ચેમ્બુરમાં રહેતા અને પુણેમાં નોકરી કરતા ૨૯ વર્ષના કચ્છી યુવક રમાકાન્ત દેવરિયાને જ તમે જોઈ લો. તે વ્યવસાયે ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર છે
રમાકાન્ત દેવરિયા
પૅશન ફૉલો કરવા મળતું હોય તો વ્યક્તિ તનતોડ મહેનત કરવામાં પાછીપાની ન કરે. ચેમ્બુરમાં રહેતા અને પુણેમાં નોકરી કરતા ૨૯ વર્ષના કચ્છી યુવક રમાકાન્ત દેવરિયાને જ તમે જોઈ લો. તે વ્યવસાયે ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર છે, પણ શનિ-રવિની રજામાં તે મુંબઈ આવીને વર્કશૉપમાં બાપ્પાની મૂર્તિઓ તૈયાર કરવાનું કામ કરે છે. ગણેશચતુર્થી નજીક હોવાથી પૅશન અને પ્રોફેશનની દોડ વચ્ચે તેને મૂર્તિ બનાવવાના કામમાંથી શ્વાસ લેવાની પણ ફુરસદ નથી
પૅશનને ફૉલો કરવા માટે લોકો ગમે તે ભોગ આપવા માટે તૈયાર હોય છે. કોઈ પૅશન માટે જૉબ છોડી દે, કોઈ ફૅમિલીનો વિરોધ સહન કરે, કોઈ આર્થિક સંકટ ઝીલી લે તો કોઈ પોતાની ઓળખ બદલવા તૈયાર થઈ જાય. ચેમ્બુરમાં રહેતો ૨૯ વર્ષનો રમાકાન્ત દેવરિયા પણ અત્યારે પૅશનના રાહ પર ચાલી રહ્યો છે. એ માટે તેણે આરામ ત્યજી દીધો છે. આમ તો તે ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર છે પણ મૂર્તિકાર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા મથી રહ્યો છે. રમાકાન્તનું માનવું છે કે મૂર્તિકાર તરીકેનું કામ તેને સંતોષ આપવાની સાથે જીવનને હેતુસભર બનાવે છે.
ADVERTISEMENT
વર્કશૉપ ઘરની નજીક
રમાકાન્તે ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ કરેલું છે. હાલમાં પુણેની એક કંપનીમાં તે સિનિયર સિસ્ટમ ડેવલપર તરીકે કામ કરે છે. તેનો પરિવાર ચેમ્બુરમાં રહે છે, જ્યારે તેની વર્કશૉપ પણ અહીં ઘરની નજીક જ આવેલી છે. બાપ્પાની મૂર્તિઓ તૈયાર કરવા માટે તે દર અઠવાડિયે મુંબઈથી પુણે અપડાઉન કરે છે. આ બન્ને કામ કઈ રીતે મૅનેજ થાય છે એ વિશે વાત કરતાં રમાકાન્ત કહે છે, ‘મારે ઑફિસમાં સોમવારથી શુક્રવાર કામ કરવાનું હોય છે. શનિ-રવિની રજા હોય એટલે હું શુક્રવારની રાત્રે જ પુણેથી મુંબઈ આવવા માટે નીકળી જાઉં. એટલે શનિવારની સવારથી જ મારી વર્કશૉપમાં કામ શરૂ કરી શકું. એ પછી સોમવારે સવારે પાંચ વાગ્યે મુંબઈથી પુણે જવા રવાના થઈ જાઉં જેથી સવારે સીધો ઑફિસ પહોંચી શકું.’

નવી જ દુનિયા
વર્કશૉપમાં કામ કરવા વિશે માહિતી આપતાં રમાકાન્ત કહે છે, ‘હું સવારે ૧૦ વાગ્યાથી લઈને રાત્રે બાર-એક વાગ્યા સુધી બાપ્પાની મૂર્તિ બનાવવાનું કામ કરું છું. હું વર્કશૉપમાં દાખલ થાઉં એટલે એક જ નવી જ દુનિયામાં આવી ગયો હોઉં એવું મને લાગે. તમને કામમાં એટલા પરોવાઈ જાઓ કે ખાવા-પીવાનું પણ ભુલાઈ જાય. તમને ખબર જ ન પડે કે કેટલા કલાકો પસાર થઈ ગયા. આ કામ તમારા મૂડ પર પણ ઘણું નિર્ભર કરે, કારણ કે તમારા મનના ભાવ મૂર્તિમાં ઊતરતા હોય છે. આ કામમાં એકગ્રતા પણ બહુ જોઈએ, કારણ કે નાની-નાની ડીટેલ્સ પર કામ કરવું પડે. મૂર્તિ તૈયાર થયા પછી આપણને સૅટિસ્ફૅક્શન મળવું જોઈએ. આ વર્ષે મેં ૨૫ જેટલી મૂર્તિ બનાવી છે અને બાકીની પાંચ હજી બનાવીશ. એટલે ગણેશચતુર્થી સુધીમાં ૩૦ જેટલી મૂર્તિ તૈયાર થઈ જશે.’
રમાકાન્તને તેના વર્કશૉપના કામમાં તેના ભાઈ પ્રકાશ મદદ કરે છે. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘મારું કામ તો ફક્ત મૂર્તિઓ બનાવવાનું છે; પણ એ સિવાય સામાન મગાવવાનું, ઑર્ડરનો હિસાબ રાખવાનું બધું તે જ જુએ. મૂર્તિના રંગકામ અને ડેકોરેશનમાં થોડીઘણી મદદ કરી શકે એ માટે ચાર છોકરાઓ કામ પર રાખ્યા છે. એ લોકો મારી વર્કશૉપમાં અનુભવ મેળવવા અને શીખવા માટે આવે છે. તેમની પાસેથી શું કામ કરાવવું એ મારા ભાઈ જુએ. આમ તો એ તાએ ક્વાન ડોના ટીચર છે. એટલે સાંજે ક્લાસિસ લે અને દિવસે વર્કશૉપનું કામ સંભાળે.’
ગાર્ડનની માટીમાંથી ગણપતિ
મૂર્તિ બનાવવાનું કામ કઈ રીતે શીખ્યો એ વિશે વાત કરતાં રમાકાન્ત કહે છે, ‘બાળપણમાં હું ગાર્ડનની માટીમાંથી ગણપતિ બનાવતો હતો. મારા પપ્પાએ એ જોયું એટલે એક દિવસ તેઓ મને એક વર્કશૉપમાં લઈ ગયા જ્યાં ગણપતિની મોટી મૂર્તિઓ બનતી જોઈ. એ પછી તો હું પપ્પા પાસે વર્કશૉપમાં લઈ જવા માટે જીદ કરતો, કારણ કે મને ત્યાંથી થોડી માટી જોઈતી હોય. એટલે એ રીતે હું થોડી માટી ઘરે લઈ આવું. એમાંથી બાપ્પાની મૂર્તિ બનાવું અને પછી ફરી એને તોડીને ફરી એમાંથી મૂર્તિ બનાવું. એ રીતે હું મૂર્તિ બનાવતાં શીખ્યો. મારા કામમાં વધુ પર્ફેક્શન આવે એ માટે મેં પછી મુંબઈના પ્રસિદ્ધ મૂર્તિકાર વિશાલ શિંદે પાસેથી પણ ટ્રેઇનિંગ લીધી.’
ઇકો-ફ્રેન્ડ્લી
રમાકાન્ત તેના પ્રોફેશનલ નૉલેજનો ઉપયોગ મૂર્તિ બનાવવાના કામમાં પણ વાપરે છે. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘ગયા વર્ષે મેં હવામાં તરતો મોદક બનાવ્યો હતો. એમાં મૅગ્નેટિક લેવિએશન પ્રોસેસનો ઉપયોગ કર્યો હતો જેમાં ફિઝિકલ કૉન્ટૅક્ટ વગર કોઈ ઑબ્જેક્ટ મૅગ્નેટિક ફોર્સની મદદથી હવામાં તરે છે. જોકે હું બાપ્પાની મૂર્તિ સાથે કોઈ એક્સપરિમેન્ટ કર્યા વગર ટ્રેડિશનલ ફૉર્મમાં જ બનાવવા માગું છું. અત્યારે હું જે પણ મૂર્તિ બનાવું છું એ ઇકો-ફ્રેન્ડ્લી છે. એને શાડૂ માટીમાંથી બનાવું છું.’
પ્રોફેશન અને પૅશનને ફૉલો કરી રહેલા રમાકાન્ત હાલની પરિસ્થિતિ વિશે વાત કરતાં કહે છે, ‘અત્યારે હું કામમાં એટલો વ્યસ્ત છું કે મને મારું અંગત જીવન જીવવાનો સમય જ નથી મળી રહ્યો. નથી પોતાના પર ધ્યાન આપી શકતો, નથી ક્યાંય હરવા-ફરવા જઈ શકતો. ઊંઘ પણ પૂરી થઈ રહી નથી. જોકે હું જે પણ કરી રહ્યો છું એ કામ મને ગમી રહ્યું છે. મૂર્તિ બનાવવાનું કામ મને એટલું ગમે છે કે જો મારી વર્કશૉપનું કામ સારું ચાલ્યું અને હું જેટલું નોકરીમાંથી કમાઉં છું એનાથી વધુ આવક થવા લાગશે તો હું મારો બધો જ સમય એ કામમાં આપીશ.’
મનમાં સતત ઉચાટ
મૂર્તિ બનાવ્યા પછી પણ વિસર્જન સુધી મૂર્તિકારના મનમાં સતત ઍન્ગ્ઝાયટી રહેતી હોય છે એમ જણાવતાં રમાકાન્ત કહે છે, ‘શાડૂ માટીની મૂર્તિ થોડી નાજુક હોય છે. ઘણી વાર નજીવી અસાવધાનીને કારણે કાન, સૂંઢ, હાથ વગેરે જગ્યાએથી મૂર્તિ તૂટવાનું જોખમ હોય છે. એટલે ગ્રાહકના ઘરે મૂર્તિ પહોંચી ગયા બાદ પણ એનું વિસર્જન ન થાય ત્યાં સુધી મનમાં એવો ડર રહે કે મૂર્તિને કંઈ ન થાય તો સારું. જોકે મનમાં સારી ભાવના પણ હોય કે તમારા હાથેથી બનાવેલી મૂર્તિ કોઈના ઘરે જશે અને ત્યાં એની સ્થાપના અને પૂજા થશે. વિસર્જન વખતે પણ મનમાં થોડું દુઃખ થાય કારણ કે એ મૂર્તિ બનાવવામાં એક મૂર્તિકાર ઘણી મહેનત અને ભાવના રેડતો હોય છે.’
પોતાના પરિવાર વિશે માહિતી આપતાં રમાકાન્ત કહે છે, ‘મારા પરિવારમાં પપ્પા વીરસિંહ, મમ્મી કાન્તા, મોટો ભાઈ હિંમત, બીજા નંબરનો ભાઈ પ્રકાશ અને સૌથી નાનો હું છું. મારા બન્ને ભાઈ પરણી ગયા છે અને તેમનો પરિવાર છે.


