Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીત-હાર (પ્રકરણ ૨)

જીત-હાર (પ્રકરણ ૨)

30 May, 2023 12:34 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘તું કહે યામુ, તેં તો મારી ખતાઓ બક્ષી છેને? એ એક રાત પણ અને તારા મૃત્યુમાં નિમિત્ત બનેલી મારી ભૂલ પણ...’

જીત-હાર (પ્રકરણ ૨)

વાર્તા-સપ્તાહ

જીત-હાર (પ્રકરણ ૨)


‘લવ યુ યામુ!’ 
પત્નીના પોર્ટ્રેટ સમક્ષ રજનીગંધાનો ગુલદસ્તો ધરીને અમરનાથે પોરસ જતાવ્યો : ‘જાણે છે, આપણો લંડન રિટર્ન દીકરો પણ તારી પસંદ યાદ રાખીને ફૂલ તોડવા આવ્યો હતો... તારા-મારા અંશથી બનેલો તે કેવો ફૂટડો દેખાય છે! હોંશિયાર પણ એવો જ.’
‘વાહ, દીકરો ખરો લાડલો તમને!’ પત્ની કહેતી સંભળાઈ.  

‘મને તો તે લાડલો છે જ, પણ હું તેનો ડાર્લિંગ ડૅડી છું કે નહીં, આઇ ડોન્ટ નો!’ અમરનાથની ભીતરની અણખટ ઊપસી આવી, ‘ક્યારેક લાગે છે યામુ કે અમારી વચ્ચે થીજેલો બરફ છે. હું ગમે એટલી ઉષ્મા આપું તે પીગળતો નથી. સામા પક્ષે ધ્રુવ પ્રદેશથીયે વધુ ઠંડક હશે, તો જને?’
તેમણે વિવશતા દાખવી : તકલીફ એ છે કે આકુ કંઈ કહેતો નથી... તને તે ચાહે છે, પૂજે છે; પણ મને? ક્યારેક થાય છે કે તેના નાનપણમાં તારા મૃત્યુમાં હું જવાબદાર છું એમ કહેવામાં ભૂલ કરી... એ જ તો તેના મનમાં નહીં ભરાઈ રહ્યું હોય! આજે એ વિશે વિગતે ખુલાસો કરું તો તે માને પણ ખરો! એટલું વળી સારું કે તેં મને છેતર્યો એવું તેને નથી કહ્યું. અરે, મને તો ડર છે કે ક્યાંક તે મારા એક રાતના વિનિપાત વિશે અનાયાસ, અજાણતાં જ જાણીને મને ચરિત્રહીન તો નહીં સમજતો હોય!  



અમરનાથ અજંપ બન્યા. ના, પત્નીથી પોતાનું પતન છૂપું નહોતું... આખરે તેના દેહાંતનાં વરસો પછી, વરસાદની એ રાતે જે બન્યું એ આ રૂમમાં, તેની આ તસવીરની સામે બન્યું! 
હળવો નિ:શ્વાસ સરી ગયો. પહેલાં યામિની અને પછી સાસુમાના અવસાન પછી ઘરમાં આમ જુઓ તો અમે પિતા-પુત્ર બે જ રહ્યા. હાઉસકીપર માર્ગરેટ ત્યાં સુધીમાં તો ઘરની વ્યક્તિ જેવી બની ગયેલી. દરમ્યાન આકુને તેની માના મૃત્યુના ગુનેગાર પોતે હોવાનું કહી પણ બેઠા.  
બીજી ભૂલ ત્યાર પછી થઈ... આકુ ત્યારે આઠ-નવ વરસનો હશે. વરસાદના એ દિવસે અમારી ઍનિવર્સરી હતી. પ્રણયભીના થવાના અવસરમાં પોતે કદાચ વધુપડતું પી લીધું... એટલું સાંભરે છે કે દરવાજો નૉક કરી માર્ગરેટ ભીતર આવી. મે બી, મને ડિનર માટે તેડવા આવી. હું બેઠકેથી ઊઠવા ગયો, કદમ લડખડાયાં, તેણે દોડી આવીને મને ટેકો આપ્યો. બસ, આટલી જ સ્મૃતિ છે. પછી સવારે આંખ ઊઘડે છે ત્યારે બદન પર વસ્ત્ર નથી અને પડખે ચાદર વીંટાળીને માર્ગરેટ કપાળ કૂટી અશ્રુ સારી રહી છે! 


