ભંગારની દુકાન જોઈને વેસ્ટ-મૅનેજમેન્ટના સ્ટાર્ટઅપનો આઇડિયા આવ્યો અને એને શરૂ કરીને સફળ બનાવવા માટે હેનિક-શ્રેયસે અઢળક પડકારોનો સામનો કર્યો છે
સ્ટાર્ટઅપના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર દિનેશ કાર્તિક અને કો-ફાઉન્ડર શ્રેયસ સાથે હેનિક ગાલા (ડાબે).
પાંચ ટન સ્ક્રૅપને રીસાઇકલ કરીને દર મહિને ૧૨૦૦ ઝાડ બચાવે છે હેનિક ગાલા અને શ્રેયસ જલાપુરનું સ્ટાર્ટઅપ સ્ક્રૅપજી : સ્કૂલની સામે રહેલી ભંગારની દુકાન જોઈને વેસ્ટ-મૅનેજમેન્ટના સ્ટાર્ટઅપનો આઇડિયા આવ્યો અને એને શરૂ કરીને સફળ બનાવવા માટે હેનિક-શ્રેયસે અઢળક પડકારોનો સામનો કર્યો છે. આ ઇકો-ફ્રેન્ડ્લી સ્ટાર્ટઅપ પાછળની સ્ટ્રગલ-સ્ટોરી ખરેખર જાણવા જેવી છે
બિઝનેસની વાત આવે ત્યાં ગુજરાતીઓ પાછા પડે નહીં. ઘણા લોકોને ફક્ત પૈસા કમાવા માટે બિઝનેસ કરવો હોય છે ત્યારે કેટલાક એવા પણ હોય છે જે બિઝનેસ-માઇન્ડેડ તો હોય છે પણ તેમને કોઈ હેતુ સાથે ધંધો કરવાની ઇચ્છા હોય છે. ડોમ્બિવલીના ૨૬ વર્ષના ગુજરાતી ઑન્ટ્રપ્રનર હેનિક ગાલાએ ઇકો-ફ્રેન્ડ્લી સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે જે રેવન્યુ તો જનરેટ કરે જ છે અને સાથે પર્યાવરણને પણ બચાવે છે. ચાર વર્ષ સુધી થાક્યા અને હાર્યા વિના અવિરત પ્રયાસો કર્યા બાદ આજે તેનો સ્ટાર્ટઅપ બિઝનેસ ટૉપ ગિઅરમાં ચાલી રહ્યો છે. તેની સ્ટાર્ટઅપ સ્ટોરી અને સ્ટ્રગલિંગ જર્ની અન્ય લોકોને ઇન્સ્પાયર કરે એવી છે.
ADVERTISEMENT
સ્ટાર્ટઅપનું સ્કૂલ કનેક્શન
સ્ક્રૅપના બિઝનેસને શરૂ કરવાનો મૂળ આઇડિયા ક્યાંથી આવ્યો એ વિશે વાત કરતાં ડોમ્બિવલી ઈસ્ટના તિલકનગરમાં રહેતો હેનિક ગાલા કહે છે, ‘હું અને મારો કો-ફાઉન્ડર શ્રેયસ જલાપુર મંજુનાથ સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારથી સારા ફ્રેન્ડ્સ છીએ. બન્ને બાજુ-બાજુમાં જ હતા એટલે સાથે જ આવતા-જતા. મને પહેલેથી જ એવું હતું કે રસ્તા તો ચોખ્ખા જ સારા લાગે, કચરાવાળો રોડ મને ન ગમે. સ્કૂલથી ઘરે જવાના રસ્તામાં જો પ્લાસ્ટિકની બૉટલ, કાગળ કે મેટલનો કચરો દેખાય તો અમે બન્ને ભેગો કરતા અને ભંગારવાળાને આપી આવતા હતા. અમને એ સમયે પૈસાની લાલચ નહોતી, પણ સ્વચ્છતા અને પર્યાવરણ સ્વસ્થ જીવન માટે જરૂરી છે એટલી ખબર હતી. હું બિઝનેસ બૅકગ્રાઉન્ડથી હોવાથી મને આ વિષયમાં રસ પડવા લાગ્યો તો એમાં ઊંડા ઊતરવાનું નક્કી કર્યું. ભારતમાં વેસ્ટ-મૅનેજમેન્ટ બહુ મોટો ઇશ્યુ છે. જો એને બરાબર મૅનેજ કરવામાં આવે તો આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ, પણ ભારતીય નાગરિકોને રસ્તા પર કચરો ન કરવા માટે સમજાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. જો આપણે રિવૉર્ડ સિસ્ટમ રાખીએ તો લોકોના સ્વભાવમાં બદલાવ લાવી શકીએ છીએ એ વાત મને સ્કૂલમાં જ સમજાઈ હતી.’
ગયા વર્ષે જ હેનિકે સ્ક્રૅપના સ્ટોરેજ માટે ગોડાઉન લીધું છે.
બ્રેક આવ્યો
સ્કૂલમાં જોયેલા સપનાને ભૂલીને ભણતર પૂરું કરવામાં હેનિક વ્યસ્ત થઈ ગયો એ સમય વિશે તે જણાવે છે, ‘દસમું પૂરું થયા બાદ મેં બેડેકર કૉલેજમાં ઍડ્મિશન લઈને મૅનેજમેન્ટ સ્ટડીઝની ડિગ્રી કરી ત્યારે શ્રેયસ ઑટોમોબાઇલ એન્જિનિયરિંગ ભણ્યો. સ્કૂલમાં સ્ક્રૅપના બિઝનેસને વધારવા માટે જોયેલાં સપનાંઓને અમે બન્ને ભૂલી ગયા અને પોતપોતાની લાઇફમાં વ્યસ્ત થઈ ગયા. ભણતરની સાથે હું પપ્પાના ક્વિક સર્વિસ રેસ્ટોરાંના બિઝનેસમાં જોડાયેલો હતો પણ એમાં આગળ વધવામાં મારું મન માન્યું નહીં. મને એવું કામ કરવું હતું જેનાથી રેવન્યુ તો જનરેટ થાય જ અને સાથે સમાજમાં પરિવર્તન આવે અને પર્યાવરણ પણ સારું રહે. આ જ કારણથી મેં પપ્પાનો બિઝનેસ આગળ વધાર્યો નહીં. હું એ સમયે બ્લૅન્ક હતો. હું સ્ક્રૅપના બિઝનેસ વિશે પણ ભૂલી ગયેલો. અગિયારમા ધોરણથી ડિગ્રી પૂરી થયાનો સમય મારા માટે બ્રેકનો સમય હતો એમ કહું તો ચાલે.’
ડોમ્બિવલીના રસ્તા પર સ્ક્રૅપ ભેગો કરતા હેનિક અને શ્રેયસ.
ક્રિકેટ-લવે અમ્પાયર બનાવ્યો
ભારતમાં ક્રિકેટને રમત નહીં પણ ઇમોશન તરીકે જોવામાં આવે છે. ક્રિકેટના ક્રેઝની સરખામણી ભારતીયો સાથે તો કોઈ કરી જ ન શકે એવું માનનારો હેનિક તેના ક્રિકેટ પ્રત્યેના પ્રેમ વિશે જણાવે છે, ‘મને નાનપણથી જ ક્રિકેટ અતિશય ગમે. હું ક્રિકેટનો ડાઇહાર્ડ ફૅન છું. હું એના વગર રહી શકું નહીં. ક્રિકેટનો ક્રેઝ મને મારી ફૅમિલી પાસેથી જ વારસામાં મળ્યો છે. મૅચ હોય એટલે બધું જ કામ પડતું મૂકીને એને માણવાનો રિવાજ અમારા ઘરમાં છે. મને કોઈ ક્રિકેટર પ્રત્યે કોઈ સ્પેશ્યલ સૉફ્ટ કૉર્નર નથી, મને તો ગેમ જોવી અને માણવી ગમતી હોવાથી એની સાથે જોડાવાની તીવ્ર ઇચ્છા થઈ. ક્રિકેટ સાથે જોડાવું એનો અર્થ એ નથી કે હું ગલ્લી ક્રિકેટ રમ્યા રાખું અને ક્રિકેટર તરીકે આગળ વધું. આ ગેમમાં હું સારા લેવલ પર સર્વ કરી શકું એ આશયથી જેવી ડિગ્રી પૂરી થઈ એવી તરત જ મેં ૨૦૨૦માં મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)માં અમ્પાયરના પદ માટે અરજી કરી હતી. ગુજરાતી પરિવારમાં કોઈએ વિચાર્યું નહીં હોય કે અમ્પાયર તરીકે પણ આ ગેમ સાથે આપણે જોડાઈ શકીએ છીએ. ગણ્યાગાંઠ્યા ગુજરાતીઓ અમ્પાયરિંગના ફીલ્ડમાં આગળ વધે છે. મને પણ એમાં રસ પડતાં ૨૦૨૦માં પરીક્ષા આપી અને પહેલા જ અટેમ્પ્ટમાં હું પાસ થઈ ગયો. મુંબઈ લેવલ પર ૧૨૧ લોકોએ પરીક્ષા આપી હતી એમાંથી ૧૯ જણ પાસ થયા હતા. આ ૧૯ જણમાં હું પણ હતો અને એ સમયે હું બીજા ક્રમાંકે આવ્યો હતો. આ વાત કોરોનાકાળ શરૂ થયા પહેલાંની છે. પહેલી જ વારમાં પાસ થતાં મને વધુ આગળ વધવાની એટલે કે ભારતીય ક્રિકેટ બોર્ડ અને ઇન્ટરનૅશનલ કાઉન્સિલના લેવલે પરીક્ષા આપીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચમાં અમ્પાયરિંગ કરવાની ઇચ્છા હતી. હું એની તૈયારીમાં આગળ વધું એ પહેલાં કોરોનાએ દસ્તક આપી અને જીવન થંભી ગયું અને સપનાંઓ પર જાણે ફુલસ્ટૉપ લાગી ગયું.’
