Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સુખી દામ્પત્યજીવન છે સારી યાદશક્તિની ચાવી

સુખી દામ્પત્યજીવન છે સારી યાદશક્તિની ચાવી

18 November, 2019 03:52 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

સુખી દામ્પત્યજીવન છે સારી યાદશક્તિની ચાવી

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


સુખી દામ્પત્યજીવનથી ડિમેન્શિયાની બીમારીનું જોખમ ચાળીસ ટકા જેટલું ઘટી જાય છે એવું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. સ્ટૉકહોમ યુનિવર્સિટીની રિસર્ચ ટીમ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં ચાર હજારથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. સંશોધનકર્તાઓએ આ દિશામાં દસ વર્ષ સ્ટડી કર્યા બાદ દાવો કર્યો છે કે સિંગલ સ્ટેટસ ધરાવતા લોકોની સરખામણીએ હૅપિલી મૅરિડ કપલ્સની યાદશક્તિ લાંબો સમય સુધી સારી રહે છે. તેઓ એકબીજાની સપોર્ટ સિસ્ટમ જેવાં હોય છે. સ્વસ્થ જીવન જીવવા માટે એકબીજાને સતત પ્રોત્સાહિત કરતાં રહે છે. ઇમોશનલ અટૅચમેન્ટ અને સામાજિક જીવન તેમને હેલ્ધી લાઇફ તરફ દોરી જાય છે એવું તારણ નીકળ્યું છે. આ રિસર્ચમાં કેટલી સચ્ચાઈ છે એ વિશે એક્સપર્ટ તેમ જ પોતાને હૅપિલી મૅરિડ માનતાં કપલ્સનું શું કહેવું છે એ જોઈએ.

હૅપિલી મૅરિડ દેખાતાં અને પોતાને હૅપિલી મૅરિડ માનતાં કપલ્સ વાસ્તવમાં હૅપી છે કે પછી સમાજની નજરમાં સુખી દંપતી તરીકેની તેમની ઇમેજ છે એ પ્રશ્ન મહત્ત્વનો છે એવો અભિપ્રાય આપતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સંતોષ બાંગર કહે છે, ‘હૅપિલી મૅરિડ કપલ્સમાં ડિમેન્શયાની બીમારીનું પ્રમાણ ઓછું જોવા મળે છે એવો દાવો તો ન કરી શકાય, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે એક છત નીચે રહેતી બે વ્યક્તિ વચ્ચે કમ્યુનિકેશન, ટ્યુનિંગ અને ઇમોશનલ સપોર્ટ હોય તો મગજ પર સ્ટ્રેસ ઓછું પડે છે અને સ્ટ્રેસ ઓછું પડે તો હાર્ટ-અટૅક, ઓબેસિટી, ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને ડિમેન્શિયાની બીમારીના ચાન્સિસ ઘટી જાય. સ્ટ્રેસના કારણે તમારા બ્રેઇનને અસર થાય છે પરિણામે મેમરી લૉસ થાય છે. ભૂલી જવું એ ડિમેન્શિયાની બીમારીનું લક્ષણ છે. જો લાઇફ સ્ટ્રેસ-ફ્રી હોય તો તમે શરીર અને મનથી સ્વસ્થ રહો છો.’



આ બીમારી જુદી-જુદી રીતે ફેલાય છે એવી માહિતી આપતાં ડૉ. સંતોષ કહે છે, ‘ઑલ્ઝાઇમર્સ સૌથી કૉમન છે. એમાં દરદી ઘરની અંદર આવ્યા બાદ દરવાજો બંધ કરવાનું ભૂલી જાય, દવા સમયસર લેવાનું યાદ ન રહે, લાઇટ બિલ ભરવાનું રહી જાય વગેરે રોજબરોજનાય સામાન્ય કામો કરવાનું ભૂલી જાય છે. બીજો પ્રકાર છે વૅસ્ક્યુલર ડિમેન્શિયા. લોહી ગંઠાઈ જાય, રક્ત પરિભ્રમણમાં અવરોધ ઊભો થાય ત્યારે મગજને ક્ષતિ પહોંચે અને મેમરીને અસર થાય. લકવાનો હુમલો આવ્યા બાદ આ પ્રકારના ડિમેન્શિયાની શક્યતા વધી જાય છે. આ બીમારીનો કોઈ કાયમી ઇલાજ નથી.’


 જેમ-જેમ ઉંમર વધે એમ યાદશક્તિ નબળી પડતી જાય. ડિમેન્શિયાની બીમારી ધીમે-ધીમે આગળ વધે છે. ઑલ્ઝાઇમર્સને કન્ટ્રોલ કરવામાં સુખી લગ્નજીવન મહત્ત્વનો ભાગ ભજવી શકે છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘પતિ-પત્ની વચ્ચે સારો મેળ હોય તો તેઓ એકબીજાનું ધ્યાન રાખે છે. એક જણ દવા લેવાનું ભૂલી જાય તો બીજો યાદ દેવડાવે. એ જ રીતે અન્ય કામો સરળ બને. બીમારીના લીધે તમે ક્યારેક નિરાશ થઈ જાઓ અથવા ખૂબ ગુસ્સો આવે તો તમારો પાર્ટનર એને હૅન્ડલ કરી લે છે. ડે-ટુ-ડે લાઇફમાં પાર્ટનરની સપોર્ટિવ સિસ્ટમના સહારે ભૂલવાની બીમારીની ગતિ ધીમી પડે છે. જીવનસાથીનો ઇમોશનલ સપોર્ટ તમને રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. આ તમામ ફૅક્ટર સિંગલ રહેતી વ્યક્તિમાં શક્ય નથી તેથી કહી શકાય કે હૅપિલી મૅરિડ કપલ્સમાં ડિમેન્શિયાની બીમારી ઓછી જોવા મળે છે.’

એકબીજાના વિચારો અને શોખને અડૅપ્ટ કર્યા છે - દીપિકા અને અતુલ દવે


અમે એકબીજા માટે જ સર્જાયાં છીએ એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી એમ જણાવતાં પવઈનાં બિઝનેસ વુમન દીપિકા દવે કહે છે, ‘મૅરેજને ત્રીસ વર્ષ થયાં અને એ પહેલાં નવ વર્ષ સ્કૂલમાં સાથે ભણ્યાં. આટલો લાંબો સાથ રહ્યો છે અમારો. અમારું માનવું છે કે બે વ્યક્તિના વિચારો અને શોખ હંમેશાં જુદા જ રહેવાના પણ એને અડૅપ્ટ કરવાની તૈયારી હોય તો ક્યારેય તકલીફ આવતી નથી. નાનપણમાં એક જ વાતાવરણમાં ઉછેર થયો હોવાથી એકબીજાના સ્વભાવથી સારી રીતે પરિચિત છીએ. અતુલનો સ્વભાવ થોડો અગ્રેસિવ હતો. તે જ્યારે ગુસ્સો કરે ત્યારે હું રિસ્પૉન્સ આપવાનું ટાળતી. આજે બધા મને કહે છે કે તમારા હસબન્ડ કેટલા કૂલ છે! એ જ રીતે મેં તેમના મ્યુઝિકના શોખને ડેવલપ કર્યો છે જેથી સંગીતનો આનંદ સાથે બેસીને લઈ શકીએ. આ જ દામ્પત્યજીવનની મજા છે. અમે શરૂઆતથી જ ક્લિયર હતાં કે સાથે રહેવું છે તો ઝઘડા ન કરવા અને ઝઘડા થાય તો સાથે ન રહેવું.’

એકબીજાનો સાથ હોય તો શૂન્યમાંથી સર્જન કરવાની ક્ષમતા કેળવી શકાય છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘વાસ્તવમાં અતુલે જ મને બિઝનેસ વુમન તરીકેની ઓળખ અપાવી છે. ડગલે ને પગલે તેનો સાથ રહ્યો છે. સૌથી રસપ્રદ વાત કરું તો લગ્નના દિવસથી આજ સુધી મૅચિંગ કપલ તરીકે અમે સોશ્યલ સર્કલમાં ખાસ્સાં પૉપ્યુલર છીએ. મુંબઈની બહાર હોઈએ ત્યારે અને વીક-એન્ડમાં અમે એકસરખાં વસ્ત્રો પહેરીને જ બહાર નીકળીએ. એકબીજા માટેની લાગણી દર્શાવવાની આ અનોખી રીત અમને ખૂબ પસંદ પડે છે. રહી વાત યાદશક્તિની તો મને નથી લાગતું કે દામ્પત્યજીવનને ઉપરોક્ત સ્ટડી સાથે કોઈ લેવાદેવા હોય. અતુલ તો થોડા ભુલકણા છે. હા, હેલ્ધી રિલેશનશિપ તમને તન-મનથી નિરોગી રાખે છે એ વાત સો ટકા સાચી છે. હેલ્ધી રહેવા માટે સાંજે વહેલાં જમી લઈએ. પાર્ટીમાં જવાનું હોય ત્યારે પણ ઘરેથી ડિનર લઈને જઈએ અને સ્ટાર્ટર તેમ જ તળેલી વાનગી ટોટલી અવૉઇડ કરીએ. આ બધું શરીર માટે છે, બાકી અમે મસ્ત મજાની લાઇફ જીવીએ છીએ.’

પ્રેમ અને સમજદારી હોય ત્યાં રોગ ફરકે નહીં - પ્રજ્ઞા અને હિતેશ ચોથાણી

બે વ્યક્તિ વચ્ચે માથાકૂટ કે ક્લૅશનું નામોનિશાન ન હોય એને સુખી કપલ કહેવાય એવો અભિપ્રાય આપતાં વાશીના બિઝનેસમૅન હિતેશ ચોથાણી કહે છે, ‘પચીસ વર્ષમાં અમારી વચ્ચે ભાગ્યે જ ચડભડ થઈ હશે. મારા અને પ્રજ્ઞાના વિચારો અને ચૉઇસ ઘણાં મળતાં આવે છે તેથી અંદરોઅંદર ઝઘડા માટે સ્પેસ રહેતી નથી. અમારી હેલ્ધી અને હૅપી લાઇફ-સ્ટાઇલનું આ જ કદાચ મુખ્ય કારણ હોવું જોઈએ. અમને બન્નેમાંથી કોઈનેય આ ઉંમરે પણ બ્લડ-પ્રેશર કે શુગરની બીમારી નથી. જોકે આ દિશામાં અમે કોઈ રિસર્ચ નથી કર્યું, પરંતુ સ્ટડી સાથે સહમત છું. લગ્નજીવનમાં સુખ અને સમજદારી હોય તો માંદગી આવતી નથી.’

હસબન્ડની વાત સાથે સૂર મિલાવતાં પ્રજ્ઞા કહે છે, ‘સુખ પામવાની નહીં પણ આપવાની વસ્તુ છે એટલી સમજદારી હોય તો લગ્નો ટકી જાય છે. આજકાલનાં કપલોમાં આ બાબત મિસિંગ દેખાય છે. મારું અંગતપણે માનવું છે કે સુખી લગ્નજીવનનું સૌથી જમા પાસું છે ઇમોશનલ અટૅચમેન્ટ અને બાંધછોડ. સત્તા આગળ શાણપણ નકામું. શરૂઆતનાં વર્ષોમાં સાસુ અને જેઠાણીને અનુસરવાની માનસિક તૈયારી રાખો તો પારિવારિક અને અંગત સંબંધો ગાઢ બને. એકબીજા માટે લાગણી વધે તો સમયાંતરે ચિંતા પણ થાય. મારું માથું દુખતું હોય કે તબિયત નરમ હોય ત્યારે તેઓ ઊભા થઈ લીંબુ શરબત બનાવી આપે અને જરૂર પડે તો દવા લાવી આપે. આ ચિંતા જ સંબંધને વધુ ને વધુ મજબૂત બનાવે છે તેમ જ શરીરથી તંદુરસ્ત અને મનથી તરોતાજા રાખવાનું કામ કરે છે. યાદશક્તિનું પણ એવું જ છે. સંબંધમાં ખટરાગ હોય તો તમે સામેવાળી વ્યક્તિની નેગેટિવ વાતોને વારંવાર વાગોળ્યા કરો છો અને તક મળતાં જ બે શબ્દો સંભળાવી દો છો, પરંતુ જો બન્ને વચ્ચે પ્રેમ હોય તો તમારું મગજ સારી વાતોને યાદ રાખે છે, જે જીવનભરનાં સંભારણાં બની રહે છે. ભૂલવાની બીમારીની વાત કરું તો એને સુખ-દુઃખ સાથે કંઈ લાગેવળગે નહીં. સાદું ભોજન અમારી જીવનશૈલી છે તેથી શરીર સ્વસ્થ છે. બન્ને પોતપોતાની અનુકૂળતા પ્રમાણે યોગ અને વૉકિંગ પણ કરીએ છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 03:52 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK