૬૪ વર્ષના કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ સોશ્યલ મીડિયા પર લખ્યું
કૉમેન્ટેટર હર્ષા ભોગલે
ભારતીય ક્રિકેટ બોર્ડે સોમવારે ઝિમ્બાબ્વે-ટૂર માટેની T20 સ્ક્વૉડ જાહેર કરી હતી. વર્તમાન ટીમમાંથી સંજુ સૅમસન સહિત ૭ ખેલાડીઓને બહાર કરીને ૬ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. T20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ એવા સંજુ સૅમસન જેવા ખેલાડીઓને ડ્રૉપ કરવામાં આવ્યા છે કે આરામ આપવામાં આવ્યો છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું નહોતું.
૬૪ વર્ષના કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘મને લાગે છે કે બોર્ડે એ સમજાવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે સંજુ સૅમસનને ઝિમ્બાબ્વે-ટૂર માટે ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી. સ્પષ્ટ વાતચીત જરૂરી છે, નહીં તો લોકો પોતાનાં મંતવ્યો બનાવશે, કારણ કે તેને ટીમમાંથી ડ્રૉપ કરી શકાય નહીં, અે શક્ય નથી.’
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ કહ્યું કે...
આશા છે કે સિલેક્ટર્સે સંજુ સૅમસન સાથે કોઈ વાતચીત કરી હશે. વર્લ્ડ કપ જીતના હીરોને ડ્રૉપ કરવાની વાત મને વિચિત્ર લાગી. આશા છે કે તે વાપસી કરશે.
એશિયન ગેમ્સની સ્ક્વૉડમાં ફેરફાર થશે?
આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડની T20 ટૂર પર ગયેલી ઑલમોસ્ટ આખી ટીમ એશિયન ગેમ્સની સ્ક્વૉડમાં સામેલ છે. એશિયન ગેમ્સની ટીમમાં સૂર્યાંશ શેડગે અને પ્રિન્સ યાદવ નથી. એશિયન ગેમ્સ માટે સામેલ થયેલા નીતીશ કુમાર રેડ્ડી અને જસપ્રીત બુમરાહના સ્થાને તેઓ હાલમાં T20 સિરીઝ રમી રહ્યા છે.
ઝિમ્બાબ્વે સામેની સિરીઝ ૨૩થી ૨૬ જુલાઈ દરમ્યાન છે. ૧૭ સપ્ટેમ્બરથી ૩ ઑક્ટોબર વચ્ચે જપાનમાં એશિયન ગેમ્સ રમાશે. અહેવાલો અનુસાર આ બન્ને ટૂર માટે ગૌતમ ગંભીરને આરામ આપીને સેન્ટર ઑફ અક્સેલન્સના વડા અને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણને હેડ કોચની જવાબદારી સોંપવામાં આવશે.
કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ખેલાડીઓના વર્તમાન ફૉર્મને જોતાં એશિયન ગેમ્સ માટેની સ્ક્વૉડમાં ફેરફાર થઈ શકે છે. ઝિમ્બાબ્વે ટૂરથી ફિનિશર રિન્કુ સિંહ અને ફાસ્ટ બોલર મયંક યાદવ ટીમમાં વાપસી કરશે; જ્યારે સ્પિનર હર્ષ દુબે, વિકેટકીપર-બૅટર પ્રભસિમરન સિંહ, ફાસ્ટ બોલર્સ અશોક શર્મા અને યશ ઠાકુરને પહેલી વખત ભારતીય સ્ક્વૉડમાં સામેલ થવાની તક મળી છે.
