સુરત ડાયમંડ બુર્સ (Surat Dimond Bourse)ની 135 ઑફિસોનું અનૌપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હીરાના 135 વેપારીઓમાંથી 26 વેપારીઓ મુંબઈથી પોતાની ઑફિસો કાયમી ધોરણે બંધ કરીને સુરતમાં સ્થળાંતરીત થયા છે
સુરત ડાયમંડ બુર્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 17 ડિસેમ્બરે ડાયમંડ બજારનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. જોકે, વિશ્વની સૌથી વિશાળ ઑફિસ બિલ્ડિંગમાં વેપારીઓએ તેની પહેલાં શ્રીગણેશ કર્યા છે. મંગળવારે સુરત ડાયમંડ બુર્સ (Surat Dimond Bourse)ની 135 ઑફિસોનું અનૌપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હીરાના 135 વેપારીઓમાંથી 26 વેપારીઓ મુંબઈથી પોતાની ઑફિસો કાયમી ધોરણે બંધ કરીને સુરતમાં સ્થળાંતરીત થયા છે.
સુરતમાં ડાયમંડ બુર્સ એ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સુરતના ડાયમંડ બુર્સમાં કુલ ૪૫૦૦ ઑફિસો છે. સુરત ડાયમંડ બજારમાં ટ્રેડિંગ શરૂ કરતાં પહેલાં SBIએ 20 નવેમ્બરે ડાયમંડ બજારમાં એક શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ હવે ઔપચારિક રીતે આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન આવતા મહિને વડાપ્રધાન મોદી કરશે.
ADVERTISEMENT
પહેલા જ દિવસે ૨૦,૦૦૦ લોકોએ લીધી મુલાકાત
સુરતના ખજોદ ખાતેના ડ્રીમ સિટીમાં બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ઑફિસ બિલ્ડિંગની ૨૧મી નવેમ્બરે ૨૦,૦૦૦ લોકોએ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પહેલાં દિવસે ૧૦ કરોડનો વેપાર થયો હતો. આ આઈકોનિક બિલ્ડિંગને માત્ર વેપારનું કેન્દ્ર જ નહીં પરંતુ સ્પૉટ સેન્ટર તરીકે વિકસાવવાનું આયોજન છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી, બુર્ઝ ખલીફાની જેમ સુરત ડાયમંડ બુર્સને ટુરીસ્ટ સ્પૉટ બનાવવાનું લક્ષ્ય છે.
મુલાકાતીઓએ લેવી પડશે ટિકિટ
નોંધનીય છે કે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનના 6 મહિના બાદ ટિકિટ નક્કી કરવામાં આવશે અને કોઈપણ ટિકિટ ખરીદીને બુર્સને નિહાળી શકશે. 21મી નવેમ્બરે 135 હીરા વેપારીઓ દ્વારા ઑફિસ શરૂ કરવામાં આવી છે. પહેલાં દિવસે હીરા ખરીદવા માટે વિશ્વના વિવિધ દેશમાંથી 25 વેપારીઓ અને ભારતનાં જુદા-જુદા રાજ્યોમાંથી 150 વેપારીઓએ ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી.
સુરત ડાયમંડ બુર્સની ઇમારત
સુરત ડાયમંડ બુર્સમાં 67 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં 14 માળના 9 ટાવર બનાવવામાં આવ્યા છે. ટાવર્સમાં વિવિધ ડાયમંડ કંપનીઓની ૪૫૦૦ ઑફિસો બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગનું નિર્માણ થયું તે પહેલાં જ આ ઑફિસો હીરાના વેપારીઓ દ્વારા ખરીદવામાં આવતી હતી. મુંબઈ અને સુરતના વેપારીઓને એક છત્ર નીચે લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત, મુંબઈમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યા, કર્મચારીઓને આવવા-જવામાં મુશ્કેલી અને મકાનોના ભાવ આસમાને હોવાને કારણે બીકેસીના વેપારીઓ પણ હવે સુરત તરફ સ્થળાંતર કરી રહ્યા છે.
બ્રોકર અને ખરીદદારો માટે વિશેષ ઑફર
સુરત ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગ માટે આગામી દિવસમાં ગેમ ચેઈન્જર સાબિત થઈ શકે છે. કિરણ જેમ્સના માલિકે સુરત ડાયમંડ બુર્સને પ્રોત્સાહન આપવા માટે એક આકર્ષક ઑફર પણ જાહેર કરી છે. મુંબઈ જેવા અતિ મોંઘા શહેરમાં હીરા વેપાર માટે વેપારીઓ દ્વારા હીરા દલાલોને 0.15 ટકાથી 0.25 ટકા દલાલી આપવામાં આવે છે, પરંતુ તેનાથી વિપરીત કિરણ જેમ્સ દ્વારા હીરા દલાલ માટે 1 ટકો દલાલી આપવાની જાહેરાત કરી છે. તેમ જ ડાયરેક્ટ ખરીદી કરનાર વેપારીને બે ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

