બા ઊભાં થઈ ગયાં, ‘એકેયને જીવતાં નથી મૂકવાની, ત્રણેયને ભડાકે દઈશ, બંદૂક લાવ મારી’
ઇલસ્ટ્રેશન
‘ઓધવ, બા આમ ક્યાંય જાય નહીં, તેનો મેસેજ આવ્યા વિના રહે નહીં... આ વખતે જે રીતે બા ગુમ થયાં છે એ જોઈને મને... મને મનમાં આશંકાઓ જાગે છે.’
‘બેનબા, મારી વાત સમજો. બાને કંઈ નહીં થાય. હું, હું અમદાવાદથી મુંબઈ પહોંચું એટલી વાર છે. બે કલાકમાં તમારી સામે બધી વાત આવી જાશે.’ ઓધવની નજર ચારેય દિશામાં ફરતી હતી, ‘એવું લાગે તો હું મુંબઈમાં અહમદના માણસોને પણ કહી દઉં છું, એ પણ કામે લાગી જશે.’
ADVERTISEMENT
‘લગાડી દે કામે... અત્યારે જ. પ્લેનમાં બેસતાં પહેલાં.’ બેનબાએ આદેશ આપી દીધો, ‘એવું હોય તો પહેલી ફ્લાઇટમાં હું પણ અહીંથી આવી જઉં છું. જે બન્યું છે એ બાના કૅરૅક્ટરની સાથે ફિટ નથી બેસતું. બા જાણ કર્યા વિના પગ બહાર મૂકે નહીં ને આ વખતે એક આખા દિવસથી બાનો કોઈ પત્તો નથી.’
‘સમજું છું, તમે ટેન્શન નહીં કરો ને દોડાદોડી પણ નહીં કરો. હું અહીં જોઈ લઉં છું...’ ઓધવે જવાબદારી સાથે કહ્યું, ‘એવું લાગશે તો હું તમને કહું પછી તમે નીકળજો.’
ફોન જેવો કટ થયો કે બીજી જ સેકન્ડ ઓધવે પોતાના ખિસ્સામાંથી બીજો મોબાઇલ બહાર કાઢ્યો અને નંબર ડાયલ કર્યો.
lll
‘કહાં થે...’ ઓધવના અવાજમાં ગુસ્સો આવી ગયો હતો, ‘ક્યારનો ફોન કરું છું, તમારા બધાના ફોન બંધ છે. ટીવી પર ક્યાંય બ્રેકિંગ ન્યુઝ પણ નથી આવતા. થયું શું?’
‘ભાઈજાન, અમને શું ખબર શું થયું?’ મજનૂભાઈએ વ્હિસ્કીનો પેગ ગળા નીચે ઠાલવતાં કહ્યું, ‘બા આવી હોય તો અમને ખબર પડેને? બા આવી જ નથી.’
‘એ મૂર્ખ, બા મુંબઈ આવી ગયાં અને ગુમ પણ થઈ ગયાં. હું ક્યારનો તારા ફોનની રાહ જોઉં છું. મને એમ કે તેં કામ કરી લીધું પણ ટીવી પર પણ ન્યુઝ આવ્યા નહીં એટલે હું સમજી ગયો કે કંઈક લોચો છે.’ ઓધવે પ્લેનમાં એન્ટર થતાં કહ્યું, ‘હવે સાંભળ મારી વાત. તારા માણસોને કહી દે ઍરપોર્ટ પર વાલમ છેને વાલમ, બાનો વિશ્વાસુ છે. વાલમ પર નજર રાખે. બા બે જણને કૉન્ટૅક્ટ કર્યા વિના રહે નહીં. એક, લંડનમાં રહેતી તેની દીકરીને અને બીજા વાલમને...’
‘અભી તક બાને ઉન દોંનો કો ભી કૉન્ટૅક્ટ નહીં કિયા હૈ?’
‘ના... એ જ વાતનું મને ટેન્શન છે કે એવું કેમ બન્યું?’
