તળિયાની ટીમ યુપી વૉરિયર્ઝ ટ્રોફી જીતવાની રેસમાંથી આઉટ
વડોદરામાં ગઈ કાલે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની કૅપ્ટન સ્મૃતિ માન્ધાના અને રિચા ઘોષ મૅચ જીત્યા બાદ ખુશખુશાલ.
બરોડાના કોટંબી સ્ટેડિયમમાં ગઈ કાલે યુપી વૉરિયર્ઝ સામે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુએ ૮ વિકેટે જીત નોંધાવી હતી. સતત બે હાર બાદ વર્તમાન વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની નંબર-વન ટીમ બૅન્ગલોર જીતના ટ્રૅક પર પાછી ફરી છે. કૅપ્ટન મેગ લૅનિંગ અને દીપ્તિ શર્માની ઓપનિંગ ભાગીદારીની મદદથી યુપીએ ૮ વિકેટે ૧૪૩ રન કર્યા હતા. બૅન્ગલોરે ગ્રેસ હૅરિસના ૭૫ રન અને કૅપ્ટન સ્મૃતિ માન્ધનાના ૫૪ રનની મદદથી ૧૩.૧ ઓવરમાં ૧૪૭ રન કરીને ૧૪૪ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ટુર્નામેન્ટની સતત ૪૦મી મૅચમાં ટૉસ જીતનાર ટીમે પહેલાં ફીલ્ડિંગ પસંદ કરી હતી. યુપી વૉરિયર્ઝ મેગ લૅનિંગ અને દીપ્તિ શર્માની નવી ઓપનિંગ જોડી સાથે બૅટિંગ કરવા ઊતરી હતી. બન્નેએ ૮.૧ ઓવરમાં ૭૪ રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી હતી. મેગ લૅનિંગ ૪૧ રનની અને દીપ્તિ શર્મા ૫૫ રનની ઇનિંગ્સ રમી હતી. બૅન્ગલોરની ફાસ્ટ બોલર નદીન ડી ક્લર્કે ૪ ઓવરમાં બાવીસ રન આપીને ૪ વિકેટ લીધી હતી. તે બૅન્ગલોર માટે એક સીઝનમાં સૌથી વધુ ૧૫ વિકેટ લેનાર બોલર પણ બની હતી.
ADVERTISEMENT
૧૪૪ રનના ટાર્ગેટ સામે બૅન્ગલોરની ઓપનર ગ્રેસ હૅરિસ ૩૭ બૉલમાં ૧૩ ફોર અને બે સિક્સની મદદથી ૭૫ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. કૅપ્ટન સ્મૃતિ માન્ધના પણ ૨૭ બૉલમાં ૮ ફોર અને બે સિક્સની મદદથી ૫૪ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
૨૦૨૪ની ચૅમ્પિયન ટીમ બૅન્ગલોર ૮ મૅચમાં ૬ જીત અને ૧૨ પૉઇન્ટ સાથે બીજી વખત ફાઇનલિસ્ટ ટીમ બની છે. દિલ્હી કૅપિટલ્સને ત્રણ વખત ફાઇનલમાં પહોંચાડનાર વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન મેગ લૅનિંગની ટીમ યુપી વૉરિયર્સ ૭ મૅચમાં માત્ર બે જીત અને ૪ પૉઇન્ટ સાથે તળિયાની ટીમ હોવાથી ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
કૅપ્ટન હરમનની સિદ્ધિ માટે મુંબઈ ઇન્ડિયન્સે પાર્ટી યોજી
મુંબઈ ઇન્ડિયન્સે એની કૅપ્ટન હરમનપ્રીત કૌરના પદ્મશ્રી પુરસ્કારની ઉજવણી એક ખાસ ટીમ-પાર્ટી સાથે કરી હતી. સરકાર દ્વારા હાલમાં હરમનપ્રીત કૌરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સિદ્ધિ બદલ કૅપ્ટન હરમન માટે કેકકટિંગ સેલિબ્રેશન સાથે ડાન્સ-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.


