Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ વધુ બહેતર શા માટે ગણાય?

ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ વધુ બહેતર શા માટે ગણાય?

30 March, 2023 04:38 PM IST | Mumbai
Jayesh Chitalia

યુએસ તેમ જ યુરોપિયન બૅન્કોની ક્રાઇસિસ બૅન્ક માટે પણ મુશ્કેલી અને પડકાર ઊભા કરી રહી છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર ફન્ડના ફન્ડા

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


શૅરબજારમાં ગ્લોબલ ઘટનાઓને કારણે વૉલેટિલિટી અને અનિશ્રિતતા વધી રહી છે. યુએસ તેમ જ યુરોપિયન બૅન્કોની ક્રાઇસિસ બૅન્ક માટે પણ મુશ્કેલી અને પડકાર ઊભા કરી રહી છે. અદાણી પ્રકરણમાંથી હજી માંડ બહાર નીકળી રહેલું બજાર વૈશ્વિક પડકારનો સામનો કરી રહ્યું છે અને એને કારણે માર્કેટના સેન્ટિમેન્ટને પણ અસર થઈ છે. માર્કેટ આડેધડ વધી જાય છે યા બેફામ તૂટી જાય છે. આની સીધી અસર મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણ પર થવી સહજ છે. આવામાં શું કરવું? ફન્ડ્સની યોજનાઓના રોકાણકારો માર્કેટ ઘટવાને પગલે તેમના યુનિટતસની વૅલ્યુ  ઘટતાં ગભરાય છે અને ચિંતામાં મુકાઈ જાય છે. 

બાય ધ વે, આ સમયે ગભરાઈ જવા કરતાં તક ઉપાડવાની જરૂર છે, કેમ કે ભારતીય ઇકૉનૉમી મજબૂત છે અને વધુ મજબૂત બનવા જઈ રહી છે. શૅરબજારમાં ભય લાગે કે વૉલેટિલિટી સતાવે તો બહેતર અને સરળ-સલામત માર્ગ મ્યુચ્યુઅલ ફન્ડ બને છે. માર્કેટની વૉટિલિટીનો લાભ સૌથી વધુ એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) અને એસટીપી (સિસ્ટમૅટિક ટ્રાન્સફર પ્લાન)ના રોકાણકારોને મળે છે, કેમ કે આમાં રોકાણ નિયમિત સમયાંતરે થતું હોય છે, જેને લીધે માર્કેટની વધ-ઘટમાં ઍવરેજનો લાભ મળે છે. આપણે છેલ્લાં કેટલાંક વર્ષથી જોઈ રહ્યા છીએ કે મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારોની સંખ્યા વધી રહી છે, ઍસેટ અન્ડર મૅનેજમેન્ટની વૅલ્યુ કે રકમ વધી રહી છે. નવાં-નવાં મ્યુચ્યુઅ ફન્ડ આવી રહ્યાં છે, જેમ કે થોડા વખત પહેલાં વાઇટઓક કૅપિટલ નામનું મ્યુચ્યુઅલ ફન્ડ આવ્યું, તેણે બે યોજના પણ લૉન્ચ કરી, જેને સારો પ્રતિભાવ મળ્યો. તાજેતરમાં બંધન મ્યુચ્યુઅલ ફન્ડ બજારમાં આવ્યું. અર્થાત્, આઇડીએફસી મ્યુચ્યુઅલ ફન્ડને બંધન બૅન્કે ટેકઓવર કરી લીધું, જે હવે બંધન મ્યુચ્યુઅલ ફન્ડ બની ગયું. બૅન્ક કરતાં ફન્ડનું વળતર બહેતર


બીજી બાજુ નિયમન સંસ્થા સેબી મ્યુચ્યુઅલ ફન્ડ માર્ગે રોકાણકારોને ગેરમાર્ગે દોરતા પ્રયાસ પર કડક રોક નાખી રહ્યું છે. ફન્ડમાં રોકાણકારો પરનો રોકાણખર્ચ ઘટે એ માટે પ્રયાસ થઈ રહ્યા છે. આની અસરથી કયાંક ફન્ડ ઉદ્યોગ નિરાશ યા નારાજ પણ છે, પરંતુ ફન્ડ ઉદ્યોગને નવો રોકાણપ્રવાહ સતત મળતો રહ્યો છે. શૅરબજારથી ગભરાયેલા રોકાણકારો ફન્ડ તરફ વળવા લાગ્યા છે. નાનાં-નાનાં શહેરોના લોકો ફન્ડની યોજના પસંદ કરવા લાગ્યા છે. આ સાથે ફન્ડ સામે ક્યાંક પડકાર એ આવ્યા છે કે બૅન્ક એફડીના વ્યાજદર વધતાં, લોકો એફડી તરફ પણ વળવા લાગ્યા છે, તો બીજી તરફ બૅન્કોની ક્રાઇસિસના ભયથી ઘણા લોકો બૅન્કોથી દૂર રહેવા લાગ્યા છે અથવા બૅન્કોને બદલે મ્યુચ્યુઅલ ફન્ડ પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે. આમ પણ બૅન્ક એફડી પર સાત કે આઠ ટકા વળતર આપે તો પણ ફન્ડની યોજના સરેરાશ ૧૨થી ૧૪ ટકા વળતર આપે છે. અલબત્ત, આ માટે ફન્ડને સમય વધુ આપવો પડે છે, જેમને લાંબા ગાળાનું રોકાણ કરવું છે તેઓ આમ કરતાં ખચકાતા નથી. રોકાણકારોની મ્યચ્યુઅલ ફન્ડ પ્રત્યેની સમજ અને પરિપક્વતા વધી રહી છે. 

આ પણ વાંચો: જોખમને ઘટાડવા ઍસેટ અલોકેશનનું મહત્ત્વ સમજવું રહ્યું


રોકાણપ્રવાહ વધવાના પુરાવા

મ્યુચ્યુઅલ ફન્ડ તરફ રોકાણપ્રવાહ વધી રહ્યો હોવાનો નક્કર પુરાવો એ છે કે એની પાસેની ઍસેટ્સ અન્ડર મૅનેજમેન્ટ (એયુએમ) હાલમાં ૩૯ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે ૧૦ વર્ષ પહેલાં ૮ લાખ કરોડ રૂપિયા હતી. આમ એક દાયકાની વૃદ્ધિ આંખે ઊડીને વળગે એવી છે. જેમની પાસે સૌથી વધુ એયુએમ છે એમાં એસબીઆઇ મ્યુચ્યુઅલ ફન્ડ, આઇસીઆઇસીઆઇ પ્રુ, એચડીએફસી મ્યુ. ફન્ડ, નિપ્પોન ઇન્ડિયા, કોટક મહિન્દ્ર, આદિત્ય બિરલા સન લાઇફ, ઍક્સિસ ફન્ડ અને યુટીઆઇ મ્યુ. ફન્ડનો સમાવેશ છે. ઍમ્ફી (અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ ઑફ ઇન્ડિયા) સતત રોકાણકારોમાં સમજણ, જાગૃતિ અને શિક્ષણ ફેલાવવા નિતનવા પ્રયાસ કરતું રહે છે, જેથી રોકાણકાર વર્ગ આ માર્ગે જાગૃતિ સાથે પ્રવેશ કરે. સેબીનો આ આદેશ પણ છે અને એજન્ડા પણ છે. આ સંજોગો સૂચવે છે કે દેશમાં મ્યુચ્યુઅલ ફન્ડનું નિયમન બહુ બારીકીથી થઈ રહ્યું છે અને ગ્રોથ પણ સિસ્ટમૅટિકલી થઈ રહ્યો છે. જોકે યોજનાઓમાં હજી વધુ નવીનતાની જરૂર છે. 

બૅન્કોમાં નાણાં મૂકતાં ભય લાગે અને શૅરબજારમાં નાણાંનું જોખમ વધતું લાગે ત્યારે નૅચરલી મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ પસંદ કરવાનાં આ રહ્યાં કારણ

સવાલ તમારા…

શું આ સમય મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં રોકાણ કરવાનો કે વધારવાનો ગણાય? 

ચોક્કસ, બજારમાં અનિશ્ચિતતા હોય, વૉલેટિલિટી હોય ત્યારે મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણ કરવાનું કે વધારવાનું વધુ સલાહભર્યું ગણાય, જેમાં માર્કેટ રિસ્કનું પ્રમાણ ઘટે છે અને એ લાંબા ગાળાનું હોય ત્યારે વળતર બહેતર બની શકે છે. અલબત્ત, આ વિષયમાં તમારે તમારા રોકાણ સલાહકારની સલાહ-માર્ગદર્શન લઈ આગળ વધવું જોઈએ. 

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2023 04:38 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK