Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > છુપાયેલી સક્ષમતાનો સાક્ષાત્કાર

છુપાયેલી સક્ષમતાનો સાક્ષાત્કાર

27 November, 2019 03:33 PM IST | Mumbai
Sejal Ponda

છુપાયેલી સક્ષમતાનો સાક્ષાત્કાર

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


જીવનમાં વારંવાર આવતી મુશ્કેલીથી તમે ત્રસ્ત છો? કંટાળેલા છો? હારી ગયા છો? મુશ્કેલીનો સામનો કરતાં થાકી ગયા છો? મારા જ જીવનમાં મુશ્કેલી કેમ? શું એવા પ્રશ્નો તમને સતાવે છે? મારાં નસીબ જ ખરાબ છે, શું આવું સ્ટેટમેન્ટ તમે વારંવાર આપ્યા કરો છો? જવાબ હા હોય તો ડરવાની જરૂર નથી. હા, પણ ચેતી જવાની જરૂર છે. એક નેગેટિવ વિચાર મનમાં આવે પછી એ વિચાર ધીરે-ધીરે મનમાં અડ્ડો જમાવે અને પલાંઠી વાળી બેસી જાય છે. એ વિચાર અને વિચારોની હારમાળા આપણને કળ લેવા નથી દેતા. આપણે જે વિચારીએ એવું જ માનવા લાગીએ છીએ. અને એ નેગેટિવ વિચાર આપણા મગજ પર હાવી થઈ જાય છે.

માણસ થાકે, હારે, હતાશ થાય, નિરાશ થાય એ સ્વાભાવિક છે. આવું થવાનો અર્થ એ નથી કે આપણામાં ખામી છે અને આપણે મુશ્કેલીઓનો સામનો કરવા સક્ષમ નથી. મુશ્કેલી તરફ જોવાની, એનો સામનો કરવાની, એને સહન કરવાની દરેકની દૃષ્ટિ જુદી હોય છે. સામનો કરવાની મર્યાદા જુદી હોય છે. એનું પ્રમાણ વધતું-ઓછું હોઈ શકે છે. આપણે સામનો કરવા સક્ષમ તો છીએ જ. આપણે સામનો નથી કરી શકતા એ વિચાર જ ખોટો છે.



જ્યારે આપણી સક્ષમતા પર શંકા ઊભી થાય ત્યારે એક બહુ જ સુંદર અને પ્રેરણાદાયી વાક્ય વાંચવું, એનો અમલ કરવો, એને જીવનમાં ઉતારવું. એ વાક્ય છે ઃ જીવનમાં મુશ્કેલીઓ આપણને બરબાદ કરવા નહીં પણ છુપાયેલી શક્તિઓને બહાર લાવવામાં મદદ કરે છે. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબનું આ પ્રેરણાત્મક વાક્ય જીવવાનું બળ આપે છે.


મુશ્કેલી, સંઘર્ષથી આપણે બરબાદ થઈ જઈશું એ વિચારમાત્ર આપણી અંદરની નેગેટિવિટી છે. વાસ્તવમાં મુશ્કેલી અને સંઘર્ષથી આપણું ઘડતર થાય છે. આપણી અંદર એવી શક્તિ છુપાયેલી હોય છે જેની જાણ આપણને હોતી નથી અને એ જાણ આપણને મુશ્કેલી આવ્યા બાદ જ થાય છે. પણ મુશ્કેલી આવે ત્યારે ક્યારેક એટલી સભાનતા નથી રહેતી કે આપણને એ શક્તિનો અહેસાસ થાય. અને આપણે હતાશ થઈ જઈએ છીએ. એ મુશ્કેલી, સંઘર્ષનો સામનો કરતાં-કરતાં જ્યારે એમાંથી બહાર નીકળી જઈએ ત્યારે સમજાય કે ઓહો હું તો આ કપરા સમયમાંથી પણ પસાર થઈ ગઈ કે પસાર થઈ ગયો.

મુશ્કેલીનો સામનો કરવાની દૃઢતા કેળવવી પડે. લડવા માટે જાતને તૈયાર કરવી પડે. પણ મુશ્કેલી આવે ત્યારે આપણે હતાશ થઈ જઈએ, ભાંગી પડીએ અને લડતાં પહેલાં જ હાર માની લઈએ એવું બની શકે છે. આ નૅચરલ છે. આવા સમયે મન અશાંત થઈ જાય છે. બેચેન થઈ જાય છે. કંઈ સૂઝતું નથી હોતું. એટલે આવા કપરા સમયે સૌથી પહેલાં તો જાતને ધીમી કરવાની જરૂર હોય છે. શું થશે? કેવી રીતે થશે? એવા હતાશ કરનારા પ્રશ્નોને બાજુ પર મૂકવા પડે અને મનને શાંત કરવાના પ્રયત્ન કરવા પડે. મન હેરાન કરે તો એને ઠપકો આપવો પડે. આવા સમયે આપણું સૌથી પહેલું સ્ટેપ એટલે ઊંડો શ્વાસ લેવાનો અને જાતને વારંવાર કહેવાનું કે હું આમાંથી બહાર નીકળી જઈશ. મારે નીકળવું જ છે. હું કપરી પરિસ્થિતિમાંથી નીકળીને બતાવીશ. આટલાં વાક્યો પણ જો મનમાં બોલતા જાય તો મન-મગજ આ વાક્ય પર વિશ્વાસ કરતાં થઈ જશે અને મુશ્કેલીની જગ્યાએ ધ્યાન એનાં સોલ્યુશન શોધવામાં લાગી જશે. 


મુશ્કેલી આવ્યા પછી એનો હાઉ આપણા પર હાવી થઈ જાય છે, જેને કારણે રસ્તો જડતો નથી અને આપણે હતાશા તરફ ધકેલાતા જઈએ છીએ. જિંદગી છે તો મુશ્કેલી આવશે એ સત્યનો પહેલાં તો સ્વીકાર કરવો પડે. આપણે સત્ય સ્વીકારમાં બહુ ઉદાસીન હોઈએ છીએ, કારણ કે સત્ય કડવું હોય છે અને આપણને માત્ર ગળી-મીઠી જિંદગી જ જીવવી છે. જીવવાની આ ખોટી રીત છે.

જીવનનું દરેક સત્ય સ્વીકારીને જીવવું એ બહુ મોટી કળા છે. આ કળામાં ફાવટ આવતી જાય તો ગમેતેવા સંજોગો આવે આપણે એનો સામનો કરવા તહેનાત હોઈએ છીએ.

 

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2019 03:33 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK