પુણેના શિવાજીનગરની ઘટના : ૪ દિવસ પહેલાં જામીન પર છૂટેલા હત્યાના આરોપીની હત્યાનો પ્રયાસ.
લોહીલુહાણ હાલતમાં પડેલો મર્ડરનો આરોપી મંદાર કિવળે
પુણેમાં શિવાજીનગર કોર્ટ પરિસરમાં બુધવારે એક આરોપીની તલવાર, કોયતા જેવાં ધારદાર શસ્ત્રોથી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવતાં આખા વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો. જૂની દુશ્મનીના કારણે મંદાર કિવળે નામની ગુનાહિત ઇતિહાસ ધરાવનારી વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ટૂ-વ્હીલર પર આવેલા ૬ જણે મંદાર પર હુમલો કર્યો હતો અને પછી ત્યાંથી ભાગી ગયા હતા. મંદારના આખા શરીર પર ઘા કરવામાં આવ્યા હતા તથા ઘટનાને નજરે જોનારા અનુસાર સપાસપ ઘા કરીને મંદારનો હાથ આખેઆખો કાપી નાખવામાં આવ્યો હતો. આ ઘટના શિવાજીનગર કોર્ટના ગેટ નંબર ૪ પાસે બની હતી.
મંદાર કિવળે પર શુભમ ચવાણની હત્યાનો આરોપ હતો અને હજી ફક્ત ૪ દિવસ પહેલાં તેને જેલમાંથી જામીન પર છોડવામાં આવ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ ગઈ કાલે બપોરે એક વાગ્યાની આસપાસ મંદાર કોર્ટ ગયો હતો ત્યારે હુમલાખોરોએ તેનો પીછો કર્યો હતો અને પછી કોર્ટ પરિસરમાં જ તેના પર ગોળી ચલાવવામાં આવી હતી. જોકે નિશાન બરાબર ન લાગતાં બીજા જણે તેના પર ધારદાર શસ્ત્રોથી હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ ઘટના બાદ તેને તાત્કાલિક સાસૂન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

મંદાર કિવળે પર સરેઆમ હુમલો કરતા આરોપીઓ.
જમીનના વિવાદને કારણે દુશ્મનાવટ
મંદારે શુભમ ચવાણની ૨૦૨૫ના એપ્રિલ મહિનામાં જમીનવિવાદને પગલે હત્યા કરી હોવા બાબતે તેની વિરુદ્ધ ગુનો દાખલ હતો અને તેને ૪ દિવસ પહેલાં જામીન પર છોડવામાં આવ્યો હતો ત્યારે શુભમના ભાઈ અક્ષયે આ હુમલો કરાવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. ભરરસ્તે આ રીતે હુમલો કર્યા બાદ કોઈ ભય વિના આરોપીઓ ‘આમ્હી બાપ લોક’ એવું બોલીને ત્યાંથી નીકળ્યા હતા.
૩ આરોપી અને બે શંકાસ્પદની ધરપકડ
પોલીસે આરોપીઓની ઓળખ કરીને તેમણે પકડવા માટે ૮ ટીમો કામે લગાવી હતી. સાંજે દૌંડમાંથી ૩ આરોપીઓ અને પુણેમાંથી શંકાસ્પદ તરીકે અક્ષય અને અમોલ ચવાણની ધરપકડ કરવામાં આવી હતી.
