આજે પણ પાંચ નવાં મૂડીભરણાં લિસ્ટેડ થશે, બે SME ઇશ્યુ ખૂલશે : જૂનમાં વેચાણ ઘટવા છતાં મારુતિ સુધરી, હ્યુન્દાઇ સવાપાંચ ટકા ગગડી : માર્કેટ બ્રેડ્થ નેગેટિવ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વંદન ફૂડ્સ, માર્ક લુવા ફૅશન્સ અને પુષ્પા જ્વેલર્સમાં ભરણાં પૂરાં થતાંની સાથે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગાયબ : સિલ્કી ઓવરસીઝને તગડો પ્રતિસાદ મળતાં ગ્રે માર્કેટમાં ફૅન્સી : પાકિસ્તાની શૅરબજાર આખલાદોડમાં ૧,૩૦,૫૫૦ નજીક : આજે પણ પાંચ નવાં મૂડીભરણાં લિસ્ટેડ થશે, બે SME ઇશ્યુ ખૂલશે : જૂનમાં વેચાણ ઘટવા છતાં મારુતિ સુધરી, હ્યુન્દાઇ સવાપાંચ ટકા ગગડી : માર્કેટ બ્રેડ્થ નેગેટિવ
બજાર બુધવારે નહીંવત્ પ્લસમાં ખૂલી સાધારણ ઘટાડે બંધ થયું છે. તમે આને કન્સોલિડેશન જેવું કાંઈક કહી શકો છો. સેન્સેક્સ આગલા બંધથી ૯૪ પૉઇન્ટ પ્લસ, ૮૩,૭૯૧ ખૂલી ૨૮૮ પૉઇન્ટ નજીકની પીછેહઠમાં ૮૩,૪૧૦ નીચે બંધ થયો છે. નિફ્ટી ૮૮ પૉઇન્ટની કમજોરીમાં ૨૫,૪૫૩ રહ્યો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૮૩,૯૩૫ થયા બાદ માઇનસ ઝોનમાં સરી પડ્યો હતો. લપસણી ચાલમાં બજાર નીચામાં ૮૩,૧૫૧ થયું હતું. છેલ્લો કલાક નીચલા મથાળેથી બાઉન્સબૅકનો હતો. બજારમાં સેક્ટોરલ્સ બહુધા મિશ્ર વલણમાં સાંકડી વધઘટમાં હતા, પરંતુ મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા નજીક અને કન્ઝ્યુમર ગુડ્સ બેન્ચમાર્ક સવા ટકો અપ હતો. સામે રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૪ ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ એકાદ ટકો, પાવર કૅપિટલ ગુડ્સ તથા બૅન્ક નિફ્ટી પોણા ટકા આસપાસ ડાઉન હતા. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૨૦૫ શૅર સામે ૧૭૨૩ શૅર ઘટ્યા છે. બજારનું માર્કેટકૅપ ૫૦ હજાર કરોડ રૂપિયાના ઘટાડે ૪૬૦.૭૬ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
ADVERTISEMENT
પ્રાઇમરી માર્કેટમાં ક્રીઝાક લિમિટેડનો બેના શૅરદીઠ ૨૪૫ની અપર બૅન્ડવાલો ૮૬૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૪૮ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટ ખાતે ૨૧વાળું પ્રીમિયમ વધી હાલ ૩૨ રૂપિયા દેખાય છે. SME સેગમેન્ટમાં ગુરુવારે બરોડાની ક્રાયોજેનિક OGS ૧૦ના શૅરદીઠ ૪૭ની અપર બૅન્ડમાં ૧૭૭૭ લાખ રૂપિયાનો, મધ્ય પ્રદેશના જબલપુરની હૅપી સ્ક્વેર આઉટસોર્સિંગ સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૭૬ની અપર બૅન્ડમાં ૨૪૨૫ લાખનો ઇશ્યુ કરવાની છે. હાલ ક્રાયોજેનિકમાં ૨૦ના તથા હૅપી સ્ક્વેર અર્થાત વાઇટ ફોર્સમાં પાંચ રૂપિયા ગ્રે માર્કેટમાં પ્રીમિયમ બોલાય છે.
ગઈ કાલે પાંચ SME IPO પૂરા થયા છે જેમાં વંદન ફૂડ્સને કુલ પોણાબે ગણો, માર્ક લુવા ફૅશન્સને ૨.૭ ગણો, સિડાર ટેક્સટાઇલને સવાબાર ગણો, પુષ્પા જ્વેલર્સને અઢી ગણો તેમ જ સિલ્કી ઓવરસીઝને ૧૭૦ ગણો રિસ્પૉન્સ મળ્યો છે. હાલ ગ્રે માર્કેટ ખાતે સિલ્કી ઓવરસીઝમાં પચીસવાળું પ્રીમિયમ ઊછળીને ૪૫ થઈ ગયું છે. સિડાર ટેક્સટાઇલમાં રેટ પચીસ હતો એ ગગડી ૧૦ બોલાય છે. પુષ્પામાં બે દિવસ પહેલાં ૩૧ પ્રીમિયમ હતું એ અત્યારે ગાયબ થઈ ગયું છે. વંદન ફૂડ્સમાં ઇશ્યુ પૂરો થતાંની સાથે પચીસવાળું પ્રીમિયમ રીતસર ઝીરો થયું છે. માર્ક લુવામાં છેલ્લે ૧૫નું પ્રીમિયમ હતું, હાલ એ શૂન્ય છે.
એશિયન બજાર સાંકડી વધઘટે મિશ્ર હતું. જપાન, સાઉથ કોરિયા તથા ઇન્ડોનેશિયા અડધો ટકો નરમ તો સિંગાપોર, હૉન્ગકૉન્ગ અને થાઇલૅન્ડ એટલા જ પ્લસમાં બંધ હતાં. ચાઇના નહીંવત્ નરમ તો તાઇવાન નજીવું સુધર્યું છે. યુરોપ ખાતે રનિંગમાં ફ્રાન્સનું માર્કેટ સવા ટકા કરતાં વધુ મજબૂત દેખાયું છે. અન્યત્ર સુધારો સાધારણથી અડધા ટકાનો હતો. પાકિસ્તાની શૅરબજાર વન-વે તેજીમાં ૧,૨૮,૧૯૯ના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૧,૩૦,૫૪૬ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી રનિંગમાં ૨૩૪૫ પૉઇન્ટના ઉછાળે ૧,૩૦,૫૪૫ દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ એક ટકો વધી ૬૮ ડૉલરની સાવ નજીક આવી ગયું છે. બિટકૉઇન પોણાબે ટકાની મજબૂતીમાં ૧,૦૭,૫૨૩ ડૉલર ચાલતો હતો.
મૉન્સૂનની મંદ માગની મોસમમાં સિમેન્ટ શૅર ડિમાન્ડમાં
બ્રોકરેજ હાઉસ મેકવાયર તરફથી ૨૩૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનો કૉલ જારી થતાં તાતા કમ્યુનિકેશન્સ જંગી વૉલ્યુમ સાથે ઉપરમાં ૧૮૧૮ બતાવી ૪.૬ ટકાની મજબૂતીમાં ૧૮૦૮ બંધ રહ્યો છે. ઇન્ડ્સઇન્ડ બૅન્કમાં ગોલ્ડમૅન સાક્સ દ્વારા ૭૨૨ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ-વ્યુ જારી થતાં ભાવ બમણા કામકાજે નીચામાં ૮૪૮ થઈ અઢી ટકા ઘટી ૮૫૮ બંધ થયો છે. કિસ્ટોન રિયલ્ટર્સને અંધેરી-વેસ્ટ ખાતે આશરે ૩૦૦૦ કરોડનો કલસ્ટર્સ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મળતાં શૅર ઉપલી સર્કિટમાં ૬૮૮ થઈ ત્રણેક ટકા ઊંચકાઈ ૬૪૪ હતો. સરકારની ૭૨.૨ ટકા માલિકીની રાઇટ્સ લિમિટેડ મલ્ટિપલ ઑર્ડર મળ્યાના અહેવાલમાં ૪૦ ગણા વૉલ્યુમે ૩૦૦ નજીક જઈ ૫.૭ ટકા ઊછળીને ૨૯૫ રહી છે. લગભગ રોજ નવી ટૉપ બનાવતી MCX ગઈ કાલે સવા ટકો નરમ હતી. BSE લિમિટેડ પોણો ટકો ઘટી છે.
સિમેન્ટ ઉદ્યોગ માટે મૉન્સૂન સામાન્ય સંજોગોમાં લીન સીઝન ગણાય છે, પરંતુ ગઈ કાલે સિમેન્ટ ઉદ્યોગના ૪૨માંથી ૩૦ શૅર વધ્યા છે. વર્ધમાન, હેડલબર્ગ, પ્રિઝમ જોનસન, પણ્યમ સિમેન્ટ, શિવા સિમેન્ટ, અંબુજા સિમેન્ટ્સ, સાંધી ઇન્ડ, જેકે લક્ષ્મી, મંગલમ સિમેન્ટ્સ, સૌરાષ્ટ્ર સિમેન્ટ્સ, ઓરિયેન્ટ સિમેન્ટસ ઇત્યાદી જેવા સવા ડઝન શૅર બે ટકાથી માંડીને પાંચ ટકા મજબૂત હતા. દાલમિયા ભારત, અલ્ટ્રાટેક સિમેન્ટ, રામકો સિમેન્ટ્સ, જેકે લક્ષ્મી નવા શિખરે ગયા હતા.
