Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દીવો જ્યારે ઘરમાં પ્રગટાવીએ છીએ ત્યારે આપોઆપ આપણા દિલમાં પણ પ્રગટે છે

દીવો જ્યારે ઘરમાં પ્રગટાવીએ છીએ ત્યારે આપોઆપ આપણા દિલમાં પણ પ્રગટે છે

Published : 27 October, 2024 01:02 PM | IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

દિવાળી મુબારક કહું કે સાલ મુબારક રહો સદા સર્વદા સર્વત્ર ખુશહાલ મુબારક, શુભેચ્છા માત્ર એક વ્યવહાર ન બનાવો સદ‍્વર્તન બનાવશે નૂતન વર્ષ મુબારક

પ્રતીકાત્મક તસવીર

માણસ એક રંગ અનેક

પ્રતીકાત્મક તસવીર


૨૧ ઑક્ટોબરે આકાશવાણી મુંબઈ તરફથી શ્રીમતી વૈશાલી ત્રિવેદીનું મને ઑલ ઇન્ડિયા રેડિયો માટે દિવાળીના પર્વ વિશે પ્રવચન આપવાનું નિમંત્રણ મળ્યું. એ પ્રવચનના કેટલાક અંશો  અહીં રજૂ કરું છું.


દિવાળી એટલે પંચ મહોત્સવ. પાંચ દિવસનો તહેવાર. વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી અને નવું વરસ. નવા વર્ષને આપણે સૌરાષ્ટ્રની ભાષામાં બેસતું વરસ પણ કહીએ છીએ. આપણી ભાષામાં એક બીજો રૂઢિપ્રયોગ પણ છે, ‘આવતી રાણી અને બેસતા રાજાને બધા સલામ કરે.’ બેસતા રાજાનો અર્થ સિંહાસન પર બેસવાનો થાય.



પંચ મહોત્સવના પર્વમાં બીજા બે દિવસનો ઉમેરો કર્યા વગર ચાલે જ નહીં. એ બે દિવસો એટલે ભાઈબીજ અને લાભપાંચમ. આમ દિવાળીનું પર્વ સપ્તર્ષિ સપ્તાહનો થાય.


દિવાળીની વાત કરતા હોઈએ ત્યારે દીવાની વાત તો અવશ્ય કરવી જ પડે. દીવો એટલે દેવ. દેવ વગર દિવાળી કેવી? અનાદિકાળથી લોકો અગ્નિદેવને માને છે, સૂર્યદેવને માને છે એટલે  દિવાળીને પ્રકાશનું પર્વ પણ ગણે છે. દીવો એ સૂર્ય અને અગ્નિનું પ્રતીક છે. આપણે ભગવાન પાસે દીવો કરીએ છીએ પણ હકીકતમાં તો દીવો જ એક ભગવાન છે. માનો કે દીવો એ દર્પણ છે. ભગવાન સામે આપણે દીવો કરીએ છીએ ત્યારે ભગવાન એમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે.

દીવો એટલે તેજ. દીવો એટલે જ્ઞાન, દીવો એટલે પ્રકાશ, દીવો એટલે જાતે બળીને અન્યને પ્રકાશ આપવાનો સંદેશ. સાંપ્રત સમયમાં આનંદ કે ખુશીના પ્રસંગે ભલે વીજળીના દીવા કરીએ છીએ પરંતુ વીજળીની રોશની દીવાના પ્રકાશનો પર્યાય બની નથી. દીવાની જ્યોતમાં એક પવિત્રતા છે, ભાવના છે, શ્રદ્ધા છે. વીજળીની રોશની કૃત્રિમ છે, એમાં આડંબર છે, દેખાડો છે  વળી દીવાના પ્રકાશની એક બીજી પણ મહત્તા એ છે કે પ્રસંગ શુભ હોય કે અશુભ, બન્ને પ્રસંગને ઉજાળે છે. મરણ સમયે આપણે લાશ પાસે દીવો પ્રગટાવીએ છીએ એટલા માટે કે  અંધારામાંથી આત્માને પ્રકાશ તરફ લઈ જાય.


દીવો જ્યારે ઘરમાં પ્રગટાવીએ છીએ ત્યારે આપોઆપ આપણા દિલમાં પણ પ્રગટે છે. આવી અનુભૂતિ આપણે સૌએ અનુભવી જ હશે. આપણે જ્યારે-જ્યારે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે-ત્યારે કેવી શુભ લાગણીઓનાં સ્પંદનો આપણામાં જાગતાં હોય છે. દીવાથી આપણને માત્ર  શુભની અનુભૂતિ નથી થતી, સાથોસાથ લાભની પણ થાય છે. એટલે જ આપણે દિવાળીના પર્વે  ઘરમાં શુભ અને લાભના સાથિયાઓ કરીએ છીએ.

રામ-રાવણનો વધ કરી, લંકાનું રાજ વિભીષણને સોંપી સીતા સાથે અયોધ્યા પહોંચ્યા એ દિવસ એટલે દિવાળી. એ દિવસે પ્રજાએ સ્વયંભૂ રીતે હરખઘેલા થઈ આખાય નગરમાં દીવા પ્રગટાવ્યા, આંગણે-આંગણે આસોપાલવનાં તોરણ બાંધ્યાં, સાથિયા પુરાવ્યા, ઢોલનગારાં વગડાવ્યાં, રામ-સીતાનું ઉલ્હાસ અને આનંદથી ભાવભર્યું સ્વાગત કર્યું. આમ દિવાળી એટલે આનંદનો અવસર, ઉત્સવનો અવસર, રામ-સીતાને વધાવવાનો અવસર.

વાઘબારસ એટલે હકીકતમાં વાક્ બારસ છે. વાક્ નો વાઘમાં અપભ્રંશ થયો છે. વાક્ એટલે વાણી અને વાણી એટલે મા સરસ્વતી. આ દિવસે સરસ્વતીનું પૂજન થાય છે. વિદ્યાદેવીની  આરાધના થાય છે. લેખકો, વિદ્વાનો, વક્તાઓ, સાહિત્યના રસિકો આ દિવસે ખાસ પૂજન કરી  મા સરસ્વતીની આરાધના કરે છે.

 ધનતેરસ એટલે લક્ષ્મીનું પૂજન. પરાપૂર્વથી એક રીતરિવાજ ચાલતો આવ્યો છે. લોકો આ દિવસે સોના કે ચાંદીનો સિક્કો ખરીદે છે અને પછી એ સિક્કાનું પૂજન કરે છે. પહેલાં સરસ્વતીનું પૂજન એટલા માટે થાય છે કે સરસ્વતી હોય તો લક્ષ્મી મેળવી શકાય પણ લક્ષ્મી હોવાથી કદાચ સરસ્વતી પ્રાપ્ત ન પણ થાય. વળી સંસ્કૃતમાં એક શ્લોક પણ છે કે રાજા પોતાના રાજ્યમાં જ પૂજાય છે પણ વિદ્વાન તો સર્વત્ર પૂજાય છે. બીજી એક મહત્ત્વની વાત એ છે કે ઉત્તર ગુજરાતના કેટલાક આદિવાસીઓ જંગલમાં રહેવાથી તેમનો નાતો વાઘ સાથે ખાસ હોય છે. આ દિવસે આદિવાસીઓ વાઘ જેવા કાબરચીતરાં કપડાંઓ પહેરી શરીર પર એવા પટ્ટાઓ ચીતરાવી નૃત્ય કરીને વાઘબારસનો તહેવાર મનાવે છે.

 ધનતેરસને શાસ્ત્રોની નજરે જોઈએ તો દેવો અને દાનવોએ સાથે મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે જે દિવસે દેવોના ચિકિત્સક ધનવંતરી અમૃતકુંભ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા એ દિવસ એટલે ધનતેરસ.

સવાલ તો સામે ઊભો જ છે કે ધનવંતરી નામને કારણે ધનતેરસ કહેવાણી કે અમૃતને ધન ગણીને? ખેર આવી કથા-ઉપકથાઓ આપણાં શાસ્ત્રોમાં ઘણી છે.

ધનતેરસ માટે એક બીજી પણ રસપ્રદ કથા છે. રાજા હિમદેવના એકના એક રાજકુંવરના જન્મ  સમયે આકાશવાણી થઈ કે આ બાળક લગ્ન પછી ચોથી રાત્રે ઊંઘમાં જ મરણ પામશે. એક કન્યાએ આ પડકાર સ્વીકારી તેની સાથે લગ્ન કર્યાં. કન્યા ચતુર સુજાણ અને ધાર્મિક હતી. તે વિધિના લેખ ઉપર મેખ મારવા માટે કટિબદ્ધ બની. લગ્નની ચોથી રાત્રે રાજકુંવરને ઊંઘવા ન જ દેવાનો નિર્ધાર કર્યો. કુંવરને જાગતો રાખવા એક પછી એક વાર્તાઓ કહેવા માંડી, મધુર કંઠથી ગીતો સંભળાવા લાગી. એ રાત્રે તેણે મહેલના દરવાજે હીરા-માણેક, મોતી-સોનાનાં ચળકતાં આભૂષણોનો ડુંગર ખડકી દીધો. યમરાજ સાપનું રૂપ ધારણ કરી મહેલને દરવાજે  આવ્યા. ગીતસંગીત મુરલીના તાનથી ડોલવા લાગ્યા. એમાં વળી ચળકતાં આભૂષણોથી એ અંજાઈ ગયા. સવાર સુધી કન્યા ગાતી-નાચતી રહી અને યમરાજ ધનના ડુંગરા પર ડોલતા રહ્યા. ક્યારે સવાર પડી એનું યમરાજને ભાન ન રહ્યું. આમ કન્યાએ રાજકુંવરનો જીવ બચાવી લીધો. કન્યાએ સાબિત કરી આપ્યું કે લક્ષ્મીના મોહથી યમરાજ પણ અંજાઈ જાય છે.

 કાળીચૌદશ એટલે ઘરમાંથી કકળાટ કાઢવાનો દિવસ. કકળાટ એટલે શેરીને ચાર રસ્તે વડાં બનવી વિધિપૂર્વક મૂકી આવવાં. આમ જુઓ તો કકળાટ એટલે અશાંતિ, કલહ, અજંપો. કકળાટ  મનના રાક્ષસને લીધે થાય છે. મનનો રાક્ષસ એટલે અહમ. જે દિવસે માતા મહાકાલીએ રક્તબીજ નામના રાક્ષસનો વધ કર્યો એ દિવસ એટલે આસો વદ ચૌદશ.

નવું વરસ. વરસનો પહેલો દિવસ. આ દિવસનો મહિમા ખૂબ અનેરો હોય છે. આબાલવૃદ્ધ, ગરીબ-તવંગર, નાના-મોટા સૌને સ્પર્શે છે. વહેલી સવારથી એકબીજા સૌ હાથ મિલાવશે-  ગળે મળીને શુભેચ્છઓ આપશે. મંદિર, દેરાસર ધર્મસ્થાનોએ ઘંટનાદ શંખનાદ થશે. એકબીજાને ઘરે જઈ મીઠાઈ, ઘૂઘરા, મઠડી ફાફડા આરોગશે. નવાં વસ્ત્રોનું પરિધાન થશે. નૂતન  વર્ષાઅભિનંદન કે સાલમુબારક જેવા શબ્દોનું પરસ્પર આપલે થશે.

માણસ એક સામાજિક પ્રાણી છે. સમાજના પરંપરાગત રિવાજ પ્રમાણે તેણે જીવવું પડે છે. મૂળ વાત એ છે કે આપણને મળતી શુભેચ્છાઓ પરંપરાગત હોય કે અંતરની હોય, એથી આપણા  જીવનમાં કોઈ પરિવર્તન આવે છે ખરું? આ શુભેચ્છાઓને આપણે પ્રેરક બળ બનાવીએ છીએ ખરા? વરસના અંતે આનું પણ આપણે સરવૈયું કાઢવું જોઈએ. જીવનના કયા-કયા ક્ષેત્રે  આપનો વિકાસ થયો છે કે રકાસ એ વરસના અંતે જાણવું જોઈએ. જીવનનું પોત ક્યાં-ક્યાં તરડાયું છે અને ક્યાં-ક્યાં એને રફુ કરવાની જરૂર છે એનો ક્યાસ કાઢવો પણ જરૂરી છે.

ભાઈબીજ અને લાભપાંચમ એ એટલા પરંપરાગત તહેવારો છે કે જેના વિશે ટૂંકમાં વર્ણન  કરવું અઘરું છે. બન્ને માણસની ભાવના અને લાગણી સાથે જોડાયેલાં છે. એક ભાઈ-બહેનના પ્રેમ સાથે અને બીજો શુભ મુહૂર્તના સમય સાથે.

સમાપન

સ્વ. શ્રી વેણીભાઈ પુરોહિતની કેટલીક પંક્તિઓ યાદ આવે છે...

ભલે કહો છો સાલ મુબારક

અમને અમારા હાલ મુબારક

શબ્દોમાં છે સાલ મુબારક

અંતરમાં કંગાલ મુબારક

હાથ મળે પણ હૈયાં આઘાં

નિર્મળ વાઘા, ભીતર ડાઘા

બની રહ્યાા છે પોતે બાઘા

રહી છે પ્રજા પ્રાણ પ્રજાળી

દીવા છે પણ ક્યાં દિવાળી?

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2024 01:02 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK