Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૯૨ વર્ષની ઉંમરે પણ કસરતબાજ છે આ નાનાજી

૯૨ વર્ષની ઉંમરે પણ કસરતબાજ છે આ નાનાજી

Published : 27 April, 2026 12:48 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા ઘાટકોપરના સુરેશચંદ્ર શાહ આ ઉંમરે મજાની લાઇફ જીવે છે. વાંચન, લેખન, વ્યાયામ અને પ્રાણાયામ તેમની દિનચર્યાનો એક ભાગ છે. દિવસનો મોટા ભાગનો સમય ચિત્રો દોરવામાં વિતાવે છે. કાર્ડ્‍સ રમવાનો અને સંગીતનો પણ તેમને જબરો શોખ છે.

સુરેશચંદ્ર શાહના તાજગીભર્યા જીવનનું રહસ્ય છે હર ઘડી હર પલ મોજમસ્તી

ઉમ્ર કી ઐસીતૈસી

સુરેશચંદ્ર શાહના તાજગીભર્યા જીવનનું રહસ્ય છે હર ઘડી હર પલ મોજમસ્તી


ઘાટકોપરમાં રહેતા ૯૨ વર્ષના સુરેશચંદ્ર શાહને જુઓ તો લાગે નહીં કે તેમની આટલી ઉંમર હશે. માંડ ૬૫-૭૦ વર્ષના લાગે. ચુસ્તી-સ્ફૂર્તિ એવી કે યુવાનો પણ તેમને જોઈને દંગ રહી જાય છે. આ ઉંમરે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું રહસ્ય છે પૅશનપંતી. જીવનસાથીને ગુમાવ્યા પછી વિવિધ પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થઈને તેમણે જીવનને ધબકતું રાખ્યું છે. કોઈ પણ ઉંમરે મજાની લાઇફ જીવી શકાય છે એ તેમની પાસેથી શીખવા જેવું છે. તેમની ઝિંદાદિલી અને તાજગીભર્યા જીવનનું રહસ્ય શું છે એ જોઈ લો.  

કાગળ અને પેન્સિલનો સાથ



સંતાનો પોતપોતાના સંસારમાં વ્યસ્ત થઈ જાય અને જીવનસાથીને ગુમાવ્યા પછી મોટા ભાગના વડીલોને ખાલીપો લાગે છે. ઘરમાં વાતચીત કરવાવાળું કોઈ નથી તો બાકીનું જીવન કેમ નીકળશે? આવી મનોદશામાંથી બહાર નીકળવું અઘરું છે. જોકે સુરેશભાઈએ એકલા જીવવાની કળા આત્મસાત્ કરી લીધી છે. તેઓ કહે છે, ‘૩ દાયકા અગાઉ પત્નીને ગુમાવ્યા પછી કામકાજની સાથે શોખને ફરી જીવંત કરવાના પ્રયાસો કર્યા. મોટી દીકરી વિભૂતિ સરસ ચિત્રો બનાવે છે. તેણે મને ચિત્રો દોરવા પ્રોત્સાહિત કર્યો. સાદી પેન્સિલથી શેડિંગ કરીને ચિત્રો દોરવાની મજા આવે છે. હ્યુમન ફિગર, મંડાલા આર્ટ, જ્યોમેટ્રિકલ ડિઝાઇન, લૅન્ડસ્કેપ બનાવું છું. રંગો સાથે વધુ નથી રમતો પણ કેટલાંક ચિત્રોમાં બેઝિક કલર્સનો ઉપયોગ કર્યો છે. પાછલી જિંદગીમાં પૅશન સાથે રીકનેક્ટ થવાના ઘણા ફાયદા છે. સમય પસાર થાય, એકાગ્રતા વધે અને શરીર હરતું-ફરતું રહે. કાગળ અને પેન્સિલના સથવારે મસ્ત જીવન વિતાવું છું. ચિત્રકળા ઉપરાંત વાંચન, લેખન, વ્યાયામ અને પ્રાણાયામ રોજિંદા જીવનનો એક ભાગ છે.’


વ્યાયામ અને પ્રાણાયામ

૧૯૩૪માં જન્મેલા સ્થાનકવાસી જૈન સુરેશભાઈનું બાળપણ મોરબીમાં વીત્યું છે. કિશોરાવસ્થામાં ઘોડેસવારી અને સ્વિમિંગમાં રુચિ હતી. ૧૯૬૫ની સાલથી તેઓ ઘાટકોપરમાં રહે છે. કાચો માલ લાવીને ઇલેક્ટ્રિક લાઇટ અસેમ્બલ કરવાનો તેમનો વ્યવસાય હતો. તેમનાં પત્ની દમયંતી ગૃહિણી હતાં. બન્નેને હરવા-ફરવા અને સામાજિક મેળાવડામાં જવું ગમતું. બધા તેમને નળ-દમયંતીની જોડી કહીને ચીડવતા. ૧૯૯૭માં દમયંતીબહેનનું નિધન થયા પછી સુરેશભાઈએ કામકાજની સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનું શરૂ કર્યું. સંતાનમાં ત્રણ દીકરીઓ છે. સૌથી મોટી દીકરી વિભૂતિ કોઠારી કાંદિવલીમાં રહે છે. લીના શાહ અને મેઘના સાવલા ઘાટકોપરમાં રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સુરેશભાઈ નાની દીકરી મેઘના સાથે રહે છે. લગભગ ૧૫ વર્ષથી સંપૂર્ણપણે નિવૃત્ત છે. વ્યાયામને તેઓ ટૉનિક માને છે. આળસ શબ્દ તો તેમની ડિક્શનરીમાં જ નથી. સવારે ૪ વાગ્યામાં ઊઠીને કસરત કરે. તેઓ કહે છે, ‘હંમેશાં ફિટનેસ પ્રત્યે સજાગ રહ્યો છું. છેલ્લાં ૧૫ વર્ષથી હોટેલમાં જમવા નથી ગયો. ઘરનું ભોજન અમૃત સમાન અને બહારનું ખાવાનું શરીર માટે ઝેર છે. સાદી રસોઈ જમું છું. ઘરમાં પણ મરી-મસાલાવાળી વાનગીઓ ખાતો નથી. ઉંમરને કારણે ઊંઘ ઓછી થઈ ગઈ છે. વહેલી સવારે ચારથી પાંચ એક કલાક કસરત કરું. અઢી કિલોનો એક ડમ્બેલ ઉપાડીને કસરત કરી શકું છું. જોકે ઉંમર અને પેટનું ઑપરેશન થયા બાદ શારીરિક ક્ષમતા ઘટી ગઈ છે. હવે વજન સાથે માંડ ૧૦ મિનિટ કસરત થાય છે. પગની હળવી કરસત પર વધુ ધ્યાન આપું છું. વ્યાયામ બાદ પ્રાણાયામ અને મેડિટેશન કરું છું. પ્રાણાયામથી શરીરમાં સારું લાગે છે.’


કાર્ડ્‍સ રમવાનો શોખ

સુરેશભાઈને જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાં ગમે છે. શમશાદ બેગમ અને સુરૈયાનાં ગીતો પસંદ છે. સામાજિક જીવન વિશેના નાના આર્ટિકલ્સ લખે છે. ધાર્મિક અને સામાજિક પુસ્તકો વાંચવાં ગમે. સારંગ બારોટ અને ઈશ્વર પેટલીકરનાં પુસ્તકો વસાવ્યાં છે. ટીવીમાં સમાચાર જોઈને

દેશ-દુનિયામાં શું ચાલે છે એની જાણકારી રાખે છે. સ્વભાવ મોજીલો હોવાથી તેમની હાજરીથી ઘરનું વાતાવરણ હળવુંફૂલ બની જાય છે. રમૂજી સ્વભાવને કારણે મિત્રમંડળીમાં પણ બધા તેમના આવવાની કાગડોળે રાહ જુએ. અઠવાડિયામાં ૩ દિવસ પાનાં રમવા ભેગા થાય. ટાઇમપાસ માટે તેઓ રમી રમે છે. દિવસ ક્યાં પૂરો થઈ જાય ખબર નથી પડતી. ક્યારેક દેવલાલી, માથેરાન અને મહાબળેશ્વર જેવાં મુંબઈની નજીકનાં સ્થળોએ ફરી આવે. દીકરીઓના પરિવાર સાથે પણ ફરવા જાય. જોકે હવે તેમને ફરવા કરતાં આરામદાયક જીવન સાથે શોખ પૂરા કરવામાં આનંદ આવે છે. તેમના તાજગીભર્યા જીવનનું રહસ્ય છે હર ઘડી હર પલ મોજમસ્તી સાથે પ્રવૃત્તિમય રહેવું.

નાગરિક ધર્મ

સમાજસેવા એ જ પ્રભુસેવામાં માનતા સુરેશભાઈ યુવા વયથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. સિત્તેરના દાયકાથી જગડુશાનગરના વિકાસમાં તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે. સમાજસેવક તરીકે કરેલાં તેમનાં કાર્યોને આજે પણ રહેવાસીઓ યાદ કરે છે. તેઓ પ્લૉટઓનર્સ અસોસિએશનના ચૅરપર્સન રહી ચૂક્યા છે. ગાયોને કતલખાનામાં જતી રોકવા અને કતલખાનાં બંધ કરાવવા તેમણે મરણિયા પ્રયાસ કર્યા છે. આજે પણ તેઓ પોતાના વિસ્તારની સુવિધાને લઈને સજાગ છે. વધુ ભાગદોડ નથી કરતા, પણ નાગરિક તરીકેની નૈતિક જવાબદારી નિભાવે છે. ગટરનાં ઢાંકણા ખુલ્લાં હોય, બૅરિકેડ્સ મૂક્યાં હોય, રસ્તા પર ખાડા હોય જેવી અનેક સમસ્યાઓને ઉજાગર કરવા લેખિતમાં અખબારની કચેરીમાં મોકલતા રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 12:48 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK