Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતી મહાશક્તિ લબ્ધિ વિશે થોડું ચિંતન

જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતી મહાશક્તિ લબ્ધિ વિશે થોડું ચિંતન

10 February, 2019 03:18 PM IST |
ચીમનલાલ કલાધર

જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતી મહાશક્તિ લબ્ધિ વિશે થોડું ચિંતન

જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતી મહાશક્તિ લબ્ધિ વિશે થોડું ચિંતન


જૈન દર્શન

આજે અહીં ‘લબ્ધિ’ વિશે થોડી વાતો કરવી છે. લબ્ધિનો સાવ સરળ અર્થ છે લાભ. બીજો વિશિષ્ટ અર્થ છે અસામાન્ય કોટિની શક્તિ વડે ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવી. પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને આપણે લબ્ધિના ભંડાર, અનંતલબ્ધિના સ્વામી વગેરે વિશેષણોથી ઓળખીએ છીએ, કારણ કે અપૂર્વ એવી સંયમસાધનાથી અને કર્મની નર્જિરા કરનારા અનોખા તપોબળથી તેમણે અનેકાનેક લબ્ધિઓ મેળવી હતી. જૈન શાસ્ત્રકારો કહે છે કે જેમ-જેમ આત્મા પરનાં કર્મનાં ગાઢ આવરણો દૂર થતાં જાય તેમ-તેમ આત્મામાં આવી લબ્ધિઓ અનાયાસ પ્રગટ થતી રહે છે. લબ્ધિની વ્યાખ્યા કરતાં જૈન ધર્મગ્રંથો કહે છે કે જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતી શક્તિને લબ્ધિ કહેવામાં આવે છે. લબ્ધિ એટલે સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સાથેનો જીવનો સમાગમ. આમ બાહ્ય અને આભ્યંતર તપ દ્વારા જ્ઞાનાવરણીય, અંતરાય વગેરે કર્મોના ક્ષયોપશમથી આત્મા નિર્મળ બનતાં જે ગુણસમૂહ થાય એ દ્વારા સર્જાતા સામર્થ્યયુક્ત ચમત્કારવિશેષને લબ્ધિ તરીકે ઓળખવામાં આવે છે.



જૈન દર્શનમાં આત્માની અવસ્થા અનુસાર પાંચ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવી છે. એ છે (૧) ક્ષયોપશમ લબ્ધિ, (૨) વિશુદ્ધ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, (૪) પ્રાયોગ્યતા લબ્ધિ, (૫) કરણ લબ્ધિ. આ પાંચ પૈકી ચાર લબ્ધિઓ ભવ્ય કે અભવ્ય જીવોને પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ કરણ લબ્ધિ તો ફકત ભવ્ય જીવોને જ પ્રાપ્ત થાય છે, અને એ પણ સમ્યકત્વની પ્રાપ્ત પછી. ક્ષયોપશમને કારણે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એને ક્ષયોપશમ લબ્ધિ કહે છે. પ્રતિસમય શુભ કર્મોના બંધમાં નિમિત્તભૂત અને અશુભ કર્મના બંધની વિરોધી એવી લબ્ધિને વિશુદ્ધ લબ્ધિ કહે છે. ષડદ્રવ્ય અને નવતત્વના ઉપદેશ આપવાની વિલક્ષણ શક્તિને દેશના લબ્ધિ કહે છે. કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ અનુભાગની વાત કરીને અંત:કોડાકોડિ સ્થિતિમાં અને દ્વિસ્થાનીય અનુભાગમાં અવસ્થાન કરવું એને પ્રાયોગ્ય લબ્ધિ કહે છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ સાથે જે ભવ્યાત્મા અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કહે છે એને કરણ લબ્ધિ કહે છે.


ભગવતીસૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરે દસ પ્રકારની લબ્ધિ બતાવી છે એ છે : (૧) જ્ઞાન લબ્ધિ, (૨) દર્શન લબ્ધિ, (૩) ચારિત્ર લબ્ધિ, (૪) ચારિત્રાચારિત્ર લબ્ધિ, (૫) દાન લબ્ધિ, (૬) લાભ લબ્ધિ, (૭) ભોગ લબ્ધિ, (૮) ઉપભોગ લબ્ધિ, (૯) વીર્ય લબ્ધિ અને (૧૦) ઇન્દ્રિય લબ્ધિ. આ લબ્ધિઓમાં જ્ઞાન લબ્ધિના પાંચ, દર્શન લબ્ધિના ત્રણ અને ચારિત્ર લબ્ધિના પાંચ એમ દરેકના પેટાપ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. આવશ્યક નિર્યુક્તિ, પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રંથોમાં ૨૮ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવી છે. દિગમ્બર પરંપરાના ‘ષટખડાંગમ’ ગ્રંથમાં ૪૪ પ્રકારની, વિદ્યાનુ શાસનમાં ૪૮ પ્રકારની, મંત્રરાજ રહસ્યમાં અને સૂરિમંત્રબૃહતકલ્પમાં ૫૦ પ્રકારની તેમ જ તિલોયપણ્ણતિ ગ્રંથમાં ૬૪ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવી છે. જયશેખરસૂરિએ ‘ઉપદેશ ચિંતામણિ’માં અઠ્ઠાવીસ લબ્ધિઓ બતાવી છે. સિદ્ધચક્રના યંત્રમાં એક આવર્તનમાં ૧૬ લબ્ધિપદ અને ત્રણ આવર્તનમાં ૪૮ લબ્ધિપદ મૂકવામાં આવ્યાં છે. લબ્ધિ શબ્દ સાથે સિદ્ધિ શબ્દ પણ વપરાય છે. વસ્તુત: લબ્ધિ એ જ સિદ્ધિ છે. લબ્ધિની સિદ્ધિ અથવા લબ્ધિની પ્રાપ્તિ એ લબ્ધિ-સિદ્ધિ તરીકે ગણવામાં આવે છે. આમ છતાં આઠ પ્રકારની મહાસિદ્ધિઓ આ પ્રમાણે દર્શાવવામાં આવી છે, જેનો સમાવેશ એક અથવા બીજી લબ્ધિમાં થઈ શકે છે. (૧) અણિમા, (૨) લધિમા, (૩) મહિમા, (૪) પ્રાપ્તિ, (૫) પ્રાકામ્ય, (૬) વશિત્વ, (૭) ઇશિત્વ અને (૮) ગરિમા. સૂરિમંત્ર કલ્પમાં ઉગ્ર તપશ્ચર્યા પ્રગટ થતી ૫૦ લબ્ધિનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો : જગતનું ધ્યાન ખેંચે છે પાલિતાણામાં આવેલું શ્રી શત્રુંજય નવકારધામ તીર્થ


પોતાનામાં પ્રગટ થયેલી લબ્ધિઓ પ્રત્યે અનાસક્ત રહેવું એ સાધક માટે અત્યંત મહત્વનું છે. સાચા સાધકો પોતાનામાં પ્રગટ થયેલી લબ્ધિઓનું ગોપન કરે છે, પરંતુ પરહિત માટે, યુદ્ધ, દુકાળ કે અન્ય પ્રકારની આપત્તિ વેળાએ આવી લબ્ધિનો ઉપયોગ કરે છે; પણ પોતાને મળેલી લબ્ધિઓનો પોતાના સ્વાર્થ માટે ખરો સાધક ક્યારેય ઉપયોગ નથી કરતો. દશમા ગુણસ્થાનકમાં જ્યારે આવી લબ્ધિઓ પ્રગટ થઈ હોય ત્યારે એ માટે મનથી પણ ખુશી ન થવાનો ભાવ રાખવાનો હોય છે, કારણ કે આવી લબ્ધિશક્તિ માટેનો સૂક્ષ્મ લોભ પણ આત્માને નીચો પાડી શકે છે. જેઓ આ કસોટીમાંથી પાર પડે છે તેઓ ઉપરના ગુણસ્થાનકે સરળતાથી આરોહણ કરી શકે છે. એટલા માટે જ મોક્ષપ્રાપ્તિના પુરુષાર્થમાં ભૌતિક ચમત્કાર કરનારી લબ્ધિઓનું કોઈ મૂલ્ય ગણવામાં નથી આવ્યું.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2019 03:18 PM IST | | ચીમનલાલ કલાધર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK