Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજાર સાંકડી રેન્જ સાથે સુસ્તીમાં, સરકારી બૅન્કોમાં મજબૂત વલણ

બજાર સાંકડી રેન્જ સાથે સુસ્તીમાં, સરકારી બૅન્કોમાં મજબૂત વલણ

Published : 02 July, 2025 08:22 AM | Modified : 04 July, 2025 06:59 AM | IST | Mumbai
Anil Patel

આજે પાંચ ભરણાં લિસ્ટેડ થશે, HDB ફાઇનૅન્સમાં ૭૨નું પ્રીમિયમ : રિલાયન્સમાં નુવામાનો બુલિશ વ્યુ, ૧૮૦૧ની ટાર્ગેટ પ્રાઇસ, MCX ઑલટાઇમ હાઈ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


આજે પાંચ ભરણાં લિસ્ટેડ થશે, HDB ફાઇનૅન્સમાં ૭૨નું પ્રીમિયમ : રિલાયન્સમાં નુવામાનો બુલિશ વ્યુ, ૧૮૦૧ની ટાર્ગેટ પ્રાઇસ, MCX ઑલટાઇમ હાઈ, જિયો ફાઇનૅન્સ સતત છઠ્ઠા દિવસે વધ્યો : રીસ્ટ્રક્ચરિંગની યોજનામાં ગેબ્રિયલ ઇન્ડિયા ૨૦ ટકા ઊછળી નવા શિખરે બંધ : જૂન મહિનાનું વેચાણ ૨૦ ટકા વધવા છતાં ટીવીએસ મોટર્સ ડાઉન, ઓલા ઇલેક્ટ્રિક્સ ઑલટાઇમ તળિયે : પાકિસ્તાની શૅરબજાર તગડા ઉછાળે ૧,૨૮,૪૭૬ના સર્વોચ્ચ શિખરે ગયું : સોમવારે ખૂલેલાં SME ભરણાં હજી પણ નબળા રિસ્પૉન્સમાં 


એશિયન બજારોમાં જુલાઈ મહિનાનો આરંભ એકંદર પૉઝિટિવ ટ્રેન્ડથી થયો છે. હૉન્ગકૉન્ગ રજામાં હતું. થાઇલૅન્ડ પોણાબે ટકા, તાઇવાન સવા ટકો, સિંગાપોર અને સાઉથ કોરિયા અડધા ટકાથી વધુ તો ચાઇના સાધારણ પ્લસ બંધ થયું છે. જૅપનીઝ નિક્કી સવા ટકો કે ૫૦૧ પૉઇન્ટ મંગળવારે ડાઉન હતો. યુરોપ નેગેટિવ બાયસમાં ખૂલ્યા પછી રનિંગમાં નહીંવત્થી સાધારણ નબળાઈ દર્શાવતું હતું. પાકિસ્તાની શૅરબજાર નવી આખલા દોડમાં ૧,૨૫,૬૨૭ના આગલા બંધ સામે ગઈ કાલે રનિંગમાં ૧,૨૮,૪૭૬ની નવી ઑલટાઇમ હાઈ નોંધાવી ૨૮૪૮ પૉઇન્ટની મજબૂતીમાં ૧,૨૮,૪૭૫ દેખાયું છે. છેલ્લા એક વર્ષમાં અત્રે ૬૦ ટકાથી વધુની તેજી થઈ ચૂકી છે. બ્રેન્ટ ક્રૂડ ૬૭ ડૉલરની ઉપર મક્કમ છે. હાજર સોના-ચાંદીમાં વિશ્વસ્તરે દોઢ ટકાનો વધારો જોવાયો છે. બિટકૉઇન રનિંગમાં અડધા
ટકાના ઘટાડે ૧,૦૬,૫૩૫ ડૉલર ચાલતો હતો.



ઘરઆંગણે મંગળવારે શૅરબજારમાં વધઘટની રેન્જ અતિ સાંકડી, આશરે ૩૦૦ પૉઇન્ટની રહી હતી. સેન્સેક્સ આગલા બંધથી ૭૯ પૉઇન્ટ જેવો પ્લસમાં, ૮૩,૬૮૬ નજીક ખૂલીને છેવટે ૯૧ પૉઇન્ટના પરચૂરણ સુધારે ૮૩,૬૯૭ બંધ થયો છે. નિફ્ટી માંડ પચીસ પૉઇન્ટ વધીને ૨૫,૫૪૨ નજીક સરક્યો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૮૩,૮૭૪ અને નીચામાં ૮૩,૫૭૨ દેખાયો હતો. રસાકસીવાળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૩૧૪ શૅરની સામે ૧૩૨૭ જાતો ઘટી છે. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે માર્કેટકૅપ ૧૦ હજાર કરોડ રૂપિયા વધીને ૪૬૧.૨૬ લાખ કરોડ રૂપિયા થયું છે. પીએસયુ બૅન્ક નિફ્ટી સર્વાધિક પોણા ટકા નજીક પ્લસ હતો. એના ૧૨માંથી ૧૦ શૅર વધ્યા હતા. મીડિયા નિફ્ટી સવા ટકો તથા FMCG ઇન્ડેક્સ પોણા ટકા નજીક નરમ હતો.


પ્રાઇમરી માર્કેટમાં કલકત્તાની ક્રાઇઝેક લિમિટેડ બેના શૅરદીઠ ૨૪૫ની અપર બૅન્ડમાં કુલ ૮૬૦ કરોડનો પ્યોર ઑફર ફૉર સેલ ઇશ્યુ આજે, બુધવારે કરવાની છે. ગ્રે માર્કેટમાં હજી કોઈ સોદા શરૂ થયા નથી. સોમવારે જે પાંચ-પાંચ SME IPO ખૂલ્યા હતા એ તમામ આજે, બુધવારે બંધ થશે. આમાંથી અત્યાર સુધીમાં પુષ્પા જ્વેલર્સ કુલ ૩૭ ટકા, વંદન ફૂડ્સ ૮૧ ટકા, માર્ક લુવા ફૅશન્સ ૬૩ ટકા, સિડાર ટેક્સટાઇલ માત્ર પાંચ ટકા અને સિલ્ફી ઓવરસીઝ કેવળ ૧૨ ટકા ભરાઈ ચૂક્યો છે. આમ છતાં હાલ ગ્રે માર્કેટ ખાતે માર્ક લુવામાં ૧૫ રૂપિયા, પુષ્પા જ્વેલર્સમાં ૧૧ રૂપિયા, સિડાર ટેક્સટાઇલમાં ૧૭  રૂપિયા, વંદન ફૂડ્સ અને સિલ્ફી ઓવરસીઝમાં ૨૫-૨૫ રૂપિયા જેવું પ્રીમિયમ ક્વોટ થઈ રહ્યું છે.

જયપુરની ઍડકાઉન્ટી મીડિયાનો ૧૦ના શૅરદીઠ ૮૫ના ભાવનો ૫૦૬૯ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૨૭૨ ગણા પ્રતિસાદમાં તથા દહેરાદૂનની નીતુ યોશી લિમિટેડનો પાંચના શૅરદીઠ ૭૫ના ભાવનો ૭૭૦૪ લાખનો SME IPO કુલ ૧૨૮ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. નીતુ યોશીમાં પ્રીમિયમ ઘટીને પચીસ રૂપિયા તથા ઍડકાઉન્ટીમાં પ્રીમિયમ વધીને ૫૦ રૂપિયા થયું છે.


રેમન્ડ રિયલ્ટીમાં બેતરફી ભારે ધમાલ, ભારત ઇલેક્ટ્રિક નવી ટોચે

ડિફેન્સમાં વધઘટે આકર્ષણ જળવાયેલું છે. ભારત ઇલેક્ટ્રિક અઢી ટકા વધી સેન્સેક્સ બેસ્ટ ગેઇનર હતી. અન્યમાં ભારત ડાયનેમિક્સ પોણાબે ટકા, ડીસીએક્સ ઇન્ડિયા દોઢ ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ પોણો ટકો, માઝગાવ ડૉક એક ટકા, તનેજા ઍરોસ્પેસ પાંચ ટકા, પારસ ડિફેન્સ પોણાબે ટકા, નાઇબ લિમિટેડ પોણો ટકા, પ્રિમીઅર એક્સપ્લોસિવ્ઝ સવા ટકા, ડેટા પેટર્ન્સ એક ટકા પ્લસ હતી. સામે ઍક્સિસ કેડ્સ અઢી ટકા, ગાર્ડન રીચ એક ટકા, કોચીન શિપયાર્ડ એક ટકા, એસ્ટ્રા માઇક્રો પોણો ટકો, સિકા ઇન્ટરપ્લાન્ટ બે ટકા, આઇડિયા ફોર્જ એક ટકા નરમ હતી.

રેમન્ડના રિયલ્ટી બિઝનેસના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી રેમન્ડ રિયલ્ટી ૧૦૩૧ની ડીસ્કવર્ડ પ્રાઇસ સામે લિસ્ટિંગમાં ગઈ કાલે ડિસ્કાઉન્ટમાં, ૧૦૦૫ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૦૫૫ વટાવી મંદીની સર્કિટ મારીને ૯૫૫ની અંદર ગયા પછી ૯૬૨ બંધ રહી છે. ગ્રુપ કંપની રેમન્ડ લિમિટેડ મજબૂત વલણમાં ઉપરમાં ૭૭૧ બતાવી ૬.૮ ટકાની આગેકૂચમાં ૭૫૭ હતી. રેમન્ડ લાઇફ ૧૩૪૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪.૨ ટકા ઘટી ૯૬૨ રહી છે. MCX ૯૧૧૦ની સર્વોચ્ચ સપાટી નોંધાવી સવા ટકો વધીને ૯૦૬૦ હતી. BSE લિમિટેડ નજીવી સુધરી છે.

ઑટો એન્સિલિયરી કંપની ગેબ્રિયલ ઇન્ડિયાની બોર્ડ મીટિંગમાં સ્ટ્રૅટેજિક રીસ્ટ્રક્ચરિંગનો નિર્ણય લેવાતાં શૅર ૪ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૪૩ નજીક નવી ટોચે બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો હતો. ફેસવૅલ્યુ એકની છે. લોઇડ્સ એન્જિનિયરિંગ ૪.૯ ટકા વધી છે, પણ એનો પાર્ટ પેઇડ શૅર પંચાવન નજીકના શિખરે જઈ સાડાઆઠ ટકા ઊંચકાઈ ૫૪ હતો. બ્લુડાર્ટ એક્સપ્રેસ રોજના સરેરાશ ૪૧૧ શૅર સામે ગઈ કાલે ૪૭,૦૦૦ શૅરના કામકાજે ઉપરમાં ૬૯૪૭ થઈ સવાસાત ટકા કે ૪૬૧ રૂપિયા ઊછળી ૬૮૫૪ રહ્યો છે. ફોર્સ મોટર્સ સવાયા વૉલ્યુમે આઠ ટકા કે ૧૩૦૫ રૂપિયા ગગડી ૧૪,૭૫૧ હતી. કોરોમાંડલ ઇન્ટર. સાત ટકા, બોરોસિલ રીન્યુએબલ સાડાછ ટકા અને કૅપ્લીન પૉઇન્ટ લૅબોરેટરીઝ ૫.૬ ટકા બગડી હતી.

એલનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગૅસિસમાં શૅરદીઠ ૧૪૧ રૂપિયાનો તગડો લિસ્ટિંગ ગેઇન

મંગળવારે એકસાથે સાત ભરણાંનું લિસ્ટિંગ થયું છે. મેઇન બોર્ડમાં કલ્પતરુ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૪૧૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ભાવોભાવ, ૪૧૪ ખૂલી ઉપરમાં ૪૫૩ બતાવી ૪૩૪ બંધ થતાં ૪.૮ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. એલનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગૅસિસ બેના શૅરદીઠ ૪૦૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૫૭ના પ્રીમિયમ સામે ૪૯૨ ખૂલી ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૪૧ વટાવી ત્યાં જ બંધ રહેતાં એમાં ૩૫.૩ ટકાનો તગડો લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૭૧ની ઇશ્યુ પ્રાઇસ અને ૨૭ના પ્રીમિયમ સામે ૯૧ ખૂલી ૯૫ નજીક બંધ થતાં ૩૩.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળે છે.

SME સેગમેન્ટમાં AJC જ્વેલ મૅન્યુફૅક્ચરિંગ ૧૦ના શૅરદીઠ ૯૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૪ના પ્રીમિયમ સામે ૯૯ ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૯૪ બતાવી ૯૬ નજીક બંધ રહેતાં એમાં ૦.૯ ટકા જેવો લિસ્ટિંગ ગેઇન છુટે છે. આઇકોન ફેસિલિએટર્સ ૧૦ના શૅરદીઠ ૯૧ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૯૦ ખૂલી નીચલી સર્કિટમાં ૮૫ થઈ ત્યાં જ બંધ થતાં એમાં ૬ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. અબ્રામ ફૂડ્સ ૧૦ના શૅરદીઠ ૯૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૯૦ ખૂલી નીચલી સર્કિટમાં ૮૬ થયા બાદ ઉપલી સર્કિટમાં ૯૫ નજીક જઈ ત્યાં બંધ થતાં એમાં ૩ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. શ્રી હરેકૃષ્ણ સ્પોન્જ આયર્ન ૧૦ના શૅરદીઠ ૫૯ની ઇશ્યુ પ્રાઇસ સામે ૬૫ નજીક ખૂલી ઉપરમાં ૬૭ નજીક જઈ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૬૧.૬૦ બતાવી ૬૫ બંધ થતા એમાં ૧૦ ટકાનો મામૂલી લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

બુધવારે કુલ પાંચ ભરણાંનું લિસ્ટિંગ છે જેમાં હાઈ પ્રોફાઇલ HDB ફાઇનૅન્શ્યલ સર્વિસિસમાં હાલ ૭૨નું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં બોલાય છે. આ ઉપરાંત સંભવ સ્ટીલમાં ૧૩ રૂપિયા, સનટેક ઇન્ફ્રામાં ૩૩ રૂપિયા, સુપર ટેક ઈવીમાં ૫૦ પૈસા તથા રામા ટેલિકૉમમાં શૂન્ય પ્રીમિયમ ચાલે છે.

