Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > અદી મર્ઝબાન એટલે નખશિખ પર્ફોર્મન્સનો માણસ

અદી મર્ઝબાન એટલે નખશિખ પર્ફોર્મન્સનો માણસ

Published : 29 January, 2022 12:54 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

રેડિયો માટે છ હજાર કરતાં વધુ કાર્યક્રમ લખ્યા અને ભજવ્યા. ૧૯૭૨માં ટીવીની શરૂઆત થતાં પહેલા જ દિવસથી તેઓ ટીવી સાથે પણ સંકળાયા : લોકોની નાડ અદી બરાબર પારખી શકતા. હસતાં-હસાવતાં સારી અને સાચી વાત તેઓ સિફતથી કહી શકતા

મોટા દિલના મોટા બાવા અદી મર્ઝબાન

મોટા દિલના મોટા બાવા અદી મર્ઝબાન


‘અદુલી, ટું આંય સું કરે ચ!’ આ શબ્દો સાંભળ્યા છે દાયકાઓ પહેલાં એ વખતના ઑલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. આ શબ્દો જેમાં અચૂક બોલાતા એ કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં એ કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ, જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પર્ફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે જન્મ. 
દાયકાઓ પહેલાંની વાત છે. બોરીબંદર કહેતાં વીટી નજીક એક્સેલ્સિયર થિયેટર. ૧૮૮૭માં નાટકો ભજવવા માટે શરૂ થયેલું. એ થિયેટરમાં અદી મર્ઝબાને એક હરીફાઈ યોજેલી. નિર્ણાયક તરીકે બોલાવેલા ચંદ્રવદન મહેતાને. અદીએ પોતે એમાં કરુણ રસથી છલકાતું ‘માયની માયા’ નામનું નાટક રજૂ કર્યું અને પહેલું ઇનામ જીત્યા. થોડા દિવસ પછી અદી પહોંચ્યા ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશન પર. જઈને કહે કે મારે મળવું છે ચંદ્રવદન મહેતાને. એ વખતે સીસી સ્ટાફ મીટિંગમાં. પણ મળવા બહાર ગયા. અદીની સીધી વાત : ‘મારે રેડિયો પર પ્રોગ્રામ કરવો છે.’ ‘ઠીક અદીભાઈ. ‘ટાંકણીની અણી’ પર પંદર મિનિટનો સ્કેચ લખી લાવો. ભજવવાની ગોઠવણ થઈ જશે.’ બીજા દિવસે સવારે સીસી રેડિયો સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ટેબલ પર પડેલું ‘ટાંકણીની અણી’, બરાબર પંદર મિનિટ ચાલે એવું હાસ્ય ભરપૂર રેડિયો રૂપક. આ વાત ૧૯૪૦ની. ત્યારથી ૧૯૮૫ સુધીમાં અદીએ ઑલ ઇન્ડિયા રેડિયો માટે પુષ્કળ લખ્યું, ભજવ્યું. સરવાળો માંડો તો છ હજાર કરતાં વધુ પ્રોગ્રામ થાય! 
‘લાઇવ પ્રોગ્રામ’ના જમાનામાં જે લખાયું-ભજવાયું એમાંનું ઘણુંખરું હવામાં ઊડી ગયું. અદીના કાર્યક્રમો એમાં અપવાદ. તેમની બીજી ઓળખાણ તે ‘જામે જમશેદ’ અખબારના માલિક-તંત્રી. એટલે પોતાની એકેએક સ્ક્રિપ્ટ જેવી લખાય કે તરત જાય કમ્પોઝ કરવા. ભાગ લેનારા દરેક કલાકારના હાથમાં છાપેલી સ્ક્રિપ્ટ હોય. રેડિયો સાચવે કે ન સાચવે, અદીએ એકેએક સ્ક્રિપ્ટ સાચવી રાખી. તેઓ બેહસ્તનશીન થયા પછી એ ખજાનો એનસીપીએને સોંપાયો જ્યાં આજે પણ એ સુરક્ષિત છે. 
