આ ભોળી દેખાતી સુંદરીના પ્રેમમાં બરબાદ થઈને મારા સગા ભાઈએ આપઘાત કરી નાખ્યો હતો...
ઇલસ્ટ્રેશન
રાજન હૂડા ઉર્ફે રાજુ ક્રિષ્નનની બન્ને ગેમ સેટ થઈ ગઈ હતી. ગેમ વનનો પ્લાન રાજનના સાથી જગ્ગુએ પાર પાડવાનો હતો અને ગેમ નંબર ટૂ માટે રાજન પોતે ઊતરવાનો હતો.
‘જરા ધ્યાનથી સમજી લે જગ્ગુ.’ રાજને ટેબલ પર અત્તરની હોય એવી બે નાનકડી શીશી મૂકી. ‘આ બન્ને શીશીમાં કાતિલ છતાં ધીમું ઝેર છે.’
ADVERTISEMENT
‘કાતિલ છતાં ધીમું?’
‘હા.’ રાજને સિગારેટ સળગાવીને કશ ખેંચ્યો.
‘કિન્નરી બહુ નાજુક છોકરી છે અને આમાંથી તારે માત્ર અડધો ડોઝ જ આપવાનો છે.’
‘પણ ક્યારે?’
‘સમજાવું છું.’ રાજને ધુમાડાની રિંગ છોડી. ‘સાંજે સાતેક વાગ્યે તારે કિન્નરીના અપાર્ટમેન્ટ પર જઈને કહેવાનું છે કે મને ક્રિષ્નન સરે મોકલ્યો છે. તમારે મારી સાથે આવવાનું છે.’
‘ઓકે.’
‘એ પછી તારે કિન્નરીને ટૅક્સીમાં બેસાડીને જુહુ બીચ પર લઈ જવાની છે અને કહેવાનું છે કે અહીં ઉદાસ થઈને તમારે ત્રણ કલાક સુધી ફરતાં રહેવાનું છે.’
‘અને તે ફરશે? એકલી-એકલી?’
‘એ છોકરી એમ સમજે છે કે તેનું છૂપા કૅમેરાથી શૂટિંગ થઈ રહ્યું છે!’ રાજન સહેજ હસ્યો. ‘પછી તારે તેને જુહુ એરિયાના ‘ફેમ’ મલ્ટિપ્લેક્સમાં લઈ જઈને ત્યાં જે સૌથી ફાલતુ પિક્ચર ચાલતું હોય એની છેલ્લા શોની બે ટિકિટ લેવાની છે.’
‘પણ ફાલતુ પિક્ચર શા માટે?’
‘કારણ કે થિયેટર ખાલી હોય. આજકાલ પેલા હિમેશ રેશમિયાનું એક મહાપકાઉ પિક્ચર આવ્યું છે. એમાં માંડ દસ-પંદર જોનારા હશે. પણ ધ્યાનથી સાંભળ. તારે કિન્નરીને અંદર લઈ જતાં પહેલાં કોઈ સૉફ્ટ ડ્રિન્ક પીવડાવવાનું છે. અને એમાં...’
‘આ શીશીમાંથી અડધું ઉમેરી દેવાનું છે. રાઇટ?’
‘હવે સમજ્યો.’ રાજને ધુમાડો છોડ્યો. ‘ઝેર એવું છે કે શરૂઆતમાં તો તેને ખબર પણ નહીં પડે. સીટમાં બેઠા પાછી તેને ઊંઘ આવવા માંડશે... અને એ પછી ધીમે-ધીમે તેનાં એક પછી એક અંગ શિથિલ થવા માંડશે... શો પતે ત્યાં સુધીમાં તે પતી ગઈ હશે.’
‘સમજી ગયો.’ જગ્ગુ બોલ્યો. ‘પણ રાજનભાઈ, તમારી આ છોકરી જોડે દુશ્મની શું છે?’
રાજન બે ક્ષણ માટે અટકી ગયો.
‘બહુ મોટી દુશ્મની છે.’ રાજનની આંખો ફરીથી ખુન્નસથી લાલ થવા લાગી. ‘આ ભોળી પારેવડી જેવી દેખાતી સુંદરીના પ્રેમમાં બરબાદ થઈને મારા સગા ભાઈએ આપઘાત કરી નાખ્યો હતો... મેરઠમાં!’
રાજને નવી સિગારેટ સળગાવી. ‘કિન્નરી તેની સાથે આર્ટ્સ કૉલેજમાં ભણતી હતી. કહે છે કે મારા ભાઈની શાયરીઓ પર તે ફિદા હતી. પણ ખરેખર તો મારા ભાઈને રમાડીને માત્ર પોતાનું દિલ બહેલાવતી હતી. જ્યારે તે કંટાળી ગઈ ત્યારે મારા ભાઈને જાહેરમાં અપમાન કરીને હડધૂત કરી નાખ્યો. મારા ભાઈનું દિલ તૂટી ગયું... બિચારાએ મેરઠના એક દસ માળના બિલ્ડિંગના ધાબા પરથી કૂદકો મારીને આપઘાત કરી નાખ્યો... તેની ખોપડી ફાટી ગઈ હતી. સડક પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. અને એ બધાનું કારણ આ કિન્નરી હતી. કિન્નરી કનોજિયા! હવે તને સમજાય છે?’
જગ્ગુ ખામોશ હતો. રાજને ગુસ્સામાં વ્હિસકીની બૉટલ ટેબલ પછાડીને ફોડી નાખી.
lll
રાજનની બન્ને ગેમ એકસાથે ઑન થવાની હતી. એક ગેમ મલ્ટિપ્લેક્સમાં અને બીજી નીલિમાએ બુક કરેલા હોટેલના રૂમમાં...
રાજને નીકળતાં પહેલાં થોડી તૈયારી કરવાની હતી. તેણે રિમોટ વડે ચાલતા બે છૂપા કૅમેરા પોતાના જૅકેટમાં સરકાવી લીધા હતા. ‘રાત ઔર દિન’ ઉપરાંત બીજી હૉલીવુડ મૂવીઝની DVD પણ લઈ લીધી હતી. પૅન્ટના એક ખિસ્સામાં રિવૉલ્વર હતી અને બીજા ખિસ્સામાં પેલી ઝેરની શીશી! જસ્ટ ઇન કેસ...
રાજનને ખબર હતી કે ભલે નીલિમાએ નવ વાગ્યાનો ટાઇમ આપ્યો, પણ તે સાડાનવ પહેલાં હરગિજ નહીં પહોંચે. રાજને રિસેપ્શન પર જઈને રૂમ-નંબર વન ઝીરો સિક્સ કહ્યું કે તરત ત્યાં બેઠેલા એક માણસ ચાવી આપતાં બોલ્યો. ‘આપ જાકર આરામ કીજિએ, મૅડમ આ રહી હૈં...’
lll
રાજન રૂમમાં પહોંચ્યો. તે હવે બિલકુલ રિલૅક્સ હતો કેમ કે અહીં આ રૂમમાં જુદી જ ગેમ શરૂ કરવાની હતી...
રાજને રૂમનું નિરીક્ષણ કરીને પોતે જે નાનકડા કૅમેરાઓ સાથે લાવ્યો હતો એને ચોક્કસ ઍન્ગલમાં એવી રીતે ગોઠવી દીધા કે એ ઝટ નજરે ન ચડે.
રાજને રિવૉલ્વર કાઢીને એને કબાટના ખાનામાં મૂકી દીધી.
હવે તે બારી પાસે આવીને ઊભો રહ્યો... ગેમ શરૂ થવામાં થોડી જ મિનિટો બચી હતી.
આ રૂમની બારીમાંથી હોટેલના એન્ટ્રન્સનો ગેટ સાફ દેખાઈ રહ્યો હતો.
બરાબર સાડાનવે એક ટૅક્સી આવીને ઊભી રહી. અંદરથી
નીલિમા ઊતરી.
તેણે ડાર્ક મરૂન કલરનું બંધ ગળાનો ગાઉન પહેર્યો હતો જેનાથી તેનું આખું શરીર ઢંકાઈ જતું હતું.
આંખો પર મોટી સાઇઝના ગૉગલ્સ અને માથા પર લાર્જ સાઇઝની ફૅન્સી સ્ટ્રૉ હૅટ હતી. નૅચરલી, કોઈ નીલિમાને ઓળખી ન શકે એવો ગેટઅપ હતો.
રાજન હવે તૈયાર હતો...
થોડી વારે એકસો છ નંબરના રૂમના દરવાજે ટકોરા પડ્યા. બેડમાં સૂતાં-સૂતાં રાજને કહ્યું, ‘કમ ઇન, ઇટ્સ ઓપન.’
નીલિમા દરવાજો ખોલીને અંદર આવી. દરવાજો અંદરથી બંધ કરીને તેણે હેટ ઉતારી. ચશ્માં કાઢ્યાં અને બંધ ગળાના ગાઉનનાં બટન ખુલ્લાં કરી એને શરીર પરથી નીચે સરકી જવા દીધો... અંદરથી પ્રગટેલું નીલિમાનું માદક સ્વરૂપ જોઈને રાજન દંગ થઈ ગયો!
નીલિમા ખરેખર સંમોહક વિષકન્યા જેવી લાગતી હતી. તેણે પોતાના બન્ને ખભા ઉઘાડા રહે અને છાતીના ઉભારને વધારે ઉન્નત બનાવે એવો લાલચટ્ટક પાર્ટી કૉસ્ચ્યુમ પહેર્યો હતો જે તેની
પીઠ-કમરના છેલ્લા મણકા સુધી ઉઘાડો હતો અને કૉસ્ચ્યુમના સાઇડના કટમાંથી તેની ભરાવદાર ગોરી જાંઘો અને પિંડીઓને પ્રદર્શિત કરતો હતો.
રાજન દંગ થઈને નીલિમાનું આ સ્વરૂપ જોતો જ રહી ગયો.
‘વૉટ?’ નીલિમા માદક રીતે હસી. ‘યુ હૅવ નેવર સીન મી બિફોર?’
‘નૉટ લાઇક ધિસ.’ રાજનો હોશમાં આવ્યો. ‘યુ લુક સો...’
‘હિપ્નોટિક?’ નીલિમા નજીક આવી. પોતાની ડીપ બ્લુ હિપ્નોટિક આંખો રાજનની આંખોમાં પરોવતાં બોલી, ‘જસ્ટ લાઇક યૉર કૅરૅક્ટર?’
‘વેલ...’ રાજને નીલિમાના ખભે પથરાયેલા સુંવાળા વાળ હટાવતાં કહ્યું. ‘મેં પહેલાં જ કહ્યું હતું. રાજ કપૂર બિચારા વહેલા મરી ગયા!’
નિલિમા હસી પડી. ‘વેલ, ક્યાં નરગિસ, ને ક્યાં હું ?’
‘અચ્છા?’ રાજને નીલિમાના ડ્રેસની પાછળ જે કટ હતો એમાં પોતાનો હાથ સરકાવીને પોતાના શરીર સાથે જકડી લેતાં કહ્યું:
‘એ તો આપણે પડદા પર જોઈશું...’
lll
એકાદ કલાક પછી રાજન બેડ પર આડો પડ્યો હતો... નીલિમા વસ્ત્રો બદલવા બાથરૂમમાં ગઈ હતી.
રાજને પથારીમાં પડ્યાં-પડ્યાં વિચાર્યું :
‘જો પોલીસ કિન્નરીની આત્મહત્યામાં ઊંડી ઊતરશે તો એક દિવસ તેમને કિન્નરીની ઑફિસના કમ્પ્યુટરમાંથી આ કામક્રીડાની ક્લિપ મળશે.. જેના કારણે છાપામાં એવી હેડલાઇનો છપાશે કે ‘પોતાની સ્વચ્છંદી માતાના અશ્લીલ લગ્નેતર સંબંધોથી ત્રાસીને માસૂમ પુત્રીએ આત્મહત્યા કરી લીધી હતી...’
ગેમ ઓવર થઈ જવાની હતી. રાજનને હવે દિલમાં જબરદસ્ત ટાઢક થઈ રહી હતી.
રાજને કપડાં પહેરીને સિગારેટ સળગાવતાં એક ચૉકલેટ મોંમાં મમળાવી. તૃપ્ત થઈ ગયેલી નીલિમા બાથરૂમાંથી બહાર આવીને તેની પડખે આડી પડી. રાજને કહ્યું:
‘યુ નો સમથિંગ? મારી ફિલ્મમાં જે હિપ્નોટિક વુમનનું કૅરૅક્ટર છે એને ઇમોશનલ પુરુષો સાથે પ્રેમની ગેમ રમવાની આદત છે. તે પ્રેમીઓને એટલા તડપાવે છે કે એક પ્રેમી તો દસ માળના બિલ્ડિંગ પરથી પડતું મૂકીને આપઘાત કરી બેસે છે...’
રાજને જાણી જોઈને આ વાત
કાઢી હતી.
‘નીલિમા, તમને ખબર છે? મેરઠમાં કંઈક આવો જ એક કેસ બન્યો હતો. મેં છાપામાં વાંચેલું. તમે તો મેરઠના છોને? તમે ઓળખો છે એ પ્રેમિકાને?’
અચાનક નીલિમાના ચહેરા પર ચમક આવી. તેના હોઠ પર રહસ્યમય સ્મિત ઊપસ્યું. તે બોલી. ‘ગેસ વૉટ... એ પ્રેમિકા હું જ હતી!’
‘વૉટ!’ રાજનને ઝટકો લાગ્યો.
‘યસ!’ નીલિમા ખડખડાટ હસવા લાગી. ‘યુ નો, એ છોકરાનું અસલી નામ તો મને ખબર નથી, પણ તે ‘બાદલ’ના ઉપનામથી શાયરીઓ લખતો હતો.’
‘તમે તેને શી રીતે ઓળખો?’ રાજને માંડ-માંડ તેની ઉત્તેજના દબાવી રાખી.
‘તમે નહીં માનો, એ છોકરો તો મારી કિન્નરીના પ્રેમમાં પાગલ હતો. તે અવારનવાર તેની ચિઠ્ઠીઓમાં શાયરીઓ અને બીજું બધું વેવલાઈભર્યું લખીને મારી કિન્નરીની નોટમાં મૂકી દેતો હતો. પણ મારી કિન્નરી બહુ ભોળી અને નાદાન છે. તેને આની કશી ખબર જ નહોતી!’
‘તો તમને શી રીતે ખબર પડી?’
‘હું જ તેની નોટોમાંથી ચિઠ્ઠીઓ કાઢીને વાંચી લેતી હતી!’ નીલિમા હસવા લાગી. ‘એટલું જ નહીં, સામે જવાબો પણ લખતી હતી! પેલો મૂરખ, બ્લડી ઇમોશનલ ફુલ એમ સમજતો રહ્યો કે મારી દીકરી તેને ભાવ આપી રહી છે. એક વાર મેં ઇડિયટને ચિઠ્ઠીમાં લખ્યું કે જો તું મને ખરેખર પ્રેમ કરતો હોય તો પ્રિન્સિપાલ સાહેબની સામે જ મને બાંહોમાં ભરીને ચુંબન કરી બતાડ!’
‘પછી?’
‘પછી શું? બિચારાની જે ફજેતી થઈ છે! મારી કિન્નરીએ તો તેને બે લાફા ઠોકી દીધા. પ્રિન્સિપાલે તેને કૉલેજમાંથી રસ્ટિકેટ કરી નાખ્યો. આખા મેરઠમાં લોકો તેનો ઠઠ્ઠો કરતા થઈ ગયા. તે જ્યાં જાય ત્યાં બિચારાની ફિરકી લેતા હતા. આખરે બિચારો દસ માળના બિલ્ડિંગ પરથી કૂદી પડ્યો...’ નીલિમા હજી હસતી હતી.
રાજનને જબરદસ્ત ઝટકો લાગી ગયો. શું બિચારી કિન્નરીને કશી ખબર જ નહોતી? શું તે કૅમેરામાં દેખાય છે એટલી જ નિર્દોષ હતી? માય ગૉડ. આ મેં શું કર્યું?
રાજન ઊભો થઈ ગયો. ‘નીલિમા, તમે અહીં જ રહેજો. હું થોડી જ વારમાં પાછો આવું છું.’
lll
હોટેલની બહાર નીકળીને રાજને ફુલ સ્પીડમાં તેની બાઇક મારી મૂકી.
‘ફેમ’ મલ્ટિપ્લેક્સ સુધી પહોંચતાં તેણે ચાર ઠેકાણે રેડ સિગ્નલમાં ઘૂસ મારી અને બે જગ્યાએ બાઇક રૉન્ગ સાઇડમાં ચલાવી હતી. મલ્ટિપ્લેક્સમાં પહોંચતાં જ પેલી ફાલતુ ફિલ્મ જ્યાં ચાલતી હતી એ સ્ક્રીન-હૉલમાં તે ધસી ગયો. કિન્નરીને શોધતાં તેને જરાય વાર ન લાગી.
તેના શ્વાસ ભલે ધીમા-ધીમા, પણ ચાલી રહ્યા હતા!
lll
આખરે... ખાસ્સા બે કલાક પછી જ્યારે તેને ખાતરી થઈ કે કિન્નરી હવે ડેન્જર ઝોનની બહાર છે ત્યારે તેણે હૉસ્પિટલની બહાર કદમ માંડ્યાં.
પણ આખરી દાવ હજી બાકી હતો...
lll
લગભગ પિસ્તાળીસ મિનિટ પછી જ્યારે તે હોટેલ ‘ક્વીન્સ’ના રૂમ-નંબર એકસો છમાં પ્રવેશ્યો ત્યારે તેના હાથમાં અત્યંત મોંઘા ફ્રેન્ચ વાઇનની એક બૉટલ હતી.
‘ચિયર્સ!’ તેણે વાઇનની બૉટલમાંથી બે ગ્લાસ છલોછલ ભર્યા. એમાંથી એક ચોક્કસ ગ્લાસ નીલિમાના હાથમાં પકડાવતાં કહ્યું, ‘લેટ્સ સેલિબ્રેટ નીલિમા! યુ આર માય નેક્સ્ટ ફિલ્મ્સ હિરોઇન...’
નીલિમા હસી. પણ થોડી વાર પછી તેની આંખો જ્યારે કોઈ રહસ્યમય બોજ હેઠળ ઘેરાવા લાગી ત્યારે રાજન મનમાં બબડ્યો :
‘ગેમ ઓવર... યુ બ્લડી બિચ!’
(સમાપ્ત)