રીસ્ટ્રક્ચરિંગ અને ડીમર્જરમાં અપોલો હૉસ્પિટલ નવા શિખરે

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૩ અને નિફ્ટીમાં ૫૦માંથી ૨૪ શૅર પ્લસ હતા. અપોલો હૉસ્પિટલ્સ તરફથી એનો ફાર્મસી અને ડિજિટલ હેલ્થકૅર બિઝનેસ સંભાળતી બે સબસિડિયરીને અપોલો હેલ્થટેક નામની નવી કંપનીમાં ફેરવી એનું લિસ્ટિંગ કરાવવાની યોજના જાહેર થઈ છે. એના પગલે શૅર ૭૫૮૪ની વિક્રમી સપાટી દેખાડીને સાડાત્રણ ટકા વધી ૭૪૯૦ના બંધમાં નિફ્ટી ખાતે ઝળક્યો છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સ અઢી ગણા વૉલ્યુમે ૪૩૬ની સર્વોચ્ચ સપાટી બનાવી અઢી ટકા વધી ૪૩૨ના બંધમાં સેન્સેક્સ ખાતે મોખરે હતી. બ્રોકરેજ હાઉસ નુવામા દ્વારા રિલાયન્સમાં ૧૮૦૧ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનો કૉલ જારી થયો છે. શૅર ગઈ કાલે બમણા વૉલ્યુમે ઉપરમાં ૧૫૩૧ વટાવી ૧.૭ ટકા વધી ૧૫૨૬ બંધમાં બજારને ૧૪૬ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. જિયો ફાઇનૅન્શ્યલ સતત છઠ્ઠા દિવસની આગેકૂચમાં ૩૩૨ નજીક જઈ એક ટકો વધી ૩૦૦ રહી છે. કંપનીનું માર્કેટકૅપ ૨.૦૯ લાખ કરોડને વટાવી ગયું છે. એશિયન પેઇન્ટ્સ સવા ટકા, અલ્ટ્રાટેક એક ટકા, SBI લાઇફ ૧.૩ ટકા, આઇશર એક ટકા, કોટક બૅન્ક ૦.૯ ટકા પ્લસ હતી. ઇન્ફોસિસ નજીવી સુધરી છે. સામે ટીસીએસ ૦.૯ ટકા ઘટી હતી. ટીસીએસનાં રિઝલ્ટ ૧૦ જુલાઈએ છે.

નિફ્ટી ખાતે નેસ્લે સવાબે ટકા બગડી ૨૪૧૦ રહી છે. આગલા દિવસની હીરો ઍક્સિસ બૅન્ક ૨.૨ ટકા બગડી ૧૧૭૩ હતી. અન્યમાં ટ્રેન્ટ ૧.૩ ટકા, એટર્નલ સવા ટકા નજીક, ટેક મહિન્દ્ર એક ટકા, ICICI બૅન્ક એક ટકો, શ્રીરામ ફાઇનૅન્સ દોઢ ટકા માઇનસ થઈ છે. જૂન મહિનામાં મહિન્દ્રનું પૅસેન્જર વેહિકલ્સનું વેચાણ ૧૮ ટકા વધ્યું છે. બજાજ ઑટોનું વેચાણ એક ટકા, અતુલ ઑટો અને અશોક લેલૅન્ડનું વેચાણ ત્રણ ટકા, ટીવીએસ મોટર્સનું વેચાણ ૨૦ ટકા વધ્યું છે. તાતા મોટર્સના વેચાણમાં ગત મહિને ૧૨ ટકાનો ઘટાડો થયો છે. ગઈ કાલે તાતા મોટર્સ ૦.૭ ટકા, ટીવીએસ મોટર્સ પોણો ટકા, મહિન્દ્ર નહીંવત નરમ હતી. બજાજ ઑટો સામાન્ય સુધરી છે. મારુતિ નજીવી નરમ હતી. હ્યુન્દાઇ અડધો ટકો વધી ૨૨૩૨ થઈ છે. ઓલા ઇલેક્ટ્રિક ૪૨ની અંદર નવા વર્સ્ટ લેવલે જઈ અઢી ટકા ગગડી ૪૨ હતી. હ્યુન્દાઇ ઇન્ટ્રા-ડેમાં ૨૨૬૫ના શિખરે ગઈ હતી. ફાર્મા કંપની સિગાચી ઇન્ડસ્ટ્રીઝના તેલંગણ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં મરનારની સંખ્યા વધી ૪૨ થઈ ગઈ છે. શૅર ગઈ કાલે ૧૨ ગણા વૉલ્યુમે નીચામાં ૪૪.૭૧ થઈ સાડાપાંચ ટકા તૂટી ૪૬ બંધ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2025 06:59 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK