અમેરિકાએ ઓમાન સાથે મળીને ચાલાકીપૂર્વક નવો વૈકલ્પિક રૂટ બનાવ્યો એટલે ઈરાનની જહાજોને ધમકી : અમારા બતાવેલા રસ્તે ચાલો, નહીં તો ભડાકે દઈશું
ફાઇલ તસવીર
વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્ત્વની અને સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડીમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. બ્રિટિશ સેનાના સત્તાવાર અહેવાલ મુજબ ઓમાનના દરિયાકાંઠા નજીક એક જહાજ પર મિસાઇલથી પ્રચંડ હુમલો કરવામાં આવ્યો છે. આ ભયાનક હુમલાને પગલે સંયુક્ત રાષ્ટ્રની દરિયાઈ સંસ્થા ઇન્ટરનૅશનલ મૅરિટાઇમ ઑર્ગેનાઇઝેશન (IMO)એ આ વિસ્તારમાં ફસાયેલાં જહાજોને સુરક્ષિત બહાર કાઢવાનું પોતાનું ચાલુ નિકાસી ઑપરેશન હાલ પૂરતું સ્થગિત કરી દીધું છે.
આ હુમલો ઈરાનની એ આકરી ચેતવણીના ગણતરીના કલાકો બાદ જ થયો છે જેમાં એણે તેહરાનની મંજૂરી વિના કોઈ પણ નવા રૂટનો ઉપયોગ ન કરવા માટે જહાજોને ધમકી આપી હતી. વાસ્તવમાં ઓમાન અને સંયુક્ત રાષ્ટ્રએ મળીને આ દરિયાઈ વિસ્તારમાં ઈરાનની દાદાગીરી ખતમ કરવા માટે પોતાના તટવર્તી વિસ્તારમાંથી એક નવો વૈકલ્પિક કૉરિડોર સક્રિય કર્યો છે જેનાથી ઈરાન ભડક્યું છે. ઈરાની નેવીએ ગુરુવારે એક ઑઇલ ટૅન્કરને રેડિયો પર ખુલ્લી ધમકી આપતાં કહ્યું હતું કે તમે અમારી મિસાઇલની રેન્જમાં છો અને અમે ગમે ત્યારે ફાયર કરી શકીએ છીએ. બીજી તરફ ખાડી દેશોની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ જણાવ્યું છે કે વૉશિંગ્ટન આ નવા દરિયાઈ માર્ગની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ ભારે આંતરરાષ્ટ્રીય તનાવ વચ્ચે પણ તેલની કિંમત થોડા સમય માટે ઘટીને પ્રતિ બૅરલ ૭૩ ડૉલરની નીચે પહોંચી ગઈ હતી.
