Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં બ્લૅક મન્ડેઃ રોકાણકારોની સંપત્તિમાંથી પાંચ લાખ કરોડ રૂપિયા સ્વાહા

શૅરબજારમાં બ્લૅક મન્ડેઃ રોકાણકારોની સંપત્તિમાંથી પાંચ લાખ કરોડ રૂપિયા સ્વાહા

Published : 24 November, 2026 07:30 AM | Modified : 24 November, 2026 07:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્સેક્સ એના ઉચ્ચ સ્તરથી ૧૬૮૬ પૉઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ૫૦૦ પૉઇન્ટનો ઘટાડો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૅન્કિંગ, મેટલ અને ફાઇનૅન્શિયલ શૅરોમાં ભારે વેચવાલી, નબળા વૈશ્વિક સંકેતો અને સતત ૪ અઠવાડિયાંની તેજી બાદ નફો વસૂલવા માટે થયેલા પ્રૉફિટ-બુકિંગને કારણે ગઈ કાલે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે ટ્રેડિંગની શરૂઆત સકારાત્મક નોંધ સાથે થઈ હતી, પરંતુ થોડા કલાકોમાં જ સેન્સેક્સ એના દિવસના ઉચ્ચતમ સ્તરથી નીચે આવ્યો હતો. સેન્સેક્સ એના દિવસના ઉચ્ચતમ સ્તર ૮૪,૬૬૨થી ૧૬૮૬ પૉઇન્ટ્સ ગગડીને ૮૨,૮૯૩ના દિવસના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. નિફ્ટીમાં પણ મોટો ઊલટફેર જોવા મળ્યો હતો. શરૂઆતમાં ૨૫,૯૯૨ના ઉચ્ચ સ્તરને સ્પર્શ્યા બાદ આ સૂચકાંક ઘટીને ૨૫,૪૯૧ના દિવસના નીચલા સ્તરે આવી ગયો હતો.

શુક્રવારે માર્કેટ કૅપિટલાઇઝેશન ૫૧૫ લાખ કરોડ રૂપિયા હતું એ ઘટીને ૫૧૦ લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. આમ થોડા કલાકોમાં રોકાણકારોના પાંચ લાખ કરોડ રૂપિયા સ્વાહા થયા હતા. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ શરૂઆતમાં પ્રથમ વખત ઐતિહાસિક ૬૫,૦૦૦ના સ્તરને પાર કરી ૬૫,૧૯૩ની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો હતો, પણ બપોરે એ ગગડીને ૬૩,૧૬૧ પર આવી ગયો હતો.



૪ અઠવાડિયાંની રૅલી બાદ પ્રૉફિટ-બુકિંગ


આ ઘટાડા પાછળનું એક મુખ્ય કારણ પ્રૉફિટ-બુકિંગ છે. સતત ૪ અઠવાડિયાં સુધી શૅરબજાર વધ્યું હતું અને એને મજબૂત વિદેશી રોકાણકારોના પ્રવાહ, કૉર્પોરેટ કમાણીમાં સુધારો અને ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડાનો ટેકો મળ્યો હતો. નવેમ્બરમાં નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે ૧૧.૪ ટકા અને ૧૨.૨ ટકા વધ્યા હતા. તેજીના સૌથી મોટા લાભાર્થીઓમાં બૅન્કિંગ શૅરો હતા. નિફ્ટી બૅન્ક અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ પાછલાં ૪ અઠવાડિયાંમાં લગભગ ૧૯ ટકા વધ્યા હતા.

ગ્લોબલ સેલ-ઑફ


વૉલસ્ટ્રીટ પર ટેકનૉલૉજી આધારિત વેચવાલી અને એશિયન બજારોમાં સતત નબળાઈના કારણે પણ સ્થાનિક શૅરબજાર પર અસર પડી હતી. નૅસ્ડૅક કમ્પોઝિટ ૫.૨૮ ટકા ઘટ્યો, જ્યારે S&P 500 ૩.૭૦ ટકા ઘટ્યો. ડો જોન્સ ઇન્ડસ્ટ્રિયલ ઍવરેજ પણ ૧.૯૩ ટકા ઘટ્યો હતો.

ઇન્ડિયા VIXમાં વધારાથી અસ્થિરતાનો સંકેત

ભારતીય શૅરબજારમાં અપેક્ષિત અસ્થિરતાને માપવા માટે વપરાતા ઇન્ડિયા VIXમાં દિવસ દરમ્યાન તીવ્ર ઊલટફેર જોવા મળ્યો અને એ ઊંચા સ્તરે રહ્યો હતો. ગઈ કાલે ઇન્ડિયા VIX ૧૮.૦૨ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જે એના અગાઉના બંધ ભાવથી ૪.૦૫ ટકા વધુ હતો. આ વધારો બજારમાં વધતી અનિશ્ચિતતા દર્શાવે છે.

મેટલ શૅરોમાં ધબડકો, તાતા સ્ટીલ લગભગ ૮ ટકા તૂટ્યો

બજારમાં મેટલ શૅરોનું પ્રદર્શન સૌથી નબળું રહ્યું હતું, જેમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૩.૧૧ ટકા ઘટીને ૧૧,૮૮૯ પર આવી ગયો હતો. સેન્સેક્સ પર સૌથી વધુ નુકસાન ભોગવનારા શૅરોમાં તાતા સ્ટીલનો સમાવેશ થાય છે, જે ૯ ટકા ઘટીને ૧૬૩.૬૦ રૂપિયા પર પહોંચ્યો હતો. તાતા સ્ટીલે આશરે ૧૫,૫૧૧ કરોડ રૂપિયામાં એપીએલ અપોલો ટ્યુબ્સમાં ૨૬.૩૮ ટકા હિસ્સો ખરીદવા અને વધુ ૨૬ ટકા હિસ્સા માટે ઓપન ઑફર લાવવા માટે સંમતિ દર્શાવી છે. આ ઉપરાંત કંપની એના સ્ટીલ ટ્યુબ્સ અને કલર-કોટેડ બિઝનેસને ૨૮,૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્યમાં એપીએલ અપોલોને હસ્તાંતરિત કરશે. આ સોદાની જાહેરાત બાદ તાતા સ્ટીલના શૅરમાં દબાણ જોવા મળ્યું હતું. એપીએલ અપોલોના શૅરમાં પણ લગભગ ૧૫થી ૨૦ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો.

બૅન્કિંગ અને નાણાકીય શેરોમાં ભારે વેચવાલી

સોમવારે સ્થાનિક બજારમાં બૅન્કિંગ અને નાણાકીય શૅરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી PSU બૅન્ક ઇન્ડેક્સમાં ૨.૪૩ ટકાનો ઘટાડો થયો, જ્યારે નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૨.૧૪ ટકા ઘટ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં ૧.૬૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. HDFC બૅન્કમાં ૨.૨૨ ટકા, એક્સિસ બૅન્કમાં ૨.૮૩ ટકા, ICICI બૅન્કમાં ૨.૦૧ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ૧.૯૮ ટકા અને કોટક મહિન્દ્રા બૅન્કમાં ૧.૮૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સનું એના રેકૉર્ડ ઉચ્ચ સ્તર ૬૫,૧૯૩થી ઘટીને ૬૩,૧૬૧ પર આવવું એ બૅન્કિંગ ક્ષેત્રમાં જોવા મળેલા ભારે વેચવાલીના દબાણને દર્શાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK