જેને કોઈ જાતની લગામ ન હોય તેનું નામ સોશ્યલ મીડિયા. હા, અત્યારે તો એવું જ ચાલી રહ્યું છે અને એટલે જ વારંવાર એવું લાગતું રહ્યું છે કે આ સોશ્યલ મીડિયા પર તાત્કાલિક ધોરણે સેન્સરશિપ લાદવાની આવશ્યતા છે.
પ્રતીકાત્મક તસવીર
જેને કોઈ જાતની લગામ ન હોય તેનું નામ સોશ્યલ મીડિયા. હા, અત્યારે તો એવું જ ચાલી રહ્યું છે અને એટલે જ વારંવાર એવું લાગતું રહ્યું છે કે આ સોશ્યલ મીડિયા પર તાત્કાલિક ધોરણે સેન્સરશિપ લાદવાની આવશ્યતા છે. ગઈ કાલે સુરતના એક યંગસ્ટરે રીલ બનાવવાની લાયમાં બ્રિજની એક ફુટ પહોળી પાળી પર ૨૦ મિનિટ વૉક કર્યો અને એ રીલ દેશભરમાં વાઇરલ થઈ. આ સાહસ નથી એવું માનતા નથી એ બધાના આખા આયખા પર ફિટકાર છે.
તમે જે કરી રહ્યા છો એ કોઈ ને કોઈ માટે પ્રેરણા લઈને ઊભું રહેતું હોય છે અને આ જ કારણ છે કે તમે એવું કામ કરો જેની પ્રેરણા લેવામાં આવે તો સંસારમાં હકારાત્મકતાનો વ્યાપ વધે. માત્ર વાઇરલ થવા કે પછી ફક્ત લાઇક્સ વધારવા માટે જે ભડવીરને બ્રિજની પાળી પર ચાલવાનું મન થયું હશે એ ભાઈની બુદ્ધિ એવી કેમ નહીં ચાલી હોય કે પોતે દુષ્પ્રેરણાનો કારક બનીને સમાજનું અહિત કરી રહ્યો છે?!
સોશ્યલ મીડિયાના આજના સમયમાં વ્યક્તિ સેલ્ફ-સેન્ટર્ડ થતો જાય છે અને એની માત્રા દિવસે-દિવસે વધતી જાય છે. સેલ્ફ-સેન્ટર્ડ એવા આ લોકો ભૂલી જતા હોય છે કે હવે તે સ્વાર્થી થવા માંડ્યા છે અને તેમને આજુબાજુની કોઈ વાત સાથે નિસ્બત નથી રહી. મર્યાદાનું સ્તર પણ તો આ જ કારણસર હવે નીચું ગયું છે અને આ જ કારણસર તો હવે શરમ પણ નેવે મૂકવામાં આવી છે. લાજ-શરમ ન રહે એ તો હજી પણ વ્યક્તિગત મામલો છે, પણ તમે દુઃસાહસની પ્રેરણા આપો એ તો કોઈ હિસાબે ચલાવી ન લેવાય.
તમારી આવા અભરખાવાળી રીલ્સ ટીનેજ બાળકો પણ જુએ છે અને એનાથી નાની વયનાં બાળકોની નજરમાં પણ આવે છે. તમારા આ કાંડમાંથી જો તેઓ કંઈ શીખે તો એની જવાબદારી કોના શિરે લેખાવી જોઈએ?
માત્ર ને માત્ર તેમના શિરે, જેણે એવી પ્રેરણા લેવાની નોબત ઊભી કરી દીધી. પાણીનાં ઊડતાં મોજાં પાસે ઊભા રહીને રીલ્સ બનાવવી કે પછી હાથમાં ગરમાગરમ કોલસા લઈને રીલ્સ બનાવવી એ કોઈ સાહસ નથી અને આવા સાહસની દેશને જરૂર પણ નથી. જો ભડવીર હોય તો જાય આર્મીમાં અને જઈને સિયાચીન સરહદ પર ૬ મહિના પસાર કરે. તમામ પ્રકારની હોશિયારી અને ફશિયારી આ રીલબાજોની નીકળી જશે એની ગૅરન્ટી મારી.
સ્માર્ટફોન દૂષણ બને એ પહેલાં, સોશ્યલ મીડિયા શ્રાપ બને એ પહેલાં હવે એ દિશામાં જાગ્રત થવું પડશે અને સરકારી તંત્રએ, બિનસરકારી સંસ્થાઓએ આ બધાને કાયદાની તાકાત દેખાડવી પડશે. જો એ દેખાડવામાં ન આવી તો લખી રાખજો કે દેશની એવી માસૂમ પ્રજા હેરાન થશે, દુખી થશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. બહેતર છે કે એવું બને એ પહેલાં સ્વેચ્છાએ જાગી જઈએ અને આપણે જ સંયમ લાવીએ. સુરત પોલીસે હજી પેલા રીલબાજ સામે કોઈ પગલાં લીધાં નથી, પણ પગલાં લેવાશે એ નક્કી છે. હવે મહત્ત્વનું એ છે કે એ પગલાં લેવાયા પછી તેની સામે એ વર્તણૂક કરવામાં આવે જેથી બીજા આવું કાંડ કરતાં પહેલાં અટકી જાય અને સમાજ માટે દુષ્પ્રેરણારૂપ ન બને.

