Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બચુભાઈ બમ્બાટ Reloaded : ઍક્શન XL (પ્રકરણ ૪)

બચુભાઈ બમ્બાટ Reloaded : ઍક્શન XL (પ્રકરણ ૪)

Published : 26 November, 2026 09:44 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

વાંચો નવલિકાનું ચોથું પ્રકરણ અહીં

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


૦૦:૧૩:૫૫... ૦૦:૧૩:૫૪...

મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ડૉકયાર્ડના બંધ વેરહાઉસમાં ટાઇમ-બૉમ્બનું ડિજિટલ ટાઇમર જાણે મોતના ડંકા વગાડતું હતું. બહારથી લૉક થઈ ગયેલો લોખંડી દરવાજો, ચારેબાજુ કાટ ખાઈ ગયેલા જૂનાં પતરાં અને વચ્ચે ટેબલ પર મોતનો સામાન અને એ પછી પણ પંચાવન વર્ષના ઍક્સ-સ્ટન્ટમૅન બચુભાઈ બમ્બાટના ચહેરા પર સહેજ પણ ગભરાટ નહોતો.



આંખોમાં આખું વેરહાઉસ ભર્યા પછી બચુભાઈએ ફરી લૅપટૉપની સ્ક્રીન તરફ નજર કરી. વિડિયો-કૉલ ચાલુ હતો, પણ સામે રહેલી ચૅર હવે ખાલી હતી. બચુભાઈના હાલ બેહાલ થાય એ જોવા માટે જ આ
વિડિયો-કૉલ ચાલુ રાખવામાં આવ્યો હતો.


બચુભાઈની નજર ફરીથી સિગારેટ પકડેલા હાથ પર ગઈ અને એ જ વખતે એ વ્યક્તિએ સિગારેટનો કશ ખેંચવા હાથ ઊંચો કર્યો કે તેના કાંડા પર બાંધેલી જૂના જમાનાની ચાંદીની ચેઇનવાળી ઘડિયાળ સ્ક્રીનની લાઇટમાં ચમકી. એ ચમકારો માત્ર લૅપટૉપ પર નહીં, બચુભાઈના મગજમાં પણ થયો હતો.

કાંડાઘડિયાળના ડાયલ પર પર્પલ પથ્થર જડેલો હતો અને આ જ ઘડિયાળ બચુભાઈએ આજે સવારે સીસીટીવી ફુટેજમાં ઝૂમ કરીને જોઈ હતી. એ બીજા કોઈની નહીં પણ હોમ મિનિસ્ટર સદાનંદ સાવંતના સૌથી વિશ્વાસુ સાથી અને ઑફિશ્યલ સેક્રેટરી રાઘવ કુલકર્ણીની હતી.


‘હે ભગવાન, તો આ આખો ખેલ રાઘવ કુલકર્ણીનો છે.’ બચુભાઈને પરસેવો છૂટી ગયો, ‘રાઘવનું અપહરણ થયું જ નથી. તે પહેલેથી જ બ્લૅક શૅડોના ટેરરિસ્ટો સાથે મળેલો છે. મિનિસ્ટરની દીકરીના લંડનથી આવવાની ઇન્ફર્મેશન, મિનિસ્ટરની મૉર્નિંગ વૉકનો રૂટ અને બંગલામાં ટેરરિસ્ટની એન્ટ્રી... બધું રાઘવે... રાઘવે ગોઠવ્યું.’

૦૦:૧૧:૩૦...

૦૦:૧૧:૨૯...

ટાઇમરના આંકડા ઝડપથી ઘટતા હતા પણ બચુભાઈનું ધ્યાન હજુ પણ લૅપટૉપ સ્ક્રીન પર હતું. બચુભાઈએ હવે સ્ક્રીનની પાછળની દીવાલ પર લટકતી પેલી જૂની ઘડિયાળ અને બારીની બહાર દેખાતી લાઇટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

દીવાલ પર લટકતી ઘડિયાળની નીચે એક તાંબાની તકતી પર લખ્યું હતું: S.S. જલપરી - ૧૯૭૮’

બચુભાઈના હોઠ પર સ્મિત પ્રસરી ગયું.

