Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ખાનગી બૅન્કોની પીછેહઠ પાછળ બજાર ૪૫૨ પા‍ૅઇન્ટ નરમ

ખાનગી બૅન્કોની પીછેહઠ પાછળ બજાર ૪૫૨ પા‍ૅઇન્ટ નરમ

Published : 01 July, 2025 08:42 AM | Modified : 03 July, 2025 06:59 AM | IST | Mumbai
Anil Patel

બૅન્ક નિફ્ટી નવી ટૉપ બનાવીને નરમ, PSU બૅન્ક નિફ્ટી તમામ શૅરની મજબૂતીમાં પોણાત્રણ ટકા ઊછળ્યો : જિયો ફાઇનૅન્સ સતત પાંચમા દિવસની આગેકૂચમાં છ મહિનાના નવા શિખરે બંધ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


બૅન્ક નિફ્ટી નવી ટૉપ બનાવીને નરમ, PSU બૅન્ક નિફ્ટી તમામ શૅરની મજબૂતીમાં પોણાત્રણ ટકા ઊછળ્યો : જિયો ફાઇનૅન્સ સતત પાંચમા દિવસની આગેકૂચમાં છ મહિનાના નવા શિખરે બંધ : સિગાચી ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં શૅરમાં ધબડકો, શેમારુ એન્ટરટેઇનમેન્ટ ચિક્કાર વૉલ્યુમે ૨૦ ટકાની તેજીમાં : ફોર્સ મોટર્સ ૧૬૪૮ રૂપિયા અને સનોફી કન્ઝ્યુમર ૬૭૯ રૂપિયાના ઉછાળે ઑલટાઇમ હાઈ : આજે ૭ શૅરનું લિસ્ટિંગ થશે 


ટૅરિફમાં ડેડલાઇનને વળગી રહેવાના ટ્રમ્પનાં ગતકડાં વચ્ચે બહુમતી એશિયન બજાર સોમવારે સુધર્યાં છે. તાઇવાનની દોઢ ટકાની તથા હૉન્ગકૉન્ગની ૦.૯ ટકાની નરમાઈ સામે જપાન, ચાઇના, થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા અડધો-પોણો ટકો પ્લસ હતાં. યુરોપ રનિંગમાં નહીંવત્ નરમાઈ દેખાડતું હતું. બ્રેન્ટ ક્રૂડ ૬૭.૫૦ ડૉલર ઉપર ટકેલું છે. બિટકૉઇન પોણા ટકાના ઘટાડે રનિંગમાં ૧,૦૭,૫૬૪ ડૉલર ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર ૧,૨૪,૨૭૬ના આગલા બંધ સામે ઉપરમાં ૧,૨૫,૭૪૮ બતાવી રનિંગમાં ૧૩૪૪ પૉઇન્ટ વધી ૧,૨૫,૭૨૩ જોવાયું છે. નવી ઑલટાઇમ હાઈ આજકાલમાં દેખાય તો નવાઈ નહીં.



સેન્સેક્સ તાજેતરની રેલી બાદ થાકોડો ખાવાના મૂડમાં આગલા બંધથી ૩૧ પૉઇન્ટ નરમ, ૮૪,૦૨૭ ખૂલી ૪૫૨ પૉઇન્ટની પીછેહઠમાં ૮૩,૬૦૬ તથા નિફ્ટી ૧૨૧ પૉઇન્ટ ઘટી ૨૫,૫૧૭ બંધ થયો છે. શૅરઆંક ખૂલતાની સાથે ઉપરમાં ૮૪,૦૯૯ વટાવી આખો દિવસ માઇનસ ઝોનમાં હતો જેમાં નીચામાં ૮૩,૪૮૨ દેખાયો હતો. મેઇન બેન્ચમાર્કની અડધા ટકા જેવી નબળાઈ સામે બ્રૉડર માર્કેટ લગભગ ફ્લૅટ હતું, પરંતુ સ્મૉલકૅપ પોણો ટકો અને મિડકૅપ ૦.૭ ટકા વધ્યું છે. આ ઉપરાંત કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એક ટકાથી વધુ પ્લસ હતો. બૅન્ક નિફ્ટી ૫૭,૬૧૪ની નવી ટૉપ બનાવી ૧૩૧ પૉઇન્ટ જેવો સાધારણ ઘટી ૫૭,૩૧૩ બંધ થયો છે, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની તેજીમાં પોણાત્રણ ટકા નજીક ઊછળ્યો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૨ શૅરની હૂંફમાં એક ટકા નજીક અપ હતો. રિયલ્ટી બેન્ચમાર્ક ૦.૯ ટકા તથા મેટલ, એનર્જી, ઑટો ઇન્ડેક્સ અડધો ટકો ડાઉન હતા. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૬૫૬ શૅરની સામે ૧૧૮૮ કાઉન્ટર ઘટ્યાં છે. બજારનું માર્કેટકૅપ ૧.૦૪ લાખ કરોડ વધીને હવે ૪૬૧.૧૪ લાખ કરોડ રૂપિયા થયું છે.


ચાલુ સપ્તાહમાં મંગળથી શુક્રના ૪ દિવસમાં કુલ ૨૦ નવાં ભરણશંનું લિસ્ટિંગ થવાનું છે જેમાંથી સાત પબ્લિક ઇશ્યુ આજે, મંગળવારે લિસ્ટેડ થશે જેમાં કલ્પતરુ લિમિટેડ, એલન બેરી ઇન્ડસ્ટ્રિયલ ગૅસિસ, ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ, શ્રી હરિ ક્રિશ્ન સ્પોન્જ આયર્ન, આઇકોન ફેસિલિએટર્સ, અબ્રામ ફૂડ્સ અને AJC જ્વેલ સામેલ છે. હાલ ગ્રે માર્કેટ ખાતે એલન બેરીમાં ૫૭ રૂપિયા, ગ્લોબ સિવિલમાં ૨૭ રૂપિયા, AJC જ્વેલમાં ૪ રૂપિયાના પ્રીમિયમ બોલાય છે. કલ્પતરુમાં પ્રીમિયમના સોદા ૧૧થી શરૂ થયા હતા. ત્રણ દિવસથી રેટ ઝીરો છે. બુધવારે હાઈ પ્રોફાઇલ HDB ફાઇનૅન્સ સર્વિસિસ સહિત કુલ પાંચ ભરણાં લિસ્ટિંગમાં જવાનાં છે. અત્યારે HDBમાં પ્રીમિયમ વધીને ૬૬ રૂપિયા થઈ ગયું છે.

‘એ’ ગ્રુપ ખાતે રેમન્ડ લિમિટેડ ૪૧ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૭૧૮ થઈ સાડાતેર ટકાની તેજીમાં ૭૦૯ નજીક બંધ આપીને ઝળકી હતી. ગ્રુપ કંપની રેમન્ડ લાઇફ પણ ૧૩ ગણા કામકાજે ૧૪૧૪ થઈ છેલ્લે સવાસાત ટકાના જમ્પમાં ૧૩૧૨ રહી છે. ફોર્સ મોટર્સ બમણા વૉલ્યુમે ૧૬,૨૬૧ની વિક્રમી સપાટી નોંધાવી ૧૧.૪ ટકા કે ૧૬૪૮ રૂપિયા ઊછળી ૧૬,૧૪૬ હતી. ૨૮ જાન્યુઆરીએ ભાવ ૬૧૨૮ના વર્ષના તળિયે હતો. ફ્યુઝન ફાઇનૅન્સ સાડાત્રણ ટકા બગડી ૧૯૮ ઉપર બંધ હતી, પરંતુ એનો પાર્ટ પેઇડ શૅર સવાતેર ટકાના કડાકામાં ૧૧૧ બંધ આવ્યો છે. શેમારુ એન્ટરટેઇનમેન્ટ રોજના સરેરાશ ૧૧૨૮ શૅરની સામે ગઈ કાલે ૧.૫૧ લાખ શૅરના ચિક્કાર વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૫૨ વટાવી ગઈ છે. 


ચાર બૅન્કિંગ શૅરની નબળાઈ બજારને ૩૦૪ પૉઇન્ટ નડી

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૨ તથા નિફ્ટીના ૫૦માંથી ૧૯ વધેલા શૅરમાં તાતાની ટ્રેન્ટ લિમિટેડ સવાત્રણ ટકા કે ૨૦૧ રૂપિયા તેજીમાં ૬૨૧૯ બંધ આપીને ટૉપ ગેઇનર બની છે. સ્ટેટ બૅન્ક ૧.૯ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૭ ટકા, જિયો ફાઇનૅન્શ્યલ એક ટકા, શ્રીરામ ફાઇનૅન્સ એક ટકા નજીક પ્લસ હતી. HDFC લાઇફ ૮૨૧ના બેસ્ટ લેવલે જઈ ૦.૯ ટકા વધી ૮૧૪ તો ભારત ઇલેક્ટ્રિક દોઢ ટકો વધીને ૪૨૨ નજીક બંધ હતી. રિલાયન્સ ૧૫૨૫ની ૯ મહિનાની નવી ટૉપ દેખાડી એક ટકાના ઘટાડામાં ૧૫૦૦ બંધ આપી બજારને ૮૮ પૉઇન્ટ નડી છે. TCS અડધો ટકો પ્લસ તો ઇન્ફોસિસ અડધો ટકો માઇનસ હતી.

તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સવાબે ટકા બગડી નિફ્ટીમાં ટૉપ લૂઝર બની છે. સેન્સેક્સ ખાતે ઍક્સિસ બૅન્ક બે ટકાથી વધુની નરમાઈમાં ૧૧૯૯ બંધ આપીને ખરાબીમાં મોખરે હતી. કોટક બૅન્ક બે ટકા, ICICI બૅન્ક એક ટકો તો HDFC બૅન્ક પોણા ટકા નજીક કટ થઈ છે. આ ૪ બૅન્ક શૅર બજારને ગઈ કાલે કુલ ૩૦૪ પૉઇન્ટ નડ્યા છે. ભારતી ઍરટેલ એક ટકાની પીછેહઠમાં ૨૦૦૮ નીચે હતી. ઘટેલા અન્ય શૅરમાં હીરો મોટોકૉર્પ બે ટકાની નજીક, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૪ ટકા, મારુતિ સુઝુકી બે ટકા નજીક કે ૨૪૬ રૂપિયા, અલ્ટ્રાટેક સવા ટકાથી વધુ, બજાજ ફાઇનૅન્સ એક ટકો, તાતા સ્ટીલ એક ટકો, અદાણી એન્ટરપ્રાઇઝિસ એક ટકા, એનટીપીસી અને અપોલો હૉસ્પિટલ એક ટકા નજીક ડાઉન હતા.

બજાર બંધ થયા પછી મે મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા સરકારે જારી કર્યા હતા જે મુજબ મે મહિનામાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ૧.૨ ટકા નોંધાયો છે જે નવ મહિનાની બૉટમ છે. આ દર એપ્રિલ મહિનામાં ૨.૭ ટકા તથા ગત વર્ષના મે મહિનામાં ૫.૯ ટકા હતો. જોકે બજાર આ પ્રકારના નેગેટિવ ન્યુઝથી સદંતર અલિપ્ત થઈ ગયું છે. જ્યાં સુધી ખેલાડીઓની નાણાકોથળી મજબૂત છે, લિક્વિડિટી અકબંધ છે ત્યાં સુધી બજારની ચાલ બદલાવાની નથી.  

પુષ્પા જ્વેલર્સમાં ૨૮ના રેટથી પ્રીમિયમના સોદા શરૂ

મેઇન બોર્ડમાં બુધવારે કલકત્તાની એજ્યુકેશનલ કંપની ક્રિઝાડ બે રૂપિયાના શૅરદીઠ ૨૪૫ની અપર બૅન્ડમાં ૮૬૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ કરવાની છે. કંપની આવક અને નફામાં સતત નોંધપાત્ર વૃદ્ધિદરનો ટ્રૅક રેકૉર્ડ ધરાવે છે. ગત વર્ષે ૮૮૫ કરોડની આવક પર ૧૫૩ કરોડ નફો કર્યો છે. કંપની ડેટ ફ્રી છે. એના આધારે ઇશ્યુ પ્રાઇસ ૨૮નો પીઈ સૂચવે છે. પ્રમોટર્સની શૅરદીઠ સરેરાશ પડતર નામપૂરતી છે. ગ્રે માર્કેટમાં સોદા નથી. SME સેગમેન્ટમાં સોમવારે એકસાથે પાંચ ભરણાં ખૂલ્યાં છે. નવી દિલ્હીની સિલ્કી ઓવરસીઝનો ૧૦ના શૅરદીઠ ૧૬૧ની અપર બૅન્ડવાળો કુલ ૩૦૬૮ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે ફક્ત ૧૧ ટકા, કલકત્તાની પુષ્પા જ્વેલર્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૭ની અપર બૅન્ડવાળો ૯૮૬૫ લાખનો ઇશ્યુ ૩૬ ટકા, બૅન્ગલોરની સિડાર ટેક્સટાઇલનો ૧૦ના શૅરદીઠ ૧૪૦ની અપર બૅન્ડ સાથે ૬૦૯૦ લાખનો ઇશ્યુ માત્ર ૧૧ ટકા, નવી દિલ્હીની માર્કલુઆ ફૅશન્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૨૧૦૦ લાખનો ઇશ્યુ ૩૫ ટકા તથા અમદાવાદી વંદન ફૂડ્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૫ના ભાવનો ૩૦૩૬ લાખનો ઇશ્યુ ૨૭ ટકા ભરાયો છે. હાલ ગ્રે માર્કેટ ખાતે સિલ્કી ઓવરસીઝમાં ૧૬ રૂપિયા, સીડાર ટેક્સટાઇલમાં ૧૦ રૂપિયા, વંદન ફૂડ્સમાં ૨૦ રૂપિયા તથા માર્કલુઆમાં ૬ રૂપિયાનું પ્રીમિયમ ચાલે છે.

ગઈ કાલે ૪ SME ભરણાં પૂરાં થયાં છે જેમાં પ્રોફેક્સ ટેકનો શૅરદીઠ ૮૭ના ભાવનો ૩૮૨૧ લાખનો ઇશ્યુ કુલ ૨૫.૪ ગણો, એઇસ અલ્ફા ટેકનો શૅરદીઠ ૬૯ના ભાવનો ૩૦૪૦ લાખનો ઇશ્યુ ૧૦૨ ગણો, મૂવિંગ મીડિયા એન્ટરટેઇનમેન્ટનો શૅરદીઠ ૭૦ના ભાવનો ૩૨૯૧ લાખનો ઇશ્યુ ૭૩.૪ ગણો તેમ જ વેલેન્સિઆ ઇન્ડિયાનો શૅરદીઠ ૧૧૦ના ભાવનો ૪૬૪૯ લાખનો ઇશ્યુ કુલ ૧.૩ ગણો ભરાઈને પૂરો થયો છે. છેલ્લે એઇસ અલ્ફ્રાટેકમાં ૨૬ રૂપિયા તથા મૂવિંગ મીડિયામાં ૨૫ રૂપિયા પ્રીમિયમ બોલાતું હતું, જ્યારે વેલેન્સિઆ અગાઉના ૨૧ પ્રીમિયમમાંથી ૪ રૂપિયાના ડિસ્કાઉન્ટમાં આવી ગઈ છે. પ્રોફેક્સમાં ૬નો રેટ છે.

ઍડકાઉન્ટી મીડિયાના શૅરદીઠ ૮૫ના ભાવનો ૪૭૮૩ લાખનો SME IPO બીજા દિવસના અંતે કુલ સાડાબાર ગણો તથા નીતુ યોશીનો પાંચના શૅરદીઠ ૭૪ની અપર બૅન્ડ સાથે ૭૭૦૪ લાખનો ઇશ્યુ કુલ ૩.૭ ગણો ભરાયો છે. ઍડકાઉન્ટીમાં હાલ ૪૪ અને નીતુ યોશીમાં ૩૦નું પ્રીમિયમ સંભળાય છે. મેઇન બોર્ડની ઇન્ડોગલ્ફ ક્રોપસાયન્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૧ની અપર બૅન્ડવાળો ૨૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૨૭.૨ ગણા રિસ્પૉન્સ સાથે ગઈ કાલે પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં ૧૭વાળું પ્રીમિયમ હાલમાં ઘટી ૧૨ ચાલે છે. પુષ્પા જ્વેલર્સમાં ગ્રે માર્કેટ ખાતે ૨૮ના પ્રીમિયમ શરૂ થયા છે.

ટૉરન્ટ ફાર્માના ટેકઓવરમાં જેબી કેમિકલ્સ ૧૧૯ રૂપિયા ડૂલ

અમદાવાદી ટૉરન્ટ ફાર્મા તરફથી કુલ ૨૫,૬૮૯ કરોડના વૅલ્યુએશનથી જેબી કેમિકલ્સને હસ્તગત કરવાની જાહેરાત કરાઈ છે જે મુજબ ૧૨,૨૭૫ કરોડમાં ટૉરન્ટ ફાર્મા દ્વારા જેબી કેમિકલ્સના પ્રમોટર્સનો ૪૯.૨ ટકા જેવો હિસ્સો હસ્તગત કરાશે અને શૅરદીઠ ૧૬૩૯ રૂપિયાના ભાવથી ૬૮૨૬ કરોડના ખર્ચે નિયમ મુજબ ૨૬ ટકા શૅર ખરીદવા ઓપન ઑફર થશે. ત્યાર પછી જેબી કેમિકલ્સને ટૉરન્ટ ફાર્મામાં મર્જ કરવાનો પ્લાન છે જેમાં જેબી કેમિકલ્સના શૅરધારકને ૧૦૦ શૅરદીઠ ટૉરન્ટ ફાર્માના ૫૧ શૅર બદલામાં મળશે. જેબી કેમિકલ્સનો શૅર શુક્રવારે ૧૭૯૯ ઉપર બંધ હતો એ ગણતરીએ ૧૬૩૯ રૂપિયાની ઓપન ઑફર પ્રાઇસ ઘણી નીચી હોવાથી ગઈ કાલે જેબી કેમિકલ્સ દસેક ગણા વૉલ્યુમે નીચામાં ૧૬૭૫ થઈ અંતે સાડાછ ટકા કે ૧૧૯ રૂપિયા ગગડી ૧૬૮૦ બંધ રહ્યો છે. સામે ટૉરન્ટ ફાર્મા ૩૪૭૪ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી બે ટકા વધી ૩૪૧૦ હતી. આ ડીલના પગલે ટૉરન્ટ ફાર્માના ટર્નઓવરમાં વર્ષે ૪૩૦૦ કરોડ તથા નેટ નફામાં ૭૫૪ કરોડનો વધારો થવાની ગણતરી રખાય છે. ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૦૫માંથી ૭૪ શૅરના સથવારે અડધો ટકો કે ૨૪૫ પૉઇન્ટ પ્લસ હતો. સનોફી કન્ઝ્યુમર હેલ્થકૅર ૫૯૫૪ની ઑલટાઇમ ટૉપ બતાવી ૧૩.૫ ટકા કે ૬૭૯ રૂપિયાની તેજીમાં ૫૬૯૫ બંધ આપી મોખરે હતી. ઇન્દ્રપ્રસ્થ મેડિકલ આઠ ટકા, ઍલેમ્બિક ફાર્મા ૭.૩ ટકા, NGL ફાઇનકેમ પાંચ ટકા, ઇન્ડોકો રેમેડિઝ સાડાછ ટકા, નાટકો ફાર્મા પાંચ ટકા, વૉકહાર્ટ સાડાચાર ટકા, નોવાર્ટિસ ૪.૯ ટકા મજબૂત હતી. લૌરસ લૅબ ૭૨૭ના નવા શિખરે જઈ ૩.૩ ટકાની આગેકૂચમાં ૭૨૫ થઈ છે. નિફ્ટી ફાર્મા ૨૦માંથી ૧૪ શૅરની હૂંફમાં અડધો ટકો વધ્યો હતો.

એક્સ-રાઇટ થતાં મિર્ક ઇલેક્ટ્રૉનિક્સ પોણાછ ટકા તૂટી

નવી દિલ્હીની અગાઉ ફોર્થ ડાયમેન્શન સૉલ્યુશન્સ તરીકે ઓળખાતી GVP ઇન્ફ્રોટેક ૧૦૦ શૅરદીઠ ૧૩ના પ્રમાણમાં બે રૂપિયાના શૅરદીઠ ૧૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે એક ટકો સુધરી ૧૧.૩૦ બંધ રહી છે. એક જમાનામાં ઓનિડા બ્રૅન્ડથી જે ઘણી મશહૂર હતી એ મુંબઈની મિર્ક ઇલેક્ટ્રૉનિક્સ ૧૪ શૅરદીઠ ૩ના પ્રમાણમાં એક રૂપિયાના શૅરદીઠ ૧૦ના ભાવથી ૧૪ જુલાઈએ ૪૯૪૯ લાખનો રાઇટ ઇશ્યુ કરવાની છે. શૅર ગઈ કાલે એક્સ-રાઇટ થતાં પોણાછ ટકા તૂટીને પોણાપંદર બંધ આવ્યો છે. કુલ કૅપ્સ શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ૪ જુલાઈ, શુક્રવારના રોજ એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે દોઢ ટકા વધીને ૮૨૬ બંધ થયો છે. કંપની માર્ચ-૨૦૨૨માં ૧૦ના શૅરદીઠ ૩૮ના ભાવથી ૧૧૬૩ લાખ રૂપિયાનો NSE SME IPO લાવી હતી. ૨૪ માર્ચ ૨૦૨૨ના રોજ લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયું હતું. ભાવ ૩૭.૬૫ બંધ થયો હતો. નવી મુંબઈની પારસ ડિફેન્સ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં ૪ જુલાઈએ એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર દોઢ ટકો ઘટીને ૧૬૦૬ રૂપિયા બંધ રહ્યો છે. કચ્છી માંડુની કંપની મેઇન બોર્ડમાં ૧૦ના શૅરદીઠ ૧૭૫ના ભાવથી ૧૭૦ કરોડ પ્લસનું ભરણું સપ્ટેમ્બર ૨૦૨૧માં લાવી હતી. એને ત્યારે ૩૦૪ ગણો રેકૉર્ડબ્રેક રિસ્પૉન્સ મળ્યો હતો.

સિગાચી ઇન્ડસ્ટ્રીના તેલંગણ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં શૅર આઠ ગણા વૉલ્યુમે નીચામાં ૪૭ થઈ ૧૧.૬ ટકાના ધબડકામાં ૪૮.૮૦ બંધ થયો છે. સરકારી કંપની ભેલને અદાણી પાવર તરફથી ૬૫૦૦ કરોડનો ઑર્ડર મળતાં ભાવ ઉપરમાં ૨૭૨ બતાવી પોણો ટકો વધી ૨૬૬ બંધ હતો. અહલુવાલિયા કૉન્ટ્રૅક્ટસને ૧૦૦૦ કરોડ રૂપિયાના બે ઑર્ડર મળતાં શૅર ૪ ગણા વૉલ્યુમે ૧૦૩૮ નજીક જઈ અઢી ટકા વધીને ૧૦૧૫ બંધ આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2025 06:59 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK