કવિને પોતે શું જાણે છે એ જણાવવામાં રસ નથી, પણ પોતે કેટલું ઊંડાણપૂર્વક માણ્યું છે એ પ્રગટ કરવામાં રસ હોય છે.
ગીતકાર યોગેશ
કવિ માટે કાવ્યની પ્રથમ પંક્તિ ઈશ્વરની દેન હોય છે. કલ્પનાનું આકાશ ઘેરાયેલું હોય અને અચાનક આભમાં વીજળીનો ચમકારો થાય એમ કવિને કાવ્યની પ્રથમ પંક્તિ સૂઝે છે. કવિને પોતે શું જાણે છે એ જણાવવામાં રસ નથી, પણ પોતે કેટલું ઊંડાણપૂર્વક માણ્યું છે એ પ્રગટ કરવામાં રસ હોય છે. બસ, પૂર્વશરત એ છે કે તેના પર કોઈ બંધન ન હોય.
સંગીતકારે બનાવેલી ધૂનને અનુરૂપ ગીત લખવું અને એમાં કાવ્યતત્ત્વ કાયમ રાખવું એ બહુ કપરું કામ છે. મનુભાઈ ગઢવી કહેતા કે આ તો ઓશરીમાં ઘોડા દોડાવવા જેવું કામ છે. ગીતકાર યોગેશને સલામ કરવી જોઈએ કે તેમણે ધૂનો પર ગીતોની એવી સરસ ગૂંથણી કરી કે ધૂન વધુ સારી કે ગીત એ કહેવું મુશ્કેલ બની જાય. મજરૂહ સુલતાનપુરી, રાજેન્દ્ર કૃષ્ણ અને આનંદ બક્ષી જેવા અનેક નામી ગીતકારોએ ધૂન પરથી ગીતો લખ્યાં. એમાં ક્યાંક કવિતાનો અણસાર લાગે કે પછી જોડકણાં લાગે, પરંતુ ગીતકાર યોગેશનાં ગીતોમાં ભારોભાર કવિતા ડોકિયું કરતી અનુભવી છે. એ માટે તેમનાં ગીતો કેવળ કાન દઈને નહીં, ધ્યાન દઈને સાંભળવાં જોઈએ. (આ મારો અંગત મત છે, દરેક એમાં સહમત થાય એવો કોઈ આગ્રહ નથી. એટલું કબૂલ કરીશ કે મને તેમના પ્રત્યે પક્ષપાત છે.)
ADVERTISEMENT
એક સમય હતો જ્યારે રિન્કી ભટ્ટાચાર્ય (પ્રોડ્યુસર-ડિરેક્ટર બાસુ ભટ્ટાચાર્યનાં પત્ની) પિતાની યાદમાં બિમલ રૉય ફાઉન્ડેશનના નેજા હેઠળ વર્ષમાં એક કાર્યક્રમનું આયોજન કરતાં હતાં. ૨૦૦૫માં તેમની સાથે મુલાકાત થઈ. ત્યાર બાદ ‘સંકેત’ના અનેક કાર્યક્રમોમાં તે ઉપસ્થિત રહેતાં. ૨૦૧૦માં તેમના એક કાર્યક્રમમાં મને આમંત્રણ હતું. એ કાર્યક્રમમાં ગીતકાર યોગેશ હાજર હતા. ઇન્ટરવલમાં ગ્રીન રૂમમાં રિન્કી ભટ્ટાચાર્યએ મારી તેમની સાથે ઓળખાણ કરાવી. તેમની સાથે થોડી વાતચીત થઈ અને મેં કહ્યું કે ભવિષ્યમાં આપનાં ગીતોનો કાર્યક્રમ કરવાની ઇચ્છા છે. તેમણે ખૂબ જ નિખાલસતાથી કહ્યું કે હું એટલો મોટો ગીતકાર નથી કે પૂરો કાર્યક્રમ થઈ શકે. મેં કહ્યું કે મને તમારાં ગીતોમાં ભારોભાર કવિતા દેખાય છે અને ખાસ કરીને તમારાં ગીતોની શુદ્ધ હિન્દી ભાષા મને પોતીકી લાગે છે. એ દિવસોમાં તેમની તબિયત અસ્વસ્થ રહેતી હતી એટલે લાંબા સમય માટે તેઓ લખનઉ જવાના હતા. ત્યાર બાદ સમયાંતરે તેમની સાથે ત્રણ-ચાર વાર ફોન પર વાતચીત થઈ, પરંતુ કોણ જાણે કેમ કાર્યક્રમનો યોગ ન આવ્યો.
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે દરેકે મહેનત કરવી પડે છે, PR વર્ક કરવું પડે છે. દરેક જગ્યાએ જૂથબંધી હોય એટલે એમાં પગપેસારો કરવા જાત સાથે અમુક સમાધાનો કરવાં પડે. ગીતકાર યોગેશ સ્વમાની હતા. કામ મેળવવા તેઓ સ્ટુડિયોના આંટાફેરા નહોતા કરતા. એક કિસ્સો યાદ આવે છે. બાસુ ચૅટરજી બી. આર. ચોપડાની ‘છોટી સી બાત’ ડિરેક્ટ કરવાના હતા. લો બજેટની ફિલ્મનું શૂટિંગ ફટાફટ પૂરું કરવાનું હતું. એ સમયે સાહિર લુધિયાણવી બી. આર. ચોપડાના માનીતા ગીતકાર હતા. સલિલ ચૌધરીની ધૂનો તૈયાર હતી, પણ મહિનો વીતી ગયા બાદ પણ ગીતો લખાયાં નહોતાં. ત્યાર બાદ ગીતકાર ઇન્દ્રજિત તુલસીને કામ અપાયું, પણ વાત બનતી નહોતી. આમ કરતાં ત્રણ-ચાર મહિના વીતી ગયા એટલે સલિલ ચૌધરીએ પ્રોડ્યુસરને યોગેશનું નામ સજેસ્ટ કર્યું અને આમ તેમને આ ફિલ્મ મળી.
ગીતકાર યોગેશ સાથે મારે ફોન પર લાંબી વાતો થતી. દિગ્ગજ સંગીતકારો સાથેનાં મારાં સ્મરણો હું તેમની સાથે શૅર કરતો અને તેઓ પોતાના જીવનના કિસ્સા. સચિન દેવ બર્મન સાથે કેવા સંજોગોમાં તેમની મુલાકાત થઈ એ કિસ્સો મજાનો છે. બાસુ ચૅટરજી ‘ઉસ પાર’ની તૈયારી કરતા હતા. મને કહે, ‘તને કોની સાથે કામ કરવું ગમશે? લક્ષ્મીકાન્ત–પ્યારેલાલ કે સચિન દેવ બર્મન? તું નક્કી કર.’ મેં આ વાત મન્નાદાને કરીને તેમની સલાહ માગી. તે કહે, ‘એલ. પી. સાથે કામ કરવાના ઘણા મોકા મળશે, સચિનદા સાથે નહીં મળે.’ મેં કહ્યું, ‘તેમની સાથે મારો પરિચય પણ નથી અને સાંભળ્યું છે તેમનો સ્વભાવ ગરમ છે.’ તો કહે, ‘મૈં બાત કરતા હૂં.’
મન્ના ડેની ભલામણથી હું સચિનદાના ઘરે ગયો. એ સમયે નોકર તેમને માલિશ કરતો હતો. મને કહે, ‘મન્નાબાબુ મેરે કો બોલા, તુમ ગાના લિખતા હૈ.’ હું બોલ્યો, ‘ઋષિદા...’ વાક્ય પૂરું કરું એ પહેલાં જ કહે, ‘ઋષિ અચ્છા ડિરેક્ટર હૈ. સલિલદા કે સાથ તૂ ‘આનંદ’કા ગાના લિખા; અચ્છા હૈ.’ મેં બાસુદાની ફિલ્મની વાત કરી તો કહે, ‘અચ્છા ડિરેક્ટર હૈ? તુમ ઉસકો લે કે આઓ.’ બીજા દિવસે અમે મળવા ગયા. વાતચીત થઈ. તેમણે ધૂન સંભળાવી. મને કહે, ‘દેખ યોગેશ, હમ તુમ કો કામ દેતા હૈ પર હમકો પસંદ નહીં આયા તો તુમકો ભગા દેગા.’
હું ટેન્શનમાં હતો. ઘરે જઈને મેં એ ધૂન માટે સાત મુખડાં લખ્યાં. બીજા દિવસે એક પછી એક મુખડું તેઓ ચૂપચાપ સાંભળતા રહ્યા. કોઈ રીઍક્શન નહીં. હું મૂંઝવણમાં હતો. અંતે એક મુખડું તેમણે પસંદ કર્યું અને મેં ગીત પૂરું કર્યું. શબ્દો હતા, ‘યે જબ સે હુઈ જિયા કી ચોરી, પતંગ સા ઊડે યે મન જો હૈ તેરે હાથોં મેં ડોરી’ (લતા મંગેશકર).
