દોઢ વર્ષની ઉંમરે ઇન્જેક્શનની આડઅસરને કારણે પગની કાર્યક્ષમતા ગુમાવી દીધી હતી, કોરોનાકાળમાં પિતાના ખેતરમાં કરી હતી તીરંદાજીની પ્રૅક્ટિસ
હરવિન્દર સિંહ
હરિયાણાના ૩૩ વર્ષના તીરંદાજ હરવિન્દર સિંહે પૅરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચ્યો છે. પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન ઇવેન્ટની ફાઇનલમાં પોલૅન્ડના દિવ્યાંગ ખેલાડીને ૬-૦થી હરાવીને તેણે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પૅરાલિમ્પિક્સમાં તે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ અપાવનાર પહેલો તીરંદાજ બન્યો છે. ઑલિમ્પિક્સમાં પણ કોઈ ભારતીય તીરંદાજ આ કમાલ નથી કરી શક્યો. ટોક્યોમાં બ્રૉન્ઝ જીતનાર હરવિન્દર સિંહે પૅરાલિમ્પિક્સમાં દેશનો પહેલો તીરંદાજી ગોલ્ડ મેડલ પણ અપાવ્યો છે.
ઓપન કૅટેગરીમાં તીરંદાજોના પગમાં અક્ષમતા હોય છે, તેઓ વ્હીલચૅર કે સ્ટૂલનો ઉપયોગ કરીને રમી શકે છે. ખેડૂત પરિવારમાં જન્મેલા હરવિન્દર સિંહને માત્ર દોઢ વર્ષની ઉંમરે ડેન્ગી થયો હતો. તેને સારવાર માટે ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં, પરંતુ આ ઇન્જેક્શનની આડઅસરથી તેણે તેના પગની કાર્યક્ષમતા ગુમાવી દીધી હતી. તેણે ૨૦૧૨ની લંડન પૅરાલિમ્પિક્સ પછી તીરંદાજીનો જુસ્સો કેળવ્યો અને આજે તે સમગ્ર વિશ્વમાં દેશને ગૌરવ અપાવી રહ્યો છે.
ADVERTISEMENT
હરવિન્દર ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે ૨૦૧૮ની એશિયન પૅરા-ગેમ્સમાં વ્યક્તિગત કૅટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો. તે ૨૦૨૨ની એશિયન પૅરા-ગેમ્સમાં બ્રૉન્ઝ જીતવામાં પણ સફળ રહ્યો છે. ૨૦૨૧માં તેને ભારત સરકાર તરફથી અર્જુન અવૉર્ડ મળ્યો છે. ૨૦૨૨માં તેને ભીમ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો, જે હરિયાણા સરકાર દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ રમત સન્માન છે.