૬૦-૭૦ની ઉંમર વટાવ્યા બાદ શરીર નબળું પડતું જાય છે ત્યારે અંધેરીના ચાર બંગલા વિસ્તારમાં રહેતાં મંજુલા પારેખ ૯૯ વર્ષની ઉંમરે પણ પોતાનું કામ જાતે કરી શકે એટલાં સ્વસ્થ છે અને એ જોઈને આખો પરિવાર પ્રેરણા લે છે
પહેલી સપ્ટેમ્બરે કેક કાપીને ૧૦૦મા જન્મદિવસની ઉજવણી કરી
જિંદગીમાં ક્યારેક આપણે એવા લોકોને મળીએ છીએ જેઓ પોતાની સાદગી, સંયમ અને સંતોષથી જીવન જીવતા હોય છે. તેમની સામે બેસતાં જ આપણને સમજાય છે કે સાચી સમૃદ્ધિ પૈસાની નહીં, મનની શાંતિ અને સંતોષની છે. અંધેરીના ચાર બંગલા વિસ્તારમાં રહેતાં મંજુલા પારેખ એવું જ વ્યક્તિત્વ ધરાવે છે. ઉંમરની શતાબ્દીમાં પ્રવેશ કર્યો હોવા છતાં જીવન પ્રત્યેનો તેમનો ઉત્સાહ, પ્રામાણિકતા અને અપ-ટુ-ડેટ રહેવાનો તેમનો જુસ્સો આજે પણ તેમને તંદુરસ્ત અને પ્રેરક બનાવે છે.
સાદગીસભર જીવન
ADVERTISEMENT
૯૯ વર્ષ પૂરાં કરીને ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકેલાં મંજુલાબહેનના જીવનમાં વર્ષોથી નિયમિતતા છે એમ જણાવતાં તેમનાં બહેનના દીકરાની વહુ દીપિકા પારેખ કહે છે, ‘મંજુલાબહેન મારાં માસીસાસુ થાય. હું અંધેરીમાં જ રહું છું એટલે તેમનાથી કનેક્ટેડ રહું છું. પહેલી સપ્ટેમ્બરે તેમણે જીવનની શતાબ્દીમાં પ્રવેશ કર્યો હતો અને અમે સરપ્રાઇઝ આપી હતી. તેમને જાણ કર્યા વિના કેક લઈને ઘરે ગયા અને સેલિબ્રેશન કર્યું, પણ કોણ જાણે અંદરખાને તેમને ખબર પડી ગઈ હશે કે આ લોકો મારો જન્મદિવસ ઊજવવા ઘરે ભેગા થશે એટલે પહેલેથી જ ચવાણું અને વેફર્સ મગાવી રાખ્યાં હતાં. પરિવારજનો સાથે મળીને આ દિવસને યાદગાર બનાવી દીધો. તેમની પાસેથી મને ઘણી પ્રેરણા મળી છે. સવારે ૭ વાગ્યે તેમના દિવસની શરૂઆત અચૂક થઈ જાય છે. અમે તો કહીએ કે આટલાં વહેલાં ઊઠીને તમારે ક્યાં જવું છે? પણ તેમનું માનવું છે કે વહેલાં ઊઠવું એ તંદુરસ્ત સ્વાસ્થ્યની નિશાની છે એટલે બધાએ વહેલા ઊઠવું જોઈએ. તેમની કૅરટેકરને પણ ૭ વાગ્યે ઉઠાડી દે છે’.
મંજુલાબહેન આ ઉંમરે પણ જાતે સ્નાન કરીને ખાઈ-પી લે છે. તેમની વર્ષોથી બદામ અને અખરોટનો એક ચમચી જેટલો પાવડર ખાવાની આદત આજે પણ યથાવત્ છે. જીવનમાં પંક્ચ્યુઅલ હોવાથી તેમને ૧૧ વાગ્યે જમવાનું જોઈએ એ નિયમ કોઈ દિવસ બંધ ન થાય. કપડાં પહેરવાની તેમની સ્ટાઇલ નીટ ઍન્ડ ક્લીન છે. ઘર, રસોડું અને વ્યક્તિગત સ્વચ્છતા માટે તેઓ આજેય સજાગ રહે છે. ઉંમરના આ તબક્કે તેમને યોગ અને પ્રાણાયામ કરવાનું ગમે છે અને તેઓ કરે પણ છે. જીવનમાં અનુકૂળતા અને તંદુરસ્તીનું રહસ્ય કદાચ એ જ હોઈ શકે.
તહેવારોને તેઓ ખૂબ મહત્ત્વ આપે છે એમ જણાવતાં દીિપકાબહેન કહે છે, ‘પહેલાં પોતે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતાં, હવે કૅરટેકર પાસેથી બનાવડાવે છે. મીઠાઈ તેમને ખૂબ ભાવે છે, ખાસ કરીને લાપસી અને કંસાર બનાવતાં તેમણે મને શીખવાડ્યું છે. તહેવાર આવે એટલે પકવાન તો બનવાં જ જોઈએ અને તો જ લાગે કે તહેવાર આવ્યો. આયુર્વેદિક જ્ઞાન પણ તેમને સારું છે. કોઈને કોઈ તકલીફ થાય તો તરત ઘરગથ્થુ ઉપાય બતાવે. માસીની લાઇફ બહુ જ સિમ્પલ રહી છે. ૫૦ વર્ષની ઉંમરે પતિનો દેહાંત થયો ત્યારથી એકલાં જીવન વ્યતીત કરી રહ્યાં છે. તેઓ નિઃસંતાન હોવાથી તેમની દેરાણીના દીકરાએ બહુ ધ્યાન રાખ્યું છે. કોરોનાકાળમાં તેમનું અવસાન થતાં અત્યારે તેમનો દીકરો ધવલ તેમની કાળજી લઈ રહ્યો છે. જીવનના આવા કપરા તબક્કે ક્યારેય કોઈ ફરિયાદ કે નારાજગી વ્યક્ત કરી નથી. હંમેશાં હસતું મોઢું હોય અને જ્યારે હાલચાલ પૂછીએ ત્યારે ‘ગાડું ગબડે છે’ કહીને દરેક પરિસ્થિતિને સ્વીકારી લે છે. જીવનમાં અનેક પડકાર આવ્યા હોવા છતાં તેઓ હંમેશાં સંતોષ સાથે જીવ્યાં છે. ક્યારેય કોઈ સાથે ઝઘડો નથી કર્યો કે કોઈ ફરિયાદ કરી નથી. તેમના ચહેરા પર હંમેશાં શાંતિ અને પ્રેમ ઝળહળતો રહે છે.’

પરિવાર સાથે બર્થ-ડે સેલિબ્રેશન
બાયપાસ સર્જરી
આમ તો મંજુલાબહેનનું સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ છે, પણ જ્યારે તેઓ ૭૫ વર્ષનાં હતાં એટલે કે આજથી પચીસ વર્ષ પહેલાં તેમના હાર્ટની બાયપાસ સર્જરી થઈ હતી. હાર્ટમાં બ્લૉકેજ ડિટેક્ટ થયા ત્યારની પરિસ્થિતિને યાદ કરતાં દીપિકાબહેન કહે છે, ‘૭૫ વર્ષની ઉંમરે બાયપાસનું ઑપરેશન કરાવવાનું હોય તો ભલભલા હિંમત હારી જાય, પણ એ વખતે બાયપાસ સર્જરી નામનું પુસ્તક આવ્યું હતું અને મારા હસબન્ડે તેમને આપીને કહ્યું હતું કે માસી, તમે આ પુસ્તક વાંચો અને પછી નિર્ણય લો કે તમારે ઑપરેશન કરાવવું છે કે નહીં. વાંચનનાં શોખીન હોવાથી પુસ્તક વાંચી લીધું અને સામેથી અમને કહ્યું કે હું ઑપરેશન માટે રેડી છું. પછી અમે હિન્દુજા હૉસ્પિટલમાં ઑપરેશન કરાવ્યું અને એ સફળ થયું. ઑપરેશન કરાવ્યું ત્યારે પણ તેમણે કોઈની મદદ નહોતી લીધી. જાતે જ બધું કરી લેતાં હતાં.’
જિજ્ઞાસુ સ્વભાવ
ઉંમર વધી હોવા છતાં મંજુલાબહેનની જિજ્ઞાસા ઓછી થઈ નથી એ વિશે વાત કરતાં ધવલ કહે છે, ‘મોટાં દાદી આજે પણ બિલોરી કાચની મદદથી આખું છાપું વાંચી જાય. દેશ અને દુનિયામાં શું ચાલે છે અને પૉલિટિક્સમાં શું અપડેટ છે એ બધી માહિતીની તેમને ખબર હોય છે. કાને ઓછું સંભળાતું હોવા છતાં વૉલ્યુમ વધારીને મનગમતી ટીવી-સિરિયલ્સ જોઈ લે છે. એમાંય ‘અનુપમા’ તો તેમની ફેવરિટ સિરિયલ. એનો તો એક એપિસોડ ન મૂકે. મારી આખી ફૅમિલી ક્રિકેટની શોખીન છે અને મોટાં દાદીને પણ આ ગેમ બહુ ગમે. એની અપડેટ પણ રાખે. સ્ટૉક માર્કેટ વિશે પણ અપડેટેડ રહે છે. થોડા સમય પહેલાં અદાણીના શૅર્સના ભાવ ઓછા થઈ ગયા હતા ત્યારે તેમણે મને કહ્યું હતું કે તેં તો અદાણીના શૅર્સમાં વધુ રોકાણ નથી કર્યુંને? જો કર્યું હોય તો ધ્યાન રાખજે કે શૅર્સના ભાવ ગબડી ગયા છે. આટલું કહ્યું ત્યાં મેં તેમને કહ્યું કે ના દાદી, તમે ટેન્શન નહીં લો, મેં વધુ રોકાણ નથી કર્યું. અમારી ફૅમિલીમાં પહેલેથી જ શૅરમાર્કેટમાં રોકાણ થતું હોવાથી તેમને પણ આ ફીલ્ડનું જ્ઞાન મળી ગયું.’
મંજુલાબહેનના જીવનના કપરા દિવસોને યાદ કરતાં ધવલ કહે છે, ‘યુવાનીમાં દાદી તેમના હસબન્ડની ઑફિસમાં જતાં અને કામમાં મદદ કરાવતાં. મોટાં દાદીના પતિનો પરેલમાં ચાલતી ટેક્સટાઇલ મિલ્સનો સામાન સપ્લાય કરવાનો બિઝનેસ હતો. તેમના અવસાન બાદ થોડા સમય સુધી ઑફિસમાં ગયાં પણ સમાજના લોકોની ટીકાને કારણે તેમણે જવાનું બંધ કરી દીધું. એક સમય એવો પણ હતો કે તેમણે શાળામાં નાનાં બાળકોને શિક્ષણ આપ્યું. આ શિક્ષકવૃત્તિ તેમનામાં આજે પણ જીવંત છે. તેઓ પોતાના નજીકના લોકોને ઇન્વેસ્ટમેન્ટ શીખવાડે છે, બધું લખાવી રાખવાનું કહે છે જેથી આગામી પેઢીઓને પણ ફાયદો થાય.’


