Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સંસ્કારના પાયા પર જ શિક્ષણની ઇમારત ચણવી પડે, શિક્ષણના પાયા પર સંસ્કારો નહીં ચણી શકાય

સંસ્કારના પાયા પર જ શિક્ષણની ઇમારત ચણવી પડે, શિક્ષણના પાયા પર સંસ્કારો નહીં ચણી શકાય

Published : 15 November, 2026 07:44 AM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

ખરાબ, ખોટો અને લબાડ માણસ જોવા મળે ત્યારે ખોટ તેનામાં નહીં પણ તેના બાળઉછેરમાં જોજો

પ્રતીકાત્મક તસવીર

લાફ લાઇન

પ્રતીકાત્મક તસવીર


આચાર્ય ચાણક્યે વર્ષો પહેલાં પેરન્ટિંગનો શ્રેષ્ઠ શ્ળોક આપ્યો :
લાલયેત પંચ વર્ષાણી, તાડયેત દસ વર્ષાણી 
પ્રાપ્તે સમ્પ્રાપ્તે ષોડસે વર્ષે, પુત્ર મિત્ર સમાચરેત્
અર્થાત્ બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેને માત્ર પ્રેમ આપી લાડ લડાવો. દસ વર્ષે બાળકની ભૂલો માટે સહેજ કડક થાઓ અને સંતાન સોળ વર્ષનું થાય ત્યારે તેને મિત્ર સમજો.
આપણે ત્યાં લાલન-પાલન અને પોષણના ત્રણ તબક્કા છે. ‘લાલયેત પંચ વર્ષાણી’ પાંચ વર્ષ સુધી શિશુને ભરપૂર લાડ લડાવો. એ સમયે બાળક માત્ર સ્પર્શની ભાષા જાણતું હોય છે. તેને હૂંફાળી હગ આપો. તેની સામે ગુસ્સો ના કરો. ઝઘડાઓ ટાળો. તેનામાં પ્રેમ-કરુણા અને દયાના સદ્ગુણો વિકસે એવી કોશિશ કરો. આ સમય એ બાળઉછેરના શ્રીગણેશ માંડવાનો છે. ત્યારે બાળકની પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મનના યોગ્ય વિકાસ માટે મા-બાપે કમર કસવાની છે.
સ્પર્શ બાદ શ્રવણ વિકસાવવાનું છે. બાળકના કાને અલગ-અલગ અવાજોની ઓળખ કરાવવાની છે. એકાક્ષરી શબ્દોથી લઈ નાના કર્ણપ્રિય શ્ળોક, મંત્ર કે હાલરડાં સુધીની યાત્રા કરવાની છે. ‘હા... હા... હા... હા...’ માતાના કંઠથી વહેતો આ ચાર શબ્દોનો લય પણ બાળક માટે તો હાલરડું જ છે. જીવનમાં તું બધી જગ્યાએ હકારાત્મક થજે, જેની શરૂઆત ખરેખર તો આ ‘હા... હા...’ જેવા હકારથી થાય છે. ફ્રોબેલ નામના શિક્ષણવિદે પણ એ જ સૂચવ્યું છે, ‘નાના બાળકને ઇમોશનલ વૉમ્થ આપો.’ જેને મૅડમ મોન્ટેસરી પણ અનુસર્યાં છે કે, ‘લાડકોડ અને સ્પર્શનું જ્ઞાન માતા-પિતા ઘરમાં જ આપી શકે છે, એના માટે કોઈ સ્કૂલ કે શિક્ષકની જરૂર જ નથી.’ ત્યાર બાદ તેને દૃશ્ય બતાવવાનાં છે. બાળકની નાની-શી આંખો સમક્ષ તમે જ્યારે ગાય બતાડો કે કબૂતર દેખાડો ત્યારે એક ગજબનું વિસ્મય તમને જોવા મળે છે. પ્રાકૃતિક દૃશ્યોથી બાળકની આંખોને ‘નૉન-વર્બલ પેરન્ટિંગથી’ વિકસાવવાની છે.
પાલનમાં તેની નાની-નાની દૈનિક ક્રિયાઓની આચારસંહિતાઓને ઘડવામાં મદદરૂપ થવાનું છે. પાંચથી દસ વર્ષના બાળકને એકબીજાનું કહ્યું માનતાં શીખવવાનું છે. અહીં બાળક માટે થોડું કઠોર પણ થવું પડે છે. બાળક સહજ રીતે ઘરના વાતાવરણમાંથી જોઈને વધુ (અને બધું) શીખે છે. સવારમાં વહેલા જાગીને પૂજાપાઠ કરતાં દાદીમાથી તેની આસ્થા દૃઢ થાય છે. રસોડામાં પરિવારના સભ્યો માટે ચા-નારતો બનાવતી મમ્મીને જોઈ તેનામાં સમયબદ્ધતાની સભાનતા જન્મે છે. પ્રભાતે ભક્તિસંગીત જ સંભળાય, ફિલ્મ ગાણાંઓ નહીં. આ બાળકને કોઈ સ્કૂલ શીખવતી નથી. તે ઘરના પરિવારમાંથી જ મેળવે છે. સવારમાં સૂર્યને અર્ઘ્ય અપાય; જોરજોરથી ના બોલાય, જાગીને વડીલોને-ઈશ્વરને વંદન કરાય એવી તમામ બાબતો વાણીથી નહીં, પણ પરિવારજનોના વર્તનથી શીખે છે. ઘરના ઇમોશનલ અટૅચમેન્ટથી જ બાળકમાં સૉફ્ટ સ્કિલ ડેવલપ થાય છે.
સંસ્કારના પાયા ઉપર જ શિક્ષણની ઇમારત ચણવી પડે, શિક્ષણના પાયા પર સંસ્કારો નહીં ચણી શકાય. તગડી ફી ભરીને કેટલાંક માતા-પિતા સ્કૂલો પાસેથી સંસ્કારની અપેક્ષા રાખે છે જે વ્યર્થ છે, કારણ કે સ્કૂલમાં અક્ષરજ્ઞાન મેળવવાનું છે. યાદ રાખો. સ્કૂલે તો બાળક ૪ કે ૬ કલાક જ જાય છે, બાકી તમામ કલાકો તે ઘરમાં જ વિતાવે છે. મારા મતે ઘરથી મોટી કોઈ સ્કૂલ જ નથી અને માતા-પિતાથી સારા કોઈ શિક્ષક હોઈ જ ના શકે.
લાલન-પાલન બાદ પોષણનો તબક્કો આવે છે. બાળકને અન્નના પોષણ માટે લગભગ હવે કોઈ પરિવારને કશું કહેવાની જરૂર નથી, પરંતુ બાળકના મનના પોષણની ચિંતા કેટલા પેરન્ટ્સ કરે છે? બાળકની ઉંમર દસથી પંદર વર્ષનું છે તો ઘરમાં દેશનાં વીર ચરિત્રોનાં પંદર પુસ્તકો પણ તમે વસાવ્યાં? જ્યારે પણ કોઈ મહેમાન ઘરે આવે ત્યારે નાનકડા બાળકને તરત જ પાણીનો ગ્લાસ આપવા જવું હોય છે. ખરેખર તો તે પોતાની હયાતીની નોંધ લેવડાવવા માગે છે. ક્યારેક તેનાથી ગ્લાસ ઢોળાઈ જાય કે તૂટી જાય તો મા-બાપ તેને ખિજાઈ જાય. એ વખતે એ કાચના ગ્લાસ સાથે બાળકનો કૉન્ફિડન્સ પણ તૂટી જાય છે.
આપણે ઘણી વાર પરિવારનાં બાળકોમાં સરખામણી કરી બેસીએ છીએ. ઘરમાં પધારેલા મહેમાનોને ઓળખાણ આપતી વખતે જ કોઈ બોલી જાય છે કે, ‘આ મારી દીકરી અભ્યાસમાં પહેલો નંબર લાવે છે અને દીકરો તોફાનમાં...’ માતા-પિતા દ્વારા અજાણ્યા લોકો સમક્ષ થતી આવી ટિપ્પણીઓની બાળમાનસ ઉપર ઊંડી છાપ પડે છે, એની કંઈ-કેટલાંય માતા-પિતાને ખબર સુધ્ધાં નથી. જો તમે તમારાં સંતાનોનો સર્વાંગી વિકાસ ઇચ્છતા હો આ પ્રકારની મશ્કરી ઘરમાં સત્વરે બંધ કરી દેવી જોઈએ. 
‘તું ડફોળ છે; તું બાધોડકો છે; તું જિદ્દી છે; તું બહુ શરમાળ છે, તું રોતલ કે વેવલી છે.’ બાળકને આ પ્રકારના ઇલકાબ મોટા ભાગે ઘર-પરિવારમાંથી સૌથી પહેલાં મળે છે. આવા લેબલિંગથી બાળકોનો વિકાસ રૂંધાય છે. તેના કુમળા માનસ પર ઘેરા પ્રત્યાઘાતો પડે છે જે આગળ જતાં બાળકની ઓળખનો પર્યાય બની જાય છે. ભાઈ-બહેન કે બે ભાઈઓમાંથી કોઈ એકની પ્રશંસા કે નિંદા કરીને આપણે યેન કેન પ્રકારે એ ભાનેડા વચ્ચે અંતર વધારી રહ્યા છીએ. આ ધરતી ઉપર બે કાંકરા એકસરખા નથી હોતા તો તમે તમારાં જ બે બાળકો પાસે એકસરખી અપેક્ષા કેવી રીતે રાખી શકો?
બાળકો ખાલી ઘડો છે કે કોરી પાટી છે એ સંકલ્પનાઓ હવે જૂની અને જુઠ્ઠી સાબિત થઈ ચૂકી છે. બાળકો પાસે અભિવ્યક્તિનો અભાવ હોઈ શકે, પરંતુ દરેક બાળક પાસે પોતાનું ભાવવિશ્વ છે: અનેક વિચારો છે તેમ જ પૂર્વજન્મનાં સંચિત કર્મોનો પડછાયો છે.
આજે બાળકને વસ્તુઓની ભેટ-સોગાદોથી રાજી રાખવા બધા મથે છે, પણ તેની અંદર રહેલા અંધારાના ડરને કાઢવા કેટલાં મા-બાપે પ્રયત્ન કર્યો? જે શિશુનું લાલન-પાલન અને પોષણ લાગણીસભર રીતે થાય એ જ શ્રેષ્ઠ મનુષ્ય બને. હવે કેટલાક ચોર, ગુંડા, હત્યારા કે ભ્રષ્ટ નાગરિકો પાછળ મને તેનો વાંક તો સહેજ પણ નથી લાગતો. બાળકમાં કદી ખામી હોઈ શકે? ખોટ તો બાળઉછેરમાં જ હોય છે...
શું ક્યો છો?


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 07:44 AM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK