બિઝનેસ અપડેટ્સના વસવસામાં તાતાની ટ્રેન્ટ ૪૧૫ રૂપિયા ખરડાઈને સેન્સેક્સ નિફ્ટી તથા ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની : રીટેલમાં માત્ર ૩૨ ટકા રિસ્પૉન્સ સાથે માંડ ૧.૪ ગણી ભરાયેલી ભરૂચની તેજા એન્જિનિયરિંગમાં ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- IT ઇન્ડેક્સ બે ટકાથી વધુ મજબૂત, વિપ્રો સિવાય તમામ ફ્રન્ટલાઇન શૅર નોંધપાત્ર વધ્યા
- નુવામાના બુલિશ વ્યુમાં એકવસ લિમિટેડ નવા બેસ્ટ લેવલે બંધ
- હેલ્થકૅર ઇન્ડેક્સ નવી ટોચે જઈને ઘટાડામાં બંધ
મધ્ય-પૂર્વમાં માહોલ થોડોક બગડ્યો છે. હોર્મુઝ ખાડીમાં ઓમાનના તટ પાસે બે કમર્શિયલ જહાજો ઉપર મિસાઇલ્સ અટૅક થયો છે. અમેરિકા આ માટે ઈરાનને જવાબદાર ગણાવે છે. ઇઝરાયલ તરફથી લેબૅનન ઉપર નવા હુમલા શરૂ થયા છે. મામલો કેટલો વકરે છે એ જોવું રહ્યું. બ્રેન્ટ ક્રૂડ થોડુંક વધી ૭૩ ડૉલર વટાવી ગયું છે. મોટા ભાગનાં એશિયન બજાર બગડ્યાં છે. સાઉથ કોરિયા સવાપાંચ ટકા, તાઇવાન ૨.૪ ટકા, જપાન દોઢ ટકો, ચાઇના સવા ટકો, હૉન્ગકૉન્ગ અને થાઇલૅન્ડ પોણા ટકાથી વધુ કપાયાં છે. સિંગાપોર ૫૩૪૨ની વિક્રમી સપાટી નોંધાવી દોઢ ટકો વધી ત્યાં જ જોવાય છે. ઇન્ડોનેશિયા સવા ટકો પ્લસ હતું. યુરોપ બહુધા રનિંગમાં સામાન્ય સુધારો દર્શાવતું હતું. બિટકૉઇન સવા ટકો ઘટી ૬૩,૨૩૨ ડૉલર ચાલતો હતો. ડૉલર સામે રૂપિયો ૯૫.૪૦ના આગલા બંધ સામે વધી ૯૪.૯૭ થઈ રનિંગમાં ૯૫.૦૨ દેખાયો છે.
ઘરઆંગણે સેન્સેક્સ ૪ દિવસની રિલીફ રૅલી બાદ ગઈ કાલે આગલા બંધથી ૧૭૬ પૉઇન્ટ પ્લસ, ૭૮,૪૬૧ ખૂલી છેવટે ૧૦૪ પૉઇન્ટની નરમાઈમાં ૭૮,૧૮૧ તો નિફ્ટી ૩૨ પૉઇન્ટ ઘટી ૨૪,૩૯૯ બંધ થયો છે. માર્કેટ ઉપરમાં ૭૮,૬૬૫ તથા નીચામાં ૭૮,૦૩૧ થયું હતું. વધુ નબળી પડેલી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૧૯૧ શૅર સામે ૨૦૮૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૧૧ લાખ કરોડ ઘટી ૪૮૦.૨૦ લાખ કરોડ રૂપિયા થયું છે. IT જેવો જૂજ અપવાદ બાદ કરતાં લગભગ તમામ સેક્ટોરલ લાલ થયા છે. હેલ્થકૅર બેન્ચમાર્ક ૫૦,૩૮૬ની નવી વિક્રમી સપાટી નોંધાવી ૩૫૩ પૉઇન્ટ ઘટી ૪૯,૭૬૪ હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પોણાબે ટકા કે ૧૩૭૮ પૉઇન્ટ ડુલ થયો છે. રિયલ્ટી દોઢ ટકા, પાવર ૧.૧ ટકા, મેટલ એક ટકા, યુટિલિટીઝ અડધો ટકો, નિફ્ટી મીડિયા ૦.૯ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો ઘટ્યો છે. ડિફેન્સ નિફ્ટી પોણાબે ટકા કટ થયો છે. એના ૧૯માંથી ૧૬ શૅર માઇનસ હતા. કોચીન શિપયાર્ડમાં શૅરદીઠ ૧૪૦૦ની ફ્લોર પ્રાઇસથી સરકારે પાંચ ટકા માલ વેચવા કાઢતાં શૅર પાંચેક ટકા ગગડી ૧૪૩૧ બંધ થયો છે. અપોલો માઇક્રો, નાઇબ લિમિટેડ, ડેટા પેટર્ન્સ, મિશ્ર ધાતુ નિગમ, પારસ ડિફેન્સ જેવી જાતો પાંચ-પાંચ ટકા ગગડી હતી. JTL ડિફેન્સ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૫૮૬ની નવી ટોચે ગઈ છે.
ADVERTISEMENT
બિઝનેસ અપડેટ્સના જોશમાં નોકરી ડોટ.કૉમ વાળી ઇન્ફોએજ સવાતેર ટકા કે ૧૩૫ના ઉછાળે ૧૧૬૦ નજીક બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી હતી. રાઇટ્સ ૯ ટકા, વાટેક વાબેગ સાડાસાત ટકા, સ્વિગી પોણાસાત ટકા, ગણેશ હાઉસિંગ સવાછ ટકા મજબૂત બની છે. ટ્રેન્ટ લગભગ સાડાબાર ટકા કે ૪૧૫ના બગાડમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર હતી. પ્રીમિયર એકસ્પ્લોઝિવ્સ સવાઆઠ ટકા, કલ્યાણ જ્વેલર્સ ૭ ટકા નજીક, એવલોન ટેક્નૉલૉઝિસ સાડાછ ટકા કે ૧૧૧ રૂપિયા અને હિમાદ્રિ સ્પેશ્યલિટી ૬ ટકા જવી ડૂલ થઈ હતી. સરસ્વતી કમર્શિયલ ૨૦ ટકા કે ૨૧૨૬ રૂપિયા, શૅર ઇન્ડિયા અને ITDC ૨૦-૨૦ ટકાની તેજીમાં બંધ થઈ છે.
રાઇટ્સ ૩૪૦૦ કરોડના કૉન્ટ્રૅક્ટના કરન્ટમાં ૯ ટકા ઊછળી
NSEનો આશરે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો ચિર-પ્રતિક્ષિત ઇશ્યુ હવે સપ્ટેમ્બરમાં ગયો હોવાના અહેવાલ છે. અનલિસ્ટેડ માર્કેટમાં ભાવ ૨૧૦૫ નજીક યથાવત છે. દરમ્યાન જેફરીઝ તરફથી લિસ્ટિંગ પૂર્વે NSE એની રેવન્યુના માર્ગે કે વિકલ્પનું વૈવિધ્યીકરણ તેમ જ કૉમોડિટીઝ ટ્રેડિંગમાં પગદંડો વધુ મજબૂત કરી એક્સચેન્જિસ બિઝનેસમાં એના હાલમાં ૭૦ ટકા બજાર હિસ્સાને વધુ મજબૂત બનાવશે એવો અહેવાલ જારી કરાયો છે. એના પગલે ગઈ કાલે BSE લિમિટેડનો શૅર નીચામાં ૩૬૩૦ બનાવી ત્રણ ટકા કે ૧૧૯ રૂપિયા બગડી ૩૬૮૩ બંધ થયો છે તો MCXનો ભાવ અઢી ગણા વૉલ્યુમે નીચામાં ૨૫૭૭ થઈ ત્રણ ટકા કે ૮૧ રૂપિયા ગગડી ૨૬૪૨ રહ્યો છે.
સરકારની ૭૨.૨ ટકા માલિકીની રાઇટ્સ લિમિટેડને સાઉથ આફ્રિકા તરફથી આશરે ૩૪૦૦ કરોડનો કૉન્ટ્રૅક્ટ મળતાં શૅર છ ગણા કામકાજે ઉપરમાં ૨૪૪ થઈ ૯.૧ ટકાની તેજીમાં ૨૩૬ બંધ આવ્યો છે. નુવામા દ્વારા એકવસ લિમિટેડમાં ૪૪૪ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનો કૉલ છૂટતાં શૅર ત્રણ ગણા વૉલ્યુમે ૨૪૭ સર્વોચ્ચ સપાટી નોંધાવી ૪.૭ ટકાની મજબૂતીમાં ૨૪૩ થયો છે. કંપની ગયા ડિસેમ્બરના આરંભે ૧૦ના શૅરદીઠ ૧૨૪ના ભાવે ૯૨૨ કરોડનું ભરણું લાવી હતી. ૧૬ માર્ચે ભાવ ૧૧૩ના ઑલટાઇમ તળિયે ગયો હતો. ઑલા ઇલેક્ટ્રિક સામે આશરે ૪૦ કરોડના બાકી લેણાની વસૂલાત ઘોંચમાં પડતાં બે સપ્લાયર્સ તરફથી NCLTમાં કંપની સામે નાદારીની ફરિયાદ કરવામાં આવી છે. ઑલાનો ભાવ નીચામાં ૪૧.૩૯ થઈ ૪૨ના લેવલે ફ્લૅટ બંધ હતો. ઇન્ફોએજ ઇન્ડિયાએ જૂન ક્વૉર્ટરમાં ૧૪ ટકા રેવન્યુ ગ્રોથનું બિઝનેસ અપડેટ જારી કરતાં શૅર પાંચ ગણા કામકાજે ઉપરમાં ૧૧૬૭ બતાવીને ૧૩.૨ ટકાના જમ્પમાં ૧૧૬૦ થયો છે.
સુરતની વિનીત મોબાઇલ અને બરોડાની સીમેક્સનું નબળું લિસ્ટિંગ
ગઈ કાલે છ SME IPOનું લિસ્ટિંગ થયું છે. નોએડા ખાતેની ક્રિટિકલ ટેક ૧૦ના શૅરદીઠ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૪થી શરૂ થઈ ઉપરમાં ૬૦ થયા બાદ છેલ્લે બોલાતા ૭૮ના પ્રીમિયમ સામે BSE ખાતે ૧૯૨ ખૂલી ૧૮૨ બંધ રહેતાં ૩૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ૪૦ કરોડનું આ ભરણું કુલ ૨૨૧ ગણું છલકાયું હતું. સુરતની વિનીત મોબાઇલ ૧૦ના શૅરદીઠ ૧૫૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૩૦થી શરૂ થઈ સીધા એક રૂપિયે આવી ગયેલા પ્રીમિયમ સામે NSEમાં ૧૫૫ ખૂલી ૧૪૭ બંધ થતાં ૧૦.૮ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. નવી દિલ્હીની સંપર્ક ઇન્ડિયા લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૮૪ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે BSEમાં ૮૯ ખૂલી ૯૩ બંધ આવતાં ૧૧.૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બરોડાની સીમેક્સ રિસૉર્સિસ ૧૦ના શૅરદીઠ ૧૪૧ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે BSEમાં ૧૧૩ ખૂલી ૧૦૭ બંધ રહેતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. પુણેની અથર્વા પૉલિપ્લાસ્ટ ૧૦ના શૅરદીઠ ૬૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થઈ અઢી થયા પછી છેલ્લે ચાલતા ૧૦ના પ્રીમિયમ સામે BSE ખાતે ૬૯ ખૂલી ૭૨ બંધ થતાં ૨૦.૮ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ગુજરાતના ભરૂચની તેજા એન્જિનિયરિંગને ગેઇન મળ્યો છે. ગુજરાતના ભરૂચની તેજા એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૨૨૦ રૂપિયાની ભારે ઇશ્યુ પ્રાઇસ તથા છેલ્લે શરૂ થયેલા ૩૬ના પ્રીમિયમ સામે NSE ખાતે ૪૧૮ ખૂલી ૪૩૯ બંધ થતાં એમાં ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૩૭ કરોડનું આ ભરણું રીટેલમાં માત્ર ૩૨ ટકા પ્રતિસાદ વચ્ચે HNIની મહેરબાનીથી કુલ ૧.૪ ગણું ભરાયું હતું. મેઇન બોર્ડમાં અમદાવાદી નૅક પૅકેજિંગનો ૧૦ના શૅરદીઠ ૧૭૦ના ભાવનો ૪૩૯ કરોડનો ઇશ્યુ આજે, બુધવારે લિસ્ટેડ થશે. લાલ પ્રીમિયમ ૧૧ આસપાસ છે. ઇશ્યુ QIBના રશમાં કુલ ૮૭ ગણો છલકાયો હતો.
મુંબઈની કુસુમગર લિમિટેડનો પ્યૉર OFS ઇશ્યુ આજે ખૂલશે
આજે, બુધવારે મેઇન બોર્ડમાં મુંબઈના વિલે પાર્લે (વેસ્ટ)ની કુસુમગર લિમિટેડ એકના શૅરદીઠ ૪૧૯ની અપરબૅન્ડમાં ૬૫૦ કરોડનો ઇશ્યુ કરવાની છે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે. QIB પોર્શન ૫૦ ટકા તથા રીટેલ પોર્શન ૩૫ ટકા રખાયો છે. ૧૯૯૦માં સ્થપાયેલી આ કંપની એન્જિનિયર્ડ ફૅબ્રિક્સ તરીકે ઓળખાતા વોવન, કોટેડ તેમ જ લેમિનેટેડ સિન્થેટિક ફૅબ્રિક્સ બનાવે છે. એનો ઉપયોગ અૅરોસ્પેસ, ડિફેન્સ, ઑટોમોટીવ, ઇન્ડસ્ટ્રિયલ તેમ જ લાઇફ સ્ટાઇલ સેગમેન્ટમાં થાય છે.
કંપનીએ અગાઉના વર્ષે ૬૬ ટકા પ્લસના વધારામાં ૭૯૦ કરોડની આવક ઉપર ૩૨.૭ ટકાના વૃદ્ધિદરથી ૧૧૨ કરોડ જેવો નેટ નફો બતાવ્યા પછી ગયા વર્ષે ૧૦ ટકાના ઘટાડામાં ૭૧૨ કરોડ જેવી આવક તથા સવાબાર ટકાના ઘટાડામાં ૯૮ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. દેવું અગાઉના ૨૪૬ કરોડથી ઘટીને ૨૨૩ કરોડનું હાલ છે પણ બે વર્ષ પહેલાં એ ફક્ત ૭૬ કરોડ હતું. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા ઝીરો છે. ભરણું OFS હોવાથી ઇશ્યુ બાદ ઇક્વિટી ૧૦૫૦ લાખ યથાવત રહેશે. પ્રૉફિટ માર્જિન ઘટાડાતરફી છે. હાલ કન્ટિન્જન્ટ લાયાબિલિટીઝ ૧૧૫ કરોડ જેવી છે એ પણ ચિંતાનો વિષય કહી શકાય. ગયા વર્ષની અર્નિંગ પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૪૫ નજીકનો પીઇ સૂચવે છે. ઇશ્યુનું તમામ, ૬૫૦ કરોડનું ભંડોળ પ્રમોટર્સ સિંધ્યાર્થ કુસુમગર અને સપના સિદ્ધાર્થ કુસુમગરના ખાતામાં જવાનું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૩૫થી શરૂ થયું હતું. ઉપરમાં ૧૭૧ થઈ અત્યારે ૧૬૬ બોલાય છે.
ઝમકદાર બિઝનેસ અપડેટ્સમાં ટાઇટન ઑલટાઇમ હાઈ
TCSનાં ૯મીએ રિઝલ્ટ સાથે પરિણામની મોસમ શરૂ થવાની છે. કંપનીની આવક બહુધા સુસ્ત રહેવાની તથા માર્જિન ઘટવાની એકંદર ધારણા છે. જોકે ગઈ કાલે IT બેન્ચમાર્ક બે ટકા કે ૫૬૩ પૉઇન્ટની મજબૂતીમાં હોવાથી એની હૂંફમાં TCS ૧.૮ ટકા સુધરી ૨૦૯૫ બંધ થયો છે. ટેક મહિન્દ્ર ૨.૮ ટકા, HCL ટેક્નૉલૉઝિસ ૨.૧ ટકા તથા ઇન્ફોસિસ ૨.૮ ટકાના જોશમાં બન્ને બજાર ખાતે ઝમકમાં હતા. લાટિમ ૩.૩ ટકા કે ૧૨૨ રૂપિયા ઊંચકાઈ ૩૮૫૦ થઈ છે. વિપ્રો પોણો ટકો ડાઉન હતી. સાઇડ શૅરમાં આર. સિસ્ટમ્સ સવાપાંચ ટકાના ઉછાળે ૨૩૭ થઈ છે. સુબેક્સ ચાર ટકા, લેટેન્ટ વ્યૂ ૫.૬ ટકા, પર્સિસ્ટન્ટ ૩.૬ ટકા અપ હતી. ડીજીટાઇડ મંદીની સર્કિટમાં ૧૦ ટકા તૂટી છેવટે ત્યાં જ ૧૦૮ બંધ રહી છે. ટાઇટન દ્વારા બિઝનેસ અપડેટ્સમાં ૪૧ ટકાનો રેવન્યુ ગ્રોથ દર્શાવાતાં શૅર ત્રણ ગણા વૉલ્યુમે ૪૬૫૫ના શિખરે જઈ અઢી ટકા વધી ૪૬૦૨ થતાં એનું માર્કેટકૅપ ૪.૦૮ લાખ કરોડ વટાવી ગયું છે. ગ્રાસીમ ૩૨૨૪ના બેસ્ટ લેવલે જઈ સવા ટકો ઘટી ૩૧૭૫ તો અપોલો હૉસ્પિટલ્સ ૮૯૫૦ની વિક્રમી સપાટીએ જઈ અડધો ટકો ઘટી ૮૮૩૯ રહી છે.
ધારણા કરતાં નબળા બિઝનેસ અપડેટ્સમાં તાતાની ટ્રેન્ટ ત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૨૯૧૯ થઈ ૧૨.૪ ટકા કે ૪૧૫ રૂપિયાના કડાકામાં ૨૯૨૮ બંધ આપી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. એના લીધે બજારને ૧૧૬ પૉઇન્ટનો માર પડ્યો હતો. લાર્સન સવા ટકો, ભારત ઇલેક્ટ્રૉનિક્સ દોઢ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩ ટકા, અદાણી પોર્ટ્સ દોઢ ટકા, સિપ્લા ૧.૪ ટકા નરમ હતી. એટર્નલ મોતીલાલ ઓસ્વાલના બુલિશ વ્યૂ પાછળ બે ટકા વધી ૨૮૯ થઈ છે. બજાજ ફાઇનૅન્સ સવા ટકા, બજાજ ફીનસર્વ પોણો ટકો, SBI લાઇફ ૨.૮ ટકા, HDFC લાઇફ દોઢ ટકા વધી હતી. રિલાયન્સ ૧.૧ ટકા ઘટીને ૧૩૦૬ રહી છે.
