Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ઇન્ટ્રા-ડેમાં ભારે ઊથલપાથલ દાખવી સેન્સેક્સ ૬૨૫ પૉઇન્ટના ઘટાડે બંધ

ઇન્ટ્રા-ડેમાં ભારે ઊથલપાથલ દાખવી સેન્સેક્સ ૬૨૫ પૉઇન્ટના ઘટાડે બંધ

Published : 28 May, 2025 07:47 AM | Modified : 30 May, 2025 06:52 AM | IST | Mumbai
Anil Patel

બોરણા વિવ્સનું પ્રોત્સાહક લિ​સ્ટિંગ, બેલરાઇઝ તથા દાર ક્રેડિટ આજે લિ​સ્ટિંગમાં જશે : બજારની એકંદર નબળાઈ વચ્ચે ડિફેન્સ ઇન્ડેક્સમાં નવાં બેસ્ટ લેવલ જાહેર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


બોરણા વિવ્સનું પ્રોત્સાહક લિ​સ્ટિંગ, બેલરાઇઝ તથા દાર ક્રેડિટ આજે લિ​સ્ટિંગમાં જશે : બજારની એકંદર નબળાઈ વચ્ચે ડિફેન્સ ઇન્ડેક્સમાં નવાં બેસ્ટ લેવલ જાહેર : શ્રીરામ પ્રૉપર્ટીઝ બમણાથી વધુ નફાના જોશમાં ૧૫ ટકા ઊંચકાયો, બાયર ક્રૉપ સાયન્સ પરિણામ પાછળ ૫૪૭ રૂપિયા મજબૂત : KEC ઇન્ટરનૅશનલમાં ૭૮ ટકાની નફાવૃદ્ધિ પાછળ ભાવમાં ઊભરો આવી શમી ગયો : જિંદાલ પૉલીના નાશિક પ્લાન્ટને સરકારની ક્લોઝર નોટિસ : આજે ત્રણ ભરણાં ખૂલશે

છેલ્લા બે દિવસથી મીડિયા અને પ્રચારતંત્રમાં જપાનને પછાડીને ભારત વિશ્વની ચોથા નંબરની મોટી આર્થિક મહાસત્તા બની ગઈ હોવાના અહેવાલનો જબરો પ્રચાર ચાલી રહ્યો છે, જેમાં બલિયા ખાતે હૉસ્પિટલમાં બેડના અભાવે એક પ્રસૂતાને રીતસર ફર્શ ઉપર બાળકને જન્મ આપવાની ફરજ પડી એનો ગમ ક્યાંય ગાયબ થઈ ગયો છે. સવાલ એ છે કે GDPની રીતે ભારત જપાન કરતાં આગળ નીકળી ગયું એનાથી અહીંના નાગરિકોની સુખાકારી કે જીવનધોરણમાં શું ફરક પડ્યો? શું ખરેખર ભારત જપાન કરતાં અમીર બની ગયું છે? બિલકુલ નહીં, કેમ કે સરેરાશ જૅપનીઝ નાગરિકની માથાદીઠ આવક આપણા કરતાં લગભગ ૧૨ ગણી વધુ છે. પ્રોફેસર અરુણકુમાર જેવા કેટલાક અર્થશાસ્ત્રીઓ એક અલગ સવાલ ઉઠાવે છે. ભારત ૨૦૨૫-’૨૬માં GDPની રીતે જપાનથી આગળ નીકળી ગયું એ વાત નીતિ આયોગના CEO સુબ્રમણ્યમે આંતરરાષ્ટ્રીય ભંડોળના વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુકનો હવાલો આપતાં કહી છે. IMFના વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુક જણાવે છે કે ૨૦૨૫-’૨૬માં ભારતની GDP વધીને ૪૧૮૭.૦૧૭ અબજ ડૉલર રહેવાનું અનુમાન છે જે જપાનની અનુમાનિત ૪૧૮૬.૪૩૧ ડૉલરની GDP કરતાં લગભગ અડધો અબજ કે ૫૬ કરોડ ડૉલર વધુ છે. મહત્ત્વનો સવાલ એ છે કે IMF એ ડેટા ગોધિંગ એજન્સી નથી. એ જે તે સરકાર તરફથી જે ડેટા આપવામાં આવે એના આધારે અહેવાલ તૈયાર કરે છે. અને ડેટાની વિશ્વસનીયતાના મામલે ભારત બદનામ છે. થોડાક સમય પહેલાં હૉટમેઇલફેમ સબીર ભાટિયાએ ભારતના GDPના ડેટા વાહિયાત હોવાની જાહેરમાં ટીકા કરી હતી. બીજુ આપણે ત્યાં એક જ સમયગાળા માટેના ત્રણ GDP ડેટા સમયાંતરે જાહેર થાય છે. ઍડ્વાન્સ એ​સ્ટિમેટ, રિવાઇઝડ્ એસ્ટિમેટ અને ફાઇનલ એ​સ્ટિમેટ મજાની વાત એ છે કે ૨૦૨૫-’૨૬ના ભારતના GDPના જે ડેટા IMF તરફથી આપવામાં આવ્યા છે એ ભારત સરકારના ઍડ્વાન્સ એ​સ્ટિમેટ આધારિત છે. ફાઇનલ એસ્ટિમેટ તો બે વર્ષ પછી ૨૦૨૭માં આવશે. આર્થિક આંકડાના મામલે આવી ભયંકર બેદરકારી વિશ્વના અગ્રણી દેશોમાં ક્યાંય નથી. જવા દો, આપણે ભેજાનું વધુ દહીં કરવું નથી.



એશિયન બજારો બીજા દિવસે પણ સાંકડી વધઘટે મિશ્ર વલણમાં બંધ રહી છે. થાઇલૅન્ડ સવા ટકો, તાઇવાન એક ટકો, સાઉથ કોરિયા સાધારણ અને ચાઇના નહીંવત્ નરમ હતા. સામે જપાન, સિંગાપોર અને હૉન્ગકૉન્ગ અડધા ટકાની આસપાસ પ્લસ હતા. યુરોપ રનિંગમાં બહુધા અડધાથી એક ટકો મજબૂત જણાયું છે. બિટકૉઇન રનિંગમાં ૧,૦૯,૬૭૬ ડૉલર ચાલતો હતો. બ્રૅન્ટક્રૂડ ૬૫ ડૉલર નજીક ટકેલું હતું. હાજર સોનું સવા ટકો ઘટી ૩૩૦૨ ડૉલર તથા કૉમેક્સ ગોલ્ડ બે ટકા બગડી ૩૩૨૬ ડૉલર દેખાયું છે. ચાંદી દોઢ ટકો ડાઉન હતી.


સેન્સેક્સ આગલા બંધથી ૧૩૮ પૉઇન્ટના ઘટાડામાં ૮૨,૦૩૮ ખૂલી છેવટે ૬૨૫ પૉઇન્ટ ગગડી ૮૧,૫૫૧ તથા નિફ્ટી ૧૭૫ પૉઇન્ટ ઘટી ૨૪,૮૨૬ મંગળવારે બંધ થયો છે. દિવસ દરમ્યાન બજારમાં બેતરફી પ્રમાણમાં મોટી ઊથલપાથલ જોવાઈ હતી. સહેજ નરમ ખૂલ્યા બાદ પ્રથમ સત્રમાં સેન્સેક્સ નીચામાં ૮૧,૨૭૫ થયા પછી ૧૧.૩૦ વાગ્યે ૮૨,૪૧૦ની ઇન્ટ્રા-ડે ટોચે ગયો હતો અને ત્યાંથી પાછો ગગડી બીજા સત્રમાં ૮૧,૧૨૨ દેખાયો હતો. આટલી મોટી ​સ્વિંગ બજારમાં ઘણા દિવસ બાદ જોવા મળી છે. સેન્સેક્સ-નિફ્ટીના પોણા ટકાની નરમાઈ સામે રોકડું અને બ્રૉડરમાર્કેટ સારું હતું. રસાકસીવાળી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૪૧૨ શૅર સામે ૧૪૬૨ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧.૧૩ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૪૩.૬૬ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૪ શૅરના સથવારે એક ટકો વધી નવી વિક્રમી સપાટીએ ગયો છે.

લીલા હોટેલ્સ અને એઝિસ વોપૅકમાં પ્રીમિયમ ગગડીને ચાર રૂપિયા


સુરતની બોરણા વિવ્સ ૧૦ના શૅરદીઠ ૨૧૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં છેલ્લે ચાલતા ૪૩ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૨૪૩ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૫૫ થઈ ત્યાં જ બંધ રહેતાં એમાં ૧૮ ટકાનો લિ​સ્ટિંગ ગેઇન મળ્યો છે. આજે બેલરાઇઝ અને દાર ક્રેડિટનું લિ​સ્ટિંગ થવાનું છે. હાલ બેલરાઇઝમાં ૨૦ અને દાર ક્રેડિટમાં ૧૬ રૂપિયા પ્રીમિયમ બોલાય છે.

ગઈ કાલે કુલ ૪ નવાં ભરણાં ખૂલ્યાં એમાંથી મેઇન બોર્ડની પ્રોસ્ટર્મ ઇન્ફો સિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ની અપર બૅન્ડવાળો ૧૬૮ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૩.૪ ગણો ભરાઈ ગયો છે. ગ્રેમાર્કેટમાં ૨૫નું પ્રીમિયમ છે, જ્યારે SME સેગમેન્ટમાં બ્લુ વૉટર લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૧૩૫ની અપર બૅન્ડ સાથે ૪૦૫૦ લાખનો ઇશ્યુ લાવી છે એ કુલ ૯૬ ટકા, નિકિતા પેપર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૪ની અપર બૅન્ડવાળો ૬૭૫૪ લાખનો ઇશ્યુ કુલ ૪૨ ટકા તથા એસ્ટોનિયા લૅબ્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૫ની અપર બૅન્ડ સાથે ૩૭૬૭ લાખનો ઇશ્યુ કુલ ૨૩ ટકા ભરાયો છે. નિકિતા પેપર્સમાં ગ્રેમાર્કેટ ખાતે બેનું પ્રીમિયમ સંભળાય છે.

મેઇનબોર્ડમાં શ્લોષ બૅન્ગલોર કે લીલા હોટેલ્સનો ૧૦ના શૅરદીઠ ૪૩૫ની અપર બૅન્ડ સાથે ૩૫૦૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૭ ટકા તથા એજિસ વોપૅક ટર્મિનલ્સનો ૧૦ના શૅરદીઠ ૨૩૫ની અપર બૅન્ડવાળો ૨૮૦૦ કરોડનો IPO કુલ ૩૬ ટકા ભરાયો છે. બન્ને ભરણાં આજે બંધ થવાનાં છે. હાલ લીલા હોટેલ્સમાં ૪ રૂપિયા તથા એજિસ વોપૅકમાં ૪ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે. બુધવારે અમદાવાદની સ્કોડા ટ્યુબ્સ ૧૦ના શૅરદીઠ ૧૪૦ની અપર બેન્ડમાં ૨૨૦ કરોડનો મેઇનબોર્ડમાં ઇશ્યુ કરશે. સ્ટેનલેસ ટ્યુબ્સ અને પાઇપ્સ બનાવતી આ કંપનીએ છેલ્લા દોઢ વર્ષમાં આવક-નફામાં ખાસ્સો વધારો બતાવ્યો છે જે હજમ થવો મુશ્કેલ છે. કંપનીનું દેવું વધતું રહી ૨૦૨ કરોડને વટાવી ગયું છે. કંપનીનો એકમ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે છે એટલે મહેસાણાવાળા ફૉર્મમાં છે. ઇશ્યુમાં ફૅન્સી જમાવવા ગ્રેમાર્કેટમાં ૧૬વાળું પ્રીમિયમ ઊંચકી ૨૨ રૂપિયે લઈ જવાયું છએ. આ ઉપરાંત બુધવારે નેપ્ચ્યુન પેટ્રોકૅમ તથા એન. આર. વંદના ટેક્સ ઇન્ડ.ના SME IPO પણ ખૂલવાના છે.

મ્યુચ્યુઅલ ફન્ડ બિઝનેસ માટે SEBIની મંજૂરીથી જિયો ફાઇનૅન્શિયલ લાઇમલાઇટમાં

સેન્સેક્સના ૩૦માંથી પાંચ શૅરમાં ઇન્ડ્સઇન્ડ બૅન્ક અઢી ટકા વધી ૮૨૧ના બંધમાં મોખરે હતો. જિયો બ્લૅક રોક ઍસેટ મૅનેજમેન્ટને મ્યુચ્યુઅલ ફન્ડ બિઝનેસ શરૂ કરવા SEBIએ મંજૂરી આપતાં જિયો ફાઇનૅ​ન્શિયલ ૩.૪ ટકા વધી ૨૮૧ના બંધમાં નિફ્ટી ખાતે વધેલા ૧૧ શૅરમાં ઝળક્યો હતો. હતી. ટ્રેન્ટ પોણો ટકો વધ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ્સ સવાબે ટકા બગડી ૧૧૪૩૫ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છએ. ITC બે ટકા, ઍ​ક્સિસ બૅન્ક ૧.૬ ટકા, JSW સ્ટીલ ૧.૮ ટકા, ગ્રાસિમ દોઢ ટકા, NTPC ૧.૪ ટકા, મહિન્દ્રા૧.૩ ટકા, HCL ટેક્નૉ સવા ટકો, બજાજ ફિનસર્વ એક ટકા, TCS એક ટકા, બજાજ ફાઇ. એક ટકા નરમ હતા. ICICI બૅન્ક ૦.૯ ટકા ઘટી ૧૪૪૭ના બંધમાં બજારને ૮૨ પૉઇન્ટ તો HDFC બૅન્ક પોણો ટકો ઘટી ૮૭ પૉઇન્ટ નડી છે. રિલાયન્સ પોણો ટકો ઘટી ૧૪૨૨ હતો. ઇન્ફોસિસ અડધો ટકો ડાઉન થયો છે.

શ્રીરામ પ્રૉપર્ટીઝનો ત્રિમાસિક નફો ૨૦ કરોડથી વધીને ૪૮ કરોડ રૂપિયા આવતાં શૅર ૪૫ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૦૦ નજીક જઈને ૧૫ ટકાના ઉછાળે ૯૭ બંધ થયો છે. બાયરક્રૉપ સાયન્સનો નફો ૪૯ ટકા વધીને ૧૪૩ કરોડ વટાવી જતાં શૅર ૪૪ ગણા કામકાજે ઉપરમાં ૫૮૫૪ થઈ ૧૦.૭ ટકા કે ૫૪૭ રૂપિયાની તેજીમાં ૫૬૭૭ રહ્યો છે. સરકારી કંપની ITI પરિણામ પહેલાં ૧૨ ગણા વૉલ્યુમે ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૩૦૯ બતાવી ત્યાં જ બંધ રહ્યો છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ ૭.૭ ટકા કે ૧૧૨ રૂપિયા તથા ડિફેન્સ કંપની અવાન્ટેલ ૮.૨ ટકા મજબૂત હતી. રેટગેઇન ૧૦ ટકા લથડી ૪૭૨ના બંધમાં એ-ગ્રુપ ખાતે ઘટાડામાં મોખરે હતો. કારટ્રેડ સાત ટકા કે ૧૧૪ રૂપિયા, સુમિટોમો કેમિકલ્સ ૬.૩ ટકા, અને ટીટીકે પ્રેસ્ટિજ પોણા છ ટકા બગડ્યો છે. ​઼િફેન્સ શૅરમાં અપોલો માઇક્રો ૧૨.૩ ટકા, ઝેન ટેક્નૉલૉજીઝ બે ટકા, મઝગાંવ ડોક બે ટકા, કોચિન શિપયાર્ડ સવાબે ટકા, ગાર્ડન રિચ ૩.૨ ટકા, ભારત ડાયનેમિક્સે પોણાત્રણ ટકા, ભારત અર્થમૂવર સવા ટકો, એસ્ટ્રા માઇક્રો ૨.૩ ટકા, એમટાર ટેક્નૉ ૨.૩ ટકા, મિશ્ર ધાતુ નગમ ચાર ટકા પ્લસ હતા.

મહારાષ્ટ્ર સરકારે ઑલેક્ટ્રા ગ્રીન ટેકનો ૧૦ હજાર કરોડનો કૉન્ટ્રૅક્ટ રદ કર્યો

ઑલેક્ટ્રા ગ્રીનટેકની આવક ૫૫ ટકા અને નેટ પ્રૉફિટ ૫૩ ટકા વધ્યાં છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારે ૫૧૫૦ ઇલે​ક્ટ્રિક બસનો કુલ આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાનો કંપનીને આપેલો કૉન્ટ્રૅક્ટ કૅન્સલ કર્યો છે. એના પગલે શૅર પાંચ ગણા કામકાજે નીચામાં ૧૧૮૦ બતાવી સાડાછ ટકા ગગડી ૧૨૫૮ બંધ આવ્યો છે. ઇ​ન્ડિગોમાં શૅરના ભાવ વધવા માંડે છે કે તરત ગંગવાલ ફૅમિલી માલ વેચવા આવી જાય છે. ગઈ કાલે તેમણે ૫.૭ ટકા હો​લ્ડિંગ બ્લૉકડીલ મારફત વેચી ૧૧,૩૮૫ કરોડ ઘરભેગા કરતાં શૅર નીચામાં ૫૨૫૬ થઈ બે ટકા કે ૧૦૫ રૂપિયા ઘટી ૫૩૧૩ બંધ થયો છે. LIC પરિણામ પહેલાં નામપૂરતા સુધારામાં ૮૭૦ બંધ રહ્યો છે.

બ્રેઇન બીઝ સોલ્યુશન્સની નેટલૉસ બાવન કરોડથી વધીને ૭૭ કરોડ રૂપિયા નજીક પહોંચતાં શૅર છ ટકા જેવો ગગડી ૩૫૩ બંધ આવ્યો છે. CCL પ્રોડક્ટ્સ ૮૭૮ના બેસ્ટ લેવલે જઈ સવાત્રણ ટકા ઊંચકાઈ ૮૩૨ વટાવી ગયો છે. સ્નેઇડર ઇલે​ક્ટ્રિકનો ત્રિમાસિક નફો સવાત્રણ કરોડથી વધીને ૫૪ કરોડ રૂપિયાને વટાવી જતાં શૅર ઉપરમાં ૭૪૩ નજીક જઈ ત્રણ કા વધીને ૬૯૮ રહ્યો છે. KEC ઇન્ટરનૅશનલ ૭૭ ટકાની નફાવૃદ્ધિના જોશમાં આઠ ગણા કામકાજે ઉપરમાં ૯૨૭ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં નહીંવત્ સુધારે ૮૬૨ બંધ આવ્યો છે. બ્લુડાર્ટનો નફો ૨૯ ટકા ઘટી ૫૫ કરોડ નોંધાયો છે. એમાં શૅર ૩૬૮ રૂપિયા કે પાંચ ટકા બગડી ૬૮૧૫ બંધ થયો છે.

જિંદાલ પૉલી ફિલ્મ્સના નાશિક પ્લાન્ટને મોટી આગની ઘટનાને પગલે ઇન્ડ​સ્ટ્રિયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ તરફથી ક્લોઝર નોટિસ ઇશ્યુ કરાઈ છે. શૅર એક ટકો ઘટી ૬૪૦ બંધ રહ્યો છે. ભાવ વધુ બગડશે. ભારત ભૂષણ ફાઇનૅન્સ શૅરદીઠ એક રાઇટમાં ૩૦મીએ એક્સ રાઇટ થવાનો છે. ભાવ સાડાચાર ટકા વધીને ગઈ કાલે ૭૫ ઉપર બંધ થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2025 06:52 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK