Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પપ્પાની મહેનતની કમાણી શૅરમાર્કેટમાં ડુબાડી

પપ્પાની મહેનતની કમાણી શૅરમાર્કેટમાં ડુબાડી

Published : 12 July, 2026 07:53 AM | Modified : 12 July, 2026 08:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ તપાસમાં પોતે પકડાઈ જશે એવા ડરથી ચિઠ્ઠી લખીને ઘરેથી જતા રહેલા મુલુંડના ટીનેજરને સુરત રેલવે-સ્ટેશન પરથી ઉગારી લેવાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુલુંડ-વેસ્ટમાં રહેતો અને વિદ્યાવિહારની એક જાણીતી કૉલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો ૧૯ વર્ષનો ટીનેજર ગયા બુધવારે સવારે અચાનક ગુમ થઈ ગયો હતો. આ ઘટના બાદ ચિંતિત પરિવારે સોશ્યલ મીડિયા પર તેની તસવીર વાઇરલ કરીને મુલુંડ પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસ ગુરુવારે ટીનેજરને સુરતથી શોધી કાઢીને પાછો મુંબઈ લાવી હતી. જોકે ટીનેજરનું ઘર છોડી દેવાનું કારણ અત્યંત ચોંકાવનારું સામે આવ્યું છે. એની શરૂઆત મંગળવારે થઈ હતી જ્યારે ટીનેજરના ૪૯ વર્ષના પપ્પાએ ઈસ્ટર્ન સબર્બ્સના સાઇબર સેલમાં પોતાના ડીમૅટ અકાઉન્ટમાંથી ૧૭,૪૦,૬૭૦ રૂપિયાની સાઇબર છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ટીનેજરના પપ્પા સાથે કોઈ સાઇબર છેતરપિંડી થઈ નહોતી. આ તમામ પૈસા જવા પાછળ ખુદ ટીનેજરનો જ હાથ હોવાથી પપ્પા શું કહેશે તેમ જ પપ્પાની જિંદગીભરની મૂડી ગુમાવી દેવાના ડરે અને પોલીસતપાસમાં તમામ ચીજો સામે આવી જશે એવા ભયથી તે ઘર છોડીને નાસી ગયો હોવાની માહિતી પોલીસે આપી છે.

બૅલૅન્સ માઇનસ થઈ ગયું



ઈસ્ટર્ન સબર્બ્સ સાઇબર સેલના
પોલીસ-ઇન્સ્પેક્ટર બાળાસાહેબ નિકુંભે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ફરિયાદી છેલ્લાં ૭ વર્ષથી શૅરબજારમાં રોકાણ કરે છે. બીજી જુલાઈથી ૬ જુલાઈ વચ્ચે તેમનું ડીમૅટ અકાઉન્ટ ઓપન ન થતાં તેમણે કસ્ટમર કૅરમાં ફોન કરીને પાસવર્ડ રીસેટ કર્યો હતો. અકાઉન્ટ ચેક કરતાં માલૂમ પડ્યું કે તેમનું બૅલૅન્સ ઘટીને માઇનસ ૧.૩૮ લાખ રૂપિયા થઈ ગયું હતું. કંપનીના જણાવ્યા અનુસાર ૩ જુલાઈએ તેમના અકાઉન્ટમાંથી આઇફોન દ્વારા કુલ ૫૫૦ વખત શૅરનું લે-વેચ (ટ્રેડિંગ) કરવામાં આવ્યું હતું અને મોબાઇલ-નંબર બદલવાની રિક્વેસ્ટ પણ નાખવામાં આવી હતી. આથી ફરિયાદીને એમ લાગ્યું હતું કે કોઈ સાઇબર ગઠિયાએ તેમનો ફોન કે ઈ-મેઇલ હૅક કરીને આ છેતરપિંડી કરી છે. એટલે એની ફરિયાદ અમારી પાસે મંગળવારે નોંધાવવામાં આવી હતી.’


ગુજરાત જતી ટ્રેન પકડી

મુલુંડ પોલીસ-સ્ટેશનના મિસિંગ કેસના અધિકારી જલિન્દ્રનાથ દરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સવારે ટીનેજર ઘરમાં ચિઠ્ઠી મૂકીને ગયો હોવાની માહિતી મળ્યા બાદ અમે તાત્કાલિક ટેક્નિકલ તપાસ અને આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કર્યાં હતાં. એમાં તે રેલવે-સ્ટેશન તરફ જતો જોવા મળ્યો હતો એટલે અમે મુલુંડ રેલવે-સ્ટેશનના CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કર્યાં હતાં જેમાં તેણે CSMTની ટ્રેન પકડી હોવાની માહિતી મળતી હતી. આગળનાં ફુટેજમાં તે દાદર ઊતરીને ત્યાંથી બાંદરા ગયો હતો અને ત્યાંથી તેણે ગુજરાત જતી ટ્રેન પકડી હોવાની ચોક્કસ માહિતી મળતાં જ અમે તરત સુરત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને જાણ કરી હતી. સુરત રેલવે-સ્ટેશન પર ટ્રેન આવતાં જ RPFની મદદથી ટીનેજરને સુરક્ષિત રીતે તાબામાં લઈ લેવાયો હતો અને બાદમાં તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.’


કેમ ઘર છોડ્યું?

મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે ટીનેજરના પપ્પાએ સાઇબર છેતરપિંડીની ફરિયાદ સાઇબર સેલમાં નોંધાવી હતી જેની માહિતી ટીનેજરને મળી હતી. તે એ પણ જાણતો હતો કે સાઇબર સેલના અધિકારીઓ કયા મોબાઇલ પરથી ડીમૅટ અકાઉન્ટ ઑપરેટ કરવામાં આવ્યું છે એની માહિતી ટૂંક સમયમાં કાઢી લેશે એટલે તેણે ગભરાઈને તેમ જ પપ્પાની જીવનભરની મૂડી ગુમાવી દીધી હોવાના પસ્તાવાને કારણે ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો અને ઘરમાં એક ચિઠ્ઠી મૂકી હતી જેમાં તેણે અમુક પૈસા ગુમાવ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો.’

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK