લક્ષ્મીપૂજનમાં આખા ધાણા વાપરવાનું ખાસ માહાત્મ્ય છે. જોકે રોજિંદા મસાલિયામાં વપરાતી આ ચીજ આધ્યાત્મિક દૃષ્ટિએ જ નહીં પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઘણી જ ઉપયોગી છે
દિવાળી દરમિયાન ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે
દિવાળી દરમિયાન ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધાણા દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે ધાણાને ચડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ સમગ્ર પરિવાર પર રહે છે. પરિવારમાં સુખ-શાંતિ આવવાની સાથે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે, જેનાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે. ધાણાની ઔષધીય ગુણવત્તાને લીધે પણ ધાર્મિક વિધિઓમાં એનું મહત્ત્વ વધારે છે. દિવાળી જેવા તહેવારો દરમિયાન જ્યારે ભારે અને વધુપડતો ખોરાક આરોગવામાં આવે છે ત્યારે પ્રસાદમાં મૂકેલા ધાણાનો ઉપયોગ ખાવાનું બનાવવામાં કરવામાં આવે છે, જેનાથી પાચનક્રિયા સંતુલિત રહે છે.
સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક
હિન્દુ ધર્મમાં ધાણાને સમૃદ્ધિ અને ગુડ લક સમાન ગણવામાં આવે છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી સંપત્તિ અને સમૃદ્ધિને વધારવા માટે માતાને પ્રિય એવા ધાણાનો પૂજામાં સમાવેશ કરવામાં આવે છે. આ વિશે વધુ માહિતી આપતાં આચાર્ય નીરજ ઉપાધ્યાય કહે છે, ‘જેમ શિવજીને મગ અને બીલીપત્ર ચડે છે. ગણેશજીને દૂર્વા અને જાસવંતી પ્રિય છે એટલે તેમની પૂજામાં આ બે વસ્તુનો ઉપયોગ થાય જ છે એવી રીતે માતા લક્ષ્મીને ધાણા પ્રિય છે અને એને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે. એટલે જ્યારે કોઈ પણ પૂજા કે પછી હવન કરવામાં આવે છે ત્યારે ધાણા અચૂક ચડાવવામાં આવે છે. તમે જોયું હશે કે સારા પ્રસંગમાં ગોળ-ધાણા ખવડાવવામાં આવે છે જેમાં ગોળને ગણપતિ અને ધાણાને લક્ષ્મીજીના આશીર્વાદ તરીકે ગણીને વહેંચવામાં આવે છે.’
ADVERTISEMENT
લણણી સાથે પણ સંબંધિત
દિવાળીની આસપાસ દેશના ઘણા ભાગોમાં ધાણાની લણણી પૂર્ણ થાય છે. બીજ હોવાને કારણે, ધાણા ફળદ્રુપતા અને પુષ્કળ લણણીનું પ્રતિનિધિત્વ કરે છે. ખેડૂતો પહેલી લણણી માતાનાં ચરણોમાં ચડાવે છે અને આશીર્વાદ માગે છે કે આવતા વર્ષે પણ આવો જ સારો પાક થાય. એટલે આ પણ એક કારણ છે કે જેને લીધે ધાણાને દિવાળીની પૂજામાં મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે, કારણ કે તે સમૃદ્ધિ, સુખ અને સંપત્તિનો સંચય દર્શાવે છે. ધાણાનો સ્વભાવ પ્રાકૃતિક અને સાત્ત્વિક છે. એનો સમાવેશ પૂજાવિધિમાં અને ખાસ કરીને લક્ષ્મીપૂજામાં અવશ્ય કરવામાં આવે છે. આ રીતે એ આ પ્રાચીન ધાર્મિક વિધિનો એક ભાગ છે.
મનુષ્યની પ્રકૃતિ સાથે પણ સંબંધ
ધાણા વાતાનુલોમક, પૌષ્ટિક, પિત્તનું શમન કરનારા અને શીતળ છે. એ તૃષા, દાહ, અતિસાર, ઉધરસ, પિત્તજ્વર, ઊલટી, કફ, દમ, ત્રિદોષ, કૃમિ અને પિત્ત મટાડે છે. ‘ચરકસંહિતા’માં ધાણાને શરદીને મટાડનાર તરીકેનો ઉલ્લેખ છે. સુશ્રુતમાં એને સર્વજ્વરનાશક, દાહનાશક, અરુચિનાશક અને ઊલ્ટી બંધ કરનાર તરીકે વર્ણવેલું છે. આયુર્વેદિક ડૉક્ટર પૂર્વી પટેલ કહે છે, ‘ધાણાનો સંબંધ પ્રકૃતિ સાથે પણ છે. નવેમ્બરનો મહિનો એવો છે જ્યારે ગરમી સંપૂર્ણ રીતે જતી પણ રહેતી નથી અને ઠંડીની શરૂઆત પણ થઈ હોતી નથી. આવા સમયે શરીરમાં ટેમ્પરેચર બૅલૅન્સ કરવા માટે ધાણાનું સેવન આયુર્વેદમાં અતિ લાભદાયક ગણવામાં આવ્યું છે. ધાણાની પ્રકૃતિ ઠંડી હોય છે. આયુર્વેદમાં સૂકા ધનિયા એટલે કે ધાણાના ઘણા સ્વાસ્થ્ય લાભો જણવાવવામાં આવ્યા છે. ધાણા પાચનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. લોહીને શુદ્ધ કરે છે, સુંદરતા જાળવવામાં પણ મદદ કરે છે. એને ખોરાકમાં અનેક પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે. આખી રાત એને પાણીમાં પલાળી બીજા દિવસે સવારે એ પાણી પીવાથી પણ અનેક લાભ થાય છે. આ સિવાય પુડિંગમાં પણ એને ક્રશ કરીને નાખી શકાય છે. ધાણા પણ એક પ્રકારનાં સીડ જેવા જ છે. એટલે ચિયા સીડ્સ, પમ્પકિન સીડ્સ વગેરે ખાવાથી જે લાભ મળે છે એ જ લાભ ધાણા ખાવાથી મળે છે. ઘણા લોકોને એનો ટેસ્ટ ભાવતો નથી તો તેઓ એને અન્ય વાનગીમાં ઉમેરીને પણ ખાઈ શકે છે.’
ધાણાનો ઉપયોગ ભારતીય, મધ્ય પૂર્વીય, ભૂમધ્ય અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ રસોઈ સહિત વિશ્વભરની વાનગીઓમાં વ્યાપકપણે થાય છે. એ ગરમ મસાલા અને કરી પાઉડર જેવા મસાલાના મિશ્રણનો અભિન્ન ભાગ છે. આ સિવાય ધાણામાં વિટામિન A અને વિટામિન C સિવાય અન્ય કેટલાંક પોષક તત્ત્વો રહેલાં હોય છે જે સ્વાસ્થ્યવર્ધક છે. ૨૦૨૨માં ભારતના પ્રખ્યાત શેફ રણવીર બ્રારે ધાણાને રાષ્ટ્રીય ઔષધિનો દરજ્જો આપવા માટે ભલામણ પણ કરી હતી. ત્યારે જાણીએ એના કેટલાક સ્વાસ્થ્ય લાભો વિશે.
ધાણાનો ઇતિહાસ
ભારતમાં હજારો વર્ષોથી ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે. એનો ઉલ્લેખ વેદો અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં જોવા મળે છે. ભારતમાં સદીઓથી ધાણાનો ઉપયોગ દવા અને આરોગ્યપ્રદ વનસ્પતિ તરીકે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ધાર્મિક પુસ્તક બાઇબલમાં પણ એક જગ્યાએ આનો ઉલ્લેખ છે. ભારતમાં ધાણા જેટલા પ્રસિદ્ધ છે એટલા વિદેશોમાં પણ છે છતાં એક વર્ગ એવો પણ છે જે ધાણા અને કોથમીરને નાપસંદ કરે છે અને એનાથી પણ નવાઈ વાત તો એ છે કે એના માટે ઇન્ટરનૅશનલ હેટ કોરીઅન્ડર ડેની ઉજવણી પણ કરે છે. અંગ્રેજી શબ્દ કોરીઅન્ડર ગ્રીક શબ્દ કોરિસ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે બેડબગ. આ નામ એની કડવી ગંધને કારણે આપવામાં આવ્યું હતું.
સ્વાસ્થ્ય લાભો
- અરુચિમાં ધાણા, એલચી અને મરીનું ચૂર્ણ સાકર સાથે ગુણકારી છે. એમાં વિટામિન Aનું પ્રમાણ સારું હોવાથી આંખોના રોગના શમન માટે એનો ઉપયોગ થાય છે.
- ધાણાના પાણીનું સેવન કરવાથી પેટની બળતરા અને ગૅસ જેવી સમસ્યા દૂર થાય છે.
- ધાણાના પાણીને વાળની સમસ્યાઓ ઓછી કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. ધાણાના પાણીથી શરીરને વિટામિન K, C અને A મળે છે.
- ડાયાબિટીઝના દરદીઓ માટે ધાણાનું પાણી વરદાનરૂપ કહેવામાં આવે છે. એ શરીરના વધતા શુગર લેવલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. નિષ્ણાતો શુગર લેવલ ઘટાડવા માટે રોજ એનું પાણી પીવાની સલાહ આપે છે.
- ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘણી વ્યક્તિઓને લૂ લાગી જવાની સમસ્યા થતી હોય છે. ત્યારે ધાણાનું શરબત પી લેવું.
- ધાણા મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે. તેમ જ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.