અત્યારે પણ અમરનાથે એનો સંકોચ અનુભવ્યો. નશાની હાલતમાં પોતે યામિનીનો હક માર્ગરેટ પર લૂંટાવી બેઠા એ ભૂલનું શું પ્રાયશ્ચિત્ત હોય? 
‘બીજું તો શું, મને યામિની માનનારા તમે મને તેમનો જ દરજ્જો આપો....’
કોઈ પણ સ્વમાની સ્ત્રી માગે એવું માર્ગરેટનું વલણ હતું, પણ અમરનાથ લાચાર હતા. પત્ની સાથે વચનથી બંધાયા ન હોત તો પણ યામિનીનું સ્થાન કોઈને આપવું તેમના માટે અસંભવ હતું. 
‘હું તને બીજું બધું આપી શકીશ. આ ઘરમાં રહેવાની અનુમતિ, વેપારમાં અમુક ટકાનો હિસ્સો. બસ, આટલા પૂરતો મને માફ કરી દે.’ 

તેના હૈયે ઈસુ વસ્યા ને તે માની ગઈ. એટલું તો કહેવું પડે કે માર્ગરેટે ન આકુને ક્યારેય આ વિશે કહ્યું, ન કદી બિઝનેસના હિસ્સા વિશે પૂછયું. અરે, તેણે પોતાનાં લગ્નનું પણ નથી વિચાર્યું, જાણે-અજાણે મારી નિકટ આવવાના પ્રયત્નો પણ નહીં... સ્ત્રી ક્યાંથી આટલું પોટેન્શિયલ લાવતી હશે! 
‘તું કહે યામુ, તેં તો મારી ખતાઓ બક્ષી છેને? એ એક રાત પણ અને તારા મૃત્યુમાં નિમિત્ત બનેલી મારી ભૂલ પણ...’ 
અને અમરનાથની પાંપણ વરસી પડી.
lll


‘જાણે છે મા? તારા પતિદેવ બગીચાનાં બધાં રજનીગંધા લઈ ગયાં! મને આપતા’તા, પણ મેં ન લીધાં... તે માણસનું મને કંઈ ન ખપે!’
માની તસવીર સમક્ષ ફૂલ મૂકીને આકારે બબડી લીધું. 
પણ ક્યાં સુધી આમ જ ચાલશે? ડૅડી મને બિઝનેસમાં લૉન્ચ કરવા માગે છે, મારી ગૂંગળામણ વધી રહી છે. લંડનથી રિટર્ન થયા પછી નજીકની હેલ્થ-ક્લબ જૉઇન કરી છે. એમાં બે દિવસ અગાઉ કસરત કરતાં ચક્કર આવી ગયાં એ તો મૅગી આન્ટીને પણ કહ્યું નથી. ત્યાં ડૉક્ટર મોજૂદ હતા. તેમણે તપાસીને ચેતવણી આપી હતી : તારું બ્લડ-પ્રેશર વધારે છે, યુ નીડ પ્રૉપર મેડિકલ ચેક-અપ. જોકે તેમને કે કોઈને કેમ કહેવું કે પ્રેશર નહીં, વરસોની ચૂપકી જામગરી બનીને એક ધડાકો ઇચ્છે છે... 
શું થવાનું એની આકારને ક્યાં ખબર હતી? 
lll

જન્મદિન મુબારક! 
દીવાનખંડમાં યામિનીના ફોટો સમક્ષ ફૂલ મૂકતી માર્ગરેટના હોઠ હળવેથી વંકાયા. 
જો, તારા સંસારને હાઇજૅક કરીને બાપ-દીકરા વચ્ચે કેવી દીવાલ ચણી દીધી છે મેં! 
વરસો અગાઉનો પ્રસંગ ઝબકી ગયો : પોતાને અહીં જૉઇન કર્યે છએક મહિના થયા હશે... યામિનીની ગર્ભાવસ્થાનો એ ચોથો મહિનો હતો. અધરવાઇઝ પણ અત્યંત ખૂબસૂરત દેખાતી યામિનીનો પગ ભારે થયા પછી રૂપ ગજબનું નિખર્યું હતું. એમ તો અમરનાથ પણ ક્યાં કમ સોહામણા હતા! પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવા અમરનાથને ભાળીને માર્ગરેટના જુવાન હૈયામાં મીઠી ગુદગુદી થતી : મારો હસબન્ડ પણ આવો જ હોજો! 
‘મૅડમ, યુ આર લકી. સર તમને કેટલો પ્રેમ કરે છે!’

‘એટલો કે ડિલિવરીમાં મને કંઈ પણ થઈ ગયું તોય અમર અમારા સંતાનના ઉછેર ખાતર પણ લગ્ન નહીં કરે... તે મનથી તો શું, ક્યારેય તનથી પણ કોઈના નહીં બને!’
મહોબતનું ગુરૂર હતું તેના શબ્દોમાં. પતિ માટેનું અભિમાન હતું. જોકે પ્રસૂતિના મહિનામાં તેની જીવનયાત્રાનો દીપ બુઝાવાની તૈયારીમાં હતો. રૂમની બહાર અમરનાથ ડૉક્ટર સમક્ષ પત્નીને ઉગારવા કરગરી રહ્યા હતા, સુધામા ઘરમંદિરમાં માથું પછાડી દીકરીનો જીવ યાચી રહ્યાં હતાં. 
‘તમે ચિંતા ન કરશો મૅડમ... ‘ માર્ગરેટે યામિનીનો ઠંડો પડતો હાથ હાથમાં લઈ કહેલું, ‘આકારને હું સાચવી લઈશ...’ પછી અંતરની અબળખા જીભ વાટે સરી પડેલી, ‘અને અમરને પણ...’
સરને બદલે અમર કહેવામાં તેની મનસા સમજાઈ હોય એમ યામિનીની બૂઝતી કીકીમાં ચમક ઉભરાયેલી : ભૂલે છે મૅગી! અમર મનથી શું, તનથી પણ કોઈ બીજી સ્ત્રીના નહીં બને... તારે પારખાં કરવાં હોય તો કરી લેજે!’ 

એક મરતી સ્ત્રી મને પડકાર આપી જાય! 
‘ચૅલેન્જ એક્સેપ્ટેડ!’ તેણે જાતને સંભળાય એમ કહ્યું. ઘરભંગ થનારા પુરુષને પલોટી ન શકું તો ધૂળ પડી મારા જોબનમાં! 
આના કલાકેકમાં મૅડમે પ્રાણ ત્યજ્યાં. અમર તેમને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા હતા : મારી જ ભૂલે તારા પ્રાણ લીધા યામુ, તેં મને છેતર્યો! 
અમર કઈ ભૂલ, શાની છેતરપિંડીનો ઉલ્લેખ કરતા હતા એની માર્ગરેટને તો જાણ હોય જ. યામિનીની વિદાય બાદ અમરે સુધામાને તેડાવી લીધાં. તેમની હાજરીમાં માર્ગરેટ અમરની નિકટ લઈ જતું ડગ ભરતાં ખચકાતી : હું દીકરીના હક પર તરાપ મારું છું એવું તેમને લાગે તો ઘરમાંથી મારું પત્તું કાઢતાં કેટલી વાર! 
સુધામાના દેહાંત બાદ પોતે મોકો ઝડપ્યો. માર્ગરેટે વાગોળ્યું... 

‘જાણે છે મા? તારા પતિદેવ બગીચાનાં બધાં રજનીગંધા લઈ ગયાં! મને આપતા’તા, પણ મેં ન લીધાં... તે માણસનું મને કંઈ ન ખપે!’

અમરની લગ્નતિથિના દિવસે બાજી બિછાવી. નશામાં ઘેનની દવા ભેળવી રાખેલી. આકુને સુવાડી, ઘર બંધ કરીને મૅગી અમરનાથના બેડરૂમમાં પ્રવેશી... લથડતા અમરને ટેકો આપતાં તેણે હોશ ગુમાવ્યા. બહુ ગુરૂરભેર માર્ગરેટે યામિનીને નિહાળેલી : જો, તારો જ રૂમ, તારી શૈયા ને તારો પતિ... આજથી બધું મારું! 
કેટલો ખોટો એ ભ્રમ હતો! 
અત્યારે પણ એ રાત્રિના સ્મરણે માર્ગરેટ સમસમી ગઈ. પોતે કેટલું મથી, પણ ધરાર જો અમરમાંનો પુરુષ જાગ્યો હોય! પત્ની જતાં આ પુરુષની કામેચ્છા જ મરી પરવારી? ગહેરી નિદ્રામાં પણ પત્નીનો સ્પર્શ પરખાતો હોય એમ અમર - ના, તું મારી યામુ નથી... એવું પણ એક વાર બબડી ગયા.
સવારે પોતે ભલે વસ્ત્રહીન દશાનો આશરો લઈને અમરે આબરૂ લૂંટ્યાનો ખેલ ઊભો કર્યો. વાસ્તવમાં એ રાતે અમારી વચ્ચે કંઈ થયું જ નથી એ મનાય નહીં એવી હકીકત અમર આજે પણ નથી જાણતા! 

ઊંડો શ્વાસ લઈને માર્ગરેટે કડી સાંધી : જોકે તોય અમર લગ્ન માટે રાજી ન જ થયા... બિઝનેસમાં પોતાનું નામ રાખ્યું એથી હું કૅરટેકર ઓછી મટી ગઈ? 
‘માની લે એ મારા પતિ સમક્ષ વસ્ત્રો ઉતારવાની કિંમત છે...’ યામિની ગુરૂરભેર કહેતી જણાતી. એથી પોતાની હાર વધુ વસમી લાગતી. નહીં, હું એમ તો હાર ન જ માનું! 
અમર તન-મનથી મારા થવાના જ નથી, તેને પરણીને કેવળ દુનિયાની નજરે દંપતી રહીએ એ મારી જીત નથી, બલકે અમરને પરણ્યા વિના હું યામિનીના સંસારને હસ્તક કરું એ પણ તેની સવાઈ હાર ગણાય!  
અને આની ક્લુ સામેથી મળી : નવ વરસના આકારે પૂછ્યું : મારી મમ્મીના મૃત્યુમાં ડૅડી જવાબદાર હતા?

ચમકી જવાયું. અમરનાથે જ દીકરાને આપેલી હિન્ટનો દુરુપયોગ કર્યો હોય તો... તરત તો અનુકંપા દાખવી, ખુલાસો ટાળીને પોતે આકારની જિજ્ઞાસા ભડકાવતાં રહ્યાં. સમાંતરે તેને ભરમાવે, પિતા વિરુદ્ધ ભડકાવે એવી સ્ટોરી સૂઝી પણ ગઈ. એના પાત્રનો ઝબકારો પણ તરત થયો : દિવાકર! વેપારમાં ગોટાળો કરનારા મિત્રને અમરનાથે પાણીચું આપેલું ને ગોવાની ફ્લાઇટ ક્રૅશ થતાં તેનો કરુણ અંજામ આવ્યો એની ચર્ચા અમર-યામિની વચ્ચે થતી રહેતી. તેમની વાતોમાંથી જાણેલા સત્યને પોતાની રીતે મઠારીને માર્ગરેટે એવું વમળ ઊપસાવ્યું, જેમાંથી આકાર આજે પણ બહાર નીકળી શક્યો નથી! 

સંતોષનો શ્વાસ લઈને માર્ગરેટે યામિનીની છબિ નિહાળી : એક જ છત્ર નીચે રહેવા છતાં મેં તારા દીકરાને અંતરથી બાપથી અળગો રાખ્યો છે અને એની બાપ-દીકરા બેમાંથી કોઈને ગંધ નથી એ જીત નહીં તો બીજું શું! 
તસવીરમાં યામિની ઝંખવાતી લાગી. માર્ગરેટના હૈયે સુકૂન છવાયું.    
ત્યાં અમરનાથે દેખા દીધી. તેમના હાથમાં ડ્રૉઇંગ પ્લાન હતો : આકુને બગીચામાં મોકલ માર્ગરેટ... તેના માટે સરપ્રાઇઝ છે... બગીચામાં યામિનીનું સ્મૃતિ મંદિર બનવાનું છે!’ 
સાંભળીને માર્ગરેટ સમસમી ગઈ. અમરનાથના જતાં દાંત પીસ્યા : નહીં, મંદિરના ખબરે હરખા નહીં યામિની. મારા પ્યાદા જેવા તારા દીકરાને ભરમાવીને તારું મંદિર બનતાં પહેલાં જ ન તોડું તો મારું નામ માર્ગરેટ નહીં! 
lll

‘આકુ, તારા ડૅડીની સરપ્રાઇઝ જાણી?’ આકારના રૂમમાં પાણીનો જગ મૂકવાના બહાને આવેલાં માર્ગરેટે બારીનો કર્ટન ખસેડ્યો, ‘જો, પાછળ ગાર્ડનમાં મજૂરોની હલચલ દેખાય છે? તારા પિતાજી તારી માની યાદમાં સ્મૃતિ મંદિરનો પાયો ખોદાવી રહ્યા છે...’
સ્મૃતિ મંદિર! 
‘તને સવાલ નથી થતો આકુ કે પત્નીનાં ગયાનાં ૨૩ વરસે કેમ સરને મંદિર બનાવવાનું સૂઝ્યું?’
આકારની કીકીમાં પ્રશ્નાર્થ ઝળક્યો.

‘એનું કારણ આ કવરમાં બંધ છે...’ જગની સાથે ટ્રેમાં મૂકેલું સફેદ કવર કાઢીને આકારને ધરતાં તેમણે સસ્પેન્સ વધાર્યું, ‘હજી કાલે જ તારા પિતાનો રૂમ સાફ કરાવતી હતી ત્યારે તેમના ડ્રેસિંગ ટેબલના ડ્રૉઅરમાંથી મને જડ્યું... ખોલીને જોઈ લે એટલે તને બધું સમજાઈ જશે.’
પિતાનો નવો કોઈ ભેદ પામવાની ઉત્તેજનામાં આકારે ઝડપથી ગુંદરથી ચોંટાડેલી કવરની કિનાર ફાડી, અંદરનો કાગળ કાઢી નજર નાખતાં જ કીકી પહોળી થઈ : આ તો ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ! મારા લંડન આવ્યા પછીની ડેટના રિપોર્ટમાં સાફ લખ્યું છે કે મારા અને મિસ્ટર અમરનાથના ડીએનએ મૅચ થાય છે. બીજા શબ્દોમાં હું તેમનો જ અંશ છું એનું આ પ્રમાણપત્ર છે! 
 હાઉ ડેર હી! આકારની ભીતર ધરબાયેલું સર્વ કંઈ ધગધગી ગયું : મારી મા પર તમને વિશ્વાસ નહોતો એની ખાતરી આ રિપોર્ટ પરથી મળી ગઈ અને એટલે તમે માનું મંદિર બનાવવા તૈયાર થયા! પણ મિસ્ટર અમરનાથ, મારી માના ચરિત્રમાં અવિશ્વાસ રાખીને તમે ભારે ભૂલ કરી એની ખાતરી હવે તમને થશે! 

અને ત્રાડ પાડતો આકાર બગીચામાં ધસ્યો : અમરનાથ! તારી હિંમત કેમ થઈ મારી મા પર શંકા કરવાની?  
અમરનાથ ચોંક્યા. મજૂરો અને સિવિલ કૉન્ટ્રૅક્ટર પણ ડઘાઈ ગયા. માર્ગરેટના ચહેરા પર જીતનું સ્મિત ફરકી ગયું.  
ઘાયલ સિંહની જેમ પોતાની તરફ આવતા દીકરાના કપાળની નસો ફાટી જવાની હદે ફૂલી ગઈ હતી, આંખોમાં રાતા દોરા ફૂટતા હતા. આવેશથી ધ્રૂજતો તેનો દેહ જોઈને અમરનાથ તેને ટોકે ત્યાં તો આકારના પગ લથડ્યા, આંખે અંધારાં આવતાં હોય એમ માથું પકડીને તે બીજી પળે લૉનમાં ઢળી પડ્યો. 
lll

બ્રેઇન સ્ટ્રોક! 
ડૉક્ટરના નિદાને ફસડાઈ પડતા અમરનાથને નર્સ નિરાલીએ સંભાળી લીધા. માર્ગરેટ ઝીણવટથી નર્સને નિહાળી રહી. 

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2023 12:34 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK