તમે અમેરિકા જાઓ. ત્યાં જઈને તમારી દીકરીના લાભ માટે ફૅમિલી સેકન્ડ (બી) પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરો.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મારા અમેરિકન સિટિઝન ભાઈએ મારા લાભ માટે, હું અમેરિકા એની સાથે કાયમ રહેવા માટે જઈ શકું એ માટે વર્ષ ૨૦૦૫માં ફૅમિલી ફોર્થ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી હતી. એમાં મારી પત્ની અને બાર વર્ષની દીકરી માટે પણ ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરી હતી. એ પિટિશનને અપ્રૂવ્ડ થતાં અધધધ આઠ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. એ દાખલ કર્યા બાદ છેક ૧૭ વર્ષ પછી એ કરન્ટ થઈ હતી. મારી દીકરીની ઉંમર એ વખતે ૨૯ વર્ષની થઈ ગઈ હતી. અમેરિકા જવાની લાયમાં, મારી દીકરીએ લગ્ન પણ કર્યાં નહોતાં. જ્યારે મારી પિટિશન કરન્ટ થઈ ત્યારે ઍટર્નીની સલાહ મુજબ મેં મારી દીકરી માટે ‘ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન ઍક્ટ’ હેઠળ અરજી કરી હતી. પણ પિટિશન દાખલ કરવામાં આવી અને એ પ્રોસેસ થઈને અપ્રૂવ થઈ એટલો સમય મારી દીકરીની ઉંમરમાંથી બાદ કરવા છતાં એ ૨૧ વર્ષથી વધુ ઉંમરની હતી. આથી એને મારી જોડે ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા આપવામાં ન આવ્યા. એ અમારી એકની એક દીકરી છે. ઇન્ડિયામાં અમારું કોઈ નજીકનું સગું નથી. અમે અમેરિકા જઈશું એટલે દુકાન અને ઘર કાઢી નાખવાનો વિચાર કર્યો હતો. હવે એવું કરી શકાય એમ નથી. ૨૯ વર્ષની કુંવારી દીકરી ઇન્ડિયામાં એકલી રહી જશે. અમેરિકા જવાની લાયમાં એણે લગ્ન તો ન કર્યાં પણ મહિના પહેલાં નોકરીમાંથી રાજીનામું પણ આપી દીધું. અમે હવે વિચાર કરીએ છીએ કે શું અમારે દીકરીને અહીં એકલી મૂકીને જ અમેરિકા જવું કે અમને જે ઇમિગ્રન્ટ વિઝા મળ્યા છે એ પાછા આપી દેવા?
તમે અમેરિકા જાઓ. ત્યાં જઈને તમારી દીકરીના લાભ માટે ફૅમિલી સેકન્ડ (બી) પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરો. સાથે-સાથે ‘રિટેન્શન ઑફ પ્રાયોરિટી ડેટ’ની વિનંતી કરતી અરજી કરો. એવી માગણી કરો કે તમારા લાભ માટે જે પિટિશન દાખલ કરવામાં આવી હતી એની જે પ્રાયોરિટી ડેટ હતી એ જ તારીખ તમે તમારી દીકરી માટે જે પિટિશન દાખલ કરો છો એ પિટિશનને આપો જેથી તમે દાખલ કરેલી પિટિશન છ-બાર મહિનામાં અપ્રૂવ્ડ થાય કે તમારી દીકરી ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરી શકે. આ રિટેન્શન ઑફ પ્રાયોરિટી ડેટની જે સવલત અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં છે એની અનેકોને જાણ નથી. આ માગણી કરતાં જો તમારી દીકરીને તમારી જ પ્રાયોરિટી ડેટ આપવામાં નહીં આવે તો કેટલી હાડમારી પડશે, તમને કેટલી મુશ્કેલી નડશે, કુટુંબ વિખુટું પડી જશે, આ સઘળું જણાવો. એવું પણ જણાવો કે માનવતાના સિદ્ધાંત ખાતર તમે તમારી દીકરી માટે જે પિટિશન દાખલ કરો એ પિટિશનને તમારી જે પ્રાયોરિટી ડેટ હતી એ આપવી જોઈએ. આવી અરજી ઉપર જે નિર્ણય લેવામાં આવે છે એ ઇમિગ્રેશન ઑફિસરની મનસૂફી ઉપર હોય છે, પણ જો અરજી સરખી રીતે દાખલા દલીલ અને દૃષ્ટાંતો આપીને કરવામાં આવે તો અનેક કિસ્સાઓમાં એ મંજૂર કરવામાં આવે છે. કોને ખબર તમારી દીકરીના નસીબ સારાં હશે તો એને માટે પણ કરવામાં આવેલ રિટેન્શન ઑફ પ્રાયોરિટી ડેટની અરજી મંજૂર કરવામાં આવશે.