‘ઉસ પાર’ બાદ સચિનદા મને ખૂબ પ્રેમ કરતા. હૃષીકેશ મુખરજીની ‘ચુપકે ચુપકે’ માટે મને જ ગીત લખવાનું કહ્યું. હું તો ખુશ થઈ ગયો. એક દિવસ બાસુદા કહે, ‘તું સૌને કહેતો ફરે છે કે હું ગીતો લખવાનો છું, પણ ત્યાં તો હૃષીદા અને આનંદ બક્ષી સચિનદા સાથે સિટિંગમાં બેઠા છે.’ મને બહુ ખરાબ લાગ્યું. એક દિવસ દેવેન વર્મા સાથે થોડા નશામાં મારાથી બોલાઈ ગયું, ‘હું હૃષીદાને સીધા કરીશ.’ તે મસ્તીખોરે કહ્યું, ‘ચાલ, હું તને તેમના ઘરે મૂકી દઉં.’ એ તો સારું થયું કે હૃષીદા ઘરે નહોતા. બીજા દિવસે મારો નશો ઊતર્યો અને ભૂલ સમજાઈ. બાસુદા કહે, ‘અહીં ઇમોશનલ નહીં, પ્રોફેશનલ થવું પડે. દાદા તને પ્રેમ કરે એનો અર્થ એવો નહીં કે તને જ કામ આપે.’
એ દિવસથી મેં સચિનદાને મળવાનું અને ફોન કરવાનું બંધ કર્યું. મારી પાસે ફોન નહોતો. મકાનની નીચે એક વૈદરાજ રહેતા હતા. તેમના ઘરે મારા ફોન આવતા. લગભગ એકાદ વર્ષ બાદ સચિનદાનો ફોન આવ્યો. વૈદરાજ કહે, ‘સચિનદા તને યાદ કરે છે. જલદી ફોન કર.’ મેં ફોન કર્યો તો કહે, ‘કિધર હૈ તૂ? આધે ઘંટે મેં ઘર પર આ જા.’ તેમના ઘરે પહોંચ્યો તો તૈયાર થઈને બેઠા હતા. ગાડીમાં બેસીને હૃષીદાના ઘરે પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ મેં હૃષીદાના પગે પડીને માફી માગી. મને કહે, ‘અરે, યે ક્યા કરતા હૈ? મુઝે લગા તૂ કેવલ ફોક ટ્યુન (લોકગીતની ધૂન) પર લિખતા હૈ. અભી એક મૉડર્ન સબ્જેક્ટ હૈ ‘મિલી’. તેરે કો ગાના લિખના હૈ.’
ગીતકાર યોગેશનું કામ ભલે પ્રમાણમાં ઓછું (૨૭૧ ગીતો) હતું, પણ આછું નહોતું. સલિલ ચૌધરી અને એસ. ડી. બર્મન ઉપરાંત આર. ડી. બર્મન, રાજેશ રોશન, બપ્પી લાહિરી, ઉષા ખન્ના જેવાં નામી સંગીતકારો સહિત હેમંત ભોસલે, બાસુ મનોહરી, માનસ મુખરજી, ગોવિંદ નરેશ, વિજય–નિખિલ અને બીજા ઓછા જાણીતા સંગીતકારો સાથે તેમણે કામ કર્યું. અત્યંત ભાવુક અને ઋજુ સ્વભાવના આ ગીતકાર ઇન્ડસ્ટ્રીનાં મોટાં માથાંઓના રવૈયાથી નારાજ હતા. ગીત-સંગીતના કથળતા સ્તરથી તે વ્યથિત હતા. કહેતા, લોકોને કવિતા નહીં જોડકણાં જોઈએ છે. મેં એક ગીત લખ્યું...
વક્ત કા યે પરિન્દા રુકા હૈ કહાં
મૈં થા પાગલ જો ઉસકો બુલાતા રહા
ચાર પૈસા કમાને મૈં આયા શહર મેં
ગાંવ મેરા મુઝકો બુલાતા રહા
પ્રોડ્યુસર કહે, ‘વક્ત કા પરિન્દા’ શબ્દ બદલાવો, લોકોને નહીં સમજાય. મેં કહ્યું, ‘પરિન્દા એટલે પક્ષી. સમય ક્યારે ઊડી જશે એની ખબર નહીં પડે.’ હકીકતમાં મૂળ વાંધો સંગીતકારને હતો. જે કવિતા ન સમજે તે સારી ધૂન કેવી રીતે બનાવે? મેં શબ્દો બદલવાની ચોખ્ખી ના પાડી.
૨૦૨૦ની ૨૯ મેએ ગીતકાર યોગેશે દુનિયાને અલવિદા કરી. આજે તેમની કવિતા દ્વારા જ તેમને સ્મરણાંજલિ આપીએ.
મેરે ગીત ગાતે રહના, ઇન્હેં ગુનગુનાતે રહના
મૈં ભૂલું અગર ગીતોં કા સફર, મુઝે યાદ દિલાતે રહના
યે ગીત હી ઐસે મોતી હૈં, સંગીત મેં જબ યે ઢલતે હૈં
પત્થર ભી પિઘલને લગતે હૈં, મૌસમ ભી બદલને લગતે હૈં
મેરે બાદ ભી ઇન ગીતોં સે, સપનોં કો સજાતે રહના
મેરે ગીત ગાતે રહના, ઇન્હેં ગુનગુનાતે રહના


