Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મ્યુચ્યુઅલ ફન્ડનો મહત્તમ ફેલાવો મહારાષ્ટ્ર-ગુજરાતમાં જ

મ્યુચ્યુઅલ ફન્ડનો મહત્તમ ફેલાવો મહારાષ્ટ્ર-ગુજરાતમાં જ

11 May, 2023 02:35 PM IST | Mumbai
Jayesh Chitalia

ઍમ્ફી (અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા)ના ડેટા વિચારતા કરી મૂકે એવા છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ફન્ડના ફન્ડા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


દેશમાં ભલે કેટલાયે ઇન્વેસ્ટર્સ અવેરનેસ સેમિનાર-પરિસંવાદ યોજાતા, મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગનો વ્યાપ જેટલો વધવો કે ફેલાવો જોઈએ એટલો વધ્યો કે ફેલાયો નથી. ઍમ્ફી (અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા)ના ડેટા વિચારતા કરી મૂકે એવા છે. નાણામંત્રાલય અને સેબીના લેવલે આ વિષય ગંભીર ચર્ચા-વિચારણા માગી લે છે

આપણા દેશમાં મ્યુચ્યુઅલ ફન્ડની વાતો વિવિધ માધ્યમોમાં જોરશોરથી થાય છે, મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈં...નો પ્રચાર પણ સતત થયા કરે છે, જેને કારણે એવું લાગે કે દેશભરના રોકાણકારો ફન્ડ્સની યોજનાઓમાં રોકાણ કરી રહ્યા છે. જોકે આ એક ભ્રમ હોવાનું સાબિત થાય એવા આંકડા બહાર આવતા ગયા છે. ફન્ડની યોજનાઓ છૂટીછવાઈ ભલે નાનાં શહેરો સુધી પહોંચી હશે, પરંતુ એનો મહત્તમ વ્યાપ બહુ જ મર્યાદિત રાજ્યોના સીમિત શહેરો સુધી જ ફેલાયો છે. આમાં પણ મહારાષ્ટ્ર અને ગુજરાત મોખરે રહ્યાં છે. સરકારે સંસ્થાકીય ધોરણે આ માર્ગે વધુ નક્કર કદમ ભરવાની જરૂર છે. નિયમનકાર સેબીએ પણ આ દિશામાં કંઈક વિશેષ વિચારવાની આવશ્યકતા છે. ગયા વખતે આપણે વાત કરી હતી કે વધુ આઠેક નવાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ આવી રહ્યાં છે, સ્પર્ધા વધવાની છે. નવી પ્રોડક્ટ્સ-નવી યોજનાઓ આવશે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કલ્ટ મર્યાદિત વર્ગ અને મર્યાદિત ભૂગોળ સુધી જ રહ્યો છે. યે સહી નહીં હૈં...



વિકાસ છતાં ઉદ્યોગ પર દબાણ


ભારતમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ શિસ્તબદ્ધ રીતે વિકસી રહ્યો છે, એની ઍસેટ્સ અન્ડર મૅનેજમેન્ટ પાંચ વરસમાં બમણી થઈને ૪૦ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. એસઆઇપીનું જોર સદા જોશમાં રહ્યું છે. આ વિષયમાં સતત જાહેર ચર્ચા થતી રહે છે. આ એક એકંદરે નાના-મોટા રોકાણકારો માટે સારો અને તુલનાત્મક રીતે સલામત માર્ગ યા ઓછો જોખમી માર્ગ કહી શકાય. એમ છતાં, નિયમનકાર સેબી સતત મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગને દબાણ હેઠળ રાખે છે, એમાં ખર્ચ પર કાપ આવે એવા પગલાં લે છે, જેને કારણે ફન્ડ ડિસ્ટ્રિબ્યુટર્સની આવકને માર પડે છે. આ પછી પણ ફન્ડ ઉદ્યોગ સતત વિકાસની દિશામાં રહ્યો છે, ફેલાયો છે અને નાનામાં નાના બચતકાર સુધી પહોંચી ગયો છે. જેને સ્ટૉક માર્કેટ સમજાતું નથી, તેમની માટે આ માર્ગ ઉત્તમ હોવાના પુરાવાની જરૂર રહી નથી.

એસઆઇપીના પ્રચાર પર લગામ?


જોકે સેબીએ તાજેતરમાં ફરી ફન્ડ ઉદ્યોગ પર નવી લગામ તાણી છે અને અવેરનેસ સેમિનારના માધ્યમથી પણ એસઆઇપીનો પ્રચાર કરવા પર રોક લગાવી છે. અલબત્ત, ઇન્વેસ્ટર્સ અવેરનેસ સેમિનારમાં ફન્ડ અને ડિસ્ટ્રિબ્યુટર્સ એજ્યુકેશન-અવેરનેસને નિમિત્ત બનાવી પ્રોડક્ટ્સ સેલ કરવાનો પ્રયાસ કરતા હોય છે, એમ સેબીના ધ્યાનમાં આવ્યું છે. વીમા ઉદ્યોગમાં વિવિધ પૉલિસીઓનું ભરપૂર મિસસેલિંગ થઈ રહ્યું છે. એમ છતાં, એના રેગ્યુલેટ્સ ઇરડાઇ (ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીઝ) કંઈ નક્કર ઍક્શન લેતું નથી તેમ જ વીમા ક્ષેત્રમાં એજન્ટોને કમિશન પણ ઊંચા મળી રહ્યા હોવા છતાં નિયમનકાર મહદઅંશે મૌન રહે છે, જ્યારે સેબી ફન્ડ ઉદ્યોગ પર સતત અંકુશ વધારતું રહ્યું હોવાની ફરિયાદ થતી રહે છે, જ્યારે કે ફન્ડ ઉદ્યોગના ડિસ્ટ્રિબ્યુટર્સને પ્રોત્સાહન આપવાની તાતી જરૂર છે. 

પાંચ વરસમાં મહારાષ્ટ્રનો હિસ્સો

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગનો વિકાસ થયો છે, ઍસેટ્સ પાંચ વરસમાં બમણી થઈ છે એ વાત સાચી, પરંતુ આમાંથી સૌથી મોટો હિસ્સો માત્ર એક રાજ્યનો જ રહ્યો છે, જે છે મહારાષ્ટ્ર. ૪૦ લાખ કરોડ રૂપિયાની કુલ ઍસેટ્સમાંથી ૪૦ ટકા ફાળો એક માત્ર મહારાષ્ટ્રમાંથી આવે છે. બીજા-ત્રીજા ક્રમે ગુજરાત અને કર્ણાટક છે, પણ દૂરના અંતરે છે, જ્યારે કે આગલાં પાંચ વરસમાં પણ મહારાષ્ટ્ર જ મોખરે હતું. અર્થાત ફન્ડ ઉદ્યોગનું પેનિટ્રેશન પ્રમાણમાં થવું જોઈએ એટલું થયું ગણાય નહીં. રીટેલ ઇન્વેસ્ટર્સ મોટે ભાગે ઇક્વિટીલક્ષી સ્કીમ્સ તરફ ખેંચાતા રહ્યા છે. ડેટ સ્કીમ્સ તરફ ઓછું પ્રમાણ છે. ઇન શૉર્ટ, મ્યુચ્યુઅલ ફન્ડ આટલા વરસે પણ નેશનવાઇડ (રાષ્ટ્રભરમાં) સ્થાન પામ્યું નથી. 

ઇન્વેસ્ટમેન્ટ કલ્ટની મર્યાદા

મહારાષ્ટ્રની ખાસિયત એ પણ છે કે તેનો જીડીપીમાં હિસ્સો પણ દેશના જીડીપીના ૧૦માં ભાગનો રહ્યો છે. ડાયરેક્ટ ટૅક્સ અને જીએસટી કલેક્શન પણ સૌથી વધુ મહારાષ્ટ્રમાં થાય છે. બૅન્કોની કુલ ડિપોઝિટ્સ અને લોન્સમાં મહારાષ્ટ્રનો ફાળો ૨૦ ટકા રહ્યો છે. દેશના સ્ટૉક માર્કેટના કુલ ટર્નઓવરમાં મહારાષ્ટ્રના એકલા મુંબઈનો હિસ્સો બે તૃતીયાંશ રહ્યો છે. આમ ઇક્વિટી કલ્ટનો મહત્તમ ભાગ પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળે છે. ફાઇનૅન્શિયલ પ્રોડક્ટ્સની કૅટેગરીઝમાં દિલ્હી એનસીઆર, બૅન્ગલોર અને ચેન્નઈ ઝડપથી વિકસતાં સેન્ટર્સ છે. વર્તમાન સમયમાં પણ મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં જ ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર જોવા મળે છે, બાકીના ભાગોમાં નહીંવત્ યા સીમિત પ્રમાણમાં છે. આનો અર્થ એ થઈ શકે કે ઇન્વેસ્ટર્સ અવેરનેસ-એજ્યુકેશન પાછળ થતો ખર્ચ એળે જાય છે, એનું નક્કર પરિણામ મળી રહ્યું નથી.

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2023 02:35 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK