નવરાત્રિમાં માતાજીની ભક્તિ પોતાના લખેલા ગરબાથી કરે છે જેમાં તેમને અલગ જ પ્રકારનો સંતોષ મળે છે
કામિની મહેતા
૫૦ વર્ષની ઉંમર પછી લેખનકાર્યમાં મન પરોવી એક હોમમેકરમાંથી પુરસ્કૃત લેખિકા સુધીની સફર ખેડનાર ૬૭ વર્ષનાં કામિની મહેતા માતાજી પ્રત્યેની નિષ્ઠાના ફળરૂપે જાતે ગરબા લખે છે, સ્વરબદ્ધ પણ કરે છે અને નવરાત્રિમાં માતાજીની ભક્તિ પોતાના લખેલા ગરબાથી કરે છે જેમાં તેમને અલગ જ પ્રકારનો સંતોષ મળે છે
પાર્લા ઈસ્ટમાં રહેતાં ૬૭ વર્ષનાં કામિની મહેતાનું બાળપણ મધ્ય પ્રદેશના ભીંડમાં વીત્યું જ્યાં ગણ્યાંગાંઠ્યાં ૩ ગુજરાતી ઘરો હતાં, પણ માતાજી પ્રત્યેની ભક્તિ જરાય ઓછી નહોતી એટલે એ ૩ પરિવાર મળીને ગરબા ગાતા અને માતાજીની આરાધના કરતા. આ સ્મૃતિ તેમના મનમાં હજી પણ અંકિત છે. એના આધારે જ તેમણે જાતે ગરબા લખવાનું શરૂ કર્યું. આજે તેમણે પોતાના દસેક ગરબા લખ્યા છે એટલું જ નહીં, એને સ્વરબદ્ધ પણ કર્યા છે અને તેઓ માતાજીની આરાધના માટે નવરાત્રિ દરમિયાન એ ગરબાઓ ગાય છે.
ADVERTISEMENT
કામિનીબહેન આમ તો હોમમેકર તરીકે જીવ્યાં પણ જીવનનાં ૫૦ વર્ષ પછી લેખનકાર્ય હાથમાં લીધું. તેમની બન્ને દીકરીઓ પરણી ગઈ અને સાસુ-સસરા દેવ થઈ ગયાં એ પછી કામિનીબહેન જવાબદારીઓથી મુક્ત થઈને નવરાં થયાં, જ્યારે ખુદ માટે કશું કરવાનો સમય મળ્યો ત્યારે તેમણે લેખન ચાલુ કર્યું. તેમના લેખનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ટૂંકી વાર્તાઓ લખતાં-લખતાં નવલકથાઓ લખવાનું શરૂ થયું. તેમની નવલકથા ‘ધૂપછાંવ’ અને ‘ડાયરીનું અંતિમ પૃષ્ઠ’ માટે તેમને ગીરા ગુર્જરી પુરસ્કાર પણ મળ્યો અને ‘ઉડાન’ અને ‘કલશોર’ નવલકથા માટે તેમને મહારાષ્ટ્ર સાહિત્ય ઍકૅડેમીનો પુરસ્કાર પણ આ વર્ષે જ મળ્યો. ‘લેખિની’ નામની સંસ્થાની પ્રેરણાથી તેઓ લેખિકા બન્યાં અને આજે એ સંસ્થામાં સેક્રેટરી તરીકે તેઓ કાર્યરત છે.
લેખન એક વાર શરૂ કર્યું એટલે અટકે નહીં એ તો સમજાય, પણ ગરબાની શરૂઆત કરી રીતે થઈ એ બાબતે વાત કરતાં કામિનીબહેન કહે છે, ‘મેં ૨૦૧૦માં પૌરવી દેસાઈ પાસે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. ત્યાં દર નવરાત્રિએ ગરબા ગવાય. મને થયું કે બીજાના ગરબા ગાવા કરતાં હું મારો બનાવું તો! આ ભાવ સાથે મેં પ્રયાસ કર્યો. લખ્યું અને લાગ્યું કે ઠીકઠાક લખાયું છે તો એને સ્વરબદ્ધ પણ કર્યો. મારા ગુરુને પણ એ ગમ્યું એટલે મને થયું કે જો આપણે ગરબા લખી શકતાં હોઈએ, બનાવી શકતાં હોઈએ તો એ કરવું જ જોઈએ. એટલે એ કામ મેં ચાલુ રાખ્યું. મનમાં જ્યારે પણ સ્ફુરણા થાય, માતાજીની કૃપા થાય ત્યારે ગરબો લખાય.’
કામિનીબહેનના પિયરમાં માતાજીનું સ્થાપન થતું. બાળપણમાં જે ભક્તિ તેમના મનમાં રોપાઈ હતી એ પૂરી રીતે ફૂલીફાલી છે. તેમના સાસરે માતાજીનું સ્થાપન નથી થતું પણ પૂજા-અર્ચનામાં તેઓ કોઈ કમી રાખતાં નથી. કામિનીબહેન માટે નવરાત્રિ ઉત્સવ છે આનંદનો, ઉલ્લાસનો, ભક્તિનો. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘માતાજીનાં અલગ-અલગ રૂપની ઉપાસના કરવા માટે આપણે ત્યાં ગરબા રચાયા. એ ગરબા સાથે પાછું સંગીત ભળ્યું. સંગીતમાં એકાગ્રતા છે, જે માનવને પરમ તત્ત્વ સુધી લઈ જાય છે. હું જ્યારે પણ કોઈ ગરબો લખું અને મારાં માતાજીની સમક્ષ હું એ ગાઉં ત્યારે એક અલગ જ ભાવ જન્મે. જ્યારે આપણે ભગવાનને પ્રસાદ ધરાવીએ તો બહારથી મીઠાઈ લાવીએ કે પછી ઘરે જાતે બનાવીને તેમને ભોગ લગાવીએ એ બન્નેમાં ફરક છે. એવો જ ફરક જૂના ગરબાઓ અને જાતે ગરબા લખ્યા હોય એ બન્ને વચ્ચે છે. મારા બનાવેલા ગરબા હું મા સમક્ષ પ્રસાદની જેમ મૂકું છું. એટલે એ પ્રેમ અને ભક્તિ જુદાં છે.’
કામિનીબહેનનો લખેલો ગરબો
અંબામાનો રથનો ઝીણો રણકાર,
કે મારું મન હિલ્લોળે રે
બહુચરમાની ભીની રે પગથાર,
કે કંકુ ઢોળે રે
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર પધારે
બિરદાળી માતાને ફૂલડે વધાવે
જ્યોતિરૂપે ગરબા માય બિરાજે કે
મારું મન હિલ્લોળે રે
સૃષ્ટિનો ગરબો લઈ માતાજી ઘૂમતાં
દુઃખ, તાપ, કલેશ, ભવરોગ દૂર કરતાં
અભય વચન માની આંખમાં ઝળકે કે મારું મન હિલ્લોળે રે