રીસ્ટ્રક્ચરિંગની જાહેરાત પાછળ આગલા દિવસની ૨૦ ટકાની તેજી આગળ ધપાવતાં ગાબ્રિયલ ઇન્ડિયા ગઈ કાલે ૨૦ ટકાના નવા ઉછાળે ૧૦૧૧ની વિક્રમી સપાટીએ જઈ સવાપંદર ટકાની તેજીમાં ૯૭૨ બંધ રહી છે. વિનસ પાઇપ્સ ૧૦૭ રૂપિયા કે આઠેક ટકાના જમ્પમાં ૧૪૬૩ રહી ‘એ’ ગ્રુપ સાથે સેકન્ડ બેસ્ટ ગેઇનર બની હતી. મહારાષ્ટ્ર સ્કૂટર્સ ૮૩૮ રૂપિયા કે પોણાછ ટકા, બજાજ કન્ઝ્યુમર સવાસાત ટકા અને બજાજ હિન્દુસ્તાન ૫.૮ ટકા વધી હતી. નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની KIFS ફાઇનૅન્સ સર્વિસિસ ૧૬ ગણા વૉલ્યુમે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૭૪ વટાવી ગઈ છે.
HDB ફાઇનૅન્સ સર્વિસિસનું લિસ્ટિંગ ધારણાં કરતાં સારું રહ્યું
બુધવારે કુલ પાંચ ભરણાં લિસ્ટેડ થયાં છે. હાઈ પ્રોફાઇલ HDB ફાઇનૅન્સ સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૭૪૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં છેલ્લે બોલાતા ૭૫ના પ્રીમિયમ સામે ૮૩૫ ખૂલી નીચામાં ૮૨૭ અને ઉપરમાં ૮૫૦ વટાવી ૮૪૧ બંધ થતાં સાડાતેર ટકા કે શૅરદીઠ ૧૦૧ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સંભવ સ્ટીલ ટ્યુબ્સ ૧૦ના શૅરદીઠ ૮૨ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૪ના પ્રીમિયમ સામે ૧૧૦ ખૂલી નીચામાં ૯૬ થઈ ૯૭.૫૮ બંધ આવતાં એમાં ૧૯ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં સનટેક ઇન્ફ્રા શૅરદીઠ ૮૬ની ઇશ્યુ પ્રાઇસ અને ૪૧ના પ્રીમિયમ સામે ૧૦૯ ખૂલી નીચલી સર્કિટમાં ૧૦૪ની અંદર જઈ ત્યાં જ બંધ થતાં એમાં ૨૦ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. રામા ટેલિકૉમ શૅરદીઠ ૬૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૭૨ ખૂલી ઉપરમાં ૭૫ અને નીચામાં ૬૮ થઈ ત્યાં બંધ રહેતાં એમાં અડધો ટકો લિસ્ટિંગ ગેઇન દેખાયો છે. જ્યારે સુપરટેક ઈવી શૅરદીઠ ૯૨ની ઇશ્યુ પ્રાઇસ અને ૫૦ પૈસા પ્રીમિયમ સામે ડિસ્કાઉન્ટમાં ૭૩.૬૦ ખૂલી નીચલી સર્કિટે ૭૦ નીચે જઈ ત્યાં જ બંધ થતાં ૨૪ ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે.
આજે ગુરુવારે પણ મેઇન બોર્ડની ઇન્ડો ગલ્ફ ક્રોપ સાયન્સ સહિત કુલ પાંચ આઇપીઓ લિસ્ટેડ થવાના છે. ગ્રે માર્કેટ ખાતે હાલમાં ઇન્ડોગલ્ફમાં ૧૬ રૂપિયા, એઇસ આલ્ફામાં ૩૦ રૂપિયા, પ્રોફેક્સ ટેકમાં ૧૩ રૂપિયા, મૂવિંગ મીડિયામાં ૧૬ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે. વેલેન્સિઆ ઇન્ડિયામાં કામકાજ નથી. આગલા દિવસે, મંગળવારે જે સાત ભરણાં લિસ્ટેડ થયાં હતાં એમાં ગઈ કાલે એલેનબેરી ઇન્ડ. ગૅસિસ ૫૬૩ના બેસ્ટ લેવલે જઈ નીચામાં ૪૯૫ બતાવી ૨.૯ ટકા ઘટી ૫૨૫ બંધ રહી છે. કલ્પતરુ ૪૦૮ના વર્સ્ટ લેવલે જઈ ૪.૫ ટકા ગગડી ૪૧૪ તથા ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૯૦ નીચે બંધ હતી. SME કંપની AJC જ્વેલ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૯૦.૬૩ રૂપિયા, આઇકોન ફેસિલિએટર્સ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૮૧ના વર્સ્ટ લેવલે, અબ્રામ ફૂડ્સ ત્રણ ટકા ઘટી ૯૨ તથા શ્રી હરેકૃષ્ણ સ્પોન્જ દોઢ ટકા ઘટી ૬૩ બંધ રહી છે.
જિયો ફાઇનૅન્સમાં સતત છ દિવસના સુધારા પછી નરમાઈ
સેન્સેક્સ નિફ્ટીના સામાન્ય ઘટાડા સામે ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ દોઢ ટકો વધ્યો છે. સેન્સેક્સના ૩૦માંથી વધેલા ૧૪ શૅર અને નિફ્ટીના ૫૦માંથી વધેલા બાવીસ શૅરમાં તાતા સ્ટીલ બમણા કામકાજે પોણાચાર ટકા ઊછળી ૧૬૬ જેવા બંધમાં બન્ને બજાર ખાતે મોખરે હતો. જેએસડબ્લ્યુ સ્ટીલ ત્રણેક ટકા વધી નિફ્ટીમાં સેકન્ડ બેસ્ટ ગેઇનર હતી. અન્યમાં એશિયન પેઇન્ટ્સ ૨.૨ ટકા, અલ્ટ્રાટેક દોઢ ટકાથી વધુ, ટ્રેન્ટ દોઢ ટકા નજીક, સનફાર્મા પોણો ટકો, વિપ્રો એકાદ ટકો પ્લસ હતા. જૂન મહિનામાં વેચાણ છ ટકા ઘટવા છતાં મારુતિ સુઝુકી ૧.૪ ટકા કે ૧૭૨ રૂપિયા વધી ૧૨,૬૧૫ બંધ થઈ છે. સામે હ્યુન્દાઇ મોટર્સ વેચાણ ૧૨ ટકા ઘટવાના અફસોસમાં ૧૧૭ રૂપિયા કે સવાપાંચ ટકા ગગડી ૨૧૨૩ રહી છે. બાય ધ વે, ઓલા ઇલેક્ટ્રિક્સ નવા તળિયાની શોધમાં ૪૧ની અંદર ઑલટાઇમ લો બતાવી અઢી ટકા ગગડી ૪૧ બંધ આવી છે. ભારતી ઍરટેલ ૨૦૪૫ની વિક્રમી સપાટી નોંધાવી અડધો ટકો વધીને ૨૦૩૦ બંધ હતી.
રિલાયન્સ સરેરાશ કરતાં ૩૦ ટકાના કામકાજે અડધા ટકાથી વધુની પીછેહઠમાં ૧૫૧૮ હતી. જિયો ફાઇનૅન્સ સર્વિસિસ સળંગ ૬ દિવસની આગેકૂચ બાદ પોણા ટકાથી વધુની નબળાઈમાં ૩૨૭ નીચે ગઈ છે. નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ પોણાત્રણ ટકા અને HDFC લાઇફ અઢી ટકા કપાયા હતા. સેન્સેક્સ ખાતે બજાજ ફીનસર્વ બે ટકાથી વધુ તથા લાર્સન બે ટકા નજીક બગડી ઘટવામાં મોખરે હતી. બજાજ ફાઇનૅન્સ દોઢ ટકો ઘટી ૯૨૩ રહી છે. HDFC બૅન્ક સવા ટકાની નબળાઈમાં ૧૯૮૬ બંધ આપીને બજારને સર્વાધિક ૧૬૯ પૉઇન્ટ નડી છે. લાર્સને ૬૯ પૉઇન્ટ અને રિલાયન્સે ૫૮ પૉઇન્ટનો માર માર્યો હતો. અન્ય કાઉન્ટર્સમાં ભારત ઇલેક્ટ્રૉનિક્સ સવા ટકો, કોટક બૅન્ક એક ટકા નજીક, સિપ્લા સવા ટકો, ONGC એક ટકો, નેસ્લે એક ટકા નજીક નરમ હતી.
સર્દા મોટર્સ તથા કૂલ કૅપ્સ શૅરદીઠ એક બોનસમાં તો કન્ટેનર કૉર્પો. ચાર શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થશે. સર્દા મોટર્સ ગઈ કાલે છ ટકા ઊછળી ૨૦૮૪, કૂલ કૅપ્સ સવા ટકો વધીને ૮૦૬ તથા કન્ટેનર કૉર્પોરેશન નહીંવત્ ઘટીને ૭૪૪ બંધ હતી. કૂલ કૅપ્સ ૪ જુલાઈના રોજ એક્સ-બોનસ ઉપરાંત એક્સ-સ્પ્લિટ પણ થવાની છે. પારસ ડિફેન્સ શુક્રવારે ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે બમણા વૉલ્યુમે સવાચાર ટકાના જમ્પમાં ૧૬૯૬ વટાવી ગયો છે.

