ડોમ્બિવલીના કચ્છી વેપારીની મૃત પત્નીના દાગીના તફડાવી લેનારા નોકરની ધરપકડ
આરોપી પુનીત ગડા.
ડોમ્બિવલી-ઈસ્ટમાં દેસલપાડાના નવનીતનગરમાં રહેતા ૬૮ વર્ષના દેવચંદ ગાલાના ઘરમાંથી ત્રણ તોલા દાગીનાની ચોરી કરનાર ૩૦ વર્ષના પુનીત ગડાની માનપાડા પોલીસે સોમવારે ધરપકડ કરીને ચોરાયેલી તમામ માલમતા જપ્ત કરી છે. દેવચંદભાઈએ જાન્યુઆરી મહિનામાં બીમાર પત્નીની મદદ માટે પુનીતને નોકરી પર રાખ્યો હતો. તેણે મોકાનો ફાયદો ઉપાડીને બેડરૂમના લૉકરમાં રાખેલા દાગીના પર હાથ સાફ કર્યો હતો. દરમ્યાન પત્નીના મૃત્યુ બાદ લૉકરમાં દાગીના ન મળી આવતાં પુનીતે ચોરી કરી હોવાની ખાતરી થતાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
પુનીતે શરૂઆતમાં ખૂબ જ સફાઈથી કામ કરી મારો વિશ્વાસ જીતી લીધો હતો એટલે જ મેં તેને મારા ઘરમાં સૂવા માટે પણ જગ્યા આપી હતી એમ જણાવતાં દેવચંદ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક વ્યક્તિ દ્વારા મારી પુનીત સાથે થોડા વખત પહેલાં ઓળખ થઈ હતી, ત્યારે તે છૂટક કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એટલું જ નહીં, તેની પાસે રહેવા માટે જગ્યા પણ નહોતી. તે મારા ઘરે વારંવાર આવતો હોવાથી મેં મારી બીમાર પત્નીની દેખરેખ માટે તેને નોકરી પર રાખ્યો હતો. હું અને મારો પુત્ર કામ માટે બહાર જઈએ ત્યારે પુનીત મારી પત્નીને ખવડાવવાથી માંડીને તમામ બીજું ધ્યાન રાખતો હતો. ૮ જાન્યુઆરીએ મારી પત્નીનું અવસાન થયું હતું એ પછી આશરે ૧૫થી ૨૦ દિવસ હું અને મારો દીકરો તેની બધી વિધિમાં જ વ્યસ્ત હતા અને ઘરમાં શું છે શું નહીં એની કોઈ જાણકારી પણ અમે લીધી નહોતી. રવિવારે બપોરે મેં ઘરના લૉકરમાં રાખેલા દાગીના તપાસ્યા ત્યારે મારી પત્નીનું મંગળસૂત્ર અને મારા દીકરાની ચેઇન મળ્યાં નહોતાં. એ પછી મેં ઘરમાં બન્ને વસ્તુઓની શોધ લીધી હતી. જોકે દાગીના ન મળતાં મને પુનીત પર શંકા આવી હતી એટલે મેં તેને ફોન કરી તપાસ કરવાની કોશિશ કરી ત્યારે તેણે સરખો જવાબ આપ્યો નહોતો એટલે મને તેના પર શંકા વધી હતી. અંતે મેં ઘટનાની ફરિયાદ માનપાડા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’
ADVERTISEMENT
આરોપીની તાત્કાલિક ધરપકડ કરી તેની પાસેથી ચોરાયેલા તમામ દાગીના અમે રિકવર કર્યા છે એમ જણાવતાં માનપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કાડબાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીએ જ્યારે આરોપીને દાગીના વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તમારી પત્નીએ જ તમામ દાગીના વેચી માર્યા હશે. જોકે ફરિયાદીની પત્ની ખૂબ જ બીમાર હતી એટલે તે દાગીના વેચે એવી કોઈ શક્યતા જ નહોતી. એટલે અમને આરોપી પર શંકા વધી અને તેની કડક પૂછપરછ કરી ત્યારે તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.’


