Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જગતનું ધ્યાન ખેંચે છે પાલિતાણામાં આવેલું શ્રી શત્રુંજય નવકારધામ તીર્થ

જગતનું ધ્યાન ખેંચે છે પાલિતાણામાં આવેલું શ્રી શત્રુંજય નવકારધામ તીર્થ

04 February, 2019 03:10 AM IST |
ચીમનલાલ કલાધર

જગતનું ધ્યાન ખેંચે છે પાલિતાણામાં આવેલું શ્રી શત્રુંજય નવકારધામ તીર્થ

જગતનું ધ્યાન ખેંચે છે પાલિતાણામાં આવેલું શ્રી શત્રુંજય નવકારધામ તીર્થ


જૈન દર્શન

જૈનોનું અત્યંત મહિમાશીલ અને શાશ્વતું મહાતીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજ છે. આ તીર્થસ્થાન સાથે લાખો જૈનોની શ્રદ્ધા અને ભક્તિની ભાવના જોડાયેલી છે. અનંત આત્માઓની સિદ્ધભૂમિ તરીકે સુવિખ્યાત આ તીર્થ અતિપવિત્ર મનાય છે. આ તીર્થમાં ભગવાન ઋષભદેવે નવ્વાણું પૂર્વ પર્યંત વિચરીને અહીંની ભૂમિને પાવનકારી બનાવી છે. આ તીર્થભૂમિના દિવ્ય પરમાણુઓ અહીં આવનારા યાત્રિકોની આધિ-વ્યાધિ-ઉપાધિને હરનારા છે એટલું જ નહીં, તેમનાં સકલ કર્મોનો ક્ષય કરનારા છે.



ભારતવર્ષના જૈનોની શ્રેષ્ઠ એવી આ તીર્થભૂમિ શ્રી શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં પવિત્ર શત્રુંજયા નદીના તટ પર આ તીર્થના પૂર્વ ભાગની તળેટી જ્યાં આવેલી છે એ જીવાપર ગામની પાસે શ્રી શત્રુંજય નવકારધામ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૬ લાખ ૮૦ હજાર સ્ક્વેર ફીટની વિશાળ ભૂમિમાં દુનિયાની અજાયબી સમું આ નૂતન તીર્થ શ્રી શત્રુંજય નવકારધામ નિર્માણ થઈ રહ્યું છે. આ તીર્થના નિર્માણમાં જૈન શાસનનાં અનેકાનેક આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વી ભગવંતોના આશીર્વાદ આ ટ્રસ્ટને મળ્યા છે. આ નૂતન તીર્થના સમવસરણ મંદિર પાસેથી શાશ્વતા તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજના અધિપતિ શ્રી આદીશ્વરદાદાના જિનમંદિરના શિખરનાં પ્રસન્ન દર્શન થઈ શકે છે તેમ જ શ્રી હસ્તગિરિ અને શ્રી કદમ્બગિરિ તીર્થનાં પણ અહીંથી સુભગ દર્શન થઈ શકે છે. અહીં નજીકમાં આવેલી શત્રુંજયા નદીમાં જયણાપૂર્વક સ્નાન કરીને રોહીશાળા ગામથી શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવાનો અચિંત્ય મહિમા છે.


શ્રી શત્રુંજય નવકારધામનું દેવવિમાન સમું અદ્ભુત અને અલૌકિક ચૌમુખી સમવસરણ મંદિરમાં મૂળનાયક તરીકે (૧) શ્રી શત્રુંજય આદિનાથ, (૨) શ્રી શંખેશ્વર પાશ્વર્નાથ, (૩) શ્રી જીરાવલા પાશ્વર્નાથ અને (૪) શ્રી મહાવીરસ્વામીની ભવ્ય પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવશે. સાથોસાથ આ જિનાલયની અષ્ટકોણ ભમતીમાં ૨૪ તીર્થંકર ભગવાનની તેમ જ શ્રી પુંડરિકસ્વામી, શ્રી આર્યઘોષસ્વામી, શ્રી શુભદંતસ્વામી અને શ્રી ગૌતમસ્વામી એમ ચાર ગણધર ભગવંતોનું મંદિર પણ નિર્માણ કરવામાં આવશે. આ સમવસરણ મંદિરમાં હવા-ઉજાસની કુદરતી અનુકૂળતા રહે એ પ્રમાણે પર્યાવરણને ઓછામાં ઓછી પ્રતિકૂળતા પડે અને અહીંના આધ્યાત્મિક વાતાવરણમાં વધારેમાં વધારે પ્રસ્થાપિત થાય એવાં દ્રવ્યોથી ર્દીઘકાળ સુધી ટકી રહે એવું બાંધકામ કરવામાં આવશે. રજત, સુવર્ણ અને રત્નજડિત પ્રતિકૃતિઓ પ્રગટ થાય એવી રીતે ત્રણ ભાગમાં સોલર એનર્જી દ્વારા દિવ્ય પ્રકાશ પ્રગટ કરવામાં આવશે. શ્રી નમસ્કાર મહામંત્રના વર્ણોને પણ ધ્યાનમાં રાખીને આ સંકુલને ક્રિસ્ટલ અને ચળકતા તારાઓ જેવા ડાયમન્ડ ગ્લાસથી શણગારવામાં આવશે તેમ જ જિનશાસનને ઉજાગર કરતાં અન્ય આકર્ષણો પણ મૂકવામાં આવશે. આ નવકારધામનું મુખ્ય આકર્ષણ શ્રી નવકાર મહામંત્ર સાધના ડોમ છે. એક પણ સ્તંભ વિનાના આ ૯૦,૦૦૦ ફુટના વિશાળ ડોમમાં કુલ ૬૮૦૦ વિભાગ હશે. એકસાથે ૬૮૦૦ ભાગ્યશાળીઓ બેસીને સમવસરણયુક્ત ચતુર્મુખ પરમાત્મા સમક્ષ ધ્યાનસાધના કરી શકે એવી વિશિષ્ટ વ્યવસ્થા છે.

શ્રી શત્રુંજય નવકારધામમાં (૧) નૂતન તીર્થનું ભવ્ય પ્રવેશદ્વાર, (૨) દેવવિમાન સમું ચૌમુખી જિનમંદિર, (૩) નવકારધામ ડોમ, (૪) ગણધર મંદિર, (૫) અધિષ્ઠાયિક દેવ-દેવીઓનું મંદિર, (૬) સમાધિ મંદિર, (૭) ર્તીથંકર દેવોની કલ્યાણક વૃક્ષવાટિકા, (૮) સાધુ મહાત્માનો ઉપાશ્રય, (૯) સાધ્વી મહારાજનો ઉપાશ્રય, (૧૦) શ્રાવક પૌષધશાળા, (૧૧) શ્રાવિકા પૌષધશાળા, (૧૨) જૈન જ્ઞાનમંદિર, (૧૩) જૈન સંશોધન કેન્દ્ર, (૧૪) ભરત ચક્રવર્તી ભોજનશાળા, (૧૫) અતિથિગૃહ, (૧૬) યાત્રિકભવન, (૧૭) વિવિધલક્ષી હૉલ, (૧૮) બાલવાટિકા, (૧૯) વૉટર કનૅલ, (૨૦) ગૌશાળા, (૨૧) ઓપન ગ્રાઉન પ્લાઝાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નૂતન તીર્થ શ્રી શત્રુંજય નવકારધામનો ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ૪થી ૧૦ માર્ચ સુધી જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. તથા આ. શ્રી. રત્નયશસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણાની પાવન નિશ્રામાં થવાનો છે. પ્રતિષ્ઠાના આ મહાન અવસરે સમગ્ર ભારતમાંથી અને વિદેશોમાંથી હજારો ભાવિકો પાલિતાણામાં પધારશે.


આ પણ વાંચો : બિઝનેસ ચલાવવામાં મૂડીના માળખાનું મહત્વ

શ્રી શત્રુંજય નવકારધામ પરિવાર ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશ-વિદેશના અનેક ગણમાન્ય પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, દાનવીરોની ટ્રસ્ટીઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એમાં (૧) અરવિંદ શાહ (મુંબઈ), (૨) સંજુ કોઠારી (મુંબઈ), (૩) જિજ્ઞેશ શાહ (દુબઈ), (૪) અમિષ ઝવેરી, (૫) રમેશ મુથા, (૬) નિમિષ કોઠારી (મુંબઈ), (૭) અતુલ શાહ (મુંબઈ), (૮) બકુલ ઝવેરી, (૯) પરેશ સંઘવી (ઍન્ટવર્પ), (૧૦) રમેશ ઝવેરી, (૧૧) શૈલેશ જોગાણી (મુંબઈ), (૧૨) સ્મિત કોઠારી, (૧૩) કુલીન શાહ (સુરત)નો સમાવેશ થાય છે તેમ જ શ્રી શત્રુંજય નવકારધામની અંજનશલાકા-પ્રતિષ્ઠા મહામહોત્સવની સુચારુ વ્યવસ્થા માટે પણ ૧૫ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2019 03:10 AM IST | | ચીમનલાલ કલાધર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK