અમે મૂંઝવણ પડી ગયાં છીએ કે અમારું એવું કયું કૃત્ય એ ઑફિસરને મિસરેપ્રિઝેન્ટેશન જણાયું હશે, ફ્રૉડ લાગ્યું હશે. આવા સંજોગોમાં અમે શું કરી શકીએ? મિસરેપ્રિઝેન્ટેશન અને ફ્રૉડનું કારણ કેવી રીતે જાણી શકીએ?
પ્રતીકાત્મક તસવીર
મારી અને મારી વાઇફ પાસે અમેરિકાના દસ વર્ષના મલ્ટિએન્ટ્રી બી-૧/બી-૨ વિઝા હતા. એના ઉપર અમે આઠથી નવ વાર અમેરિકા ગયાં હતાં. એકેય વાર ત્યાં રહેવા માટે અમને જે સમય આપ્યો હતો એનાથી એક દિવસ પણ વધુ અમે અમેરિકામાં રહ્યાં નહોતાં. એ વિઝાની અવધિ પૂરી થઈ એટલે અમે ફરી પાછા અમારા એ બી-૧/બી-૨ વિઝા રિન્યુ કરવા માટે અરજી કરી. અમને બન્નેને ડ્રૉપ બૉક્સ ફૅસિલિટી ન આપતાં, ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યા અને થોડા પ્રશ્નો કરીને અમારા બન્ને વિઝા રિફ્યુઝ કરવામાં આવ્યા એટલું જ નહીં, પણ કૉન્સ્યુલર ઑફિસરે અમને જે રિફ્યુઝલનો કાગળ આપ્યો એમાં એમણે અમેરિકાની ઇમિગ્રેશન કાયદાની એક કલમ લખીને એવું જણાવ્યું કે અમારા વિઝા એ કલમ હેઠળ આપવામાં આવ્યા નથી. અમે કારણ પૂછ્યું તો ઑફિસરે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો કે કારણ આ કાગળમાં લખ્યું છે. અમે એક વિઝા કન્સલ્ટન્ટને એ કાગળ દેખાડ્યો. તેણે અમને જણાવ્યું કે અમારા વિઝા રિફ્યુઝનેશન અને ફ્રૉડ, આ ગુના હેઠળ રિજેક્ટ કરવામાં આવ્યા છે અને એ ગુનાસર હવે અમને અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝા મળી નહીં શકે. અમારા મતે અમે એવું કંઈ જ ખોટું નથી કર્યું. કોઈ પણ જાતનું મિસરેપ્રિઝેન્ટેશન નથી કર્યું. કોઈ પણ જાતનો ફ્રૉડ નથી આદર્યો. ઑફિસરે ફક્ત કાયદાની કલમ લખી છે. અમે શું મિસરેપ્રિઝેન્ટેશન કર્યું છે, કઈ બાબતનો ફ્રૉડ કર્યો છે એ એમણે જણાવ્યું નથી. આથી અમે મૂંઝવણ પડી ગયાં છીએ કે અમારું એવું કયું કૃત્ય એ ઑફિસરને મિસરેપ્રિઝેન્ટેશન જણાયું હશે, ફ્રૉડ લાગ્યું હશે. આવા સંજોગોમાં અમે શું કરી શકીએ? મિસરેપ્રિઝેન્ટેશન અને ફ્રૉડનું કારણ કેવી રીતે જાણી શકીએ? અમારું એવું કૃત્ય હતું કે એ ઑફિસરે એને મિરેપ્રિઝેન્ટેશન અને ફ્રૉડ ગણ્યું છે? આની અમને કેવી રીતે ખબર પડે?
ઇન્ટરવ્યુ દરમિયાન કૉન્સ્યુલર ઑફિસરે તમને જે સવાલો પૂછ્યા હશે એના પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે તમારા કયા કૃત્યને એ ઑફિસરે મિસરેપ્રિઝેન્ટેશન અને ફ્રૉડ ગણ્યું છે. તમે જણાવો છો કે તમને જે દસ વર્ષના મલ્ટિએન્ટ્રી બી-૧/ બી-૨ વિઝા આપવામાં આવ્યા હતા એની ઉપર તમે અમેરિકામાં આઠથી નવ વાર ગયા છો. આ કૃત્ય જ, તમારું ત્યાં વારંવાર જવાનું, પણ કૉન્સ્યુલર ઓફિસરને અજુગતું લાગ્યું હશે. તમે જણાવો છો કે તમને દર વખતે અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હતો એથી વધુ તમે ત્યાં રહ્યા નથી. સામાન્ય રીતે અમેરિકામાં બી-૧/ બી-૨ વિઝા ઉપર પ્રવેશતાં ઇમિગ્રેશન ઑફિસરો એ વિઝાધારકોને અમેરિકામાં છ મહિના રહેવાનો સમય આપે છે. જો તમે જે આઠ-નવ વાર અમેરિકામાં ગયા છો એ બધા જ વખતે ત્યાં છ-છ મહિના રહ્યા હશો તો પણ કૉન્સ્યુલર ઑફિસરને એવું જણાયું હશે કે તમે તમારા બી-૧/ બી-૨ સ્ટેટસનું ઉલ્લંઘન કર્યું છે. તમે તમારા વિઝાનો બિઝનેસમૅન કે ટૂરિસ્ટ તરીકે નહીં પણ લાંબો સમય, કાયમ રહેવા માટે, ઉપયોગ કર્યો છે. એમને એવું પણ લાગ્યું હોય કે તમે અમેરિકામાં વારંવાર જવાથી ગેરકાયદેસર કામ કરતા હશો. તમે અરજીપત્રકમાં અમેરિકામાં તમારું કોઈ સગુંવહાલું નથી રહેતું એવું જણાવ્યું હશે. આમ તમને જે સવાલ કરવામાં આવ્યા હોય અને એના તમે જે જવાબો આપ્યા હોય એ ઉપરથી તમે વિચારી શકશો કે તમે એવું કયું કૃત્ય કર્યું છે જે મિસરેપ્રિઝેન્ટેશન કે ફ્રૉડ ગણી શકાય. અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના જાણકાર અનુભવી ઍડ્વોકેટની સલાહ લો અને પછી ફરી પાછી બી-૧/ બી-૨ વિઝાની અરજી કરો. એ સમયે નૉન-ઇમિગ્રન્ટ વેવર માગવાની લેખિત અરજી કરો. વેવર એટલે કે માફી. ગુનાની કબૂલાત કરતાં અને એ બદલ પ્રસ્તાવો દર્શાવતા અને દેખાડી આપતાં કે તમે એવો ગુનો, એવું કૃત્ય ફરી પાછું નહીં કરો અને અમેરિકામાં જઈને ત્યાંના રહેવાસીઓને કે અમેરિકાને હાનિ નહીં પહોંચાડો, તમે કોઈ ગુનેગાર નથી, કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે અમેરિકા જવા નથી ઇચ્છતા અને તમારું અમેરિકામાં જવું જરૂરી છે. આવા નૉન-ઇમિગ્રન્ટ વેવરની લેખિત અરજીમાં દાખલા-દલીલો અને લાગતા-વળગતાના સોગંદનામા આપીને કરશો તો તમને માફી મળી શકે અને અમેરિકામાં પ્રવેશવા માટે અને ત્યાં બિઝનેસ અને ટૂરિસ્ટનાં કાર્ય કરવા માટે થોડા સમય માટે રહેવાના બી-૧/ બી-૨ વિઝા આપવામાં આવશે.
ADVERTISEMENT
એક બીજી તમારી ભૂલ પણ સુધારીએ છીએ. દસ વર્ષના મલ્ટિએન્ટ્રી બી-૧/ બી-૨ વિઝાની અવધિ પૂરી થાય એટલે કંઈ એ રિન્યુ કરવાના નથી હોતા પણ એ વિઝા માટે ફરી પાછી અરજી કરવાની રહે છે. એ સમયે તમને એ પહેલાં આપેલા વિઝાનો ગેરઉપયોગ નથી કર્યોને, તમારા સંજોગામાં બદલાવ નથી આવ્યાને, આ સઘળું જોવા-તપાસવામાં આવે છે. તમે અરજી રિન્યુ નથી કરતા, એ કંઈ ફક્ત ઔપચારિક નથી. તમે વિઝા માટે ફરીથી અરજી કરો છો. એટલે ફરીથી તમારે વિઝા મેળવવાની તમારી લાયકાત દેખાડી આપવાની રહે છે.

