સ્પેશ્યલ ચાઇલ્ડને બીજાં બાળકોની જેમ નૉર્મલ સમજીને તેને એ પ્રકારનો ઉછેર આપો તો તમારું બાળક પણ પોતાની જાતને બીજાં બાળકોથી અલગ નહીં સમજે
નિર્મયે વિરાટ કોહલી સાથે મુલાકાત કરીને તેની સાથે ફોટો પડાવેલો
તમે તમારા સ્પેશ્યલ ચાઇલ્ડને બીજાં બાળકોની જેમ નૉર્મલ સમજીને તેને એ પ્રકારનો ઉછેર આપો તો તમારું બાળક પણ પોતાની જાતને બીજાં બાળકોથી અલગ નહીં સમજે. એ માટે પેરન્ટ્સે બાળકનો એવા પૉઝિટિવ માઇન્ડસેટ સાથે ઉછેર કરતાં શીખવું પડશે અને તો જ તે જીવનમાં નવી ઊંચાઈએ પહોંચી શકશે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ધરાવતો ચેમ્બુરનો બાવીસ વર્ષનો નિર્મય ખીમસિયા એનું જીવંત ઉદાહરણ છે. પગથી ચાલી ન શકતો નિર્મય ભણવામાં હોશિયાર હોવાની સાથે કીબોર્ડ-પ્લેયર, ચેસ-પ્લેયર, ટ્રાવેલ-બ્લૉગર, ક્રિકેટપ્રેમી છે તેમ જ હાલમાં સ્ટૉકમાર્કેટમાં તેની કારકિર્દી બનાવવા તરફ આગળ વધી રહ્યો છે
કૂંડામાં રોપેલા છોડને જ્યારે પૂરતું ખાતર, પાણી, સૂર્યપ્રકાશ અને માવજત આપવામાં આવે તો એ ખીલી ઊઠે છે. આ વાત વ્યક્તિ માટે પણ એટલી જ લાગુ પડે. ચેમ્બુરનો બાવીસ વર્ષનો નિર્મય ખીમસિયા એનું ઉત્તમ ઉદાહરણ છે. નિર્મયને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે જેમાં વ્યક્તિના મસલ્સ એટલા નબળા હોય કે તે જાતે હરવા-ફરવામાં અક્ષમ થઈ જાય અને વ્હીલચૅરનો સહારો લેવો પડે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની આ અવસ્થામાં વ્યક્તિના મસલ્સ દિવસે ને દિવસે વધુ ક્ષીણ થતા જાય. જોકે નિર્મયની આ શારીરિક મર્યાદાને તેનાં માતા-પિતાએ કોઈ દિવસ બાધા બનવા દીધી નથી અને એટલે જ તે ભણતર, મ્યુઝિક, સ્પોર્ટ્સમાં આગળ પડતો છે. તે તેની કારકિર્દી સ્ટૉકમાર્કેટમાં બનાવવા માગે છે. તેણે તો અત્યારથી પોતાની ઇન્કમનો અમુક ભાગ જરૂરિયાતમંદોને આપવાની પ્રતિજ્ઞા લઈ રાખી છે. નિર્મયનાં મમ્મી પારુલબહેન એક આર્ટ-ટીચર છે, જ્યારે તેના પપ્પા જયદીપ કનસ્ટ્રક્શનના બિઝનેસમાં છે. નિર્મય તેનાં માતા-પિતાનું એકનું એક સંતાન છે.
ADVERTISEMENT

જન્મથી જ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી
નિર્મયના બાળપણ અને ઉછેર વિશે વાત કરતાં તેનાં મમ્મી પારુલબહેન કહે છે, ‘નિર્મય નાનો હતો ત્યારે અમને તેની મૂવમેન્ટ્સ એટલી દેખાઈ નહોતી રહી. એક મહિનામાં જ અમને ખબર પડી ગઈ કે કંઈક ઇશ્યુ છે. અમે ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહેલું કે ફિઝિયોથેરપી શરૂ કરાવો એટલે બધું નૉર્મલ થઈ જશે. અમે ત્રીજા મહિનાથી જ ફિઝિયોથેરપી શરૂ કરાવી દીધેલી. તે છ મહિનાનો થયો ત્યારે અમે બધી ટેસ્ટ કરાવેલી તો એ વખતે ખબર પડી કે તેને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે. એટલે તે ક્યારેય પોતાના પગ પર ચાલ્યો જ નહીં. તેની પાસે ઇલેક્ટ્રિક વ્હીલચૅર છે જે તેને હરવા-ફરવામાં મદદ કરે છે. અમે કોઈ દિવસ એમ નથી માન્યું કે અમારા સંતાનને કોઈ પ્રૉબ્લેમ છે. નૉર્મલ બાળકની જેમ જ તેનો ઉછેર કર્યો છે. એવી જ રીતે નિર્મયે પણ કોઈ દિવસ એવું નથી માન્યું કે તે બીજાથી અલગ છે. અમે સતત નિર્મયને બધી જ વસ્તુ માટે પ્રોત્સાહિત કર્યો છે અને તેને સપોર્ટ કર્યો છે. તેને પૉઝિટિવ એન્વાયર્નમેન્ટ આપવાનો પ્રયાસ કર્યો છે. નિર્મયનું માઇન્ડ ખૂબ જ શાર્પ છે એટલે બધી વસ્તુઓ સરળતાથી શીખી શકે છે. તે જિજ્ઞાસુ પણ ઘણો છે એટલે સતત નવી વસ્તુઓ શીખતો રહે છે.’

નાના, મમ્મી, પપ્પા, માસી અને કઝિન ભાઈ-બહેન સાથે નિર્મય
રિજેક્શન પછી સારી સ્કૂલ મળી
નિર્મયની ફિઝિકલ કન્ડિશનને જોઈને ઘણી સ્કૂલે તેને ઍડ્મિશન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ વિશે વાત કરતાં પારુલબહેન કહે છે, ‘અમારી એવી ઇચ્છા હતી કે અમારું બાળક બીજાં નૉર્મલ બાળકો સાથે જ ભણે. તે બધી જ રીતે કૅપેબલ થાય. એટલે તેને કોઈ સ્પેશ્યલ સ્કૂલમાં નાખવાને બદલે સામાન્ય સ્કૂલમાં જ ઍડ્મિશન કરાવવાનું નક્કી કર્યું. સૌથી પહેલાં અમે અમારા ઘર નજીકની સ્કૂલોમાં તપાસ કરી, પણ દુર્ભાગ્યે તેમણે નિર્મયની ફિઝિકલ કન્ડિશન જોઈને તેને ઍડ્મિશન આપવાની મનાઈ ફરમાવી દીધી. એ લોકો નિર્મયના ઇન્ટરવ્યુ લેતા અને તેના જવાબો સાંભળીને એ લોકો ઇમ્પ્રેસ પણ થઈ જતા પણ જ્યારે ઍડ્મિશન આપવાની વાત આવે ત્યારે એમ કહી દેતા કે સ્પેશ્યલ કિડ્સ માટે અમારી પાસે કોઈ ફૅસિલિટી નથી. મારી બહેન શિલ્પા મુલુંડમાં રહે છે. તેનાં બન્ને સંતાનો DAV ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતાં હતાં. એટલે અમે ત્યાં તપાસ કરાવી. તેમણે નિર્મયને ઍડ્મિશન આપ્યું. આ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટીચરનો અમને સપોર્ટ મળ્યો. નિર્મય જાતે મૂવ કરી શકે નહીં એટલે ટીચર તેને ફર્સ્ટ બેન્ચ પર જ બેસાડતા. નિર્મય બધાં બાળકો વચ્ચે એકલવાયું ફીલ ન કરે એ માટે ક્લાસમાં એવો રૂલ રાખેલો કે ક્લાસમાં એન્ટર થનાર દરેક સ્ટુડન્ટ તેને ગ્રીટ કરે. એટલે એવું થઈ ગયેલું કે સ્કૂલમાં નિર્મય બધાને ઓળખે અને નિર્મયને પણ બધા ઓળખે. સ્પેશ્યલ ચાઇલ્ડ માટે આ કેટલી સરસ વાત છે. એકથી ચાર ધોરણ સુધી તે ત્યાં જ ભણ્યો. પાંચમા ધોરણ પછી તેને વિદ્યાવિહારમાં સોમૈયા સ્કૂલમાં ઍડ્મિશન મળી ગયેલું એટલે બારમા ધોરણ સુધીનો અભ્યાસ તેણે ત્યાં જ કર્યો છે.’

તેના કઝિન ભાઇ સાથે ચેસ રમી રહેલો નિર્મય
સ્પોર્ટ્સ-મ્યુઝિકમાં રસ
નિર્મયના સ્પોર્ટ્સ અને મ્યુઝિક પ્રત્યેના પ્રેમ વિશે વાત કરતાં તેનાં મમ્મી કહે છે, ‘નિર્મય નાનો હતો ત્યારે તેના પપ્પા, તેના કઝિન ભાઈ સાથે ચેસ રમતો હતો. એમ કરતાં-કરતાં તેને એમાં રસ આવવા લાગ્યો એટલે અમે તેના ચેસના ક્લાસિસ પણ રખાવેલા. તે ચોથા ધોરણમાં હતો ત્યારે તેને ખબર પડી કે ચેસની ઇન્ટરસ્કૂલ ટુર્નામેન્ટ છે. તે જે સ્કૂલમાં ભણતો એ હજી નવી જ હતી અને તેમણે ઇન્ટરસ્કૂલ કૉમ્પિટિશન્સમાં ઍક્ટિવલી પાર્ટિસિપેટ લેવાનું શરૂ કર્યું નહોતું. એટલે નિર્મયે ચેસની ઇન્ટરસ્કૂલ કૉમ્પિટિશનમાં જવામાં રસ દેખાડ્યો. તે તેની સાથે ભણતા અને ચેસ રમતા સ્ટુડન્ટ્સના પેરન્ટ્સના નંબર લઈને આવ્યો. એ પછી તેના પપ્પાએ એ બધા પેરન્ટ્સ સાથે વાત કરી. એ રીતે તેમણે એક ટીમ બનાવી અને સ્કૂલને રિક્વેસ્ટ કરી. એ કૉમ્પિટિશનમાં કુલ ૩૬ સ્કૂલની ટીમે ભાગ લીધો હતો અને એમાંથી નિર્મયની ટીમ જીતી હતી અને ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર પણ નિર્મયનો ફર્સ્ટ રૅન્ક આવ્યો હતો. નિર્મયને કીબોર્ડ વગાડતાં પણ સારું આવડે છે. તેણે જુનિયર KGથી એ શીખવાનું શરૂ કર્યું હતું. પ્રી-સ્કૂલમાં તેને શીખવાડતા. કીબોર્ડ વગાડતાં તેને એટલું સારું આવડી ગયું કે પછી તો સ્કૂલના ઇન્ડિપેન્ડન્સ ડે કે બીજાં કોઈ એવાં ફંક્શન હોય એમાં તે સ્ટેજ-પર્ફોર્મન્સ કરતો.’
અનેક ક્રિકેટર્સને મળી ચૂક્યો છે
પોતાના શોખ અને પસંદ-નાપસંદ તેમ જ કારકિર્દીને લઈને વાત કરતાં નિર્મય કહે છે, ‘મેં હજી હમણાં જ એસ. કે. સોમૈયા કૉલેજમાંથી ફાઇનૅન્શિયલ માર્કેટ્સમાં બૅચલરની ડિગ્રી લીધી છે. મને સ્ટૉકમાર્કેટમાં રસ છે એટલે મેં ટેક્નિકલ ઍનૅલિસિસનો એક કોર્સ કર્યો છે. હું ઍક્ટિવલી ઇન્વેસ્ટ પણ કરું છું જેથી પ્રૅક્ટિકલી માર્કેટને સમજી શકું. મારી ઇચ્છા સ્ટૉકમાર્કેટની ઊંડી સમજ આપે એવા કોર્સ કરવાની છે. એ સિવાય હું ક્રિકેટનો બહુ મોટો ફૅન છું. મુંબઈમાં જ્યારે પણ મૅચ થાય ત્યારે હું સ્ટેડિયમમાં લાઇવ મૅચ જોવા જાઉં છું. હું વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા ક્રિકેટર્સને મળી ચૂક્યો છું. તેમની રમવાની સ્ટાઇલ અને કોઈ પણ સિચુએશનમાં ટીમને જિતાડવા માટે એ લોકો જે એફર્ટ કરે છે એ મને બહુ ગમે છે. મને ફરવાનો પણ શોખ છે. હું કેરલા, સિક્કિમ, રાજસ્થાન, અમેરિકા, મલેશિયા ફરી આવ્યો છું. હું કોઈ જગ્યાએ ગયો હોઉં અને મને એ ખૂબ ગમી જાય તો હું એનો ટ્રાવેલ-વ્લૉગ બનાવીને મારી યુટ્યુબ ચૅનલ પર નાખું જેથી બીજા લોકો પણ એ જગ્યા એક્સપ્લોર કરી શકે. મારાથી જેટલું શૂટ થાય એ હું કરું અને બાકીનું શૂટ કરવામાં મારી ફૅમિલી મને સપોર્ટ કરે. વિડિયો-એડિટિંગનું કામ હું જાતે કરું. મને ચેસ પણ બહુ ગમે. સ્કૂલમાં હતો ત્યાં સુધી ટુર્નામેન્ટમાં ભાગ લેતો પણ હવે હું ઘરે જ ઑનલાઇન ચેસ રમું છું. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં મને કીબોર્ડ વગાડતાં આવડે. મને હિન્દી ગીતો સાંભળવાં પણ બહુ ગમે. ફૂડમાં મને પંજાબી, ઇટાલિયન ક્વિઝિન ગમે.’
ડેઇલી રૂટીન પડકારો
નિર્મયના ડેઇલી રૂટીન વિશે વાત કરતાં તેનાં મમ્મી પારુલબહેન કહે છે, ‘સવારે બેક્રફાસ્ટ કરીને એ તેનું શૅરમાર્કેટનું કામ કરતો હોય. એ પછી બપોરે લંચ કરીને રેસ્ટ કરે. સાંજે નાસ્તો કરીને એક્સરસાઇઝ કરવા બેસે. એ કર્યા પછી એ ટ્રાવેલ-વ્લૉગનું એડિટિંગનું કામ કરે. ઑનલાઇન ચેસ રમવા બેસે. યોગેન નામનો અમારો એક હાઉસ-હેલ્પ છે. તેની સાથે તે કાર્ડ્સ કે બોર્ડ-ગેમ રમે. નિર્મય બે વર્ષનો હતો ત્યારથી યોગેન અમારે ત્યાં કામ કરે છે. નિર્મયનો તેની સાથે સારો બૉન્ડ છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોવાથી મસલ્સની સ્ટ્રેન્ગ્થ જાળવી રાખવા માટે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી નિર્મય માટે ખૂબ જરૂરી છે. મસલ્સની વીકનેસને કારણે ચાવતાં ખૂબ વાર લાગતી હોવાથી નિર્મયને જમતાં બે કલાક જેટલો સમય લાગે છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક જિનેટિક કન્ડિશન છે જેમાં સમય સાથે મસલ્સ વીક થતા જાય. એને કારણે વ્યક્તિ ચાલી ન શકે. હાથ એકદમ સ્ટ્રેટ ઊંચો રાખી ન શકે. તેમનામાં એટલી સ્ટ્રેન્ગ્થ જ ન હોય.’
માતા-પિતાનું અમૂલ્ય યોગદાન
નિર્મયનો ઉછેર કરવામાં તેનાં માતા-પિતાએ ખૂબ મહેનત કરી છે. એ વિશે વાત કરતાં નિર્મયનાં માસી શિલ્પા શાહ કહે છે, ‘નિર્મય DAV ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતો એટલે દરરોજ તેની મમ્મી ચેમ્બુરથી મુલુંડ અપ-ડાઉન કરતી. સ્કૂલમાંથી તે છૂટી ન જાય ત્યાં સુધી ત્યાં જ બેસતાં. નિર્મય કોઈ દિવસ ટ્યુશનમાં નથી ગયો એમ છતાં તે સ્કૂલમાં સારા માર્ક્સ લઈને આવતો. તેને તેનાં મમ્મી-પપ્પા ખૂબ સારી રીતે ભણાવતાં. નિર્મય ગણિત અને અકાઉન્ટ્સમાં ખૂબ સારો છે. તેના પપ્પા રાત્રે કામ પરથી આવીને તેને આ સબ્જેક્ટ શીખવાડતા. નિર્મય પોતે પણ ભણવામાં હોશિયાર અને સિન્સિયર હતો. નિર્મયનાં મમ્મીએ તેના ખાવા-પીવા પર ખૂબ ધ્યાન રાખ્યું છે. અત્યાર સુધી લગભગ નિર્મયે બહારનું ભાગ્યે જ ખાધું હશે. અમે લગ્નમાં પણ ગયાં હોઈએ તો બધાને ખબર હોય કે નિર્મયનો અલગથી ડબ્બો હશે. કશેક બહાર પણ જવાનું હોય તો તે પહેલાં નિર્મયનો વિચાર કરે. તેને કોઈ તકલીફ ન થાય એનું ખાસ ધ્યાન રાખે. નિર્મયને દરેક વસ્તુમાં તેનાં મમ્મી-પપ્પાનો ખૂબ સપોર્ટ મળ્યો છે. તેને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ કરાવવામાં એ લોકો પાછીપાની ન કરે. નિર્મય જૉઇન્ટ ફૅમિલીમાં દાદા-દાદી સાથે ઊછર્યો છે એટલે તેને સારો માહોલ મળ્યો છે. મારા હસબન્ડ અને પારુલના હસબન્ડ બન્ને સાથે બિઝનેસ કરે છે. અમે ટ્રિપ પર પણ સાથે જ જઈએ છીએ. મારે એક દીકરી પલક્ષી અને દીકરો પ્રાંજલ છે. ત્રણેય વચ્ચે એટલો સારો બૉન્ડ છે કે કોઈ તેમને એમ પૂછે કે તમે કેટલાં ભાઈ-બહેન છો તો એ લોકો એમ જ કહે કે અમે ત્રણ છીએ.’
સમાજસેવામાં નાના પ્રેરણાસ્રોત
નિર્મય સેવાભાવી વિચાર ધરાવે છે, જેની પ્રેરણા તેણે પોતાના નાના પાસેથી લીધી છે. આ વિશે વાત કરતાં પારુલબહેન કહે છે, ‘મારા પપ્પા મોતીચંદ ગોસરાણી ૮૩ વર્ષના છે, જે ઓસવાલ વેલ્ફેર ચૅરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. એના માધ્યમથી તેઓ ગામડાંઓમાં જઈને હેલ્થ ચેકઅપ કૅમ્પ કરે, જેમને સારવારની જરૂર હોય એ અપાવડાવે. ગામડાંઓની શાળામાં ડેઇલી લેબર કામ કરતાં માતા-પિતાઓનાં બાળકોને યુનિફૉર્મ, બૅગ્સ, બુક્સ આપે. દિવ્યાંગ લોકો હોય તેમને કસ્ટમાઇઝ કરીને આર્ટિફિશ્યલ પગ અને હાથ ફ્રી ઑફ કોસ્ટ ઉપલબ્ધ કરાવી આપે છે. હજી હમણાં જ નાશિકમાં એ માટે એક કૅમ્પનું આયોજન થયેલું. તેમના આર્ટિફિશ્યલ હૅન્ડ-લેગ બનીને તૈયાર થતાં ચાર-પાંચ દિવસનો સમય લાગી જાય. એટલા દિવસ માટેની તેમની રહેવા-ખાવાની સુવિધા ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવે. આ કૅમ્પમાં નિર્મય પણ ગયો હતો. આ બધાં કામ થતાં જોઈને તેને ખૂબ સારું લાગ્યું હતું. એટલે તેણે નિર્ણય લીધો છે કે તે સારુંએવું કમાતો થશે ત્યારે પોતાની આવકનો અમુક ભાગ ટ્રસ્ટને દાન કરશે. તે નાનો હતો ત્યારે પણ પોતાનાં રમકડાં અનાથાશ્રમમાં જઈને દાન કરતો. નિર્મયનાં કઝિન ભાઈ-બહેન પણ સોશ્યલ ઍક્ટિવિટીઝમાં બહુ માને છે. ત્રણેય ભાઈ-બહેનો પર તેમના નાનાનો સારો પ્રભાવ છે.’