‘બાના દુશ્મન ક્યાં ઓછા છે ઓધવ.’ મજનૂભાઈએ હસતાં-હસતાં કહ્યું, ‘બીજાએ કામ કરી નાખ્યું હશે. તારે તો બા મરે એ જ કામ હતુંને? માની લે, તારું કામ થઈ ગયું’
‘ના, બા મરે અને બાની લાશ મારી સામે અંતિમ સંસ્કાર થાય પછી જ હું માનું કે એ ભારાડી બાઈ મરી છે...’ ઓધવે ફોન પૂરો કરતાં પહેલાં કહી દીધું, ‘હું મુંબઈ પહોંચું છું, તું જલદી તારા માણસોને વાલમની પાછળ લગાડી દે.’
lll
‘અમે તમારી ગાય છીએ બા... અમને માફ કરો. અમારી ભૂલ થઈ ગઈ. અમે, અમે આવું કરવા નહોતા માગતા પણ બા... આ...’ સચિને અબ્દુલ તરફ હાથ કરતાં કહ્યું, ‘અબ્દુલ બા. અબ્દુલના કારણે અમે તેને સાથ દીધો. તમે તેને મારો... મારી-મારીને ધોઈ નાખો પણ અમને જવા દો બા. અમે તમારી ગાય છીએ. કહેશો તો રોજ તમારા ઘરે દૂધ દેવા આવશું પણ બા, અમને જવા દો...’
‘ચૂપ.’ બાના પહાડી અવાજની ગુંજ આખા હૉલમાં પ્રસરી ગઈ, ‘હવે એક શબ્દ પણ બોલ્યો છો તો ઊભેઊભો ચીરી નાખીશ.’
બા માથું પકડીને હૅન્ડલ તૂટેલી ચૅર પર બેસી ગયાં.
‘આ કેટલું બોલે છે?’ પાંચેક સેકન્ડના વિરામ પછી બાએ રોમેશ સામે જોયું, ‘તમે લોકો આનાથી થાકતા નથી?’
‘બહુ થાકી જાય બા, બહુ એટલે બહુ થાકી જાય. પણ એ અમારું માને જ નહીં. અમે ના પાડીએ તો નાની છોકરીની જેમ મોઢું ફુલાવીને ઊભો રહી જાય. બે દિવસ સુધી અમારી સાથે વાત ન કરે. પછી અમને થાય કે આને અમારા સિવાય બીજું કોણ સાંભળવાનું એટલે પછી અમે...’
‘ચૂપ...’ બાએ અબ્દુલની સામે જોયું, ‘ખરેખર તમે ત્રણેય ડોબા છો. તમારે બંદૂક હાથમાં રાખવાની જરૂર જ નથી. બસ, તમે બોલો એટલે સામેવાળો કિડનૅપ થઈ જાય.’
અબ્દુલે પોતાનો જમણો હાથ ઊંચો કર્યો.
સ્કૂલમાં જે પ્રકારે બચ્ચાઓ બોલતાં પહેલાં ટીચરની પરમિશન માગે એ રીતે.
‘એક મિનિટ... એનાથી વધારે બોલ્યો છો તો મરી ગ્યો સમજી લેજે...’
‘અમારી ભૂલ થઈ ગઈ, અમને જવા દો.’ અબ્દુલે વાત પૂરી કરી, ‘ઓવર ઍન્ડ આઉટ...’
‘એક શરતે... સાચેસાચું કહી દો, મને કિડનૅપ કરવાનું તમને કોણે કહ્યું’તું?’
રોમેશ અને સચિન બન્નેના હાથ સીધા અબ્દુલ તરફ ગયા અને અબ્દુલ બાના પગમાં લાંબો થઈ ગયો.
‘ભૂલ બા... ભૂલ. તમે દાગીના પહેર્યા હતા એમાં અમે લાલચમાં આવી ગયા. અમારે પૈસા ચૂકવવાના છે. લાગ્યું કે તમારી પાસેથી પૈસા નીકળશે પણ અમને ખબર નહીં તમે પોતે...’
‘તમારી જેમ પૈસા કઢાવવાનું કામ કરતી હોયશ, એમ જને?’ મોઢા પર આંગળી મૂકી અદબ-પલાંઠી મારીને અબ્દુલ બેસી ગયો અને બાને હસવું આવી ગયું, ‘તમારે કોને પૈસા ચૂકવવાના છે?’
‘માંડીને વાત કહું બા...’ બાએ હકારમાં મસ્તક નમાવ્યું અને અબ્દુલે વાત શરૂ કરી, ‘બા મારો જન્મ જામનગરમાં થયો. નાનો હતો ત્યારે તો હું બહુ તોફાન કરતો. નાની-નાની વાતમાં મારે કોઈકની ને કોઈકની સાથે મારામારી થાય. હું બહાર મારામારી કરું ને બાપુજી ઘરે મારી સાથે મારામારી કરે.’
‘તમારે કોને પૈસા ચૂકવવાના છે?’
‘કહુંને બા, માંડીને કહું છું...’
‘માંડીને કહે પણ એટલું માંડીને નહીં કે મારાં વર્ષો પૂરાં થઈ જાય.’ બાએ રોમેશની સામે જોયું, ‘બાબલા, તું કહે...’
‘બા, દુબઈમાં પૈસા ચૂકવવાના છે. એમાં એવું થયુંને કે આ અબ્દુલના કારણે અમને લોકોને જુગારની લત લાગી. જુગાર એટલે નિર્દોષ જુગાર. એક વાર બા અમે લોકોએ શરત લગાવી. શરતમાં તો ફક્ત એક હજારની હતી પણ શું છે બા, વટની વાત હોય તો હજાર હોય કે કરોડ, આપણે ક્યાંય ઓછું ન મૂકીએ...’
‘બાબલા...’ બાએ સચિનની સામે જોયું, ‘આ બેય હિંગનાં ઝાડ છે. હવે જો તું હિંગનું ઝાડ બન્યો છો તો યાદ રાખજે, ઊભેઊભા વાઢી નાખીશ... બોલ જલદી, શેના પૈસા ચૂકવવાના છે.’
‘જુગારના...’
સચિન ચૂપ થઈ ગયો એટલે બાએ પૂછ્યું.
‘શું જુગાર રમ્યા’તા...’
‘ક્રિકેટનો સટ્ટો...’
‘એમાં હારી કેવી રીતે ગયા?’
‘જીત્યા નહીં એટલે...’
સચિન ફરી ચૂપ અને બાની કમાન છટકી.
‘મારી બંદૂક ક્યાં છે?’ બા ઊભાં થઈ ગયાં, ‘એકેયને જીવતાં નથી મૂકવાની. ત્રણેયને ભડાકે દઈશ. બંદૂક લાવ મારી.’
‘બા, અમે તમારી ગાય છીએ. રોજ તમને દૂધ દેવા આવશું, અમને મૂકી દો બા. અમે કંઈ નથી કર્યું. અમે પહેલી વાર આવું કર્યું ને એમાં બા અમે ફસાઈ ગયાં. અમારા મનમાં કોઈ પાપ નથી બા. અમે નિર્દોષ છીએ બા... અમારે દુબઈમાં પૈસા ચૂકવવાના હતા એટલે અમે આ કરી બેઠા બા...’
ત્રણેયની કૅસેટ ફરી શરૂ થઈ ગઈ અને બાએ પોતાના બે કાન બંધ કરીને જોરથી રાડ પાડી.
‘ચૂઉઉઉપ...’
lll
‘આવી ગ્યો છું મુંબઈ...’ ઓધવે ફોન કર્યો, ‘ક્યાં છો તું?’
‘ઍરપોર્ટ કે બહાર હોટેલ વીક-એન્ડ પૅલેસ હૈ.’ મજનૂભાઈએ કહ્યું, ‘વહીં તુમ્હારે નામ પે રૂમ કિયા હૈ. આજા...’
મોઢા પર માસ્ક ચડાવી ઓધવ ઍરપોર્ટની બહાર નીકળ્યો. ઓધવના મનમાં ખુન્નસ પણ હતું અને ગ્લાનિ પણ હતીઃ ‘બા એમ હાથમાંથી નીકળી કેવી રીતે જાય?’
ઓધવની આંખ સામે બાર વર્ષ પહેલાંની ઘટના આવી ગઈ.
lll
‘અરજણ, ભાઈની હત્યામાં તારું નામ આવ્યું છે...’ બાએ અરજણના માથા પર રિવૉલ્વર તાકી હતી, ‘કુલ ૧૪નાં નામ હતાં, તેરનો હિસાબ થઈ ગયો. તું ઘરનો છો એટલે તને છેલ્લે રાખ્યો...’
‘બા, ખોટી વાત છે. તમને લાગે છે હું... હું ભાઈને દગો દઉં?’
‘હંમ... લાગે છે.’
બાએ અરજણને લાત મારી. અરજણ ચત્તોપાટ જમીન પર પડ્યો અને બાએ તેની છાતી પર પગ મૂક્યો.
‘સરસ્વતીનું કામ એક કરવાનું ને લક્ષ્મીનું કામ બધાયને નોખા કરવાનું...’
‘બા, મારે નાનો છોકરો છે. તમને ખબર છે. તેની મા નથી... હું, હું બા...’ અરજણને શબ્દો મળતા નહોતા, ‘તમે કહેશો એ કરીશ બા... કાયમ માટે અહીંથી નીકળી જાયશ.’
‘તને કાયમ માટે મોકલવા તો આવી છું.’ બાએ અરજણના જડબામાં રિવૉલ્વરનું નાળચું નાખી દીધું, ‘વાત રહી તારા ઓધવની... આજ સુધી તું મારી સાથે પ્રામાણિકતાથી રહ્યો એના હિસાબ રૂપે ઓધવની જવાબદારી મારી... પણ તારે જાવું પડશે અરજણ...’
ધડામ...
ગોળીનો અવાજ સાંભળી આઠ વર્ષનો ઓધવ રૂમમાંથી બહાર આવી ગયો. તેની આંખ સામે ફૂરચા ઊડેલી બાપની ખોપરી અને બંદૂકનું નાળચું સાફ કરતાં બા હતાં.
‘હાલ એય બાબલા...’ બાએ ઓધવની સામે સ્માઇલ કર્યું, ‘આજથી તારે મોટા ઘરમાં રહેવાનું, મારી ભેગું...’
lll
‘સાલ્લીએ મારા બાપને માર્યો.. મજનૂભાઈ. આજ સુધી હું આ તકની રાહ જોતો રહ્યો ને આજે તમારે કારણે એ તક હાથમાંથી ગઈ.’ શરીરમાં ઠલવાયેલી વ્હિસ્કી હવે ઓધવના મગજ પર અસર કરવા માંડી હતી, ‘દર વખતે તેની સાથે કોઈ ને કોઈ હોય. પહેલી વાર એકલી ફૉરેન ગઈ ને મને થ્યું કે આ બધું તો બાપા જ ગોઠવે છે પણ...’
‘ઓધવ, કામ હો જાએગા...’
‘કામ હોગા કૈસે વો ભી તો દેખના હૈના?’ ઓધવે નવો પેગ ભર્યો, ‘ખબર તો પડવી જોઈ બુઢ્ઢી ક્યાં ભટકે છે, કોની સાથે છે? ખબર પડ્યા વિના ક્યાં વાર કરવાનો?’
‘એક રાસ્તા બંધ હોતા હૈ તો અલ્લાહ હઝાર રાસ્તે ખોલ દેતે હૈં...’ મજનૂભાઈએ ફોન હાથમાં લીધો, ‘તું અહીંથી જઈશ ત્યારે તારી સાથે બા હશે. ડેડ-બૉડી તરીકે... મારી જવાબદારી. બસ, તું અત્યારે મજા કર.’
જાણે કે છેલ્લા વાક્યની જ રાહ જોવાતી હોય એમ સ્વીટ રૂમના બેડરૂમમાંથી દૂધમાંથી ઘડી હોય એવી રશિયન બહાર આવી અને ઓધવ તેને જોતો રહી ગયો.
lll
‘મારો મોબાઇલ લીધો હતો કે નહીં?’
‘લીધો જ હોયને બા.’ અબ્દુલે પોતાના ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને બાની સામે લંબાવ્યો, ‘લ્યો...’
બાએ મોબાઇલની સ્ક્રીન સામે જોયું પણ સ્ક્રીન ઓપન થઈ નહીં. બેત્રણ વખત બાએ એ પ્રકારના પ્રયાસ કર્યા પણ રિઝલ્ટ આવ્યું નહીં એટલે બાએ ગુસ્સામાં અબ્દુલ સામે જોયું અને બોચીથી પણ પકડીને અબ્દુલને નજીક ખેંચી તેના ચહેરા સામે મોબાઇલ કર્યો. મોબાઇલનું લૉક ખૂલી ગયું.
‘નવરીના, ઍરપોર્ટથી જ હાથફેરો ચાલુ કરી દીધો હતો.’ બાએ મોબાઇલ સામે જોયું, ‘આમાં મારું સિમકાર્ડ છે કે...’
‘મારું સિમકાર્ડ છે...’ અબ્દુલે ડરતાં-ડરતાં કહ્યું, ‘તમારું સિમકાર્ડ તો પ્લેનમાં જ મૂકી દીધું. નહીં તો અમે પકડાઈ જાયને બા...’
lll
‘બા વાત કરું છું, જાગુ...’ દીકરીને ફોન લગાડી બાએ તરત જ કહ્યું, ‘આ જે બાબલાનો ફોન છે એમાં બૅલૅન્સ નથી એટલે મને જલદી આ નંબર પર ફોન કર.’
બાએ ફોન કટ કર્યો અને બીજી જ સેકન્ડે બેનબાએ ફોન ઓધવને લગાડ્યો.
‘ઓધવ, ચિંતા નહીં કરતો. બા મળી ગયાં છે. બાનો હમણાં ફોન આવ્યો, બીજા કોઈના નંબર ઉપરથી. હું તેની સાથે વાત કરીને તરત તને ફોન કરું છું.’
આલ્કોહોલનો નશો ઓધવના મગજ પરથી ઊતરી ગયો અને વેરનો નશો તેના લોહીમાં દોડવા માંડ્યો.
(વધુ આવતી કાલે)