‘એસ.એસ. જલપરી’ મુંબઈના ભાયખલા અને માઝગાવ ડૉક પાસેના દરિયામાં લંગારાયેલું જૂનું, રિટાયર્ડ જહાજ, જેને હવે પ્રાઇવેટ ફ્લોટિંગ પાર્ટી-બોટમાં ફેરવવામાં આવ્યું હતું.

બધી કડીઓ હવે બચુભાઈને મળી ગઈ હતી. મિનિસ્ટર ક્યાં છે એ ખબર પડી ગઈ હતી, ગદ્દાર કોણ છે એની પણ ખબર પડી ગઈ હતી... પણ હવે, હવે સૌથી મોટો સવાલ હતો કે આ વેરહાઉસ અને ટાઇમ-બૉમ્બથી જીવતા બહાર કેવી રીતે નીકળવું?

૦૦:૦૯:૧૫...

૦૦:૦૯:૧૪...

બચુભાઈએ ટેબલ પર પડેલા
ટાઇમ-બૉમ્બને હાથમાં લીધો. બૉમ્બ લોખંડની પેટી સાથે મજબૂત વાયરોથી જકડાયેલો હતો. જો વાયર કાપવાની કોશિશ કરે અને એકાદ ખોટો વાયર કપાય જાય તો બૉમ્બ તરત ફાટે.

‘બચુભાઈ, બી ધી ઍક્શન-ડિરેક્ટર... સ્ટન્ટ યાદ કરો, જલદી...’

જાતને જ સંદેશો આપીને બચુભાઈએ વેરહાઉસમાં નજર દોડાવવાની શરૂ કરી અને બચુભાઈનું ધ્યાન છત તરફ ગયું. છત પર પતરાંની નીચે એક મોટું વેન્ટિલેશન હતું, જેનો ઉપયોગ રોશનદાન તરીકે થતો. વેરહાઉસની એ છત વીસેક ફુટ ઊંચી હતી.

બચુભાઈએ ક્ષણ બગાડ્યા વિના ફરી આજુબાજુમાં નજર દોડાવી અને તેના હૈયે સહેજ રાહત આવી. બચુભાઈ તરત કામે લાગ્યા અને વેરહાઉસમાં પડેલાં જૂનાં, ખાલી લાકડાનાં બૉક્સ લાવીને વેન્ટિલેશનની નીચે ગોઠવવા માંડ્યા અને ચિત્તા જેવી સ્ફૂર્તિથી તે એ બોક્સ પર ચડ્યા અને હાથમાં રહેલી પેલી છીનવેલી રાઇફલના કુંદાથી રોશનદાનના કાચ પર જોરદાર પ્રહાર કર્યો.

ખનનન...

કાચ તૂટી ગયો.

૦૦:૦૬:૪૦...

૦૦:૦૬:૩૯...

બચુભાઈ ફરી નીચે ઊતર્યા, ટેબલ પરથી ટાઇમ-બૉમ્બ ઉઠાવ્યો, ફરીથી ખોખાં પર ચડ્યા અને પૂરી તાકાતથી એ બૉમ્બને તૂટેલા રોશનદાનમાંથી બહાર અરબી સમુદ્રના પાણીમાં ફંગોળી દીધો. જોકે વાત અહીં પૂરી નહોતી થવાની. વેરહાઉસ બહારથી લૉક થઈ ગયું હતું એટલે હવે નીકળવા માટે આ જ રોશનદાનનો ઉપયોગ કરવાનો હતો. બચુભાઈએ પોતાનો અસલી સ્ટન્ટ કર્યો. તેમણે ખોખાં પરથી જ રોશનદાનની બહાર દરિયામાં સીધી છલાંગ મારી દીધી.

છપાક!

બચુભાઈ દરિયાના પાણીમાં ખાબક્યા. તે પાણીની સપાટી પર આવીને કિનારા તરફ તરે એ પહેલાં જ...

ધડામ...!!

દરિયામાં ફેંકાયેલો બૉમ્બ ફાટ્યો અને પાણીનો મહાકાય ફુવારો આકાશ તરફ ઊછળ્યો. ધડાકો એટલો જોરદાર હતો કે વેરહાઉસની દીવાલો ધ્રૂજી ગઈ અને એ અવાજથી ગેટ પાસે ઊભેલી સ્કૉર્પિયોમાં બેઠેલો ગની આખો ધ્રૂજી ગયો. તે ગાડીની બહાર નીકળ્યો અને વેરહાઉસ તરફ જતો હતો ત્યાં જ ભીના કપડાં સાથે બચુભાઈ બમ્બાટ સામે આવ્યા.

‘બચુભાઈ, તમે... તમે તો અંદર...’ ગની ઑલમોસ્ટ બચુભાઈને વળગી જ પડ્યો, ‘અલ્લાહ કા શુક્ર હૈ... આપ સલામત હો...’

‘ગની, સ્ટન્ટમાં બચુભાઈને મારવા માટે તો યમરાજે નવો જન્મ લેવો પડે...’ બચુભાઈએ ભીના વાળ ઝાટક્યા, ‘એ બધું પછી... ચાલ ગાડી સ્ટાર્ટ કર. ટાઇમ બહુ ઓછો છે. સીધા ત્રણ નંબરની જેટી પર જવાનું છે.’

રસ્તામાં જ બચુભાઈએ ડિટેક્ટિવ સોમચંદ સાથે પણ વાત કરી લીધી હતી.

lll

‘સોમચંદ, ખેલનો અંતિમ અંક શરૂ થઈ ગયો છે. હોમ મિનિસ્ટર સાવંત અને તેમની દીકરી અનન્યા માઝગાવ ડૉકથી થોડે દૂર દરિયામાં લંગારાયેલી જૂની ફેરી બોટ ‘એસ.એસ. જલપરી’માં કેદ છે. અને સૌથી મોટો ધડાકો એ છે કે આ આખા ષડ્યંત્રનો સૂત્રધાર મંત્રીનો સેક્રેટરી રાઘવ કુલકર્ણી પોતે છે!’

‘વૉટ?!’ સોમચંદ સ્તબ્ધ થઈ ગયા, ‘રાઘવ કુલકર્ણી?! એ તો મિનિસ્ટરનો ખાસ...’

‘એ બધું હું પછી કહીશ... અત્યારે એક કામ કર...’ બચુભાઈ એકમાત્ર વ્યક્તિ હતા જેને સોમચંદે તુંકારો દેતાં અટકાવ્યા નહોતા, ‘હું અત્યારે સ્પીડબોટ લઈને જલપરી જાઉં છું. તું બસ કોસ્ટગાર્ડની બે બોટ લઈને દરિયામાં ઘેરાબંધી રાખજે, જેથી કોઈ ભાગે નહીં. સિગ્નલ આપું પછી તમે લોકો એન્ટર થજો...’

lll

માઝગાવ ડૉકની જેટી પરથી બચુભાઈએ એક મોટરબોટ મેળવી લીધી અને અંધારી રાતમાં, દરિયાનાં ઊછળતાં મોજાં ચીરતી બચુભાઈની બોટ એસ.એસ. જલપરી તરફ આગળ વધી.

lll

થોડે દૂર વિશાળ જહાજ ‘એસ.એસ. જલપરી’ની ઝાંખી લાઇટ્સ દેખાવી શરૂ થઈ કે બચુભાઈએ મોટરબોટનું એન્જિન બંધ કરી દીધું, જેથી અવાજ ન આવે અને હલેસાં મારીને જહાજના પાછળના ભાગે લટકતી લોખંડની સાંકળ સુધી પહોંચ્યા.

પંચાવન વર્ષની ઉંમરે પણ બચુભાઈના હાથમાં સ્ટન્ટમૅનની એ જૂની તાકાત અકબંધ હતી. તેમણે સાંકળ પકડીને, સહેજ પણ અવાજ વિના જહાજના ડેક પર છલાંગ લગાવી.

ડેક પર બે હથિયારધારી ટેરરિસ્ટ પહેરો ભરતા હતા. બચુભાઈ અંધારામાં લપાતા-છુપાતા આગળ વધ્યા. એક આતંકવાદી જેવો અવળો ફર્યો કે બચુભાઈએ પાછળથી તેની ગરદન પર એવો સચોટ પ્રહાર કર્યો કે પેલો અવાજ કર્યા વિના જ બેહોશ થઈ ગયો. બીજો આતંકવાદી કંઈ સમજે એ પહેલાં બચુભાઈએ તેના હાથમાંથી રાઇફલ ઝૂંટવી તેને દરિયામાં ધક્કો મારી દીધો.

આસપાસનું મેદાન સાફ થતાં બચુભાઈ ધીમે-ધીમે આગળ વધ્યા અને જહાજની મુખ્ય કૅબિનના દરવાજા પાસે પહોંચ્યા. અંદરથી ઊંચા અવાજે વાતો સંભળાતી હતી. બચુભાઈએ ધીમેકથી દરવાજાની કાચની બારીમાંથી અંદર નજર કરી અને અંદરનું દૃશ્ય જોઈને બચુભાઈનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં.

બે ખુરસીઓ પર હોમ મિનિસ્ટર
સદાનંદ સાવંત અને તેની દીકરી અનન્યા દોરડાથી બંધાયેલાં હતાં. તેમની સામે બ્લૅક શૅડોનો બુકાનીધારી લીડર ઊભો હતો, અને તેની બાજુમાં જ હાથમાં એ જ વિદેશી સિગારેટ સાથે મંત્રીનો સેક્રેટરી રાઘવ કુલકર્ણી ઊભો હતો.

lll

‘કુલકર્ણી... તેં મારી સાથે આટલી મોટી ગદ્દારી કરી?!’ મિનિસ્ટર સદાનંદ સાવંતે આઘાત અને ગુસ્સાથી ચીસ પાડી, ‘મેં તને મારા ફૅમિલી મેમ્બર જેવો માન્યો, તારા પર આંધળો વિશ્વાસ મૂક્યો, અને તેં પૈસા માટે મારી જ દીકરીનો સોદો કર્યો?!’

રાઘવ કુલકર્ણી ખડખડાટ હસ્યો, તેના અવાજમાં ઘમંડ કરતાં ઝેર વધુ હતું. તેણે પોતાની આંખો પરનાં ચશ્માં ઉતાર્યાં અને સાવંતની નજીક ગયો.

‘પૈસા માટે?! મિસ્ટર સાવંત, તમને લાગે છે રાઘવ કુલકર્ણી જેવો ઈમાનદાર માણસ પૈસા માટે વેચાય?!’ રાઘવની આંખોમાં ખુન્નસ પ્રસરી ગયું હતું, ‘યાદ કર, પાંચ વર્ષ પહેલાંની ઘટના, નાગપુર પાસે તમારા બ્રિજના કન્સ્ટ્રક્શનમાં નબળું સિમેન્ટ વપરાયું હતું, યાદ છેને?’

‘હા, તો શું?’

‘એ ફૅક્ટરીની છત તૂટી અને એમાં બાર મજૂરો સાથે બાવીસ વર્ષનો એક સિવિલ એન્જિનિયર પણ કચડાઈને મર્યો...’

‘એ બધી... એ બધી જૂની વાત છે...’ સાવંતે કહી દીધું, ‘તેં એ બધા વતી આગેવાની લીધી અને એ બધું અટકાવી દેવા માટે જ મેં તને મારો સેક્રેટરી બનાવ્યો. આ બધું જૂનું અત્યારે શું કામ ઉખેડવાનું?’

‘તો ચાલો, નવું ઉખેડું સાવંતસાહેબ...’ કુલકર્ણીએ સદાનંદ સાવંતની આંખોમાં જોયું, ‘એ જે સિવિલ એન્જિનિયર મર્યો એ મારો એકનો એક દીકરો રોહન હતો’

હોમ મિનિસ્ટર સાવંતનો ચહેરો સફેદ પડી ગયો!

‘રા... રાઘવ... એ તો એક ઍક્સિડન્ટ...’

‘ના, ઍક્સિડન્ટ નહીં, એ ભ્રષ્ટાચાર હતો, તમારા ભ્રષ્ટાચારનું પરિણામ હતું.’ રાઘવે ચીસ પાડી, ‘તમારો એ ભ્રષ્ટાચાર બહાર ન આવે એ માટે તમે મારી પાસે રાતોરાત આંદોલન બંધ કરાવ્યું અને એમાં પૂરી તપાસ પણ કરી શક્યા નહીં કે કોણ-કોનું, શું સગું છે...’

‘એટલે તેં... મને, મારી દીકરીને...’

‘હા એટલે જ...’ કુલકર્ણીનો અવાજ મોટો થઈ ગયો, ‘એટલે જ... નક્કી કર્યું કે હવે તમને એવી જગ્યાએ ઘા મારીશ જ્યાં સૌથી વધુ પેઇન થાય. તમારી દીકરી. મેં જ બ્લૅક શૅડોના આ લોકોનો કૉન્ટૅક્ટ કર્યો, મેં જ અનન્યાના લંડનથી આવવાની ખબર આપી, અને મેં જ તમને અહીં સુધી પહોંચાડ્યા. આ લોકોનું પણ કામ થયું અને મારું પણ... ઝફર આવે એટલે ચિપ તેમના હાથમાં ને તમે બન્ને સીધાં ઉપર...’

lll

દરવાજા પાસે ઊભેલા બચુભાઈ આ સાંભળીને એક ક્ષણ માટે થીજી ગયા હતા. રાઘવના દીકરાની વાત સાંભળીને બચુભાઈને પોતાના દીકરા પાર્થની યાદ આવી ગઈ. બાપના દીકરાને ગુમાવવાનું દર્દ બચુભાઈથી વધુ પેઇનફુલ રીતે કોણ સમજી શકે? પણ એમાં, એમાં નિર્દોષ અનન્યાનો શું વાંક? દેશનો શું વાંક કે દેશની સુરક્ષા સાથે જોડાયેલી બ્રહ્માસ્ત્ર મિસાઇલની ચિપ ટેરરિસ્ટના હાથમાં જાય?

બરાબર એ જ વખતે, આતંકવાદી લીડરનો સૅટેલાઇટ ફોન રણક્યો અને તેણે ફોન કાન પર મૂક્યો. બેચાર શબ્દો તેના કાનમાં પડ્યા અને લીડરનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો.

‘રાઘવ, પ્લાન ચેન્જ...’ લીડરે બૂમ પાડી, ‘આપણા માણસોને ઝફર મળ્યો નથી... અને વેરહાઉસમાંથી બચુભાઈ પણ ગાયબ લાગે છે. મતલબ પોલીસને ખબર પડી ગઈ છે.’

‘હવે શું કરવાનું???!!!’

‘નથિંગ...’ લીડરે નિર્ણય લઈ લીધો, ‘હવે આપણે વધુ રાહ નહીં જોઈએ. તારા આ મિનિસ્ટર અને તેની દીકરીને ખતમ કરીને આપણે ઇન્ટરનૅશનલ વૉટરમાં નીકળી જઈએ.’

કોઈ કંઈ કહે એ પહેલાં લીડરે પોતાની પિસ્તોલ અનન્યાના કપાળ પર મૂકી દીધી.

‘ખબરદાર... જો એ છોકરીને કંઈ થયું છે તો...’

રીતસર ત્રાડ આવી, પછી લાઉન્જનો દરવાજો ખૂલ્યો અને હાથમાં રાઇફલ સાથે બચુભાઈ બમ્બાટ અંદર આવ્યા.

બચુભાઈને જીવતા જોઈને લીડર અને રાઘવ કુલકર્ણીની આંખો ફાટી ગઈ.

‘તું?! તું તો વેરહાઉસમાં મરી ગયો હતોને?!’

‘ભાઈ, હજુ તો પિક્ચરમાં ઇન્ટરવલ પણ નથી આવ્યો, અને તમે ક્લાઇમૅક્સની વાત કરો છો?’ બચુભાઈએ રાઇફલ તાકી રાખતાં કહ્યું, ‘હથિયાર નીચે મૂકી દો, બહાર ચારેબાજુ કોસ્ટગાર્ડ આવી ગયા છે...’

આતંકવાદી લીડર હથિયાર મૂકવાને બદલે ખડખડાટ હસ્યો!

તેણે એક હાથે અનન્યાના માથા પર પિસ્તોલ અકબંધ રાખી અને બીજા હાથે પોતાના જૅકેટનું બટન ખોલ્યું, તેની છાતી પર સુસાઇડ બૉમ્બનું જૅકેટ હતું, જેની લાલ લાઇટ ઝબૂકી રહી હતી.

‘બચુભાઈ, તમે ગોળી છોડશો તો બધા સાથે મરીશું અને હું...’ લીડરે જૅકેટના ખિસ્સામાંથી ડેટોનેટરનું બટન કાઢ્યું, ‘આ બટન દબાવીશ તો પણ બધા સાથે જશું.’

બચુભાઈના શ્વાસ થંભી ગયા. ટેરરિસ્ટના અંગૂઠા નીચે મોતનું બટન હતું અને અનન્યાના ગળા પર ખંજર.

(ક્રમશઃ)

 

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 09:44 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK