કહાં સે આતે હૈં... કિસ તરહ કા એજ્યુકેશન હૈ... ક્યા બૅકગ્રાઉન્ડ હૈ... આટલું જ નહીં, જયા બચ્ચને આ લોકોને ગંદાં-ગંદાં પૅન્ટ પહેરેલા ઉંદરડા જેવા પણ કહી દીધા અને વિવાદ થઈ ગયો
જયા બચ્ચન
મુંબઈમાં પાપારાઝી કલ્ચરના પ્રણેતા કહેવાય એવા મહારથીઓથી લઈને છેલ્લાં થોડાંક વર્ષોથી આ રીતે કામ કરી રહેલા લોકો સાથે મિડ-ડેએ વાત કરી અને જાણ્યું કે જયા બચ્ચન ક્યાં પોતાની મર્યાદા ચૂક્યાં અને પાપારાઝી કલ્ચરમાં છેલ્લાં થોડાંક વર્ષોમાં શું બદલાવો આવ્યા છે. સેલિબ્રિટીઝના જીવનની કૅન્ડિડ ક્ષણોને કૅપ્ચર કરતા પાાપારાઝીનું જીવન કેટલું મસાલેદાર છે એ જાણીએ આજે
ફોટોગ્રાફરોનું અપમાન કરતાં અથવા તેમની અભદ્ર કમેન્ટનો વળતો જવાબ આપતાં અથવા તેમને શિસ્ત શીખવતાં જયા બચ્ચનના અઢળક વિડિયો તમે જોયા હશે. જોકે આ વખતે તેમણે એક શોમાં આપેલા ઇન્ટરવ્યુ દરમ્યાન મુંબઈમાં એન્ટરટેઇનમેન્ટને લગતી બાબતો કવર કરતા ફોટોગ્રાફરો અને વિડિયોગ્રાફરો, જેને પાપારાઝી તરીકે ઓળખવામાં આવે છે તેમના વિશે ન કહેવાનું કહી દીધું અને જેની સોશ્યલ મીડિયા પર ભરપૂર ટીકા પણ થઈ અને ક્યાંક એવા પણ કોઈક મળ્યા જેમને જયાજીની વાત સાચી લાગી પણ શબ્દોનો પ્રયોગ ખોટો લાગ્યો. મુંબઈ માત્ર દેશની આર્થિક રાજધાની જ નહીં પણ મનોરંજન-નગરી પણ છે. બૉલીવુડ મુંબઈમાં છે અને સાથે જ ટીવી-ઇન્ડસ્ટ્રી પણ મુંબઈમાં જ ફૂલીફાલી છે. સ્વાભાવિક રીતે ટીવી અને સિનેમા સાથે સંકળાયેલા જાણીતા ચહેરાઓના જીવનમાં શું ચાલી રહ્યું છે, તેઓ કઈ રેસ્ટોરાંમાં શું ખાઈ રહ્યા છે અને તેઓ પોતાના રૂટીન જીવનમાં કેવાં કપડાં પહેરે છે અને કોણ કોની સાથે હૅન્ગઆઉટ કરી રહ્યું છે જેવા સેંકડો વિષયો છે જેમાં આમ જનતાને રસ પડે. આ જ કારણ છે કે વર્ષોથી રિયલ લાઇફમાં સેલિબ્રિટીઝની હિલચાલોને કૅમેરામાં કેદ કરનારી એક અલાયદી દુનિયા ઊભી થઈ. આ ગ્રુપ અથવા જમાત આજે પાપારાઝી એટલે કે પૅપ્સ તરીકે ઓળખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જાણીતી વ્યક્તિના વાસ્તવિક જીવનની અંગત અથવા અણધારી ક્ષણોને કૅમેરામાં કેદ કરતા ફ્રીલાન્સ ફોટોગ્રાફરો માટે છૂટથી વપરાતો શબ્દ પાપારાઝી ઇટાલિયન છે જેનો ઉદ્ભવ ૧૯૬૦માં આવેલી ઇટાલિયન ફિલ્મ ‘લા ડોલ્સે વિટા’માં થયો હતો. આ ફિલ્મમાં પાપારાઝો નામનું એક કૅરૅક્ટર હતું જે ગૉસિપ સાથે સંકળાયેલા જ સમાચારો પર ફોકસ કરતા જર્નલિસ્ટનો ફોટોગ્રાફર મિત્ર છે. પાપારાઝો ઘૂસણખોરી કરીને કે જાહેરમાં હરતીફરતી સેલિબ્રિટીઝનો પીછો કરીને તેમના વાસ્તવિક જીવનના ફોટો પાડી આવતો. આ કૅરૅક્ટરમાંથી આ પ્રકારના ફોટોગ્રાફરોની જમાત માટે શબ્દ મળ્યો પાપારાઝી. એક ફિલ્મના પાત્રના નામ પરથી આવેલો આ શબ્દ આજે કેટલાય લોકોની ઓળખ બની ગયો છે.
