આરોપીઓને રંગેહાથ પકડવા ધીરજ જૈને બીજું સોનું જોઈતું હોવાની ખોટી માહિતી આપીને આરોપીઓને બોલાવ્યા હતા જ્યાં પોલીસે સાદાં કપડાંમાં છટકું ગોઠવીને તેમને તાબામાં લીધા હતા.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દહિસર-ઈસ્ટના ઠાકુર મૉલ નજીક રહેતા ૩૫ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) ધીરજ જૈનને ખોટું સોનું પધરાવીને સાડાચાર લાખ રૂપિયા પડાવી જનારા બે મહિલા સહિત ચાર લોકોની ચેમ્બુરના તિલકનગર પોલીસે રવિવારે સાંજે તિલકનગરની એક રેસ્ટોરાંમાંથી ધરપકડ કરી હતી. આરોપીઓએ બૅન્કમાં રાખેલું આઠ તોલા સોનું છોડાવવાના બહાને ૨૧ મેએ સાડાચાર લાખ રૂપિયા લઈને ધીરજ જૈન સાથે છેતરપિંડી કરી હતી. ત્યાર બાદ આરોપીઓને રંગેહાથ પકડવા ધીરજ જૈને બીજું સોનું જોઈતું હોવાની ખોટી માહિતી આપીને આરોપીઓને બોલાવ્યા હતા જ્યાં પોલીસે સાદાં કપડાંમાં છટકું ગોઠવીને તેમને તાબામાં લીધા હતા.
તિલકનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શશિકાન્ત પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરની DCB બૅન્કમાં ગિરવી રાખેલું સાડાઆઠ તોલા સોનું માત્ર સાડાચાર લાખ રૂપિયામાં મળશે એમ કહીને ૨૧ મેએ CA ધીરજ જૈનને સોનાની ૭ વીંટી અને ૩ ચેઇન આપીને સાકીનાકા મેટ્રો સ્ટેશન નજીક સાડાચાર લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. ત્રણથી ચાર દિવસ બાદ સોનાની ચકાસણી કરવામાં આવતાં એ તમામ સોનું ખોટું હોવાની માહિતી મળી હતી. એટલે ધીરજ જૈને પોતાની સાથે છેતરપિંડી કરનારા આરોપીઓને પકડવા માટે મનમાં ગાંઠ બાંધી લીધી હતી. તેણે આરોપીઓનો ૨૬ મેએ સંપર્ક કરીને બીજું સોનું જોઈતું હોવાની માગણી કરતાં આરોપીઓએ વધુ એક બંગડી, ત્રણ વીંટી અને એક ચેઇનનો ફોટો મોકલીને બીજા સાડાચાર લાખ રૂપિયા માગ્યા હતા. ત્યાર બાદ ધીરજ જૈને અમારો સંપર્ક કરીને આ ઘટનાની માહિતી આપી હતી. એના આધારે અમે આરોપીઓને પકડવા માટે છટકું ગોઠવીને ખોટું સોનું વેચવા આવેલા તૌફીક ખાન, વિવેકાનંદ બાપટ, તબ્બસુમ શેખ અને અશ્વિની કાંબળેની ધરપકડ કરી હતી. આરોપીઓએ આવી રીતે બીજા લોકો સાથે પણ છેતરપિંડી કરી હોય એવી પૂરેપૂરી શક્યતા છે. આરોપીઓ પાસેથી DCB બૅન્કમાં સોનું મૉર્ગેજ રાખ્યું હોવાની ખોટી રસીદની નકલો પણ મળી આવી છે. તેમણે આ પહેલાં ક્યાં-ક્યાં આવી છેતરપિંડી કરી છે એની માહિતી કાઢવામાં આવી રહી છે.’