બૅક ઑન ટ્રૅક
કોરોનાકાળમાં ઘરમાં બેસી રહેલા હેનિકને વર્ષો જૂનો સ્ક્રૅપનો આઇડિયા ફરીથી આવ્યો અને તેણે એમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. સ્ટાર્ટઅપની સ્ટ્રગલ-જર્નીની હકીકતમાં આ શરૂઆત હોવાનું જણાવતાં વાતના દોરને આગળ વધારતાં હેનિક કહે છે, ‘કોરોનાકાળમાં જીવન જીવવું મુશ્કેલ બની ગયું હતું ત્યારે એ સમયે લાઇફને નેગેટિવિટીથી દૂર રાખવા માટે હું પુસ્તકો વાંચતો. મને પહેલેથી જ વાંચવાનો શોખ હોવાથી ‘ધ સીક્રેટ’ નામના પુસ્તકે મને પાછો ટ્રૅક પર લાવવામાં મદદ કરી. મૅનિફેસ્ટેશન પર આધારિત આ પુસ્તકમાં એપિફિની શબ્દ છે. એનો અર્થ એવો થાય છે કે આપણે ધાર્યું પણ ન હોય પણ ભગવાને આપણને એ કામ કરવા માટે પસંદ કર્યા છે. આ સમયે મને સ્કૂલમાં હતો ત્યારે શ્રેયસ સાથે સ્ક્રૅપ-બિઝનેસની વાતો કરી હતી એ યાદ આવી. ભણતરને કારણે પાંચ વર્ષનો બ્રેક આવ્યો એમાં હું સાવ ભૂલી ગયો કે મને વેસ્ટ-મૅનેજમેન્ટ કરવું પણ ગમે છે. જોકે આ પુસ્તકે ફરીથી મને દિશા બતાવી. મેં મમ્મીને કહ્યું, મમ્મી, મને સ્ક્રૅપનો બિઝનેસ કરવો છે અને એમાં આગળ વધવું છે. રેપ્યુટેડ ફૅમિલીનો ભણેલોગણેલો દીકરો જ્યારે તેના પરિવાર સામે સ્ક્રૅપ-બિઝનેસ કરવાની વાત રાખે તો સ્વાભાવિક છે કે તેઓ ના પાડે અને નાઇન ટુ ફાઇવ જૉબ કરવાનો આગ્રહ કરે, પણ મારી ફૅમિલીએ મારા નિર્ણયનો વિરોધ કરવાને બદલે સાથ આપ્યો. મમ્મીએ કહ્યું, તને જે ગમે તે તું કર, અમે તારી સાથે જ છીએ.’

શરૂઆતમાં હૅનિક ઘરે આ રીતે સ્ક્રૅપ ભેગો કરતો.
સ્ક્રૅપજીની શરૂઆત થઈ
સ્ટાર્ટઅપની ઍક્ચ્યુઅલ શરૂઆત કેવી રીતે થઈ એ વિશે વાત કરતાં હેનિક કહે છે, ‘૨૦૨૧-’૨૨માં શરૂ થઈ સ્ક્રૅપજીની શરૂઆત. સ્ક્રૅપના બિઝનેસમાં ઝંપલાવતાં પહેલાં મારે મેન્ટલી સ્ટ્રૉન્ગ બનવાની જરૂર હતી. કોઈના જજમેન્ટનો ડર રાખ્યા વિના રસ્તા પર જઈને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવું પડે એમ હતું. મેં પોતાની જાતને વેસ્ટ-મૅનેજમેન્ટના આ સ્ટાર્ટઅપ માટે પોતાને પ્રિપેર કર્યો, પણ જેમ ક્રિકેટમાં ટીમ-વર્કથી વિજય હાંસલ થાય છે એમ મને પણ ટીમની જરૂર હતી. ફક્ત ટીમ નહીં, સારી ટીમ જે મારા આઇડિયાને સમજે અને એ ફક્ત એક જ હતો, શ્રેયસ. વર્ષો બાદ મેં શ્રેયસને કૉન્ટૅક્ટ કર્યો. તે ઓટોમોબાઇલ એન્જિનિયર હતો અને તેણે પોતાના બીજા મિત્રો સાથે મળીને ઇલેક્ટ્રિક બાઇકનું સ્ટાર્ટઅપ કર્યું હતું. ફૉર્ચ્યુનેટ્લી કહો કે અનફૉર્ચ્યુનેટ્લી, તેના બધા જ પાર્ટનર્સ માસ્ટર્સ કરવા વિદેશ ગયા હોવાથી આખા બિઝનેસને એકલા હાથે સંભાળીને શ્રેયસ કંટાળી ગયો હતો. મેં તેને કહ્યું, ભાઈ, આ બંધ કરી દે; આપણે આપણા જૂના આઇડિયાને ડેવલપ કરીએ અને તે તરત જ રાજી થઈ ગયો. જો તે ન હોત તો હું કદાચ આ બિઝનેસ શરૂ ન કરી શક્યો હોત. તેને પણ મેં રિયલિટી ચેક આપી દીધો : કોરોનાને કારણે નાણાકીય સ્થિતિ નબળી હોવાથી શરૂઆતમાં પોતે જ જ સ્ક્રૅપ કલેક્ટ કરીને એનું વર્ગીકરણ કરવું પડશે; આ દરમિયાન લોકો ઘણું બોલશે, પણ આપણને સાંભળવાનું નથી; આપણે આપણું કામ કરવાનું છે, પૈસા કમાવાની સાથે પર્યાવરણને પણ બચાવવાનું છે એમ થોડું લેક્ચર આપ્યું અને પછી શરૂ કર્યું ‘સ્ક્રૅપજી’. બિઝનેસનું આ નામ રાખવા પાછળ અમારો મુખ્ય હેતુ એ હતો કે આજે લોકો જે રીતે સ્ક્રૅપનો બિઝનેસ કરતા લોકોને ભંગારવાળા અને કચરાવાળા કહીને તેમની વૅલ્યુને ડાઉન કરે છે તેઓ થોડો રિસ્પેક્ટ આપે.’
હેનિક સ્ક્રૅપજીની ટીમ સાથે.
ચૅલેન્જિસની ભરમાર
જર્ની કોઈ પણ હોય, પડકારો આવ્યા વગર રહેશે નહીં. હેનિકની સ્ટાર્ટઅપ જર્નીમાં પણ અગણિત પડકારો આવ્યા છે. તેના સ્ટ્રગલિંગ પિરિયડ દરમિયાન આવેલા પડકારો વિશે હેનિક જણાવે છે, ‘કૅપિટલ વગર સ્ટાર્ટઅપ કરવું બહુ જ અઘરું હોય છે, પણ કહેવાય છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. અમે મક્કમતાથી આ બિઝનેસને શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને પાછા ફરવાનો કોઈ ઑપ્શન નહોતો. ફૅમિલી-સપોર્ટ હોવાથી હું ભંગાર ભેગો કરીને મારા ઘરે લઈ જતો હતો. મારું રહેવાનું પાંચમા માળે છે અને હું બધો જ સ્ક્રૅપ ભેગો કરીને પાંચ માળ સુધી ચડાવું, પછી ઘરે એને સૅગ્રિગેટ કરીને રીસાઇકલ કરવા આપું. મારા પરિવારે ફક્ત બોલવા ખાતર જ નહીં પણ હકીકતમાં પણ મને બહુ જ સપોર્ટ કર્યો છે. મારી બહેન એ સમયે ૧૭ વર્ષની હતી અને જ્યારે હું સ્ક્રૅપ બિલ્ડિંગ સુધી લાવતો પછી એ એકસાથે ૩૦ કિલો જેટલું વજન ઉપાડીને પાંચ માળ ચડતી. આજે પણ હું આ દિવસોને યાદ કરું તો આંખો ભીની થઈ જાય છે. ૪૪૦ સ્ક્વેરફીટની રૂમમાં અમે નવ જણ રહીએ. મારા મોટા પપ્પાની ફૅમિલી અને અમારી ફૅમિલી. જૉઇન્ટ ફૅમિલી અત્યારે લોકોને પસંદ નથી, પણ મારા પરિવારમાં એટલી એકતા છે કે અમે બધાં જ કામ કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વિના હળીમળીને કરીએ છીએ. હું મારા ઘરે ભંગાર ભેગો કરતો ત્યારે રહેવામાં અગવડ થતી, પણ કોઈએ ફરિયાદ ન કરતાં એને સૅગ્રિગેટ કરીને મારા બિઝનેસને આગળ વધારવામાં મદદ કરી છે. પહેલા ઑર્ડરને જ્યારે અમે રીસાઇક્લિંગ માટે આપ્યો ત્યારે એમાંથી અમને ૨૫૦ રૂપિયા મળ્યા હતા. શરૂઆતમાં પ્રૉફિટ સામે જોયું જ નથી, તન અને મનથી દિવસ-રાત મહેનત કરી છે. લોકો અમને રસ્તા પર જોઈને કચરાશેઠ કહીને ચીડવતા ત્યારે બહુ ખરાબ ફીલ થતું. જેમ આપણે ઘરની સફાઈ કરીએ છીએ એ રીતે પર્યાવરણની પણ સફાઈ કરવી એ લો ગ્રેડ કામ થઈ ગયું? લોકો આ વાતને સમજશે ત્યારે ભારતનું ચિત્ર આખું અલગ જ હશે.’
બાળકોને વેસ્ટ મૅનેજમેન્ટ વિશે જાગરૂક કરી રહ્યો છે હેનિક ગાલા.
કડવા અનુભવો થયા
આ જર્ની દરમિયાન થયેલા કડવા અનુભવોને યાદ કરીને ભાવુક થયેલો હેનિક જણાવે છે, ‘આ સમય દરમિયાન કેટલાક કડવા અનુભવો પણ થયા છે. અમને સ્ક્રૅપ લઈ જવા માટે ક્લાયન્ટના ફોન આવે ત્યારે હું અને શ્રેયસ ઘરે જઈને સામાન લેવા જતા. ઘરે આવીને જ્યારે રદ્દી, પુસ્તકો અને મેટલને અલગ કરતા ત્યારે એમાંથી કૉન્ડોમ્સ અને અન્ડરગાર્મેન્ટ્સ જેવી ચીજો નીકળતી ત્યારે હું મારા પરિવાર સામે ક્ષોભમાં મુકાઈ જતો. એમ થતું કે લોકો ભંગારના પૈસા મેળવવા માટે અને વજન વધારવા માટે કઈ-કઈ હદ સુધી જઈ શકે. શ્રેયસના જીવનમાં પણ અમારા સ્ટ્રગલિંગ ડેઝ બહુ ચૅલેન્જિંગ હતા. તેના પિતાનો દેહાંત થયો હોવા છતાં પોતાને વ્યસ્ત રાખવા માટે મારી સાથે દરેક ઑર્ડર પર આવતો અને સ્ક્રૅપ કલેક્ટ કરવામાં મારી મદદ કરતો. તેના ભાઈ અને મમ્મીએ પણ અમને બહુ સપોર્ટ કર્યો છે. જોકે આ તબક્કો પણ પસાર થઈ ગયો. ધીરે-ધીરે અમને કલ્યાણ અને ડોમ્બિવલીથી સ્ક્રૅપ લઈ જવા માટે ઇન્ક્વાયરીઝ આવવા લાગી અમે એને પ્રોસેસ કરવા લાગ્યા. અમારો બિઝનેસ થોડો ગ્રો થવા લાગ્યો અને હાથમાં થોડા પૈસા આવવા લાગ્યા ત્યારે અમે ૨૦૨૩માં નજીકના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ગોડાઉન ભાડે લીધું. ઑર્ડર્સની સંખ્યા વધવા લાગી હોવાથી સ્કૂટી પર સ્ક્રૅપ લાવવો-લઈ જવો મુશ્કેલ થતું હોવાથી પર્યાવરણનું ધ્યાન રાખીને અમે ઇલેક્ટ્રિક ટેમ્પો ખરીદ્યો. અમારાં નસીબ એટલાં ખરાબ કે એ ૧૦ દિવસ પણ બરાબર ન ચાલ્યો અને ફૉલ્ટી નીકળ્યો. જૂનના વરસાદમાં અમે એક જગ્યાએથી સ્ક્રૅપ લઈને ગોડાઉન જતા હતા એ જ સમયે ટેમ્પો અચાનક બંધ પડી ગયો. એને ચલાવવાની બહુ કોશિશ કરી પણ નહીં ચાલતાં અંતે ધક્કો મારીને અમે એને ગોડાઉન સુધી પહોંચાડ્યો. ટેમ્પો ડિફેક્ટિવ મળ્યો હોવાથી અમે કંપનીને મહિનાઓ સુધી ફરિયાદ કરી, પણ કોઈ જ પ્રતિસાદ ન મળવાથી અમે કંટાળીને તાજેતરમાં જ એને વેચી નાખ્યો. એ પૉઇન્ટ પર અમને એવું લાગ્યું કે કદાચ યુનિવર્સ આ બિઝનેસ આગળ વધે એવું નહીં ઇચ્છતું હોય, નહીં તો આટલીબધી બાધાઓ ન આવે. અમે પણ થાકી ગયા હોવાથી સ્ક્રૅપજીને શટર મારવાના વિચાર આવી રહ્યા હતા.’
દિનેશ કાર્તિક બન્યો ટર્નિંગ પૉઇન્ટ
સ્ટાર્ટઅપ બિઝનેસમાં ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકની એન્ટ્રી કેવી રીતે થઈ એ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં હેનિક કહે છે, ‘જ્યારે આપણને એવું લાગે છે કે હવે બધું પૂરું થઈ ગયું એ જ વખતે યુનિવર્સનું પ્લાનિંગ શરૂ થાય છે. અમારા કેસમાં એવું જ થયું. અમે તો કંટાળીને સ્ક્રૅપજીને તાળું મારવાનું પ્લાનિંગ કર્યું હતું, બરાબર એ જ સમયે અમને ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકના મૅનેજરનો કૉલ આવ્યો. એની પાછળ પણ સ્ટોરી છે. હું અમ્પાયર હોવાથી ક્રિકેટ મૅચમાં અમ્પાયરિંગ કરવા જતો હતો તો એ સમયે મારી મુલાકાત દિનેશ કાર્તિક સાથે થઈ હતી. દરમિયાન મેં મારા બિઝનેસ વિશે વાત કરી ત્યારે તેને ઇન્ટરેસ્ટ આવ્યો હતો અને મૅનેજરનો નંબર શૅર કરીને એટલું કહ્યું હતું કે આપણે સાથે મળીને કંઈક કરીશું. અમને એ સમયે આશા જાગી કે દિનેશ કાર્તિક જેવા ક્રિકેટરનો સાથ મળશે તો બિઝનેસ વધુ ગ્રો થશે. અમે તેના મૅનેજર સાથે વાતચીત શરૂ કરી. બિઝનેસ આઇડિયા અને પ્લાનિંગ શૅર કર્યાં. પાંચ-છ મહિના સુધી ફૉલોઅપ લીધું, પણ તેમના તરફથી કોઈ પૉઝિટિવ રિસ્પૉન્સ આવ્યો નહીં. ઘણા ફૅક્ટર્સ હતા જેને લીધે અમને ગિવ અપ કરવાનો વિચાર આવ્યો, પણ એ વિચાર આવ્યાના એક કલાકમાં જ ફોનની રિંગ વાગી અને દિનેશ કાર્તિકના મૅનેજરનો કૉલ આવ્યો અને કહ્યું કે અમને તમારા સ્ટાર્ટઅપમાં રસ છે તો તમે સીધા ચેન્નઈની ફ્લાઇટ પકડીને દિનેશ કાર્તિકના ઘરે આવી જાઓ, આપણે વાત કરીએ. ખરેખર આ ફોનકૉલ અમારા માટે ટર્નિંગ પૉઇન્ટ બની ગયો અને એણે ફરીથી આશારૂપી દીવામાં ઘી પૂરવાનું કામ કર્યું. જિંદગીમાં પહેલી ફ્લાઇટ ચેન્નઈની હશે એ સપનેય વિચાર્યું નહોતું. અમે દિનેશ કાર્તિકના ઘરે પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં તો તેમણે અમને કમ્ફર્ટેબલ કર્યા. આટલા મોટા ક્રિકેટર સાથે બિઝનેસ રિલેટેડ વાત કરવી એ અમારા જીવનની સૌથી મોટી વાત હતી. અમારો બિઝનેસ પર્યાવરણ ફ્રેન્ડ્લી છે અને જો એનો અમલ મોટા પાયે કરવામાં આવે તો પર્યાવરણનું સંવર્ધન થઈ શકે છે એ વાતથી દિનેશ કાર્તિક પ્રભાવિત થતો હતો અને અમારો બિઝનેસ આઇડિયા તેને ગમતાં તરત જ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનવા રાજી થઈ ગયો. અમારા બિઝનેસમાં તેની એન્ટ્રીને કારણે ઘણો ફરક પડ્યો. જે ઇન્વેસ્ટર્સ અમને ફન્ડ આપવા રાજી નહોતા એ લોકોને ખબર પડી કે આ બિઝનેસમાં દિનેશ કાર્તિક પણ છે તો તેઓ અમારા પર મહેરબાન થવા લાગ્યા અને અમે રાજીના રેડ થઈ ગયા.’
દર મહિને ૧૨૦૦ ઝાડ બચે છે
સ્ક્રૅપના બિઝનેસથી પર્યાવરણને થતી સકારાત્મક અસર વિશે વાત કરતાં અને બિઝનેસની સાથે સામાજિક જવાબદારીને સમજાવતાં હેનિક કહે છે, ‘આજથી ચાર વર્ષ પહેલાં મેં અને શ્રેયસે શરૂ કરેલા બિઝનેસમાં આજે ૧૩ જણ કામ કરે છે. સિમ્પલ ટેક્નૉલૉજી, સરળ સ્ટ્રૅટેજી અને પારદર્શકતાને કારણે લોકો અમારા પર ભરોસો કરે છે. અત્યાર સુધી અમે ટોટલ ૬૦૦૦ ઑર્ડર્સ કમ્પ્લીટ કર્યા છે. દર મહિને અમે પાંચથી છ ટન જેટલો સ્ક્રૅપ રીસાઇકલ કરીએ છીએ. એનો અર્થ આ બિઝનેસથી દર મહિને ૧૨૦૦ ઝાડ બચે છે. પહેલી કમાણી અમારી ૨૫૦ રૂપિયા હતી અને હવે એનું ટર્નઓવર પચીસ લાખ સુધી પહોંચ્યું છે. આગામી એક વર્ષમાં એ વધારીને એક કરોડ સુધી પહોંચાડવાનો અમારો ટાર્ગેટ છે. અમારી ઇચ્છા છે કે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન જ નહીં પણ આખા દેશમાં સ્ક્રૅપજીની સ્ટ્રૅટેજીને જો અમલમાં મૂકવામાં આવે તો અબજો ઝાડ બચશે, કાર્બનડાયોક્સાઇડનું વધી રહેલું પ્રમાણ ઓછું થવામાં પણ મદદ મળશે.’
ભંગારવાળા નહીં, ઑન્ટ્રપ્રનર કહો
મેટલ, રદ્દી અને કપડાં વેચનારા વેપારીઓને આપણે ત્યાં ભંગારવાળા અને રદ્દીવાળાનું સંબોધન આપીને બોલાવાય છે ત્યારે સ્ક્રૅપજી પણ એ જ કામ કરે છે તોય બન્ને વચ્ચેનો તફાવત સમજાવતાં હેનિક કહે છે, ‘ભંગારવાળા બિઝનેસ-માઇન્ડેડ નથી હોતા. તેમનો દિવસની કમાણી કરવાનો ટાર્ગેટ પૂરો થાય તો તેઓ દુકાન બંધ કરી દે છે એટલું જ નહીં, ગ્રાહકોને તેના સ્ક્રૅપની યોગ્ય કિંમત કરતાં ઓછું આપે છે, વજન પણ બરાબર નથી કરતા અને વિશ્વાસુ પણ નથી હોતા. અમે રજિસ્ટર્ડ કંપની હોવાની સાથે જો કોઈ ઇન્ક્વાયરી આવે તો તેમના ઘરે અમારો વિશ્વાસુ માણસ સ્ક્રૅપ કલેક્ટ કરવા જાય છે. ઍક્યુરેટ વજન દર્શાવે એવા મશીનમાં વજન કરીને તેમને યોગ્ય પૈસા આપે છે. અમે પોલીસ વેરિફિકેશન કર્યા બાદ જ વ્યક્તિને જૉબ પર રાખતા હોવાથી અમારા ક્લાયન્ટ્સનો ટ્રસ્ટ વધ્યો છે. આ બધી ક્વૉલિટી ભંગારવાળામાં નહીં, પણ ઑન્ટ્રપ્રનરમાં હોય છે. અમારા મોટા ભાગના ક્લાયન્ટ્સ મહિલાઓ જ છે. તેઓ અમને ઘરે બોલાવીને સ્ક્રૅપ આપવામાં સેફ ફીલ તો કરે જ છે અને સાથે તેમને યોગ્ય કિંમત મળી રહી હોય એવું પણ લાગે છે. એ જ કારણે અમારો બિઝનેસ ગ્રો થઈ રહ્યો છે. ટૂંક સમયમાં અમે થાણેમાં પણ એક બ્રાન્ચ ઓપન કરવા જઈ રહ્યા છીએ.’
સામાજિક પ્રવૃત્તિ
બિઝનેસની સાથે હેનિક સામાજિક પ્રવૃત્તિઓ કરીને બિઝનેસ કરવા પાછળ પર્યાવરણને બચાવવાના તેના મૂળ હેતુ વિશે જાગરૂકતા પણ ફેલાવે છે. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘દિનેશ કાર્તિક સાથે થયેલી મીટિંગમાં અમને છેલ્લે-છેલ્લે તેણે કહ્યું હતું કે ૨૦૩૦ સુધી ઇન્ડિયાને ટ્રૅશ-ફ્રી કરી નાખો, પર્યાવરણને બચાવો અને આવનારી પેઢીને એજ્યુકેટ કરો. આ મંત્રને અમે અપનાવી લીધો છે અને બિઝનેસની સાથે ડોમ્બિવલી અને કલ્યાણની ટ્રૅકિંગ સાઇટ પર NGOની મદદથી સ્ક્રૅપ ભેગો કરીએ છીએ. આ સાથે થોડા સમયથી સ્કૂલનાં બાળકોને પણ કચરો ન કરવાની અને એને રીસાઇકલ કઈ રીતે કરી શકાય એ વિશે સમજાવીએ છીએ. ભારત સરકારે શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાનથી લોકોની વિચારધારામાં ઘણો ફરક પડ્યો છે. પહેલાં ચિપ્સનાં પૅકેટ ખાઈને લોકો રસ્તા પર ગમે ત્યાં ફેંકી દેતા હતા, પણ હવે તેઓ પોતાની બૅગમાં રાખી મૂકે છે અને ડસ્ટબિન દેખાય ત્યારે એ પૅકેટ એમાં ફેંકે છે. આ ચેન્જની સાથે હજી થોડો ચેન્જ લાવવાની કોશિશ અમે કરી રહ્યા છીએ જેથી પર્યાવરણ ફરીથી પહેલાંની જેમ ખીલી ઊઠે, ક્લાઇમેટ સંબંધિત બીમારીઓ ઓછી થાય અને આપણે સ્વસ્થ રહીએ.’
પર્સનલ લાઇફમાં કેવો છે હેનિક?
પ્રોફેશનલ લાઇફમાં હેનિક બહુ મહેનતુ છે. તેને આગળ વધવાની ધગશ છે ત્યારે અંગત જીવન વિશે વાત કરતાં હેનિક જણાવે છે, ‘મારા જીવનમાં પરિવાર પછી ક્રિકેટ અને બિઝનેસ સૌથી વધુ
મહત્ત્વપૂર્ણ છે. પૅશન પણ એ જ છે અને પ્રોફેશન પણ એ જ છે. ક્રિકેટે મને સ્ટ્રૅટેજી બનાવતાં શીખવાડી છે અને બિઝનેસ મને જીવનમાં આવતા પડકારોનો સામનો કરતાં શીખવે છે. મને બીજા કોઈ શોખ નથી અને ગોલ્સ નથી. મારે ક્રિકેટને માણવું છે અને બિઝનેસને આગળ વધારીને લોકોને જાગરૂક કરવા છે. એ જ મારો અલ્ટિમેટ ગોલ છે અને સ્ટાર્ટઅપ રિયલિટી શો શાર્ક ટૅન્ક ઇન્ડિયામાં જવાની ઇચ્છા છે જેથી નૅશનલ લેવલ પર હું મારા બિઝનેસ આઇડિયાને લોકો સમક્ષ રાખી શકું.’
તેના યુનિક નામ પાછળની સ્ટોરી જણાવતાં હેનિક કહે છે, ‘મારું નામ મારાં મમ્મીએ પાડ્યું છે. હેનિક એક જૅપનીઝ ફૂલનું નામ છે. મારાં મમ્મીને એ ગમ્યું તો મારું નામ રાખી દીધું.’