ADVERTISEMENT

આજે આ શબ્દ લોકજીભે ચડી ગયો છે. જોકે છેલ્લા એક અઠવાડિયાથી તો એ વિશેષ ચર્ચામાં છે. ખાસ કરીને જયા બચ્ચનની કમેન્ટને કારણે. એ સિવાય પણ ઘણી સેલિબ્રિટીઝ પૅપ્સને તેમની પ્રાઇવસી ભંગ કરવા બદલ તેમની ટીકા કરી ચૂકી છે. લેટેસ્ટમાં ધર્મેન્દ્રનાં અસ્થિવિસર્જન માટે હરિદ્વાર પહોંચેલા સની દેઓલનો અને એ પહેલાં ધર્મેન્દ્રની તબિયત નાદુરસ્ત હતી ત્યારે તેમના ઘરની બહાર પોતાના ડેરા નાખીને બેસેલા ફોટોગ્રાફરો અને વિડિયોગ્રાફરો પર અકળાયેલા સની દેઓલના વિડિયો તમે જોયા હશે. બેશક, જયા બચ્ચનની વાતો વિવાદાસ્પદ જ હતી જેથી આ મુદ્દો વધુ વેધક રીતે ઊછળ્યો છે અને ભલભલાને એવું તો આ પૅપ્સ શું કરતા હોય છે અને કેવી રીતે કરતા હોય છે એ જાણવા માટે ઉત્સુક બનાવ્યા છે. સૌથી પહેલાં જયા મૅડમ શું બોલી ગયાં એના પર એક નજર નાખીએ. બરખા દત્ત સાથેના શોમાં જયા બચ્ચન બોલ્યાં, ‘જો તમારે પોતાનો ફોટો પડાવવા માટે ઍરપોર્ટ પર કૅમેરાવાળાને બોલાવવા પડે તો તમે કયા પ્રકારના સેલિબ્રિટી છો?’ આગળ તેઓ કહે છે, ‘યુ નો, આ બહુ સ્ટ્રેન્જ લાગશે કે મીડિયા સાથેના મારા સંબંધો ફૅન્ટૅસ્ટિક છે કારણ કે હું પોતે જ મીડિયાની પ્રોડક્ટ છું. પરંતુ મારું પાપારાઝી સાથેનું રિલેશન ઝીરો છે. કોણ છે આ લોકો? શું તેઓ આપણા દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે એના માટે ટ્રેઇન થયા છે? તમે તેમને મીડિયા કહો છો? હું મીડિયામાંથી આવું છું. મારા પિતા જર્નલિસ્ટ હતા. મને તેમના માટે ઇમેન્સ રિસ્પેક્ટ છે. ટ્રિમેન્ડસ આદર છે એ લોકો માટે. પરંતુ અહીં બહાર જે ડ્રેઇન-પાઇપ ટાઇટ ગંદાં-ગંદાં પૅન્ટ પહેરીને, હાથમાં મોબાઇલ લઈને એવું વિચારીને આવે છે કે તેમની પાસે મોબાઇલ છે એટલે તેઓ તમારો ફોટો લઈ શકે અને ગમેતેવું બોલી શકે. જે પ્રકારની કોમેન્ટ તેઓ પાસ કરતા હોય છે... કેવા પ્રકારના લોકો છે આ... ક્યાંથી આવે છે? કેવા પ્રકારનું શિક્ષણ છે? શું બૅકગ્રાઉન્ડ છે? એ લોકો આપણને રિપ્રેઝન્ટ કરશે? જસ્ટ બિકૉઝ એ લોકો યુટ્યુબ કે કોઈ પણ સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા છે. હું નથી એકેય સોશ્યલ મીડિયા પર. અને યુ નો, એક વિચિત્ર વાત છે. મારા એક દિલ્હીના સ્ટાફે એક વાર મને કહ્યું કે યુ નો મૅમ, હું એક પણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કંઈ જોતી નથી બિકૉઝ યુ આર ધ મોસ્ટ હેટેડ પર્સન ઇન સોશ્યલ પ્લૅટફૉર્મ. મેં કહ્યું, મને કોઈ ફરક નથી પડતો. તમે મને નફરત કરો છો એ તમારો ઓપિનિયન છે. મારો ઓપિનિયન છે કે હું તમારી હદપાર નફરત કરું છું કારણ કે તમે કોઈના પણ ઘરે ઉંદર બનીને મોબાઇલ કૅમેરા સાથે પ્રવેશી જાઓ છો... મને ખૂબ ગુસ્સો આવી જાય છે.’
આ જયા બચ્ચનના શબ્દો છે જેનો મીડિયા અને સોશ્યલ મીડિયા પર પ્રચંડ વિરોધ પણ થયો છે. ખરેખર પાપારાઝીની દુનિયામાં આવું હોય છે? કઈ રીતે આ પૅપ્સનું આખું મેકૅનિઝમ કામ કરે છે અને શું ખાસ છે આ અનોખી દુનિયામાં એ જાણીએ આજે.

બહુ અનોખી દુનિયા
છેલ્લાં પાંત્રીસ વર્ષથી પાપારાઝી તરીકે પીઢ નામ ગણાતા અને હવે પોતાના હાથ નીચે સ્ટાફ રાખીને કામ કરાવતા યોગેન શાહનું નામ મનોરંજનના શોખીનો માટે નવું નથી. કૅમેરામાં રોલ નાખતાં નહોતો આવડતો એ સમયથી ફોટોગ્રાફી કરતા યોગેનભાઈ બહુ જ નમ્રતા સાથે કહે છે, ‘યસ, આજે જે કંઈ થઈ રહ્યું છે એમાં ક્યાંક નવી પેઢીના કેટલાક ફોટોગ્રાફરો અને વિડિયોગ્રાફરોનો પણ વાંક છે જ. મોબાઇલને કારણે તેમને ઘણી બાબતો ઈઝીલી મળી જાય છે અને એમાં તેઓ સેલિબ્રિટીઝનો રિસ્પેક્ટ કરવાનું ભૂલી જાય છે. આજે જે તમારી રોજીરોટી છે, જેમના થકી તમે પણ નામ કમાવાના છો તેમની સાથેના તમારા વ્યવહારમાં જરા પણ આછકલાપણું ન આવે એ જોવાની જવાબદારી તો આપણી જ છેને. સૌથી પહેલાં પાપારાઝી તરીકે કામ કરી રહેલી નવી પેઢીએ સેલિબ્રિટીઝ માટે કૃતજ્ઞતાનો ભાવ કેળવવાની જરૂર છે. હું સાચા અર્થમાં કહી શકું છું કે મને આ સ્ટાર્સે બનાવ્યો છે. મને યાદ છે કે એ સમયે ટેલિફોન હતા અને અમે સ્ટાર્સના ઘરે ફોન કરતા. તેઓ ફોન ઉપાડીને તમારી સાથે વાત કરતા. મેં જિતેન્દ્રથી ફોટોની શરૂઆત કરેલી. મને આ ઇન્ડસ્ટ્રીમાં ગ્રો થવા મળ્યું અને આજે પણ એટલું માનસન્માન મળી રહ્યું છે કે આજે પણ સ્ટાર્સ યાદ કરી મને બોલાવે છે એનું એક જ કારણ છે, મેં મર્યાદાઓનો ભંગ ક્યારેય નથી કર્યો. આજે ઘણા એવા છે જે એ ફાંકામાં છે કે અમે જ સ્ટાર્સને વિઝિબિલિટી આપીએ છીએ અને અમારા થકી જ સ્ટાર્સનું પ્રમોશન થઈ રહ્યું છે તો એમ સમજવું ભૂલભરેલું છે. આ જ કારણ છે કે લોકો કૃતજ્ઞતા ભૂલી ગયા છે.’

મુંબઈમાં જ બૉર્ન ઍન્ડ બ્રૉટ અપ યોગેનભાઈ પાપારાઝી તરીકે શરૂઆતમાં કેવા-કેવા સંઘર્ષો વેઠવા પડ્યા છે એની વાતો કરતાં કહે છે, ‘મારા પિતાજીની અંતિમક્રિયા કરીને આવ્યા પછી મારે ફોટોશૂટ માટે જવું પડ્યું છે અને મમ્મી ગુજરી ગયાં એ વખતે પણ મમ્મીના અગ્નિસંસ્કાર બીજા દિવસે સવારે હોય અને આખી રાત અમે તેમની જ રૂમમાં કમ્પ્યુટર હોવાને કારણે બેસીને કામ કર્યું છે. દુનિયાનાં અઢળક પબ્લિકેશન્સ, વેબસાઇટ્સને સેલિબ્રિટીઝના ફોટો પ્રોવાઇડ કરવાના હોય અને એકસાથે અઢળક જગ્યાએ પહોંચવાનું હોય. તમારી પાસે સમય ન હોય અને ફોટો પાડવાનું કામ પણ લિમિટેડ રિસોર્સિસમાં કરવાનું હોય. મારા પેરન્ટ્સ મારા કામથી બહુ ખુશ હતા અને કામ સૌથી પહેલાં એ જ વાત તેમણે મને શીખવી છે. મને યાદ છે કે સ્ટાર્સ સાથે છ-છ મહિના સુધી વાત કરો ત્યારે જઈને માંડ તમને તેમનો સમય મળતો, પણ પછી તમારા વ્યવહારને જોયા બાદ એક કાયમનો નાતો બની જતો. ધીમે-ધીમે ટીમ બનાવી અને જ્યાં સ્ટાર્સનું આવવા-જવાનું વધુ હોય ત્યાં ટીમના સભ્યો ફોટો પાડતા. અક્ષયકુમાર ગોવા જાય છે એવી ખબર પડી તો મારી ટીમ તેમને શૂટ કરવા માટે ગોવા ગઈ હતી. ધીમે-ધીમે સ્ટાર્સને મળવાનું, શૂટ પર જવાનું વધ્યું.

મૅગેઝિન્સ અને ન્યુઝપેપરમાં ફોટો છપાવા લાગ્યા. નામ આવવા માંડ્યું અને ઓળખ બનવા માંડી. દાયકાઓની મહેનત છે. એક નિયમ રાખ્યો કે સ્ટાર જો ના પાડે કે મારો ફોટો નહીં પાડો તો હું ક્યારેય તેમની ઇચ્છા વિરુદ્ધ જઈને એક્સક્લુઝિવના મોહમાં નથી ભાગ્યો. આ જ બાબતે મારી ગુડવિલ ઊભી કરી છે. એક ફોટો નહીં મળે તો કંઈ વાંધો નહીં. આજે હું મારી ટીમને પણ આ જ વાત સમજાવતો હોઉં છું. ઇન ફૅક્ટ, ડ્રેસિંગ અને બોલચાલમાં શું હોવું જોઈએ એની ટ્રેઇનિંગ પણ હું ટીમને આપતો હોઉં છું.’
એટલું ઈઝી પણ નથી
ટિપિકલ જૈન ગુજરાતી વણિક પરિવારમાંથી આવતા વિરલ ભાયાણી પણ પાપારાઝી ઇન્ડસ્ટ્રીના લીડર્સમાંના એક છે. બાવીસ લોકોની ટીમને હૅન્ડલ કરતા વિરલ ભાયાણીએ સ્ક્રૅચથી ફોટોગ્રાફર તરીકે જર્ની શરૂ કરી હતી. સોશ્યલ મીડિયા પર લાખો ફૉલોઅર્સ ધરાવતા વિરલભાઈ કહે છે, ‘દવાનો ફૅમિલી-બિઝનેસ હતો પરંતુ મારું એડિટોરિયલ માઇન્ડ હતું. મને વાંચવું ગમતું અને એમાં જ કરીઅર બનાવવી હતી. ખૂબ નાની ઉંમરથી લખવાનું શરૂ કરી દીધું હતું જેમાં પૈસા પણ મળતા. જોકે એ જ દરમ્યાન પોતાના મૅગેઝિનનો વિચાર આવ્યો અને વિવિધ કૉન્ટૅક્ટનો ઉપયોગ કરીને પાર્ટનરશિપમાં દેશ-વિદેશમાં મૅગેઝિન શરૂ કર્યાં. હવે એ સમયે પૈસા નહોતા કે કન્ટેન્ટ કોઈ બીજા પાસે ઊભી કરાવી શકું એટલે હું પોતે જ લખતો અને હું પોતે જ જરૂરી ફોટો પાડતો. એમાં જ બૉલીવુડના સ્ટાર્સની જર્નીની ફોટોગ્રાફી શરૂ થઈ. તેમની ઑફબીટ મોમેન્ટને ખૂબ સારો રિસ્પૉન્સ મળવા માંડ્યો. બીજાં મૅગેઝિન્સમાંથી પણ ડિમાન્ડ આવી અને મજેદાર જર્ની શરૂ થઈ ગઈ. લગભગ છ હજાર મૅગેઝિન માટે મેં કામ કર્યું છે. પાપારાઝીની આજે જે સ્થિતિ છે એવી એ સમયે નહોતી. મહેનત ખૂબ કરવી પડતી. મને યાદ છે કે આખી રાત અમે શાહરુખ માટે મન્નતની બહાર બેસી રહેતા. સ્ટાર્સની ગાડીના નંબર યાદ રાખતા. ઘણી વાર ઑટોરિક્ષામાં તેમને ફૉલો કરતા. જોકે આ બધું જ કર્યા પછી તેમની જાણ બહાર ફોટો નહોતા પાડતા. તેમની અનુમતિ લેતા. આ જ કારણ હતું કે રિસ્પેક્ટ ખૂબ મળતો.’

જયા બચ્ચને આપેલા સ્ટેટમેન્ટ વિશે વિરલભાઈ કહે છે, ‘તેમની વાતને બહુ દિલ પર લેવાની જરૂર નથી. તેઓ સિનિયર ઍક્ટર છે. તેમની ઉંમર થઈ ગઈ છે અને તેઓ કંઈક અકળાઈને બોલે તો આપણી મમ્મી આપણને વઢતી હોય એ જ રીતે લેવાની જરૂર છે. બેશક, અત્યારે જે ઝુંડ સ્ટાર્સની સામે હોય છે જે ફોટોઝ અને વિડિયોઝ લેતું જોવા મળે છે એમાં બધા જ પાપારાઝી નથી હોતા. ઘણી વાર ફૅન પણ હોય છે અને ઘણી વાર રસ્તાના લોકો પણ હોય છે. ફોનના જમાનામાં બધા જ શૂટ કરવા મંડી પડે છે. એમાં જ કેટલાક લોકો મિસબિહેવ કરી બેસે છે. મારી ટીમના બાવીસ છોકરાઓ છે તેમને મેં વેલડ્રેસ્ડ અને વેલબિહેવ્ડ રહેવાની સ્ટ્રિક્ટ વૉર્નિંગ જ આપી છે. સ્ટાર્સને ભૂલથી પણ ટચ ન થઈ જાય એની તકેદારી રાખવી જરૂરી છે. એ પ્રકારનું બિહેવિયર સામે આવે તો હું તેમને કાઢી પણ મૂકું છું. અત્યારે આ સેગમેન્ટ અનઑર્ગેનાઇઝ્ડ છે અને એમાં કોઈ કન્ટ્રોલ નથી.’

બેધારી તલવાર
પાપારાઝીનું કામ બેધારી તલવાર જેવું છે એમ જણાવીને વિરલભાઈ કહે છે, ‘ઘણી વાર આર્ટિસ્ટને તમારો પાડેલો ફોટો ન ગમે તો એ ડિલીટ કરાવે, ઘણી વાર ગૅન્ગસ્ટર્સના ફોન પણ આવી જાય અને તમને ધમકી મળે કે આનો ફોટો પાડ અને નાખ તારા સોશ્યલ મીડિયા પર તો કોઈક કહે કે આનો ફોટો કાઢ. ઘણી વાર કોઈ મોટી સેલિબ્રિટીનો ફોટો પાડ્યો હોય કે વિડિયો હોય અને તેમને ન ગમતો હોય તો તેઓ જુદી રીતે તમને હટાવવાના પ્રયાસો કરે. આ કામ જેટલું ગ્લૅમરસ દેખાય છે એટલું ઈઝી નથી. ઘણી બ્રૅન્ડ્સ પણ અસોસિએટ થતી હોય છે ક્યારેક-ક્યારેક. ઍક્ચ્યુઅલી આ કામ સાથે અઢળક લેયર્સ જોડાયેલી છે.’

જોકે એ પછીયે એ વાત કોઈ નકારી નહીં શકે કે આજે પાપારાઝીનો પબ્લિસિટીમાં બહુ જ મોટો રોલ છે એની વાત કરતાં વિરલભાઈ કહે છે, ‘આજે એક ફોટો કે વિડિયો હું નાખું અને એક મિનિટમાં બારથી ૧૩ હજાર વ્યુઝ મળી જાય એ બહુ મોટા લેવલનું ગ્લૉરિફિકેશન છે. મહિને લગભગ ત્રણ અબજ લોકોની રીચ છે. દરેક સેલિબ્રિટી આનો બેનિફિટ લેવા માગતી હોય છે એ સ્વાભાવિક છે. મારી બાવીસ લોકોની ટીમને મુંબઈના જુહુ, બાંદરા, સાઉથ મુંબઈ, પરેલ જેવા દસથી બાર એરિયામાં ડિવાઇડ કરી છે. કેટલાક સૅલોં છે અને ફિટનેસ સેન્ટર છે જ્યાં તેમનું આવવા-જવાનું સામાન્ય બની ગયું છે. અલગ-અલગ શિફ્ટમાં લોકો કામ કરે છે. તેમને મન્થલી સૅલેરી મળે છે.’
સેલિબ્રિટીઝના મૅનેજર પણ વિચારે
અત્યારે જે પણ પાપારાઝીની ડિબેટ શરૂ થઈ છે એમાં ખરેખર પાપારાઝી કેટલા છે એ જ બહુ મોટો પ્રશ્ન છે. છેલ્લાં પચીસ વર્ષથી પાપારાઝી તરીકે ઍક્ટિવ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફૉલોઅર્સ ધરાવતા અને વીસથી બાવીસ લોકોની ટીમ ધરાવતા માનવ મંગલાણી કહે છે, ‘આજે યુટ્યુબર, કન્ટેન્ટ ક્રીએટર વગેરેનો બહુ મોટો કાફલો ભેગો થઈ ગયો છે જેમને કારણે આ બદનામી થઈ છે. પ્રૉબ્લેમ શું છે કે ઘણી વાર વધુ રીચ માટે સેલિબ્રિટીઝના PR અને મૅનેજર આ લોકોને બોલાવતા હોય છે. માર્કેટિંગ મૅનેજરોએ પણ થોડુંક વિચારવાની જરૂર છે કે હજી તેમને કેટલી રીચ જોઈએ છે? મૅનેજરોના સોશ્યલ મીડિયા પર વ્યુઝ મેળવવાના ચક્કરમાં આ આખું નવું ક્રાઉડ આમાં ઘૂસી શક્યું છે. દર વખતે પાપારાઝી પોતે જ સેલેબ્સને નથી શોધતા. અત્યારના કેસમાં તો પબ્લિસિટી અને માર્કેટિંગ મૅનેજરો જ તેમને બોલાવતા હોય છે. તેમણે નંબર્સ દેખાડવાના હોય છે કે અમે બસો લોકોને કે ૩૦૦ ફોટોગ્રાફરોને બોલાવ્યા. જોકે આ નંબર્સને કારણે જે બગાડ શરૂ થયો છે એ વિશે વિચારવાનો સમય આવી ગયો છે. જે ખરેખર પાપારાઝી છે તેઓ ૭૫ ટકા રિસર્ચ અને ૨૫ ટકા આવી ટિપ્સના આધારે ફોટો મેળવતા હોય છે, પરંતુ બીજાને કારણે બધાની બદનામી થઈ રહી છે.’

જોકે સાથે માનવ એ પણ સ્વીકારે છે કે આજે પણ પાપારાઝીની લાઇફ ટફ છે. તેઓ કહે છે, ‘નિયમિત સેલેબ્સને ફૉલો કરવા અને કલાકો સુધી તેમની રાહ જોવામાં ખાવાનું, પાણી કે દિવસ, રાત, તડકો, વરસાદ જેવું બધું જ તેઓ ભૂલી જતા હોય છે. બીજું, હવે આ ફોટો ન્યુઝપેપર્સ કે કોઈ મૅગેઝિનને બદલે સોશ્યલ મીડિયા પર જતા હોય છે અને એમાં કૉમ્પિટિશન ટફ છે. ગણતરીની સેકેન્ડમાં તમારો ફોટો જૂનો થઈ જવાનો છે એટલે તમારે અકલ્પનીય સ્તરની પ્રૉમ્પ્ટનેસ દેખાડવાની હોય છે. આ જ કારણથી કહીશ કે થોડાક હજાર કે લાખ ફૉલોઅર ધરાવતા નવાસવા કન્ટેન્ટ ક્રીએટરોનો ધસારો બંધ કરવા સેલિબ્રિટીઝના મૅનેજરોએ કમર કસવી પડશે. તેમને ઇન્વાઇટ કરવાનું બંધ કરવું પડશે, તો જ આ બધા કેઓસને હૅન્ડલ કરી શકાશે.’
બહુ જ પૅશનેટ કામ
ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનું ભણતા સ્નેહ ઝાલાએ અનાયાસ જ પાપારાઝીની દુનિયામાં પગલાં ભરવાનું શરૂ કર્યું અને હવે એ જ તેની લાઇફનો ગોલ બની ગયું છે. ફૅન તરીકે એક વાર ફોટો લેતા સ્નેહને આ કામ ગમી ગયું એની વાત કરતાં તે કહે છે, ‘હું બૉલીવુડના ઘણા આર્ટિસ્ટનો ફૅન છું. તેમને જોવા મળે અને તેમના ફોટો પાડવા મળે એવી આ દુનિયામાં હું અનાયાસ જ જોડાયો અને એવું ગમી ગયું કે મારું ભણવાનું છૂટી ગયું. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના બેસ્ટ ફોટો લેવાને કારણે તેમણે અમને નોટિસ કર્યા અને જાહેરમાં ઍક્નૉલેજ પણ કર્યા એ સૌથી મોટી અચીવમેન્ટ હતી. માનવ મંગલાણી સર સાથે હું કામ કરું છું અને તેમનું જ બ્રેઇન-ચાઇલ્ડ હતું કે ફોટો સાથે વિડિયોઝ પણ શૂટ કરવા જોઈએ અને અમને સેલેબ્સના લાઇફની બેસ્ટ આઉટ ઑફ બેસ્ટ મોમેન્ટ મળી શકે. હું CAની એન્ટ્રન્સમાં ત્રણ વાર ફેલ થયો પછી તો ઘરે પણ ફરમાન આપી દીધું કે હવે તો આ જ કામ કરીશ. મારું પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજ છે જેમાં ૧૦ લાખ ફૉલોઅર્સ છે. એ સિવાય ફાસ્ટેસ્ટ કન્ટેન્ટ અમે મૂકીએ છીએ અને ખૂબ સારા વ્યુઝ પણ મળે છે. આ ઇન્ડસ્ટ્રીમાં હાર્ડ વર્ક છે. જોકે આ કામમાં કોવિડ પછી બહુ મોટો બદલાવ આવ્યો છે જેમ કે કોવિડ પહેલાં સેલેબને ખબર ન પડે એ રીતે અમે ફોટો પાડીને નીકળી જતા. તેમના માટે એ સરપ્રાઇઝ રહેતું. કોવિડ પછી સેલેબ અમને બોલાવવા માંડ્યા. અત્યારે જે કંકાસ ચાલે છે એ પાપારાઝીના નામે ઘૂસી જતા કેટલાક બહારના લોકોને કારણે છે. હવે પબ્લિક સ્પેસ છે ત્યારે તમે કોઈને રોકી તો ન શકો.’

મહિલા પાપારાઝી શું કહે છે?
એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જર્નલિસ્ટ પહેલાં ફોટોગ્રાફી કરાવતા અને એ ફોટો પાડવા જતા ફોટો-જર્નલિસ્ટનો જુદો જ દબદબો હતો, કારણ કે એ ફોટોગ્રાફીને આધારે વિવિધ પબ્લિકેશન્સમાં છપાતા ફોટોથી સેલિબ્રિટીઝનું માર્કેટિંગ થતું. કોવિડ પછી મોટા પ્રમાણમાં સિનારિયો બદલાયો અને ફોટો-જર્નલિસ્ટનું સ્થાન પૅપ્સે લઈ લીધું. વર્ષોથી એન્ટરટેઇનમેન્ટ કવર કરતા આવા ફોટો-જર્નલિસ્ટ માટે એ રીતે અત્યારની બદલાયેલી દુનિયામાં સર્વાઇવ કરવું અઘરું છે. એમાં પણ જો એ ફોટો-જર્નલિસ્ટ મહિલા હોય તો... મુંબઈના અગ્રણી ન્યુઝપેપરમાં કામ કરી ચૂકેલી અને અત્યારે ફિલ્મી જ્ઞાન અને ડિજિટલ સુકૂન નામની માર્કેટિંગ કંપની માટે ફોટો પાડતી એકમાત્ર મહિલા પાપારાઝી અશ્વિની સાવંત કહે છે, ‘બે જુદી-જુદી દુનિયા મેં જોઈ છે. આજની સ્થિતિ ખરેખર અજીબોગરીબ તો છે જ. એમાં પણ મહિલા તરીકે આ ભીડનો હિસ્સો બનવાનું હોય અને સાથે જ તમારે તમારું કામ કરવાનું હોય એ વધુ ચૅલેન્જિંગ બનતું હોય છે. જોકે મેં એમાં હવે હથરોટી મેળવી લીધી છે. પહેલાં છોકરી બાજુમાં હોય તો છોકરાઓ છૂટથી ગાળો આપવામાં કે ગમેતેવી ભાષા વાપરવામાં સંકોચ રાખતા, જ્યારે આજે જે અમુક નવા છોકરાઓ આ ફીલ્ડમાં ઘૂસી ગયા છે જેઓ ક્યારેક ફૂડ-ડિલિવરી બૉય તરીકે કામ કરતા અને હવે પોતાને મીડિયાના ઓળખાવે છે તેમને બોલવાનું ભાન નથી. સેલિબ્રિટીઝ અચાનક આવ્યા હોય અને ધક્કામુક્કી થાય તો ભૂલી પણ જતા હોય છે કે થોડીક મર્યાદા રાખવી જોઈએ.’

સોશિયલ મિડિયા પર કોઈ પોસ્ટ કરીને કે કોઈ ફિલ્મનું પ્રમોશન કરીને કેટલાક ફોટોગ્રાફરો પેઇડ પ્રમોશન કરતા થયા છે તો બીજી બાજુ પાપારાઝી પાસે પેઇડ ઇવેન્ટ અટેન્ડ કરાવાય છે જેમાં પ૦૦ રૂપિયા આપો અને કૅમેરા લઈને કેટલાક લોકો ઇવેન્ટ પર આવી જાય. પબ્લિક રિલેશન મૅનેજર દ્વારા આવા ગિમિક થતાં હોય છે જેથી તેમનું નામ થાય પરંતુ આમાં સાચી રીતે ફોટો-જર્નલિઝમ કરી રહેલા જર્નલિસ્ટ લોકોનું નામ બગડતું હોય છે. ૧૮ વર્ષથી આ જ ફીલ્ડમાં સક્રિય અશ્વિની કહે છે, ‘જયા બચ્ચને જે કહ્યું એમાં થોડીક વાતો સાચી છે અને થોડીક વાતો તેમણે બોલવા જેવી નહોતી. જેમ કે કોઈનાં કપડાં કે બૅકગ્રાઉન્ડ પર કમેન્ટ ન જ કરવી જોઈએ. તો સામે એ પણ એટલું જ સાચું છે કે યસ, કેટલાક યુટ્યુબર અને સોશ્યલ મીડિયા પર અકાઉન્ટ ખોલીને પોતાને મીડિયા તરીકે ઓળખાવનારા લોકો અભદ્ર ભાષા પણ વાપરતા હોય છે, જે ખોટું છે. પર્સનલી જયા બચ્ચનજી પોતે ક્યારેય કોઈ ફોટોગ્રાફરને કે વિડિયોગ્રાફરને કે ઈવન સેલ્ફી લેવા માગતા લોકોને પણ લિફ્ટ નથી આપતા. એ મામલે તેઓ હંમેશાં ગુસ્સામાં જ હોય છે. એટલે તેમની વાતોમાં સંતુલન નથી. બીજું એ પણ કહીશ કે આજે જે પાપારાઝી શબ્દપ્રયોગ થાય છે એ પણ ખોટો છે, કારણ કે હકીકતમાં જે પણ વ્યક્તિ સેલિબ્રિટીઝની જાણ બહાર તેમને ખબર જ ન પડે એ રીતે ફોટો પાડી દે અને બીજા દિવસે સીધું એ છાપામાં જોવા મળે એવા ફોટોગ્રાફરો પાપારાઝી હતા. આજે તો સેલિબ્રિટીઝના મૅનેજર સામેથી બોલાવે અને તમે ફોટો પાડો તો એ પાપારાઝી ક્યાંથી થયા?’
બીજી એક ચોંકાવનારી બાબત એટલે કે કેટલાક પાપારાઝીના નામે આ ભીડનો હિસ્સો બની જાય અને સેલિબ્રિટીઝને જોવા માગતા લોકો પાસેથી હજાર-બે હજાર રૂપિયા લઈને તેમને પણ આ ભીડમાં ઘુસાડી દેતા હોય છે. આવો એક કેસ વરુણ ધવને પકડ્યો પણ હતો અને પછીથી ઍરપોર્ટ પર મળેલા એ ફોટોગ્રાફરને તેણે ખખડાવ્યો પણ હતો. આ ફીલ્ડમાં કામ કરી ચૂકેલી અને હવે પોતાની ટીમ હૅન્ડલ કરતી ભારતી ગાયકર કહે છે, ‘જુહુ, બાંદરા, અંધેરી જેવા એરિયામાં રહીને કામ કર્યું છે અને સાચું કહું તો ફીમેલ ફોટોગ્રાફર માટે આ સંપૂર્ણ મેલ-ડૉમિનેટેડ ડોમેઇનમાં ટકી રહેવું ખૂબ જ અઘરું છે એવું નહીં કહું. કેટલાક સારા મેલ ફોટોગ્રાફર છે જે તમને સપોર્ટ કરશે, તમારી મર્યાદા જાળવશે. જોકે બે-ચાર ખરાબ ઍપલને કારણે ઍપલની આખી પાટી ખરાબ છે એમ તો ન કહેવાય. અત્યારે એ જ થઈ રહ્યું છે. કેટલીયે વાર એવું થયું છે કે કોઈ સેલિબ્રિટીનો ફોટો પાડ્યો હોય અને તેઓ ના પાડે તો અમે એ ડિલીટ પણ કરી દેતા હોઈએ છીએ. જાહ્નવી કપૂર સાથે એવું કેટલીયે વાર બન્યું છે કે તે શૂટ પરથી થાકેલી આવી હોય અને તેનો ફોટો ટીમે ક્લિક કર્યો હોય તો જાહ્નવીને ત્યાંથી ફોન આવે અને એ ફોટો અમે આગળ પાસઑન જ ન કરીએ. એક સિનિયર અભિનેત્રી તેના બૉયફ્રેન્ડ સાથે સ્પૉટ થઈ અને તેણે ના પાડી કે આ મારી પ્રાઇવેટ મોમેન્ટ છે અને એને મારે જાહેર નથી કરવી તો અમે તેની સામે એ ફુટેજ ડિલીટ કર્યું હતું. ફોટોગ્રાફરો પણ કો-ઑપરેટ કરતા હોય છે જો સેલિબ્રિટીઝ રિસ્પેક્ટફુલી વાત કરે તો.’