પારસી નાટકને મૉડર્ન ટચ
અદીનો બીજો પ્રેમ સ્ટેજ. અનેક અંગ્રેજી અને પારસી ગુજરાતી નાટકો પોતે લખ્યાં, એનું દિગ્દર્શન કર્યું, એમાં અભિનય કર્યો. પારસી સમાજના પ્રશ્નો એમાં ચર્ચાતા, પણ ચર્ચા લાગે એવી રીતે નહીં. અંગ્રેજી મિશ્રિત પારસી બોલીનો ભરપેટ ઉપયોગ અને એવું જ ભરપેટ હોય હાસ્ય. એક જમાનામાં અદીનાં આ નાટકો જોવા બિનપારસીઓ પણ મોટી સંખ્યામાં જતા અને નાટકોને ભરપૂર માણતા. અદીએ પારસી નાટકની કાયાપલટ કરી નાખી. અદી પહેલાંનાં પારસી નાટકો પાંચ-સાત કલાક ચાલે, અનેક દૃશ્યો હોય, ઘણાંબધાં ગીતો ગવાય, ચીતરેલા પડદા પડે ને ઊપડે. અદીનો ખેલ અઢી-ત્રણ કલાકનો. ગીતો નહીં. દૃશ્યોની સંખ્યા મર્યાદિત. મોટા ભાગે એક જ સેટ પર ભજવાય. ટૂંકમાં અદીએ પારસી નાટકને મૉડર્ન બનાવ્યું. 
પણ અદી એટલે માત્ર પારસી નાટકો જ નહીં. કનૈયાલાલ મુનશીમાં માણસને પારખવાની અને તેને યોગ્ય સ્થાને બેસાડવાની ગજબની સૂઝ હતી. એટલે તેમણે અદીને ભારતીય વિદ્યા ભવનના કલા કેન્દ્ર સાથે જોડ્યા. એના બૅનર નીચે અદીએ ‘શુદ્ધ ગુજરાતી’માં પણ અનેક નાટકો સફળતાપૂર્વક રજૂ કર્યાં. અદીનું પહેલું નોંધપાત્ર પારસી નાટક ‘પિરોજા ભવન’ પણ ૧૯૫૪માં કલાકેન્દ્રના બૅનર નીચે ભજવાયેલું એટલું જ નહીં, પચીસ શો સુધી થિયેટર પર ‘હાઉસફુલ’નું પાટિયું લટકતું હતું. 
આવો મારી સાથે
પછી ૧૯૭૨ના ઑક્ટોબરની બીજી તારીખથી દેશમાં આવ્યું ટીવી. અને પહેલા જ દિવસથી અદી ટીવીના કાર્યક્રમો સાથે સંકળાયા. ત્યારે આજ જેવી ચૅનલોની ભરમાર નહીં. સરકારી દૂરદર્શનની પહેલાં તો એક જ ચૅનલ. એ પણ રોજના છ-આઠ કલાક જ ચાલે. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતીમાં નિયમિત રીતે કાર્યક્રમો થાય. એમાં સૌથી વધુ લોકો સુધી કોઈ કાર્યક્રમ પહોંચી શક્યો હોય તો એ અદીનો ‘આવો મારી સાથે.’ રેડિયોના સ્પોકન વર્ડનો માણસ ટીવી પર પણ છવાઈ ગયો.
લોકોની નાડ અદી બરાબર પારખી શકતા. હસતાં-હસાવતાં સારી અને સાચી વાત તેઓ સિફતથી કહી શકતા. બુદ્ધિ ધાનશાક મંડળ કાર્યક્રમની લોકપ્રિયતા એનો પુરાવો. અદી, સિલ્લા અને ગોવિંદજીના પાત્રમાં ચંદ્રવદન મહેતા જે ધમાલ કરતાં! ચન્દ્રવદનભાઈ તો રેડિયો પર નોકરી કરે. એમની બદલી અમદાવાદ સ્ટેશને થઈ. એટલે ગોવિંદજીના પાત્રને મારી નાખવું પડ્યું. પણ એ પછી શ્રોતાઓએ હજારો પત્રો લખી જે કકળાટ મચાવ્યો છે! સરકારી તંત્ર ઝૂક્યું. દર હપ્તે આ કાર્યક્રમમાં ગોવિંદજીનું પાત્ર ભજવવા સીસી અમદાવાદથી મુંબઈ આવશે એમ ઠરાવાયું. અને એટલે ગોવિંદજીના પાત્રને અદીએ ફરી સજીવન કર્યું. 
બુદ્ધિ ધાનશાક મંડળ 
પણ બુદ્ધિ ધાનશાક મંડળ એ તે વળી કેવું નામ? એ જમાનામાં બીબીસી રેડિયો પરથી ‘બ્રેઇન ટ્રસ્ટ’ના નામે થતા પ્રોગ્રામો ભારે લોકપ્રિય. ગુજરાતી અને મરાઠી વિભાગના પ્રોડ્યુસરોને પોતપોતાની ભાષામાં એવો કાર્યક્રમ કરવાની સૂચના ‘ઉપરથી’ આવી. સીસીએ નામ સૂચવ્યું ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને એ કામ સોંપ્યું અદીને. ત્યારે તો હા ભણીને અદી ચાલ્યા ગયા, પણ કલાક પછી પાછા આવી કહે કે ‘બૉસ, તમારા ટાઇટલની પૅરોડી કરીએ તો? સીસી કહે, તો ‘બુદ્ધિધ્વંસક મંડળ’ રાખો. પણ અદી કહે કે અમારા પારસી પોરિયાઓને એવું બોલતા જ નહીં આવડે. પછી કહે કે આવતી કાલે હું સ્ક્રિપ્ટ લખીને લઈ આવું પછી એ વાંચી-વિચારી ટાઇટલ નક્કી કરીશું. બીજા દિવસે સ્ક્રિપ્ટની સાથે ટાઇટલ પણ લઈ આવ્યા – ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ કહે, આ ધાનશાક પારસીઓની એક બહુ જ પૉપ્યુલર ડિશ છે. બસ, એ દિવસથી બાર વર્ષ સુધી અદીના આ ધાનશાકનો સ્વાદ રેડિયોના શ્રોતાઓને કાને વળગી ગયો. 
અદી પર્ફોર્મન્સના માણસ એ વાત સો ટકા સાચી, પણ વ્યવસાયે તો એ હતા પત્રકાર. બાવીસ વરસની ઉંમરે મુંબઈના ‘જામે જમશેદ’ અખબારના અને ‘ગપસપ’નામના હાસ્યના સામયિકના તંત્રી બન્યા અને પૂરાં પચાસ વર્ષ તંત્રીની ખુરસી પર બેઠા. પણ માનશો? એ ખુરસી પર બેસીને નવરાશની પળોમાં અદી હાથમાં સોયા અને દોરા લઈ ભરત-ગૂંથણ કરતા. કોઈ પૂછે તો જવાબ આપતા : ‘બધ્ધું સિખવાનું.’ ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનના તેઓ છેલ્લા સીધા વારસ હતા એ વાત બહુ ઓછી ધ્યાન પર આવી છે. ૧૮૨૨માં પહેલવહેલું ગુજરાતી અખબાર શરૂ કરનાર ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં. તેમની પાંચમી પેઢીએ થયેલા અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે. આ પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબનો કોઈ ને કોઈ નબીરો ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલો રહ્યો. ફરદુનજીના પાંચમી પેઢીના વારસ અદી તે આ કુટુંબના છેલ્લા તંત્રી. એક જ કુટુંબની પાંચ પેઢીના સભ્યો પત્રકારત્વ સાથે સતત સંકળાયેલા રહ્યા હોય એવા દાખલા આખી દુનિયામાં પણ ઓછા જ જોવા મળશે. 
અદીનું એક ખૂબ લોકપ્રિય થયેલું નાટક હતું ‘મોટા દિલના મોટા બાવા’. નાટકોનાં રિહર્સલ દરમ્યાન નટ-નટીઓને એક વાક્ય મોટા દિલના મોટા બાવા એવા અદીને મોંએથી ઘણી વાર સાંભળવા મળતું : ‘શું ભૂલી જવાનું, તે યાદ રાખવાનું.’ પણ અદીબાવા, તમને ભૂલી જવાનું અમે ક્યારેય યાદ નહીં રાખી શકીએ, કારણ કે તમને ભૂલી જવા એટલે ગુજરાતી રેડિયો અને રંગભૂમિના એક સોનેરી પ્રકરણને ભૂલી જવું. 


એ ખુરસી પર બેસીને નવરાશની પળોમાં અદી હાથમાં સોયા અને દોરા લઈ ભરત-ગૂંથણ કરતા. કોઈ પૂછે તો જવાબ આપતા : ‘બધ્ધું સિખવાનું.’
lll
કેટલાક પ્રતિભાવ : ઑલ ઇન્ડિયા રેડિયો વિશેના ગયા બે લેખો માટે જે પ્રતિભાવો મળ્યા એમાંથી બે પ્રતિભાવ  અહીં શૅર કરું છું. : ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશનથી ચાલતાં માંડ પાંચ-સાત મિનિટ દૂર આવેલું એક મકાન, નામે ગુલબહાર. આજે પણ અડીખમ ઊભું છે. એક જમાનામાં એમાં એક નહીં, બે વર્ષા રહે. આડોશીપાડોશી તેમને ઉપરવાળી વર્ષા અને નીચેવાળી વર્ષા તરીકે ઓળખે. ‘ઉપરવાળી’ તે જાણીતાં પત્રકાર-લેખક લાભુબહેન મહેતા અને મોહનભાઈ મહેતા ‘સોપાન’ની દીકરી વર્ષા મહેતા (હવે દાસ). અને બીજી તે અગ્રણી લેખક ગુણવંતરાય આચાર્યની દીકરી વર્ષા આચાર્ય (હવે અડાલજા). બન્ને કૉલેજકાળથી આ લખનારની મૈત્રિણીઓ. (બન્ને વર્ષાનો અહીં મૂકેલો ફોટો ‘નીચેવાળી’ વર્ષાના સૌજન્યથી.) દિલ્હીથી વર્ષા દાસ લખે છે : મેં child artist તરીકે ‘લોહીની સગાઈ’ નાટકમાં  ભાગ લીધેલો. વસુબહેન દિગ્દર્શક, દીનાબહેન ગાંધી મારી મા અને હું તેમની મૂંગી દીકરી. મારે મોઢેથી જાતજાતના અવાજો જ કાઢવાના હતા. રેકૉર્ડિંગ પૂરું કરીને ડ્યુટી રૂમમાં જવાનું ને ત્યાં બેઠેલાં એક પારસી કે ક્રિશ્ચિયન બહેને એક કાગળ પર મારી સહી લીધી ને મને પાંચ રૂપિયાની કડકડતી નોટ આપી. મારી આ પહેલી કમાણીથી હું તો રાજી-રાજી. ઑલ ઇન્ડિયા રેડિયોનું મકાન ઘરની નજીક જ હતું . હું તો દોડતી, કૂદતી ઘરે આવી અને રુઆબભેર એ પાંચ રૂપિયા બાના હાથમાં મૂક્યા! એ આખો પ્રસંગ મને આજે, ૭૯ વર્ષની ઉંમરે પણ યાદ છે. તમારો લેખ વાંચીને  યાદ તાજી થઈ!  
તો વર્ષા અડાલજા લખે છે : મારું ઘર રેડિયો સ્ટેશનની બાજુમાં એટલે પપ્પા પાસે લખાવવા ગિજુભાઈ જાતે જ આવે. હું રેડિયો પર એનાઉન્સર હતી ત્યારે મને ખૂબ આગ્રહ કરેલો એક્ઝામ આપવા માટે જેથી હાયર કાયમી પોસ્ટ મળે. પણ બદલી થવાના ડરથી મેં પરીક્ષા ન આપી. ભવનની એક નાટ્યસ્પર્ધામાં અમે સાથે જજ હતાં. અમારા ઇનામના નિર્ણયથી વિદ્યાર્થીઓ  ગિન્નાયા અને ટોળું તોફાને ચડ્યું ત્યારે આગ્રહપૂર્વક મને પાછલે બારણેથી ભગાડી અને ગિજુભાઈ ફેસ્ડ ધ મ્યુઝિક. 
હવે આપણે પણ રેડિયોના પાછલે બારણેથી નીકળીએ અને જઈએ... ક્યાં? ધીરી બાપુડિયાં.  



 


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2022 12:54 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK