Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > માઇનસ ઝોનમાં રહેલું શૅરબજાર છેલ્લા અડધા કલાકના ખેલમાં ૩૨૧ પૉઇન્ટ પ્લસ

માઇનસ ઝોનમાં રહેલું શૅરબજાર છેલ્લા અડધા કલાકના ખેલમાં ૩૨૧ પૉઇન્ટ પ્લસ

Published : 30 May, 2025 08:02 AM | IST | Mumbai
Anil Patel

MMTC ભંગાર રિઝલ્ટ છતાં તગડા વૉલ્યુમે સવાસત્તર ટકાની તેજીમાં ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર : વેલસ્પન કૉર્પ બમણા નફામાં ૧૦ ટકા વધી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


MMTC ભંગાર રિઝલ્ટ છતાં તગડા વૉલ્યુમે સવાસત્તર ટકાની તેજીમાં ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર : વેલસ્પન કૉર્પ બમણા નફામાં ૧૦ ટકા વધી, આઇટીઆઇ સતત ત્રીજા દિવસે મજબૂતઃ યુનિમેક ઍરોસ્પેસ બૅક-ટુ-બૅક ઉપલી સર્કિટમાં ૧૧૮ રૂપિયા ઊંચકાઈ, ગાર્ડન રિચ, માઝગાવ ડૉક, અપોલો માઇક્રોમાં નવા શિખર : નફામાં બાવીસ ટકાના ઘટાડા વચ્ચે NMDCમાં બાયના કૉલ છૂટ્યા, શૅર સુધર્યો : નિકિતા પેપર્સનો SME ઇશ્યુ માંડ દોઢ ગણો ભરાયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગાયબ : આજે થ્રી-બી ફિલ્મ્સ શૅરદીઠ ૫૦ના ભાવથી SME IPO કરશે

જપાનને પછાડીને ભારત વિશ્વની ચોથા નંબરની આર્થિક મહાસતા બની ગઈ હોવાના અહેવાલનાં ઓવારણાં લેવાનું હજી ચાલુ છે ત્યાં એપ્રિલ માસનો દેશનો ઔદ્યોગિક વિકાસદર ગગડીને ૨.૭ ટકાની આઠ માસની નીચી સપાટીએ આવી ગયો હોવાના સમાચાર આવ્યા છે. ઔદ્યોગિક વિકાસદરની ગણતરીમાં જેનો સિંહફાળો છે એ મેન્યુય ગ્રોથ માત્ર ૩.૪ ટકા નોંધાયો છે. વિકાસનું આ કયું લેવલ છે એ સમજાતું નથી. આ ખરાબ સમાચારનું બૅલૅન્સિંગ થાય, બજારનો મૂડ ના બગડે એ હેતુથી બીજા એક સમાચાર વહેતા થયા છે જે મુજબ રિઝર્વ બૅન્ક જૂન માસમાં વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો અને ત્યાર પછી ઑગસ્ટમાંય આટલો બીજો ઘટાડો કરશે એવો વરતારો છે. આની સામે એક અન્ય અહેવાલ જણાવે છે કે આગામી ચારેક માસમાં, બાવીસ સપ્ટેમ્બર સુધીમાં તાજેતરમાં લિસ્ટેડ થયેલી ૬૦ જેટલી કંપનીઓમાં વિવિધ તબક્કાનો લૉક-ઇન-પિરિયડ પૂરો થતાં બજારમાં આશરે ૨૧ લાખ કરોડ રૂપિયાનો માલ વેચાણપાત્ર બની જશે અર્થાત વેચાણમાં આવી શકશે. મૉન્સૂનનો આરંભ સારો છે, હવે એની પ્રગતિ કેવી રહે છે એ જોવાનું છે. દરમ્યાન એક અહેવાલ કહે છે કે ૨૦૨૪-’૨૫ દરમ્યાન બૅન્કિંગ ક્ષેત્રે ફ્રૉડની સંખ્યા ૩૪ ટકા ઘટી છે. ફ્રૉડના ૨૩,૯૫૩ કેસ નોંધાયા છે, સારી વાત છે, પરંતુ આ કેસોમાં સંડોવાયેલી રકમ અર્થાત ફ્રૉડ પેટેની રકમનો આંકડો લગભગ ત્રેવડાઈને ૩૬,૦૧૪ કરોડે પહોંચ્યો છે. મતલબ કે હવે બહુ મોટા ફ્રૉડ થવા માંડ્યા છે. ન્યુ ઇન્ડિયા છેને...



ઍની વે, સેન્સેક્સ બે દિવસની નબળાઈ બાદ ગઈ કાલે ૩૨૧ પૉઇન્ટ સુધરી ૮૧,૬૩૩ અને નિફ્ટી ૮૧ પૉઇન્ટ વધીને ૨૪,૮૩૩ બંધ થયો છે. બજારનો આરંભ સારો હતો. શૅર આંક આગલા બંધથી ૨૭૯ પૉઇન્ટ પ્લસમાં, ૮૧,૫૯૧ ખુલ્યો હતો. ત્યાંથી ઘસાતો રહી નીચામાં ૮૧,૧૦૭ની અંદર ઊતરી ગયો હતો. દિવસનો મોટો ભાગ માઇનસ ઝોનમાં રહેલું બજાર છેલ્લા અડધા કલાકમાં જોરદાર મૂડમાં જોવાયું હતું. એમાં સેન્સેક્સે ૮૧,૮૧૭ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી હતી. છેલ્લા અડધા કલાકની ઝમક ડેરિવેટિવ્ઝના ખેલની રમતનું પરિણામ મનાય છે. FMCG તથા PSU બૅન્ક નિફ્ટીના નહીંવત્ ઘટાડાને બાદ કરતાં તમામ સેક્ટોરલ પ્લસમાં બંધ થયાં છે. નિફ્ટી મેટલ, આઇટી, રિયલ્ટી, નિફ્ટી ફાર્મા જેવા સેક્ટોરલ પોણાથી સવા ટકા નજીક વધ્યાં હતાં. અન્ય બેન્ચમાર્કમાં સુધારો ઘણો નાનો હતો. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૨ શૅરની હૂંફમાં પોણો ટકો વધી ૮૭૮૭ના નવા શિખરે બંધ હતો. પૉઝિટિવ બનેલી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૫૧૦ શૅર સામે ૧૩૭૩ કાઉન્ટર નરમ હતાં. બજારનું માર્કેટકૅપ ૧.૭૦ લાખ કરોડ રૂપિયા વધીને ૪૪૫.૪૭ લાખ કરોડ રૂપિયા થયું છે.


એશિયા ખાતે તાઇવાન નામપૂરતું નરમ હતું. અન્ય તમામ બજાજ વધ્યાં છે. જપાન અને સાઉથ કોરિયા ૧.૯ ટકા, હૉન્ગકૉન્ગ સવા ટકાથી વધુ, ચાઇના પોણો ટકો, થાઇલૅન્ડ સાધારણ તથા સિંગાપોર નહીંવત્ સુધર્યું છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધો ટકો પ્લસ દેખાયું છે. લંડન ફુત્સી નામપૂરતો ઢીલો હતો. બિટકૉઇન રનિંગમાં ૧,૦૮,૪૮૬ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ સવા ટકો વધીને ૬૫.૭૦ ડૉલર જોવાયું છે.  

ગોટાળાની હારમાળા વચ્ચે ઇન્ડસઇન્ડ બૅન્ક સતત સુધારામાં


ઇન્ડસઇન્ડ બૅન્કમાં નવાં-નવાં હાડપિંજર બહાર આવી રહ્યાં છે. હિસાબી ગોટાળાની મૅનેજમેન્ટને એ વિધિવત્ જાહેર કરાયું એના સવા વર્ષ પહેલાંથી ખબર હતી. બૅન્કના ઉચ્ચ પદાધિકારીઓએ એનો લાભ લઈ ઇન્સાઇડર ટ્રેડિંગ કરી અબજો રૂપિયા કમાઈ લીધા છે. બૅન્કના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે રોકાણકારો સાથે મોટી છેતરપિંડી કરી છે. આ બધા હોબાળા વચ્ચે પણ બૅન્કનો શૅર વધી રહ્યો છે એની ભારે નવાઈ છે. શૅર ગઈ કાલે અઢી ટકા ઊચકાઈ ૮૨૪ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. સનફાર્મા તથા અદાણી પોર્ટ્સ બે ટકા આસપાસ, ઝોમાટો ૧.૯ ટકા, ટ્રેન્ટ પોણાબે ટકા, ટેક મહિન્દ્ર અને તાતા સ્ટીલ સવા ટકો, વિપ્રો એક ટકાથી વધુ, અદાણી એન્ટરપ્રાઇઝ એક ટકો મજબૂત થઈ છે. SBI લાઇફ, આઇશર, તાતા મોટર્સ, ઇન્ફોસિસ, પાવરગ્રીડ, મારુતિ પોણા ટકાથી એકાદ ટકાની આસપાસ વધ્યા છે. રિલાયન્સ સાધારણ સુધારે ૧૪૧૭ હતી.

HDFC લાઇફ ૧.૧ ટકાના ઘટાડે ૭૮૧ના બંધમાં નિફ્ટી ખાતે તો બજાજ ફાઇનૅન્સ પોણા ટકાની નરમાઈમાં ૯૨૦૪ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બની છે. અન્યમાં તાતા કન્ઝ્યુમર એક ટકો, ભારત ઇલેક્ટ્રિક એક ટકા નજીક, જિયો ફાઇનૅન્સ પોણા ટકાથી વધુ, બજાજ ફીનસર્વ, શ્રીરામ ફાઇનૅન્સ તથા અપોલો હૉસ્પિટલ્સ અડધા ટકાની આસપાસ નરમ હતા. અનલિસ્ટેડ માર્કેટમાં NSEનો ભાવ ૨૨૬૬ના લેવલે ટકેલો છે. BSE લિમિટેડ અઢી ટકા વધીને ૨૪૬૪ બંધ હતો. MCX દોઢ ટકા કે ૧૦૫ની તેજીમાં ૬૫૭૦ રહ્યા છે. ટીસીએસ તથા સ્ટેટ બૅન્ક નહીંવત્ વધઘટે ફ્લૅટ હતી. ઍક્સિસ બૅન્ક તથા કોટક બૅન્ક અડધો ટકો વધી છે.

સરકારની ૯૦ ટકા માલિકીની MMTCએ માર્ચ ક્વૉર્ટરમાં આવકમાં ૬૪ ટકાના ઘટાડા સાથે ૯૭ ટકાના ધબડકામાં માત્ર સવાબે કરોડ નફો કરી ભંગાર રિઝલ્ટ આપ્યું છે. આમ છતાં શૅર પચીસ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી સવાસત્તર ટકા ઊછળી ૮૧ ઉપરના બંધમાં ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બન્યો છે.  

બહુ ગાજેલી યુનિફાઇડ ડેટા ટેકનું ધારણા કરતાં ઘણું નબળું લિસ્ટિંગ

ગુજ્જુ મહેતા પરિવારની મુંબઈના દિંડોશી ખાતેની યુનિફાઇડ ડેટા ટેક ૧૦ના શૅરદીઠ ૨૭૩ના મારફાડ ભાવે ૧૪,૪૪૭ લાખ રૂપિયાનો પ્યૉર ઑફર ફૉર સેલ SME IPO લાવી હતી. ઇશ્યુ કુલ ૯૧ ગણાથી વધુ છલકાયો હતો. ગ્રે માર્કેટમાં પ્રીમિયમની શરૂઆત ૧૭૫ રૂપિયાથી થઈ હતી. છેલ્લે રેટ બાવન આસપાસ ચાલતો હતો. આની સામે ભાવ ગઈ કાલે ૨૮૫ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૯૯ વટાવી ત્યાં જ બંધ થતાં અત્રે શૅરદીઠ માત્ર ૨૬ રૂપિયા કે ૯.૬ ટકાનો મામૂલી લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

ગેઇન બોર્ડમાં મેંહોણવાળી સ્કોડા ટ્યુબ્સ ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવે ૨૨૦ કરોડનો ઇશ્યુ લાવેલી છે. ભરણું બીજા દિવસના અંતે કુલ પોણાનવ ગણું ભરાયું છે. પ્રીમિયમ બાવીસ જેવું છે. SME કંપની નેપ્ચ્યુન પેટ્રોકેમનો ૧૦ના શૅરદીઠ ૧૨૨ના ભાવનો ૭૩૨૦ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૭ ગણો તથા એન.આર. વંદના ટેક્સટાઇલનો શૅરદીઠ ૪૫ના ભાવનો ૨૭૮૯ લાખનો ઇશ્યુ કુલ ૫.૨ ગણો ભરાયો છે. એન.આર. વંદનામાં ૧૪ના ભાવથી ગ્રે માર્કેટમાં પ્રીમિયમના કામકાજ શરૂ થયા છે.

ગઈ કાલે ૪ ભરણાં પૂરાં થયાં છે જેમાં મેઇન બોર્ડની પ્રોસ્ટર્મ ઇન્ફો સિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૧૬૮ કરોડનો ઇશ્યુ કુલ ૯૬.૭ ગણો છલકાયો છે. પ્રીમિયમ ઉપરમાં પચીસ બોલાયું હતું એ ઘટી હાલ ૨૦ જેવું ચાલે છે. SME સેગમેન્ટમાં બ્લુવૉટર લૉજિસ્ટિક્સનો શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૪૦૫૦ લાખનો ઇશ્યુ કુલ ૯.૪ ગણો, નિકિતા પેપર્સનો શૅરદીઠ ૧૦૪ના ભાવનો ૬૭૫૪ લાખનો ઇશ્યુ કુલ ૧.૪ ગણો તથા ઍસ્ટોનિયા લૅબ્સનો શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૩૭૬૭ લાખનો ઇશ્યુ કુલ ૧.૮ ગણો ભરાઈ પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં નિકિતા પેપર્સમાં પ્રીમિયમ અગાઉના ૮ રૂપિયા સામે હાલ ઝીરો થઈ ગયું છે.

શુક્રવારે અમદાવાદી થ્રી-બી ફિલ્મ્સ ૧૦ના શૅરદીઠ ૫૦ના ભાવથી ૧૯૫૫ લાખની OFS સહિત કુલ ૩૩૭૫ લાખનો BSE SME IPO કરવાની છે. OFSના લગભગ ૧૬ કરોડ રૂપિયા પ્રમોટર્સ બાબરિયા પરિવારના ઘરમાં જશે. કંપનીમાં દમ નથી. ગ્રે માર્કેટમાં ૩ના પ્રીમિયમથી સોદા શરૂ થયા છે.  

નફા માર્જિનના વસવસામાં સાંડૂર મૅન્ગેનીઝ સવાદસ ટકા તૂટ્યો

વેલસ્પન કૉર્પ બમણાથી વધુ નફાના જોરમાં ૭૦ ગણા વૉલ્યુમે ૧૦ ટકા વધી ૮૯૫ બંધ રહેતાં પહેલાં ૯૦૩ના શિખરે ગઈ હતી. સ્ટ્રાઇડ ફાર્મા પોણાદસ ટકા વધી ૭૮૨, આઇટીઆઇ સવાસાત ટકાની આગેકૂચમાં ૩૬૫, દુડલા ડેરી સવાસાત ટકાની મજબૂતીમાં ૧૨૬૭ બંધ રહી છે. સાંડૂર મૅન્ગેનીઝે અગાઉના ૫૮૨ કરોડ સામે આ વખતે માર્ચ ક્વૉર્ટરમાં ૧૩૩૦ કરોડની આવક મેળવી છે, પરંતુ નેટ પ્રૉફિટ ત્રણેક કરોડ રૂપિયા જેવા નજીવા વધારામાં ૧૬૬ કરોડ નોંધાયો છે. સરવાળે શૅર પાંચ ગણા કામકાજમાં સવાદસ ટકા તૂટીને ૪૯૪ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. જ્યોતિ સ્ટ્રક્ચર્સ પોણાસાત ટકા, પોલિ પ્લેક્સ પોણાછ ટકા, એસ્ટ્રા માઇક્રો અને ઑર્કિડ  ફાર્મા પાંચ-પાંચ ટકા ડૂલ થયા છે. રોકડામાં જ્હોન કોકરિલ ઇન્ડિયા ઉપરમાં ૩૨૮૦ થઈ ૧૬ ટકા કે ૪૪૩ની તેજીમાં ૩૨૦૮ બંધ હતી. ફેસવૅલ્યુ ૧૦ની છે. કંપનીમાં વિદેશી પ્રમોટર્સનું હોલ્ડિંગ ૭૫ ટકાનું છે.

ડિફેન્સ કંપની યુનિમેક ઍરોસ્પેસ પરિણામનો કરન્ટ જાળવી રાખતાં બૅક-ટુ-બૅક ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૧૮ વધી ૧૨૯૭ વટાવી ગઈ છે.  ગાર્ડન રિચ ૩૧૪૩ની નવી ટૉપ બનાવી ૧૯૫ રૂપિયા કે પોણાસાત ટકા ઊછળી ૩૦૮૬ અને માઝગાવ ડૉક ૩૭૭૮ની વિક્રમી સપાટી નોંધાવી સવાબે ટકા વધી ૩૭૪૯ હતી. ભારત ડાયનેમિક્સ ત્રણ ટકા વધી છે. અપોલો માઇક્રો ઑલટાઇમ હાઈની હૅટ-ટ્રિકમાં ૧૯૩ વટાવી સાડાછ ટકાના જમ્પમાં ૧૮૯ નજીક ગઈ છે. ઝેન ટેક્નૉલૉજીસે બૅક-ટુ-બૅક પાંચ ટકાની તેજીની સર્કિટ મારી છે. ઍક્સિસ કેડ્સ પણ પાંચ ટકા વધીને ૧૮૫૪ વટાવી ગઈ છે. આઇડિયા ફોર્જ પોણાછ ટકાની મજબૂતીમાં ૫૪૦ હતી. NMDCનો નફો બાવીસ ટકા ઘટવા છતાં નુવામાએ ૮૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. શૅર બે ટકા વધી ૭૨ ઉપર બંધ આવ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2025 08:02 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK