તાજેતરમાં સુરજ ચંદે મલેશિયામાં યોજાયેલી એશિયન મિક્સ્ડ ડબલ્સ સ્ક્વૉશ ચેમ્પિયનશિપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાહુલ ભાટિયા સાથેની તેમની જોડીએ ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર કરી હતી.
સોમૈયા યુનિવર્સિટીના વિદ્યાર્થી સુરજ ચંદને મળ્યું એશિયન ગેમ્સ 2026માં સ્થાન, ભારતના ટોચના સ્ક્વોશ ખેલાડીઓમાં સ્થાન
મુંબઈની સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી અને દેશના નંબર-5 ક્રમાંકિત સ્ક્વૉશ ખેલાડી સુરજ ચંદની પસંદગી 2026 એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં થઈ છે. જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાનારી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સુરજ મિક્સ્ડ ડબલ્સ સ્ક્વૉશ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ચેન્નઈમાં યોજાયેલી નેશનલ સિલેક્શન ટ્રાયલ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ તેણે આ સ્થાન મેળવ્યું છે.
હાલમાં ડૉ. શાંતિભાઈ કે. સોમૈયા સ્કૂલ ઑફ કૉમર્સ ઍન્ડ બિઝનેસ સ્ટડીઝમાં અભ્યાસ કરતા સુરજ ચંદ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય સ્ક્વૉશમાં ઝડપથી પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. હાલમાં તેઓ પ્રૉફેશનલ સ્ક્વૉશ એસોસિયેશન (PSA)ની વિશ્વ રેન્કિંગમાં 126મા ક્રમે છે અને દેશના ટોચના ખેલાડીઓમાં તેમનું નામ ગણાય છે.
ADVERTISEMENT
મલેશિયામાં પણ કર્યું હતું ભારતનું પ્રતિનિધિત્વ
તાજેતરમાં સુરજ ચંદે મલેશિયામાં યોજાયેલી એશિયન મિક્સ્ડ ડબલ્સ સ્ક્વૉશ ચેમ્પિયનશિપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાહુલ ભાટિયા સાથેની તેમની જોડીએ ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર કરી હતી. આ પ્રદર્શનને કારણે એશિયન ગેમ્સ માટે તેમની દાવેદારી વધુ મજબૂત બની હતી.
આ વર્ષે જીત્યા ચાર PSA ટાઇટલ
સુરજ માટે વર્ષ 2026 અત્યાર સુધી ખૂબ સફળ રહ્યું છે. ચેન્નઈમાં યોજાયેલી HCL PSA ઇન્ડિયન ટૂરમાં તેમણે એક પણ ગેમ ગુમાવ્યા વગર ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ તેમની કારકિર્દીનું ચોથું PSA ચેલેન્જર ટૂર ટાઇટલ હતું. આ ઉપરાંત વર્ષ 2024માં FISU વર્લ્ડ યુનિવર્સિટી સ્ક્વૉશ ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ વખત બ્રૉન્ઝ મેડલ અપાવનારી ટીમનો પણ તે સભ્ય હતો. છેલ્લા કેટલાક વર્ષોથી તે સતત આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
એશિયન ગેમ્સમાં રમવું મારા માટે ગર્વની વાત
પસંદગી બાદ સુરજ ચંદે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. અહીં સુધી પહોંચવા માટે વર્ષો સુધી સતત મહેનત, તાલીમ અને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. મારા કોચ, સોમૈયા સ્પોર્ટ્સ એકેડમી અને દરેક વ્યક્તિનો હું આભાર માનું છું જેમણે આ સફરમાં મારો સાથ આપ્યો." તેણે વધુમાં કહ્યું કે હવે તેનું સંપૂર્ણ ધ્યાન એશિયન ગેમ્સમાં દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે.
સોમૈયા સ્પોર્ટ્સ એકેડમીની મહેનતને મળ્યું ફળ
છેલ્લા ચાર વર્ષથી સુરજ ચંદ સોમૈયા સ્પોર્ટ્સ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે. અહીં તેને આંતરરાષ્ટ્રીય સ્તરની કોચિંગ, સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ, પરફોર્મન્સ એનાલિસિસ અને સ્પર્ધા માટેનું વૈજ્ઞાનિક આયોજન જેવી સુવિધાઓ મળી રહી છે. ખાસ વાત એ છે કે એશિયન ગેમ્સ માટે યોજાયેલી નેશનલ સિલેક્શન ટ્રાયલ્સમાં સોમૈયા સ્પોર્ટ્સ એકેડમીના ત્રણ ખેલાડીઓને તક મળી હતી. સુરજ ચંદ ઉપરાંત ઓમ સેમવાલ અને નિરુપમા દુબે પણ ટ્રાયલ્સનો ભાગ બન્યાં હતાં. ત્રણેય ખેલાડીઓ ઑલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં અનેક ગોલ્ડ મેડલ જીતી ચૂક્યાં છે.
રમતગમત અને શિક્ષણને સાથે આગળ વધારતી યુનિવર્સિટી
સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટી લાંબા સમયથી રમતગમત અને શિક્ષણ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકે છે. યુનિવર્સિટીએ ખેલાડીઓ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુભવી કોચ અને લાંબા ગાળાના તાલીમ કાર્યક્રમો વિકસાવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક મળી રહી છે. યુનિવર્સિટીના ચાન્સેલર સમીર સોમૈયાએ જણાવ્યું કે રમતગમત વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમવર્ક અને નેતૃત્વ જેવા ગુણો વિકસાવે છે. સુરજ ચંદની સિદ્ધિ આખી યુનિવર્સિટી માટે ગર્વની વાત છે અને તે યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે.
ઉલ્લેખનીય છે કે આગામી 3થી 9 ઑગસ્ટ, 2026 દરમિયાન સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટી મુંબઈના એકલવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે FISU વર્લ્ડ યુનિવર્સિટી સ્ક્વૉશ ચેમ્પિયનશિપ 2026નું યજમાનપદ પણ સંભાળશે. વિશ્વભરની યુનિવર્સિટીના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે, ત્યારે સુરજ ચંદની એશિયન ગેમ્સ માટેની પસંદગી યુનિવર્સિટીની રમતગમત ક્ષેત્રે વધતી પ્રતિષ્ઠાનો વધુ એક મહત્વપૂર્ણ પુરાવો બની છે.
