં શિવાનીબહેન કહે છે, ‘નવરાત્રિમાં માતાજીનું પૂજન મારા માટે સ્ત્રીશક્તિનું પૂજન છે. એટલે હું એમાં માનું છું. સ્ત્રી છે તો આ સંસાર આગળ વધી શકે છે. તે માના રૂપમાં પૂજાય છે કારણ કે તે ફક્ત જન્મ દેનારી જ નથી, પ્રેમથી સિંચન કરનારી છે. સંભાળ રાખનારી છે. સ્ત્રીના આ રૂપની પૂજા થવી જ જોઈએ એમ હું માનું છું એટલે જ નવરાત્રિ મને ગમે છે.’
શિવાની મહેતાએ લખેલો ગરબો
હે આજ આકાશે નવરંગ ઝળક્યા રે
ને ધરતી પર ઘૂઘરા ઘમક્યા રે
આવી નવલી નવરાત્રિની રાત રે,
નવદુર્ગા ધરતી પર ઊતર્યાં રે
હે સૂણી ઝાંઝરનો ઝીણો ઝણકાર રે,
ને લીલા કંકણનો મીઠો રણકાર છે રે
લઈ ગરબાનો દિવ્ય પ્રકાશ રે, મા જગદમ્બા ગબ્બરથી ઊતર્યાં રે
આવી નવલી નવરાત્રિની રાત રે
મા જગદમ્બા ઊતર્યાં રે
આજ આકાશે ઝળક્યા રે
હે આજ તાળીઓની રમઝટ સુણાય રે,
ને ઢોલીના ઢોલનો નાદ સંભળાય રે
સરખી સાહેલીઓની સાથ રે,
મા ચાચરમાં ગરબાઓ ગાય રે
આવી નવલી નવરાત્રિની રાત રે,
મા ચાચરમાં ગરબા ગાય રે
આજ આકાશે ઝળક્યા રે


