Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અંતર, અવસ્થા અને અવલંબન : દરવાજો ક્યારેય અંદરથી બંધ કરવાની ભૂલ ન કરવી

અંતર, અવસ્થા અને અવલંબન : દરવાજો ક્યારેય અંદરથી બંધ કરવાની ભૂલ ન કરવી

29 July, 2020 08:51 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

અંતર, અવસ્થા અને અવલંબન : દરવાજો ક્યારેય અંદરથી બંધ કરવાની ભૂલ ન કરવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંબંધોમાં જો ફરિયાદનું પ્રમાણ ઓછું રહેશે તો એ સંબંધોમાં લાગણીની ઉષ્મા અકબંધ જળવાઈ રહેશે. આજે મોટા ભાગના સંબંધોને તમે જોશો તો તમને એમાં ફરિયાદની માત્રા વધારે પ્રમાણમાં દેખાશે. પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે અચાનક જ સંબંધોની વાત કહેવાની પાછળ પણ તાત્પર્ય છે. હમણાં થોડા સમય પહેલાં એક મિત્ર મળ્યા. તેમણે એવું સૂચન કર્યું કે ‘ચાણક્ય અને સંબંધો’ એવા એક વિષય પર હું વેબિનાર કરું કે પછી ચાણક્ય વિષય પર જ એક યુટ્યુબ ચૅનલ શરૂ કરું. એ મિત્રએ ત્યાર પછી જે આંકડા આપ્યા એ આંકડા ખરેખર ખેદ જન્માવે એવા અને સમાજની સ્વસ્થતા પર શંકા જન્માવે એ પ્રકારના હતા. આ આંકડા તેમણે કરેલા સર્વે મુજબના હતા.
સર્વે પ્રમાણે લગભગ ૪૦ ટકા દંપતીઓ માત્ર સાથે રહેવા માટે રહેતાં હોય એ રીતે આજે જીવી રહ્યાં છે. આ જ આંકડા મુજબ ૭૨ ટકા દંપતીઓને મનમાં ક્યારેક-ક્યારેક ડિવૉર્સ લેવાની ઇચ્છા થઈ આવી છે, પણ સમાજના ડરથી તેમણે આવું કોઈ પગલું ભર્યું નથી અથવા તો ભરી નથી શકતાં. ૧૬ ટકા દંપતીઓ એવાં છે જેમને બહાર કોઈની ને કોઈની સાથે એક્સ્ટ્રામેરિટલ અફેર્સ છે... અને સૌથી મહત્ત્વની વાત-ઑલમોસ્ટ ૯૯ ટકા કપલે એવું કહ્યું છે કે તેમને તેના પાર્ટનરથી અઢળક ફરિયાદો છે.
ફરિયાદ.
ફરિયાદોથી સંબંધોમાં અંટશ ઉમેરાવાની શરૂઆત થઈ જાય છે અને એ અંટશને કારણે સંબંધોમાં અહમ્ ઉમેરાય છે. ચાણક્યએ કહ્યું છે કે ‘જ્યારે પ્રેમ અને ફરજ કરતાં અહમનું પ્રમાણ વધી જાય ત્યારે એ સંબંધો પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસે છે.’
વાત એકદમ સાચી છે અને સમજવા જેવી છે. અત્યારના સંબંધોમાં અહમનું મૂલ્ય મોટું થઈ ગયું છે. દરેકને પોતાના અહમને પોષવો છે અને દરેક એ અહમને સાચવવા માટે જ જીવતા હોય એ રીતે આગળ વધે છે. ખાસ કરીને આજની યંગ જનરેશનને આ વાત લાગુ પડે છે. એક વાત સૌકોઈએ મનમાં ધરી રાખવાની જરૂર છે કે તેમને માટે અહમનું મહત્ત્વ છે કે પછી તે સંબંધોને સાચવી રાખવા માગે છે. અહમને જો સાચવશો તો એક સમય એવો આવી જશે કે તમે અને તમારો અહમ્ આ બે જ અકબંધ હશે અને તમારી આજુબાજુના તમામ સંબંધો કાં તો તૂટી ગયા હશે અને કાં તો તમારાથી દૂર ચાલ્યા ગયા હશે. દૂર જવાનો અર્થ એવો ન લઈ શકાય કે બન્ને વચ્ચે સાચું અંતર ઊભું થઈ ગયું હશે. બની શકે કે બન્ને વચ્ચેનું અંતર એક ફુટનું જ હોય, પણ એ પછી પણ બન્નેનાં મન એકબીજાથી હજારો કિલોમીટર દૂર હોય. આ જે હજારો કિલોમીટરનું માનસિક અંતર કાપવાનું છે એ કાપવા માટે કોઈ એકે પગ ઉપાડવાનો છે, કોઈ એકે આગળ આવવાનું છે, પણ અહમ્ એ કામ કરવા દેતો નથી અને એટલે જ એક ફુટનું અંતર પણ હજારો કિલોમીટર જેવી દૂરી ઊભી કરી દે છે. અંગત સંબંધોમાં આવનારી દૂરીને દૂર રાખવાનું કામ બહુ સહેલું છે, જો અહમને કાપી શકો તો. એક સુવર્ણ સલાહ આપું છું કે જીવનમાં ક્યારેય દરવાજો અંદરથી બંધ ન કરતા. કોઈ આવીને ઊભો રહે ત્યારે દરવાજો એને ખુલ્લો મળવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2020 08:51 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK