Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વ્યાજદર ઘટી રહ્યા હોવાથી સોનામાં વણથંભી તેજી

વ્યાજદર ઘટી રહ્યા હોવાથી સોનામાં વણથંભી તેજી

08 August, 2019 01:44 PM IST | મુંબઈ
બુલિયન વૉચ

વ્યાજદર ઘટી રહ્યા હોવાથી સોનામાં વણથંભી તેજી

ગોલ્ડ

ગોલ્ડ


સોનાના ભાવમાં વિદેશી બજારમાં વણથંભી તેજી જોવા મળી રહી છે. ગઈ કાલે એક જ દિવસે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ થાઇલૅન્ડ અને રિઝર્વ બૅન્ક ઑફ ન્યુ ઝીલૅન્ડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. વ્યાજદરમાં ઘટાડો આર્થિક વિકાસ ઘટી રહ્યો હોવાની નિશાની છે. અમેરિકાએ ગયા સપ્તાહે જ વ્યાજદર ઘટાડ્યો છે અને યુરોપમાં સપ્ટેમ્બર મહિનાથી અર્થતંત્રને બેઠું કરવા માટે વધારે નાણાપ્રવાહ આવી રહ્યો છે. નાણું જ્યારે વધે, નાણું સસ્તું થાય ત્યારે સોના જેવી ઍસેટમાં ભાવ વધે છે અને લોકો એને સલામત રોકાણ ગણી એમાં રોકાણ કરે છે.

વિદેશી બજારમાં સોનાના હાજરના ભાવ ૨૧.૫૦ ડૉલર વધી ૧૪૯૬.૫૦ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યા છે જે એપ્રિલ ૨૦૧૩ પછીની સર્વાધિક સપાટી છે. ન્યુ યૉર્ક ખાતે ડિસેમ્બર કોમેકસ વાયદો ૨૩.૬૫ ડૉલર વધી ૧૫.૦૭.૮૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે જે પણ છ વર્ષની ઊંચી સપાટીએ છે. વિદેશમાં ભાવ વધવાની સાથે અને ભારતમાં ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી અહીં પણ ભાવ વધવાનો દોર ચાલી રહ્યો છે. સોમવારથી જ સર્વાધિક સપાટીએ રહેલા ભાવ આજે વધારે ઊછળી વિક્રમી સ્તરે પહોંચી ગયા છે.



મુંબઈમાં ભાવ ૩૮૦૦૦ને પાર


ભારતમાં હાજર બજારમાં સોનાના ભાવ બુધવારે ફરી એક વાર ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. હાજર બજારમાં મુંબઈ ખાતે સોનું ૭૭૫ રૂપિયા વધી ૩૮,૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. સોમવાર પછી સતત સોનાનો ભાવ વિક્રમી સ્તરે જોવા મળી રહ્યો છે. સોનાની સાથે ચાંદીના ભાવ પણ ૧૦૮૦ રૂપિયા વધી ૪૪,૨૦૦ રૂપિયા પ્રતિ એક કિલો રહ્યા હતા. આ ઉપરાંત, વાયદા બજારમાં પણ સોનું સૌથી ઊંચી સપાટીએ બંધ આવ્યું હતું.

એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ઉપરમાં ૩૭૮૭૨ રૂપિયા અને નીચામાં ૩૭૬૧૩ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૨૪ વધીને ૩૭૮૨૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૪૦ વધીને ૮ ગ્રામદીઠ ૨૯૭૫૧ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૯ વધીને ૧ ગ્રામદીઠ ૩૭૫૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૯૮ વધીને બંધમાં ૩૭૪૮૦ રૂપિયાના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩૧૮૦ રૂપિયા ખૂલી, ઉપરમાં ૪૩૨૬૦ અને નીચામાં ૪૨૮૩૯ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૩૦ વધીને ૪૩૨૧૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૭૧૦ વધીને ૪૩૨૧૧ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૭૨૧ વધીને ૪૩૨૧૮ રૂપિયા બંધ રહ્યા હતા.


વ્યાજદરમાં ઘટાડો

ભારતની રિઝર્વ બૅન્કે વ્યાજનો દર ૦.૨૫ ટકા ઘટાડ્યો હતો. ન્યુ ઝીલૅન્ડમાં વ્યાજનો દર ૦.૫૦ ટકા ઘટ્યો છે. ભારતમાં વ્યાજનો દર નવ વર્ષાના તળિયે છે. ડૉલર નબળો પડતાં અમેરિકામાં ૧૦ વર્ષના ટ્રેઝરીના યીલ્ડ ૧.૭ ટકા થયા છે જે ત્રણ વર્ષમાં સૌથી નીચે છે. જર્મનીમાં યીલ્ડ નેગેટિવ છે અને એ પણ વિક્રમી સપાટીએ પટકાયા હતા.

ડૉલર નબળો પડ્યો

ડૉલર વિદેશી બજારોમાં મહત્વના ચલણો સામે નબળો પડ્યો હતો. યુરો આજે ૦.૧૭ ટકા વધી ૧.૧૨૨૦, યેન સામે ડૉલર ૦.૬૧ ટકા ઘટી ૧૦૫.૭૭, સ્વીસ ફ્રાંક સામે ડૉલર ૦.૩૫ ટકા ઘટી ૦.૯૭૩૨ની સપાટીએ છે. ડૉલર ઇન્ડેક્સ ૦.૧૨ ટકા ઘટી ૯૭.૨૯૫ની સપાટીએ છે. ટ્રેડ-વૉરના કારણે બજારમાં લોકો સલામત ચલણ તરફ આગળ વધી રહ્યા છે એટલે ડૉલર નબળો પડ્યો છે અને યેન અને ફ્રાંક જેવાં ચલણ મજબૂત થઈ રહ્યાં છે.

ડૉલર સામે રૂપિયો સતત પાંચમા દિવસે ગબડ્યો

ડૉલર સામે રૂપિયામાં ઘટાડો સતત પાંચમા દિવસે જોવા મળ્યો હતો. રિઝર્વ બૅન્કની ધિરાણનીતિના કારણે ફોરેક્સ માર્કેટમાં તીવ્ર વધઘટ જોવા મળી હતી. મંગળવારે ૭૦.૮૧ની સપાટીએ બંધ રહેલો રૂપિયો સવારે ૭૦.૯૨ ખૂલી, વધીને ૭૦.૬૨ થયા બાદ ઘટીને ૭૦.૯૯ થઈ ગઈ કાલે ૭૦.૮૯ની સપાટીએ બંધ આવ્યો હતો. આજે રૂપિયાનું મૂલ્ય આઠ પૈસા ઘટ્યું હતું અને છેલ્લા પાંચ દિવસમાં કુલ ૨૧૦ પૈસા ઘટી ગયો છે.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2019 01:44 PM IST | મુંબઈ | બુલિયન વૉચ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK