પોતાના જીવન વિશે વાત કરતાં હરીશભાઈ જણાવે છે, ‘હું બેસિકલી ખેડૂતપુત્ર છું. વલસાડના અબ્રામામાં ખેતી કરતાં-કરતાં ભણ્યો. નાનપણથી જ સ્પોર્ટ્સ મારા લોહીમાં હતું
હરીશ દેસાઈ
જે ઉંમરે લોકો આરામ કરવાનું વિચારે છે એ ઉંમરે હરીશ દેસાઈ સવારે ૭.૩૦ વાગ્યે બૅટ લઈને મેદાનમાં પહોંચી જાય છે. ખેતી અને NCC ટ્રેઇનિંગના ઘડતર બાદ મુંબઈની કૉર્પોરેટ દુનિયામાં સફળતા મેળવનાર આ ખેલાડી હૃદયની બીમારીને હરાવીને જીવનની બીજી ઇનિંગ્સ સફળતાપૂર્વક રમી રહ્યા છે
ઉંમર માત્ર એક આંકડો છે જો મનમાં જીતવાનો જુસ્સો અને રમત પ્રત્યે પૅશન હોય તો. બોરીવલીમાં રહેતા ૮૧ વર્ષના હરીશ દેસાઈ આ વાતનું જીવંત ઉદાહરણ છે. મૂળ વલસાડના અબ્રામાના વતની અને વ્યવસાયે ઉદ્યોગપતિ હોવા છતાં આજે પણ સવારે સાડાસાત વાગ્યે બૅટ-બૉલ લઈને મેદાનમાં ઊતરી પડે ત્યારે યુવાનો પણ જોતા રહી જાય છે. બાયપાસ સર્જરી છતાં ક્રિકેટના મેદાનમાં સેન્ચુરી ફટકારતા હરીશભાઈની સફર જુવાનિયાઓ માટે પ્રેરણાદાયી છે.
ADVERTISEMENT

કૉલેજ દરમિયાન NCCમાં સિલેક્ટ થયા બાદ કાશ્મીરમાં ભારતીય સેનાની સાતમી મરાઠા રેજિમેન્ટ સાથે રહીને એક મહિનાની મિલિટરી ટ્રેઇનિંગ લીધી હતી.
ક્રિકેટ સાથે ઍડ્વેન્ચરસ અનુભવો
પોતાના જીવન વિશે વાત કરતાં હરીશભાઈ જણાવે છે, ‘હું બેસિકલી ખેડૂતપુત્ર છું. વલસાડના અબ્રામામાં ખેતી કરતાં-કરતાં ભણ્યો. નાનપણથી જ સ્પોર્ટ્સ મારા લોહીમાં હતું. સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે હું કૉલેજમાં ભણતો ત્યારે વૉલીબૉલ, ક્રિકેટ અને ટેબલટેનિસ ત્રણેય રમતોમાં હું ચૅમ્પિયન હતો. યુનિવર્સિટી લેવલ સુધી હું આ રમતો રમ્યો છું. રમતગમતને લીધે જ મારા જીવનમાં ડિસિપ્લિન આવ્યું છે એમ કહી શકાય. મારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ ૧૯૬૫માં બન્યો હતો. હું સાયન્સ કૉલેજમાં હતો ત્યારે ઑલઓવર ઇન્ડિયાના NCC કૅમ્પ થતા હતા. આખા ગુજરાતમાંથી વલસાડથી અમે ચાર જણ કાશ્મીરની બૉર્ડર પર પાકિસ્તાન સાથેની વૉર બાદ એક મહિનાની મિલિટરી ટ્રેઇનિંગ માટે સિલેક્ટ થયા હતા. ઉરી, પૂંછ અને હાજીપીર જેવા વિસ્તારોમાં સૈનિકોને જે કક્ષાની ટ્રેઇનિંગ અપાય એવી જ ફિઝિકલ ટ્રેઇનિંગ અને રાઇફલ ચલાવવાની તાલીમ અમને મળી હતી. એ સમયે તો લોહીમાં એવો ઉકળાટ હતો કે બસ, હવે સોલ્જર જ બનવું છે. અમે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં આપણા નાગરિકો અને સૈનિકોની જે પીડા જોઈ હતી એ આજે પણ રૂંવાડાં ઊભાં કરી દે છે. આપણી કલ્પના બહારની તકલીફો તેમણે વેઠી હતી. ૨૬ જાન્યુઆરીની પરેડ માટે પણ અમારું સિલેક્શન થયું હતું, પણ કૉલેજે પરત બોલાવી લેતાં અમે એમાં ભાગ ન લઈ શક્યા. ત્યારે તો એવું જ મન થયેલું કે મારે સોલ્જર જ બનવું છે, પણ નસીબ મને મુંબઈ ખેંચી લાવ્યું.’

અઢળક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈને હરીશભાઈએ ટીમને જીત અપાવી છે.
ક્રિકેટે અપાવી નોકરી
ક્રિકેટ કૉર્પોરેટ વર્લ્ડમાં નોકરી અપાવી શકે? હરીશભાઈ આ સવાલનો જવાબ હા કહેશે. જીવનના આ રસપ્રદ કિસ્સા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં હરીશભાઈ જણાવે છે, ‘ભણતર પૂરું કરીને હું સારી જૉબની શોધમાં મુંબઈ આવ્યો. મારો એક મિત્ર હતો જેની કંપનીમાં ક્રિકેટ રમવાનું આયોજન થતું હતું. મને આજે પણ યાદ છે, જ્યારે મારું જૉબ માટે સિલેક્શન થવાનું હતું ત્યારે મને પ્રૅક્ટિસ કરવા માટે ઓવલ મેદાન પર બોલાવવામાં આવ્યો હતો. અને આ હકીકત છે કે મારી ક્રિકેટ રમવાની કળા અને ટૅલન્ટ જોઈને મને ત્યાં નોકરી મળી ગઈ. આઠ વર્ષ સુધી એ કંપની માટે હું ક્રિકેટ રમ્યો અને ઘણી ટ્રોફીઓ જિતાડી. મારા જીવનની એક યાદગાર ઇનિંગ્સ ટાઇમ્સ શીલ્ડમાં હતી. તાતાની ટીમ સામે રમતાં મેં ડાબોડી ફાસ્ટ બોલર ઉમેશ કુલકર્ણી સામે ૧૪૫ રનની શાનદાર સેન્ચુરી ફટકારી હતી. એ જોઈને તાતા કંપનીએ મને જૉબ ઑફર કરી હતી પણ મેં કેટલાંક અંગત કારણોસર એ નકારી અને જે કંપનીમાં હતો ત્યાં જ ઇન્ક્રીમેન્ટ મેળવીને આગળ વધ્યો.’
એન્જિનિયરિંગ ફીલ્ડમાં ડંકો
નોકરી છોડીને બિઝનેસ કઈ રીતે શરૂ કર્યો એ વિશે વાત કરતાં તેઓ જણાવે છે, ‘જીવન જીવવા માટે સારા પગારની જરૂર હોય છે, ખાસ કરીને જ્યારે માથે લગ્ન અને ઘરની જવાબદારી હોય. હું BSc ગ્રૅજ્યુએટ થઈને અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં હતો પણ મને માર્કેટિંગમાં રસ હતો. મેં દરેક ડિપાર્ટમેન્ટ એક્સપ્લોર કર્યા અને અંતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મશીનરીનું માર્કેટિંગ કરવા લાગ્યો. એ સમયે મેં ક્રિકેટ થોડું ઓછું કર્યું હતું. એક વાર હું મારા ભાઈ સાથે જાણીતા ફાસ્ટ બોલર રમાકાંત દેસાઈને મળવા ગયો હતો. તેમણે મને એક વાત કહી હતી કે ક્રિકેટનું પૅશન સારું છે, પણ સારી જૉબ હોવી નસીબની વાત છે. એ વાત ગાંઠે બાંધી મેં ફાઇનૅન્સ બિલ્ડ કરવાનું ચાલુ રાખ્યું અને સાકીનાકામાં ટેક્સટાઇલના પમ્પ બનાવવાનો મારો પોતાનો બિઝનેસ શરૂ કર્યો. આજે એ એન્જિનિયરિંગ બિઝનેસમાં મારો દીકરો પણ જોડાઈ ગયો છે.’

હાર્ટ-અટૅક ભી ક્રિકેટ કો રોક ન સકા
હાર્ટ-અટૅકની અસર થયા બાદ કોઈ પણ વ્યક્તિ ડરી જાય અને શારીરિક પ્રવૃત્તિઓ મર્યાદિત કરી દે, પણ હરીશભાઈનો કેસ અલગ જ છે. બાયપાસ થયા બાદ પણ તેમણે પોતાના ક્રિકેટપ્રેમને ઓછો થવા દીધો નથી. આ વિશે જણાવતાં હરીશભાઈ જણાવે છે, ‘લગભગ આઠ-દસ વર્ષ પહેલાં બોરીવલીના વીર સાવરકર ઉદ્યાનમાં હું લટાર મારવા નીકળ્યો અને ત્યાં ક્રિકેટ રમાતું જોયું. મને રમતો જોઈને ત્યાંના ભાઈઓએ મને રમવા આગ્રહ કર્યો અને ફરી મારી ક્રિકેટની સફર શરૂ થઈ. જોકે સ્વાસ્થ્યના પડકારો આવ્યા. હાર્ટ-અટૅકની અસરને લીધે ઍન્જિયોપ્લાસ્ટી કરાવી અને ૨૦૨૪માં મારી બાયપાસ સર્જરી થઈ. ડૉક્ટરે મને સ્ટ્રિક્ટ્લી કહ્યું હતું કે હવે ક્રિકેટ નહીં અને ડ્રાઈવિંગ પણ નહીં. પણ મેં ડૉક્ટરને ચોખ્ખું કહી દીધું કે ક્રિકેટ મારો ઑક્સિજન છે, હું રમતો-રમતો મરીશ પણ ક્રિકેટ નહીં છોડું. આજે પણ હું રોજ સવારે ૭.૩૦થી ૯.૩૦ ક્રિકેટ રમું છું. ૮૧ વર્ષની ઉંમરે પણ મારી ડાયટ એકદમ હેલ્ધી છે અને હું બાયપાસ પછી પણ ફિટ છું. મારી કૅપ્ટન્સી હેઠળ રાજકોટમાં યોજાયેલી ઑલ ઇન્ડિયા સિનિયર સિટિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમારી બોરીવલીની ટીમ વિજેતા બની હતી. વલસાડમાં પણ અમે ચૅમ્પિયન બન્યા હતા.’
આખો પરિવાર સ્પોર્ટી
હરીશભાઈ પોતે જ નહીં, તેમનો આખો પરિવાર સ્પોર્ટપ્રેમી છે. આ વિશે માંડીને વાત કરતાં તેઓ જણાવે છે, ‘અમારો આખો પરિવાર જ સ્પોર્ટી છે. મારો ૧૭ વર્ષનો પૌત્ર મુંબઈ ક્રિકેટ અસોસિએશનમાં અન્ડર-19માં સિલેક્ટ થયો છે અને મારી વહુ પણ વૉલીબૉલ પ્લેયર છે. જીવનમાં જ્યારે કદર નથી થતી ત્યારે નિરાશા આવે છે, પણ રમત આપણને ફરી ઊભા થતાં શીખવે છે. હું માનું છું કે દરેક ક્રિકેટપ્રેમી સચિન કે કોહલી નથી બની શકતો, પણ જો તમારી પાસે પૅશન હોય તો તમે તમારા જીવનના મૅન ઑફ ધ મૅચ ચોક્કસ બની શકો છો. આજે ૮૧ વર્ષે પણ હું ગ્રાઉન્ડ પર હોઉં છું ત્યારે મને લાગે છે કે હજી તો ઘણી ઇનિંગ્સ રમવાની બાકી છે.’


