Friendship Day 2023: યસ, તમારી સાથે આવું ક્યારેય બન્યું છે કે તમે ટ્રેનમાં પ્રવાસે નીકળ્યા હો અને તમારી સાથે તમારા જ કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરતા પ્રવાસી સાથેનો પરિચય એકદમ ઘનિષ્ઠ મિત્રતામાં કન્વર્ટ થઈ ગયો હોય?
Friendship Day 2023
Friendship Day 2023: યસ, તમારી સાથે આવું ક્યારેય બન્યું છે કે તમે ટ્રેનમાં પ્રવાસે નીકળ્યા હો અને તમારી સાથે તમારા જ કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરતા પ્રવાસી સાથેનો પરિચય એકદમ ઘનિષ્ઠ મિત્રતામાં કન્વર્ટ થઈ ગયો હોય? આજે જ્યારે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે અમે કેટલાક એવા લોકો સાથે વાતો કરી જેઓ સાવ અનાયાસ, અણધાર્યા એકબીજા સાથે સંપર્કમાં આવ્યા અને હવે ગાઢ મિત્રો બનીને એકબીજાનો અનેરો સાથ નિભાવી રહ્યા છે
અમેરિકન જર્નલ ઑફ સાઇકિયાટ્રીમાં પબ્લિશ થયેલો એક અભ્યાસ કહે છે કે જે લોકોના ઘનિષ્ઠ મિત્રો હોય તેઓ પોતાના જીવનથી વધુ પ્રમાણમાં સૅટિસ્ફાઇડ હોય છે અને તેમના ડિપ્રેશનમાં સરવાના ચાન્સ ખૂબ ઓછા હોય છે. મિત્રો હોવા જોઈએ, તાળીમિત્રો નહીં, પણ સંકટ સમયે ઊભા રહે, જેમની સામે હૃદય ખોલી શકાય એવા મિત્રો હોવા જોઈએ. એવા ઘણા અભ્યાસ થઈ ચૂક્યા છે જેમાં ભરોસો કરી શકાય એવા લોકોની સ્ટ્રૉન્ગ સપોર્ટ સિસ્ટમ હોય એ લોકોની મેન્ટલ હેલ્થ પ્રમાણમાં ઘણી સારી હોય છે. તેમની સંજોગો સામે લડવાની ક્ષમતા અને દરેક સંજોગોમાં ટકી રહેવાની ક્ષમતા પણ કાબિલેદાદ હોય છે. એ રીતે પણ સારા અને સાચા મિત્રો જીવનમાં હોવા જોઈએ. આપણે ત્યાં મિત્ર માટે શબ્દ છે ‘ભાઈબંધ’ એટલે કે ભાઈ જેવો નાતો જેની સાથે હોય, ભાઈ જેવો અનુબંધ મિત્રતામાં સહજ હોય છે, પરંતુ આ સંબંધ આપણે બનાવીએ છીએ. જોકે મિત્રની આ શોધ ક્યારેક અનાયાસ કોઈક પ્રવાસમાં પૂરી થતી જોવા મળે તો? એક રાતની ટ્રેનની જર્ની જીવનભરની મૈત્રીની સોગાદ આપીને જાય તો? તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? અમે કેટલાક એવા મિત્રોની જોડી સાથે વાતો કરી જેમની ટ્રેનની યાત્રાએ જીવનભર માટે મિત્રતાની યાત્રાનો શુભારંભ કરાવી દીધો. સાવ અચાનક, અનાયાસ થયેલો ટેમ્પરરી પરિચય જીવનભરની લહાણી બની ગયું. આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે મિત્રતાની પરિભાષાને જુદા જ અંદાજમાં પ્રસ્તુત કરતી કેટલીક અનોખી મિત્ર સ્ટોરી સાથે ઊજવીએ....
ADVERTISEMENT
માનવામાં પણ નહીં આવે
નાલાસોપારામાં રહેતા ફોટોગ્રાફર અશ્વિન ગોહિલે સપનામાંય નહોતું વિચાર્યું કે એક પ્રવાસ તેમના જીવનની સૌથી કીમતી વ્યક્તિ સાથે પરિચય કરાવી દેશે. તેઓ કહે છે, ‘એક ફોટોશૂટના ઑર્ડર માટે મારા નાના ભાઈ સંજય ગોહિલ અને ટીમ સાથે અમદાવાદ જઈ રહ્યા હતા. ત્યારે અમારા જ કમ્પાર્ટમેન્ટમાં એક ભાઈ તેમનાં વાઇફ અને દસ દિવસના બાળક સાથે હતા. વાત-વાતમાં તેમની સાથે પરિચય થયો. અમારો નાસ્તો તેમની સાથે શૅર કર્યો અને ધીમે-ધીમે જાણે વર્ષોથી ઓળખતા હોઈએ એવી વાતો થઈ. તેમણે સુરત ઊતરવાનું હતું અને સુરત આવે રાતે અઢી વાગ્યે. મને ચિંતા થતી હતી કે આટલા નાના બાળક અને સામાનને લઈને તેઓ એકલાં કેવી રીતે ઊતરશે. એ ભાઈ નેવી ઑફિસર હતો. હું ઊંઘી ન શક્યો અને સુરત આવ્યું એટલે તેમને વ્યવસ્થિત રીતે ઉતારવા માટે હું પણ તેમની સાથે સામાન નીચે મૂકવા માંડ્યો. બધું પત્યું એટલે તેઓ એટલા ભાવુક થઈ ગયા કે મને ભેટીને રડી પડ્યા. મારી આંખમાં પણ આંસુ હતાં. એકબીજાના ફોનનંબર લઈ લીધા અને વાતો કરતા રહ્યા. બસ ત્યારથી લઈને આજે ૭ વર્ષ પછીયે અમારી દોસ્તીમાં કોઈ કચાશ નથી આવી. એવા અઢળક પ્રસંગ બન્યા જેમાં અમે એકબીજાના પડખે રહ્યા છીએ. અમારી પહેલી મુલાકાતના લગભગ દોઢ વર્ષ પછી તેમનું પોસ્ટિંગ મુંબઈ થયું. મુંબઈ આવ્યા પછી પરિવાર સાથે લગભગ અઠવાડિયું અમારા ઘરે રોકાયા હતા. અમે પણ ઘણી વાર તેમના નેવીના ક્વૉર્ટર્સમાં રહી આવ્યા.’

મિત્રતા પ્રૂવ થાય સુખ-દુઃખમાં. અશ્વિનભાઈ અને તેમના નેવી ઑફિસર મિત્ર ગિરીશ બિરાસિસના જીવનમાં એવા પ્રસંગ આવ્યા છે. અશ્વિનભાઈ એક કિસ્સો યાદ કરતાં કહે છે, ‘તે જ્યારે મુંબઈમાં હતો ત્યારે તેના દીકરાને પેટમાં ગાંઠ આવી અને ડૉક્ટરે સર્જરી કરવી પડશે એવું કહ્યું. તેમનો દીકરો હૉસ્પિટલમાં હતો અને એ વખતે દિવાળી હતી. મેં તેમને કહેલું કે આપ ચિંતા મત કરો. દિવાલી તો હર સાલ આયેગી, મૈં આપકે સાથ હૂં. તેમને માટે ટિફિન લઈને દરરોજ હું ત્યાં જતો. લગભગ ૧૫ દિવસ આ રીતે પસાર કર્યા હતા. કોઈ સગું પણ આવું ન કરે એમ કહીને ત્યારે પણ તેઓ ભેટી પડ્યા હતા. બીજો એક પ્રસંગ હમણાં જ કોવિડ દરમ્યાન બન્યો. મને કોરોના ડિટેક્ટ થયો. મારી હાલત ગંભીર હતી. એ સમયે ગિરીશનું પોસ્ટિંગ સાઉથ આફ્રિકાના ઇથિયોપિયામાં હતું. એ પછીયે દરરોજ તેમનો મને ફોન આવે. મને હિંમત આપે, ‘આપ કો લડના હૈ, આપ કો જીતના હૈ. આપ હિંમત રખના...’ તેના એ શબ્દોએ મારામાં એટલું બળ પૂરી દીધું કે હું ઊભો થઈ ગયો. અમે ઘણી વાર સાથે ફર્યા છીએ. આખી સાઉથની ટ્રિપ તેમણે મને કરાવડાવી, એક પણ રૂપિયો લીધા વિના. અત્યારે તેનું દિલ્હીમાં પોસ્ટિંગ છે છતાં એક દિવસ અમારો વાત કર્યાનો ન જાય. દરરોજ સવારે સાડાપાંચ વાગ્યે તેમનો ગુડ મૉર્નિંગનો મેસેજ આવે, આવે ને આવે જ. કોઈ વિચારી શકે કે એ પ્રવાસ તમારા જીવનમાં મિત્રનો આવો આશીર્વાદ લાવી શકે?!’
કૉમન ફ્રેન્ડ બન્યો બેસ્ટ ફ્રેન્ડ
તમે કોઈ ફ્રેન્ડનાં લગ્નમાં જાઓ અને તેનાં લગ્નમાં બીજા પણ તેના ફ્રેન્ડ આવ્યા હોય જેને તમે ઓળખતા ન હો અને પછી એવું બને કે વચ્ચે તમને મેળવનારો કૉમન ફ્રેન્ડ કરતાં પણ તમે એકબીજાના જિગરજાન દોસ્ત બની જાઓ. સાઉથ મુંબઈમાં રહેતા સિદ્ધાર્થ કૂવાવાલા અને કૌશલ બાબુ સાથે આવું બન્યું છે. ૧૬ વર્ષ પહેલાંની વાત છે. તેઓ બન્નેના કૉમન ફ્રેન્ડ કપિલનાં લગ્ન માટે સૌરાષ્ટ્ર મેલમાં મુંબઈથી રાજકોટ જઈ રહ્યા હતા. સિદ્ધાર્થભાઈ વાતની શરૂઆત કરતાં કહે છે, ‘એ વખતે હું કૌશલને ઓળખતો નહોતો. કપિલના ફ્રેન્ડ તરીકે અમારી ઓળખાણ થઈ. જોકે મુંબઈથી રાજકોટ પહોંચ્યા ત્યાં સુધીમાં એ ઓળખાણ એટલી પાક્કી થઈ ગઈ કે જે કપિલને કારણે અમે મળ્યા એના કરતાં પણ વધુ અમારું બૉન્ડિંગ બની ગયું. રાજકોટથી પાછા મુંબઈ આવ્યા પછીયે અમારો સંપર્ક જળવાયેલો રહ્યો. કૌશલને સ્ટૉક એક્સચેન્જમાં બહુ રસ નહોતો. ઇન્વેસ્ટર તરીકે શૅર માર્કેટ કેવી રીતે હેલ્પ કરી શકે છે એ મેં તેને શીખવ્યું, તો સામે તેની એન્ટરપ્રાઇઝિંગ ક્વૉલિટી મારામાં આવી ગઈ. અમારા ઘરના દરેક સારા-નરસા પ્રસંગમાં એકબીજાની હાજરી નિશ્ચિત હોય. મળીએ ત્યારે ખરેખર જન્મોજનમથી એકબીજાને ઓળખીએ છીએ એવી ફીલ આવે. કૅન યુ બિલીવ, કૌશલના મોટા દીકરાનું ‘યુવાંશ’ નામ મેં આપેલું અને તેમણે એ જ રાખી દીધું. બહુ હમ્બલ અને સપોર્ટિવ છે. આજે આંખ બંધ કરીને મારી સપોર્ટ સિસ્ટમ કોણ છે એનો વિચાર કરું ત્યારે મારા આ મિત્રનું નામ સૌથી પહેલાં યાદ આવે.’

અહીં કૌશલભાઈ કહે છે, ‘મિત્રતામાં પ્રામાણિકતા હોય ત્યારે એ વધુ લાંબી ટકતી હોય છે. તમે ફ્રેન્ડનું અહિત થતું હોય ત્યારે પણ તેને ખરાબ લાગશે એમ વિચારીને ડિપ્લોમેટિક રહેવાને બદલે સાચું કહી શકતા હો તો તમે સાચા મિત્ર છો. સિદ્ધાર્થની એ પ્રામાણિકતા અને સતત પ્રેરિત કરતા રહેવાની રીતે અમને જોડી રાખ્યા છે. અમારી વચ્ચે નિઃસ્વાર્થ સંબંધ છે. એકબીજાની તરક્કીમાં અમે આનંદ અનુભવીએ છીએ. તેનું હોવું મારા જીવનને સતત અપગ્રેડ કરતા રહેવામાં ખૂબ કામ લાગ્યું છે.’
૩૩ વર્ષની દોસ્તી

સામાજિક સ્તરે સક્રિય દીપક મોદી ૩૩ વર્ષ પહેલાં પત્ની અને દીકરીને લઈને કર્ણાવતીમાં જઈ રહ્યા હતા. એ સમયે તેમનો પરિચય ડેન્ટિસ્ટ દીપ્તિ પરીખ સાથે થયો જે આજ સુધી અકબંધ છે. એ યાદગાર ક્ષણોને વાગોળતાં દીપકભાઈ કહે છે, ‘અમારું રિઝર્વેશન હતું, પણ અમારી સીટ પર પણ ઘણા લોકો પહેલેથી બેસી ગયા હતા. અમારી ટિકિટ દેખાડતાં અમને સીટ તો મળી, પરંતુ મારો દીકરો અને હું એક જગ્યાએ અને મારી દીકરી અને પત્નીએ બીજી જગ્યાએ બેસવું પડ્યું. એ સમયે અમારો પરિચય દીપ્તિબહેન સાથે થયો. તેમના હસબન્ડ મુંબઈની હૉસ્પિટલમાં કિડની સ્પેશ્યલિસ્ટ તરીકેનો અભ્યાસ કરી રહ્યા હતા. અમે જનરલ ચર્ચાઓ કરી. હું મારી દીકરી માટે સાથે નોટબુક, પેન અને પેઇન્ટિંગ-બુક લઈ ગયો હતો એ જોઈને તેઓ ખૂબ ઇમ્પ્રેસ થઈ ગયેલાં. એમાં જ ક્યાં રહો છો અને શું કરો છોની ચર્ચાઓ થઈ હતી. તેઓ વડોદરા ઊતરી ગયાં અને અમે આગળ અમદાવાદ ગયા. બસ સંપર્ક છૂટી ગયો. લગભગ એકાદ મહિના બાદ તેઓ મુંબઈ આવ્યાં અને અહીં ખૂબ પાણી ભરાયાં હતાં. શું કરવું એ સમજાતું નહોતું, એટલે અમારું કાચું-પાકું ઍડ્રેસ તેમને યાદ હતું એના આધારે તેઓ રિક્ષા લઈને અમારા ઘર તરફ આવ્યાં. એ સમયે હું અગાસીમાં ઊભો હતો અને મેં તેમને જોયાં. તેમને જોતાં જ હું ઓળખી ગયો. નીચે લેવા ગયો. ઘરમાં બધાને પરિચય કરાવ્યો. અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતાં હતાં.

મારી વાઇફ, દીકરી, ભાભી અને મમ્મી બધાંને મળીને તેઓ ખુશ થઈ ગયાં. વરસાદનું ઠેકાણું ન પડ્યું ત્યાં સુધી તેઓ અમારા ઘરે જ રહ્યાં. એ દરમ્યાન એટલું સરસ બૉન્ડ બની ગયું કે પછી તો પરિવાર સાથે અમે પણ તેમને ત્યાં ઘણી વાર ગયાં અને તેઓ પણ પોતાના હસબન્ડ સાથે અમારા ઘરે આવ્યાં. દરેક પ્રસંગોમાં એકબીજાને ત્યાં જવાનો ક્રમ શરૂ થયો જે આજ સુધી અકબંધ છે. અમને લાગતું જ નથી કે અમુક કલાકની ટ્રેનની જર્નીમાં અમારો પરિચય થયો હતો. અમારી વચ્ચે પત્રવ્યવહાર પણ ખૂબ થયો છે.’
ઇટ્સ લાઇક મૅજિક

એક જ લોકલ ટ્રેનમાં તમે દરરોજ પ્રવાસ કરતા હો અને ખબર પડે કે તમારી ઑફિસ એક જ એરિયામાં છે એટલે આંખોની ઓળખાણ તો થઈ જાય, પરંતુ એ ઘનિષ્ઠ પરિચય અને પછી પાક્કી દોસ્તીમાં કન્વર્ટ થઈ જાય તો કેટલી મજા પડે? અંધેરીમાં રહેતી ભાવિકા જાંજરકિયા પોતાની પારસી ફ્રેન્ડ ફરઝીન જોખી સાથેની મિત્રતાનાં વખાણ કરતાં થાકતી નથી. ભાવિકા એચઆર તરીકે એક કંપનીમાં કામ કરતી હતી અને તેની ફ્રેન્ડ ફરઝીન બીજી કંપનીમાં કંપની સેક્રેટરી હતી. બન્ને વચ્ચેની મુલાકાત મૈત્રીમાં કેવી રીતે કન્વર્ટ થઈ ગઈ એની વાત કરતાં ભાવિકા કહે છે, ‘અંધેરીથી દરરોજ મારે મારી ઑફિસ જવા માટે હાર્બર લાઇનની ટ્રેનમાં બેસવું પડતું. હું જે કોચમાં બેસતી એમાં જ એક છોકરીને મેં બે-ત્રણ દિવસ સુધી ઑબ્ઝર્વ કરી. અમારો કોચ તો કૉમન હતો જ, પણ સાથે તે પણ એ જ એરિયામાં ઑફિસ આવતી, જ્યાં હું જતી. એટલે સ્વાભાવિક રીતે એકબીજાને કંપની મળી રહે એ આશયથી વાતચીત શરૂ થઈ. ધીમે-ધીમે વાતો કરતાં-કરતાં પરસ્પર એટલી સિમિલરિટી દેખાવા માંડી કે અમારી કૉમન વાતો ક્યારે અમારી ગાઢ ફ્રેન્ડશિપમાં પરિવર્તિત થઈ ગઈ એની અમને ખબર જ ન પડી. હું જ્યારે સાંજે ઑફિસ પત્યા પછી તેને મળું અને અમે સાથે ટ્રેનમાં જઈએ ત્યારે બધો થાક ઊતરી ગયો હોય. હવે તો મારી ઑફિસ બીકેસી આવી અને તેની ઑફિસ પણ ચેન્જ થઈ ગઈ, પણ અમારી ફ્રેન્ડશિપ હજી અકબંધ રહી છે. અમારા બર્થ-યર અને મન્થ સરખાં છે અને ડેટમાં માત્ર ૬ દિવસનો જ ફરક છે. પ્યૉર હાર્ટ ધરાવતી મારી આ ફ્રેન્ડ મને ટ્રેનને કારણે મળી એટલે હવે મારો ટ્રેનમાં બેસવાનો ઉત્સાહ પણ જુદો જ હોય છે.’
જ્યારે બૉસ બની ગયા બેસ્ટ ફ્રેન્ડ
અંધેરીમાં રહેતા રમણીક ગાલા અને રવિલાલ દેઢિયા ટૂંક સમયમાં પોતાની ફ્રેન્ડશિપની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેટ કરવાના છે. રમણીકભાઈ અને રવિલાલભાઈ વચ્ચે ઉંમરનો ૧૦ વર્ષનો ફરક છે પણ તેમની ઘનિષ્ઠતા પાક્કા મિત્ર જેવી છે. તેમની દોસ્તી કેવી રીતે થઈ એ કિસ્સાથી આ દોસ્તીને તેમણે કેવી રીતે નિભાવી એ બન્ને જાણવા જેવું છે. રમણીકભાઈ કહે છે, ‘મારી ઉંમર હશે લગભગ ૧૫-૧૬ વર્ષની. મને ભણવામાં રસ નહોતો એટલે મારા પપ્પાએ મને એક કપડાંની દુકાનમાં લગાડી દીધેલો. એમાં મારા શેઠ હતા રવિલાલભાઈ. તેઓ ફિલ્મો જોવાના ભારે શોખીન. તેઓ દર શુક્રવારે રિલીઝ થતી ફિલ્મ જોવા માટે રાતે ૯ વાગ્યાનો શોની ટિકિટ લે. મને પણ ફિલ્મનો શોખ એટલે અમે બન્ને સાથે ફિલ્મ જોવા જવા માંડ્યા.

અમુક વાર એકસાથે વધુ ફિલ્મો રિલીઝ થતી હોય તો શુક્ર-શનિ-રવિ એમ ત્રણ દિવસ પણ રાતે ફિલ્મ જોવા જવાનું થાય. એમાં ને એમાં અમારી વચ્ચે પાક્કો નાતો જોડાઈ ગયો. ઉંમરમાં તેઓ મોટા હતા, પણ એટલા જ સરળ. અમારું રહેવાનું પણ પાંચ મિનિટના અંતરે. તેમણે પછી બિઝનેસ બદલ્યો અને મારું કામ બદલાયું, પણ અમારો સંપર્ક અકબંધ રહ્યો. આજે પણ દરરોજ મળવાનું દિવસમાં એક વાર થાય જ. તેઓ નિવૃત્ત થઈ ગયા છે અને મોજથી જીવે છે. આવતા વર્ષે અમે અમારી મિત્રતાની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેટ કરવાના છીએ.’
ત્રીસ વર્ષ પહેલાં હનીમૂનમાં બન્યું ફ્રેન્ડ સર્કલ

હનીમૂન એટલે જીવનનો એવો સમય જ્યારે તમે તમારા જીવનસાથીને વધુ જાણવા અને એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવા માટે ભેગાં થયાં હો. જોકે જીવનસાથી સાથેનો આ યાદગાર સમય જીવનભરનો સાથ આપનારા મિત્રો સાથે પણ પરિચય કરાવી આપે તો. ૩૦ વર્ષ પહેલાં એક ટૂર એજન્સી સાથે કુલુ મનાલીમાં હનીમૂન મનાવવા ગયેલા બોરીવલીના દિનેશ અને દોશીને આ અવસર મળ્યો. તેમની સાથે અન્ય ચાર કપલનું એવું જબરું ગ્રુપ બન્યું કે આજ સુધી આ ગ્રુપનો સંપર્ક અકબંધ છે. તડકા-છાંયડામાં એકબીજાના પડખે ઊભાં રહેનારાં આ કપલ ગ્રુપના કેતન અને વંદના છેડા જોગેશ્વરીમાં, હિમાંશુ અને ઉર્વી શાહ અમેરિકામાં, કિરણ અને મનીષા શાહ અંધેરીમાં અને સંજય તથા હેતલ શાહ વિરારમાં રહે છે. આ અનોખા ફ્રેન્ડ સર્કલ વિશે વાત કરતાં દિનેશભાઈ કહે છે, ‘આમ તો અમારી સાથે ગ્રુપમાં ઘણાં કપલ હતાં, પરંતુ પાંચ કપલનું અમારું મજાનું ગ્રુપ બની ગયેલું. અમે માત્ર અમારા ગ્રુપનો એક અલગ આલબમ પણ બનાવ્યો હતો. એ જમાનામાં તો ફોટો પાડવા માટે કૅમેરામાં રોલ નાખવો પડતો. એવા લગભગ બે રોલમાં તો અમારા ગ્રુપ-ફોટો જ હતા. ત્યાંથી પાછા આવ્યા પછીયે અમે સાથે બીજા પ્રવાસ પણ કર્યા. ક્યારેક કોઈ મેડિકલ ઇમર્જન્સી આવી તો બધા સાથે જઈને સંભાળી લેતાં. એક મિત્રને ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ આવી તો એમાં પણ અમે સપોર્ટ કર્યો. પાંચમાંનું એક કપલ અમેરિકા છે. જોકે તેઓ જ્યારે પણ મુંબઈ આવે ત્યારે તેમને માટે વર્ષમાં એક પાર્ટી અમે રાખીએ.’


